10-9-1959

સેવક બંકિમચંદ્રનું પુસ્તક ‘કૃષ્ણચરિત્ર’વાંચતા હતા. કોઈ એક પ્રસંગે પ્રેમેશ મહારાજે બંકિમચંદ્રના ‘બાબૂ’પ્રબંધ વાંચવા કહ્યું.

મહારાજ – જુઓ છો ને, કેવી સમીક્ષા અને નિરીક્ષણ કરવાની શક્તિ છે! એટલા મોટા પ્રતિભાશાળી વ્યક્તિ આપણા લોકોમાં વધારે નથી. આ પુસ્તકમાં એમણે બધા વિષયો પર ચર્ચા કરી છે. એમનાં પુસ્તકો વાંચવાથી સ્વામીજીની ઘણી વાતો સમજવી સરળ બની જાય છે.

એક સજ્જન વિદેશથી મહારાજના ઉપયોગમાં આવે એવી  એક વિશેષ લાકડી લાવ્યા હતા. જોવામાં તો એ ઘણી સુંદર છે. તેમણે મહારાજને કહ્યું – મહારાજ, આ લાકડી આપના માટે લઈ આવ્યો છું. કૃપા કરીને એે  સ્વીકારો.

મહારાજે લાકડીને હાથમાં લઈને કૌતુકતાભરી દૃષ્ટિએ કહ્યું – આ લાકડી તમે મારા માટે લાવ્યા છો ને?

એ સજ્જને કહ્યું- હા મહારાજ, આપને માટે જ લાવ્યો છું.

મહારાજ – જો હું આપણી નજર સામે જ આ લાકડીને તોડી નાખું તો?

પેલા સજ્જને ચોંકીને કહ્યું – અરે! શું આટલી સુંદર લાકડીને તમે તોડી નાખશો?

મહારાજ – આપે જોયું ને, આપે આ લાકડી મને આપી નથી. અને જો ખરેખર એ તમે મને આપી હોત, તો હું એ વસ્તુ સાથે ગમે તે કરું, એ વિશે આપ વિચાર ન કરત – હું આપની વસ્તુને તોડી શકું કે નહિ?

11-9-1959

સેવક – સ્વામીજીએ હિમાલયમાં જઈને કહ્યું- અહીં આવવાથી મન અંતર્મુખી બને છે. એનાથી એટલું સમજાય છે કે સ્વામીજી સંસારથી કેટલા વિરક્ત-અનાસક્ત હતા.

મહારાજ – વિરક્તનો અર્થ શો છે? આપણે લોકો જે અર્થમાં એનો ઉપયોગ કરીએ છીએ, તેવો અર્થ અહીં નથી. કહી શકાય કે તેઓ આસક્ત ન હતા. શું એમને જગતની કોઈપણ વસ્તુમાં આસક્તિ હતી કે જેથી એમને વૈરાગ્યનો અભ્યાસ કરવો પડે?

12-9-1959

પ્રશ્ન – આજકાલ સંઘમાં સામેલ થવા માટે અને યોગદાન દેવા આટલા નિયમો છે. પરંતુ પહેલાંના મહારાજજીઓ આવું કરતા ન હતા?

મહારાજ – જુઓ, એ સમયે મહારાજ લોકો ઘણા લોકોને સંન્યાસી બનાવતા હતા. તેઓ અધિકારી પુરુષ હતા.

કેટલાક વિચારે છે કે જે લોકો ધ્યાન કરતા નથી, એમની મુક્તિ થશે નહિ. એવું બની શકે કે કેટલાક દિવસભર કાર્ય કરતા રહે અને વળી કેટલાક ધ્યાન અને પાઠ કરતા રહે છે. પરંતુ એવું જોવામાં આવ્યું છે કે જે ‘દિવસભર કાર્ય કરતો હતો,’ તેણે મૃત્યુ સમયે ‘જય શ્રીરામકૃષ્ણ’ બોલીને શરીરનો ત્યાગ કર્યો. અર્થાત્ તે જે કાર્યમાં ડૂબેલો હતો તેને લીધે તે એ જાણતો હતો કે હું ધ્યાન કરી શકતો નથી, પરંતુ તેને દૃઢ શ્રદ્ધા હતી કે ‘હું શ્રીઠાકુરનું જ કામ કરી રહ્યો છું.’ તમે શ્રીરામકૃષ્ણ કથામૃતમાં વાંચો છો ને! – કે શ્રીઠાકુરજી મન જુએ છે.

સેવક – રામકૃષ્ણ મિશનના કાર્યમાં અત્યારે જે આટલો રજોગુણ આવ્યો છે, શું એનાથી કોઈ ક્ષતિ થશે?

મહારાજ – એનાથી ગૃહસ્થો પર ઉપકાર જ થાય છે. જેટલાં ભવન બનશે, જેટલાં રાજસી કાર્ય થશે, એટલા જ પ્રમાણમાં અત્યારે દેશનું કલ્યાણ થશે. પરંતુ સંન્યાસીનું જીવન ભિન્ન છે. થોડા દિવસ કાર્ય કર્યા પછી સંપૂર્ણ રીતે અલગ ઊભા રહીને એ જોવું પડે કે કયાં સુધી મારી જાતને  મેં કાર્યમાં લિપ્ત કરી લીધી છે? મન કઈ કઈ વસ્તુઓમાં જઈને નાચે છે? શા માટે મન શ્રીરામકૃષ્ણને ચાહતું નથી? તે કેવી વસ્તુઓ ચાહે છે? શા માટે એ મન-હૃદયની ભીતર ન જઈને બાહ્ય રૂપ, રસ, શબ્દ, ગંધ અને સ્પર્શને ચાહે છે? જ્યારે પણ એવું જુઓ કે મન સ્થિર નથી, ત્યારે સમજજો કે મન ઉત્તેજિત થયું છે – એવું બની શકે કે કામથી, નહીં તો ક્રોધથી કે લોભથી કે ઈર્ષાથી – ઉત્તેજિત થયું હોય. મનને શાંત રાખવાની કોશિશ કરવાનો અભ્યાસ જ ધ્યાન છે. અર્થાત્ આખો દિવસ કાર્યોની વચ્ચે થોડીવાર સુધી એક એવી વસ્તુનું ચિંતન કરીશ કે જે પ્રશાંત કરશે અર્થાત્ તે મારા ઉદ્દેશ્યની યાદ અપાવી દેશે.

સાચી વાત છે સ્વાભાવિક બનવું. ચાલવું, ખાવું એ બધાં કાર્યોમાં સ્વસ્થ રહેવું. જુઓને, કોઈ વધારે તીખું ખાય છે, કોઈ વળી ખબ-ખબ કરતા ચાલે છે, એટલે સમજવું કે ચોક્કસ એનું કોઈ ને કોઈ કારણ છે.

જે લોકો રજોગુણી હોય છે, તેઓ માન-યશ માટે પોતાનો પ્રચાર કરવા ઇચ્છે છે. જુઓ હું સાચી વાત કહું છું. તમારી ખામીઓ બતાવી દઉં છું. પરંતુ હું કોઈની ઘૃણા કરતો નથી. મારી પાસે બોલાવું છું, બેસાડું છું તેમજ સુખ-દુ:ખની વાતો કહું છું.

લોકો જે તમારી થોડી ઘણી પ્રશંસા કરે તેને સાવધાનીથી સાંભળજો. કારણ કે આ સંસારમાં તમારા માટે કંઈપણ ગ્રહણ કરવા જેવું નથી, સર્વકંઈ ત્યાજ્ય છે. જો ક્યારેય કોઈ વ્યક્તિ તમને મહાપુરુષ કહી દે તો સાવધાન બની જજો.

જો તમને કાર્ય કરવાનો નશો હોય, તો હિમાલયમાં જઈને પણ તમને શાંતિ નહિ મળે. ત્યાં જઈને પણ તમે ઘર-મકાન બનાવીને ઝમેલો જમાવશો. કાર્યનો નશો આવો હોય છે.

22-9-1959

સેવક – મહારાજ, આપના સમયમાં અને વર્તમાન સમયમાં તમને કેટલું અંતર દેખાય છે?

મહારાજ – જુઓ, તમારે ઘણી સુવિધાઓ છે. દેશ સ્વાધીન થયો છે, ચારે તરફ ભણતર, ગણતર-શિક્ષણના ક્ષેત્રમાં ઉન્નતિ સાધવાની ઇચ્છા થાય છે. અનુકૂળ પરિવેશ છે. મારે શિક્ષણ મેળવવામાં કેટલી મુશ્કેલી સહન કરવી પડી હતી!

સેવક – મહારાજ, શું જ્યોતિષશાસ્ત્રની ચર્ચા કરવી આપણા માટે ઉચિત છે?

મહારાજ – જુઓ, એક દિવસ પછી આપણા લોકોનું શું થશે, એ કોઈ કહી શકતું નથી. વળી આપણે લોકો આ બુદ્ધિને લીધે ડીંગ હાંકીએ છીએ. સંન્યાસી માટે જ્યોતિષશાસ્ત્ર વગેરે નિષેધ છે, કારણ કે એ બધાંમાં એક રજ જેટલું જ સત્ય હોય છે. આ વિશે એક વાર્તા છે- એક યોગીએ કહ્યું કે અમુક દિવસે રાજાનું મૃત્યુ થશે. ત્યાર પછી મંત્રીએ યોગી પાસેથી પ્રતિપ્રશ્ન કરીને જાણી લીધું કે યોગીનું પોતાનું મૃત્યુ વીસ વર્ષ પછી થશે. પરંતુ મંત્રીએ તેનું ગળું કાપીને બતાવી દીધું કે એ ગણના ખોટી છે.                                                               (ક્રમશ:)

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.