જીવમાત્રનાં અશેષ પાપનું હરણ કરી વિશુદ્ધ બનાવવાના ગંગાજળના પાવનકારી ગુણ વિશે શ્રીરામકૃષ્ણદેવને અત્યાધિક શ્રદ્ધા-વિશ્વાસ હતાં. તે ગંગાજળને બ્રહ્મદ્રવ જ ગણતા. તેમને મન ગંગાવારિ બ્રહ્મવારિ હતું. પોતાના શિષ્યોના મનમાં ક્યારેય અશુભ વિચાર ઉદ્ભવે ત્યારે તેઓ ગંગાજળનું આચમન કરી લેવાનો ઉપદેશ આપતા.

ગૌ, ગંગા, ગાયત્રી, ગીતા અને ગોવિંદ – આ પાંચ સનાતન આર્યધર્મના મૂળ આધારો છે.

આપણી સનાતન સંસ્કૃતિમાં જે પાવનકારી નદીઓનું દેહની અંતર્બાહ્ય શુદ્ધિ અર્થે આવાહન કરવામાં આવે છે તેમાં ગંગાનું સ્થાન સર્વોપરી છે, જેમ કે –

गंगे च यमुने चैव गोदावरि सरस्वती ।

नर्मदे सिन्धुकावेरि जलेऽस्मिन् सन्निधिं कुरु ॥

ગંગાજીનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે, ખરેખર તો તે અપાર છે. તેથી જ તો દેશનાં ઘણાં બધાં તીર્થો, ધામો, નદીઓ, સરોવરો, કુંડો વગેરેને ગંગાજીના નામ સાથે જોડવામાં આવ્યાં છે. ગંગાથી ભિન્ન નદીઓને અતિ પાવનકારી ગણવાના ઉદ્દેશથી તે નદીના નામની પાછળ ‘ગંગા’ એવું નામ જોડવામાં આવે છે, જેમ કે રામગંગા, કૃષ્ણગંગા, ગોદાવરીગંગા.

વિભિન્ન પુરાણોમાં ગંગાનાં સ્મરણ, દર્શન, સ્પર્શ, તટનિવાસ, સેવન, પ્રણામ, તર્પણ, સ્નાન, શરણગ્રહણ, મૃત્તિકાધારણ, દેહત્યાગ, અસ્થિપાત, પુરશ્ર્ચરણ, તટ પર ધ્યાન-જપ-હોમાદિનો અતીવ મહિમા ગવાયો છે.

એટલે જ તો ગીતામાં ભગવાને ગંગાનદીને પોતાની વિભૂતિ ગણાવી છે – स्रोतसामस्मि जाह्नवी (10.39) – ‘નદીઓમાં હું ગંગા છું.’ આ છે ગંગાની મહત્તા. પુરાણોના મત મુજબ ગંગા માત્ર નદી નથી, તે તો છે પુણ્યસલિલા, પતિતપાવની, કલિકલુષહારિણી દેવ-વિભૂતિ.

ગંગાનાં અનેકાનેક નામ છે, જેવાં કે – વિષ્ણુપદી, સુરસરિ, દેવગંગા, જાહ્નવી, હરિનદી, ત્રિપથગા, મંદાકિની. ગંગાનદીનો વૈદિક સાહિત્યમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પુરાણો તો ગંગાનદીનો મહિમા ગાતાં થાકતાં નથી : દૃષ્ટાંતરૂપે –

न गंगासदृशं तीर्थं – ગંગા સમાન તીર્થ નથી. (મહાભારત)  पुण्यं… गंगा कलियुगे स्मृता -કળિયુગમાં ગંગા પુણ્યજનક છે. (સ્કંદપુરાણ)

सर्वतीर्थमयी गंगा – ગંગા સર્વતીર્થસ્વરૂપ છે. (નૃસિંહપુરાણ)

औषधं जाह्नवीतोयं – ગંગાજલ ઔષધરૂપ છે.

આચાર્ય શંકર રચિત ગંગાષ્ટકમ્માં ગંગાનું યશગાન છે. વળી તેઓ ચર્પટમંજરિકા-5માં કહે છે – गंगाजल लवकणिका पीता – ગંગાજલનું અલ્પ આચમન કરીએ તો યમરાજનો વળી શાનો ભય ? તેની યમરાજાના દરબારમાં શું ચર્ચા થઈ શકે છે ?

ગંગાતટે ગંગોત્રી, દેવપ્રયાગ ઇત્યાદિ પંચપ્રયાગ, હૃષીકેશ, હરિદ્વાર, કનખલ, શુકતાલ, ગઢમુક્તેશ્ર્વર, શ્રૃંગવેરપુર, પ્રયાગ, કાશી, દક્ષિણેશ્ર્વર, બેલુર મઠ, ગંગાસાગર ઇત્યાદિ અગણિત પુણ્યકારી તીર્થસ્થળો આવેલાં છે.

ગંગાને ‘બ્રહ્મવારિ’ કહેવા પાછળ ગંગાના ઉદ્ગમની પૌરાણિક કથા છે : સૃષ્ટિના પ્રારંભકાળે ઉત્પન્ન થયેલ જળરાશિને બ્રહ્માજીએ પોતાના કમંડલુમાં સંગ્રહિત કર્યો અને કાલાન્તરમાં શ્રીહરિના ત્રિવિક્રમાવતાર – વામનાવતાર સમયે ભગવાન વામનનાં શ્રીચરણનું તે કમંડલુ-જળથી પ્રક્ષાલન કર્યું. આ પ્રક્ષાલન-જળ સ્વર્ગમાંથી હેમકૂટ પર્વત પર અવતીર્ણ થયું, જેને ભગવાન શંકરે પોતાની જટામાં ધારણ કર્યા બાદ રાજા ભગીરથની તપસ્યાથી તુષ્ટ થઈ પૃથ્વી પર પ્રવાહિત કર્યું.

સંત તુલસીદાસે ગંગાને સ્વર્ગસોપાન; વિજ્ઞાન-જ્ઞાન-પ્રદે; સુર-નર-મુનિ-નાગ-સિદ્ધ-સુજ્જન-મંગલ-કરનિ, દેખત-દુ:ખ-દોષ-દુરિત-દાહ-દરિત-હરનિ; મોહ-મહિષ-કાલિકા, પાપ-છાલિકા; ત્રય તાપહારિ, ગંગા સકલ મુદમંગલમૂલા; સબ સુખ કરનિ, હરનિ સબ સૂલા; દરસ પરસ મજ્જન અરુ પાના, હરઈ પાપ કહ વેદ પુરાના, એવાં અનેક બિરુદ આપ્યાં છે. તદ્ ઉપરાંત ધન્ય દેશ સો જર્હં સુરસરિ- તે દેશ ધન્ય છે જ્યાં ગંગા નદી આવેલી છે – એમ ગાઈને તુલસીદાસજીએ ગંગાજી પ્રત્યેનાં પોતાનાં ભાવ-પ્રેમ પ્રગટ કર્યાં છે.

ગંગાતટ નિવાસી સાધક તથા યાત્રાળુને માતા ગંગાનો અખંડિત જળપ્રવાહ જોઈને પરમાત્માના અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મરૂપની પ્રતીતિ થાય છે. ગંગાનો અવિરત જળપ્રવાહ તેની ધ્યાન-વૃત્તિની અવિરતતા અને સાધનાની અખંડતા દર્શાવે છે. ગંગાજળનો ધ્વનિ તેનામાં પરમાનંદ પ્રસ્ફુટિત કરે છે.

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી વગેરેના જીવનમાંના અનેક પ્રસંગો તેમના ગંગામૈયા પ્રતિના નિરંતર પ્રેમનું પ્રાગટ્ય કરે છે. તેઓ હંમેશાં ગંગાસ્નાન જ પસંદ કરતાં. સ્નાન સિવાય ગંગાજળનો અન્ય કોઈ કાર્ય માટે ન છૂટકે જ ઉપયોગ કરતાં. કામારપુકુરમાં ગંગાનદી ન હોવાથી શ્રીમા શારદાદેવીનું મન ચંચળ થઈ ઊઠતું. દક્ષિણેશ્ર્વર-નિવાસ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવ તથા શ્રીમા સ્નાન સિવાય અન્ય ઉદ્દેશ માટે હંસપુકુરના જળનો ઉપયોગ કરતાં. કામારપુકુરમાં એકવાર શ્રીમાએ ભાવ-સ્થિતિમાં જોયું કે શ્રીઠાકુરનાં ચરણોમાંથી જ ગંગાજી વહે છે. શ્રીમા કોલકાતા-નિવાસ દરમિયાન ગંગાતટ નજીકનું જ નિવાસસ્થાન પસંદ કરતાં જેથી કરીને ગંગા-સ્નાન થઈ શકે. શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્ર્વરના પોતાના ઓરડાની પશ્ચિમ બાજુની અર્ધગોળાકાર ઓસરીમાં ઊભા રહીને નિત્ય ગંગાદર્શન કરતા હતા. વળી ઓરડામાં પશ્ચિમ ખૂણે ગંગાજળ ભરેલી કોઠી રાખતા. કોઈ મુલાકાતીના સ્પર્શથી ચરણદાહ થાય ત્યારે ગંગાજળનો છંટકાવ કરી લેતા કે મુલાકાતી જે સ્થાને બેઠો હોય ત્યાં પણ ગંગાજળ છાંટી દેવડાવતા. બેલુરમઠમાં નિવાસકાળે સ્વામી વિવેકાનંદ પણ ગંગા સન્મુખે બેસીને દર્શન-ધ્યાન ઇત્યાદિ કરતા હતા.

શ્રીરામકૃષ્ણદેવને એક વખત પંચવટીમાં બેઠા હતા ત્યારે ગંગાપ્રવાહ પરથી રાજા ભગીરથ અને હાથમાં જળકુંભ લઈને બાલિકારૂપે ગંગામૈયા તેને અનુસરી રહ્યાં છે તેવાં ભાવસમાધિમાં દર્શન થયાં હતાં.

Total Views: 146
By Published On: May 1, 2017Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram