જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાર્થતા સુખપ્રાપ્તિમાં નથી, સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણ્યે અને અજાણ્યે માનવીમાત્ર અરે ! જીવમાત્ર સુખ શોધે છે અને સુખની શોધ દુ:ખપ્રાપ્તિમાં જ પરિણમે છે. કારણ કે સુખની ઇચ્છા જ દુ:ખનું કારણ છે. જીવન સમસ્યારૂપ બની જવાનું કારણ અહીં છે. સુખપ્રાપ્તિની દોડ અભાવગ્રંથિમાંથી શરૂ થાય છે. અભાવગ્રંથિ સ્વરૂપ ચ્યુતિનું પરિણામ છે. તેથી સ્વરૂપપ્રાપ્તિ વિના જીવનની યથાર્થ કૃતાર્થને પામી શકાય નહિ. સુખપ્રાપ્તિ દ્વારા સત્યપ્રાપ્તિનો પ્રયત્ન ખોટી દિશાનો પ્રયત્ન છે અને સ્વરૂપપ્રાપ્તિ-સત્યપ્રાપ્તિ દ્વારા આનંદપ્રાપ્તિ એ સાચી દિશાનો પ્રયત્ન છે. પ્રથમ દિશાનો પ્રયત્ન ભોગ છે, બીજી દિશાનો પ્રયત્ન અધ્યાત્મ છે.

માનવી શું ઇચ્છે છે ?

જીજિવિષાની વૃત્તિ દ્વારા માનવી અમરતા ઝંખે છે. જિજ્ઞાસાવૃત્તિ દ્વારા માનવી પૂર્ણ જ્ઞાન ઇચ્છે છે. આધિપત્યની વૃત્તિ દ્વારા માનવી પૂર્ણ શક્તિ અને પૂર્ણ સ્વતંત્રતા ઇચ્છે છે. જાતીયવૃત્તિ દ્વારા માનવી પૂર્ણ પ્રેમ અને પૂર્ણ આનંદ શોધે છે.

અમરત્વની ખોજ સત્પ્રાપ્તિની ઝંખના છે.

જ્ઞાન, શક્તિ અને સ્વતંત્રતાની ખોજ ચિત્પ્રાપ્તિની ઝંખના છે.

પ્રેમ અને આનંદની ખોજ આનંદપ્રાપ્તિની ઝંખના છે.

ત્યારે માનવીની મૂળભૂત ઝંખના છે- સચ્ચિદાનંદ-પ્રાપ્તિની ઝંખના. આપણે જાગૃતિથી જોઈએ તો જણાશે કે આપણી બધી વૃત્તિ અને પ્રવૃત્તિ દ્વારા મૂલત: તો આપણે સચ્ચિદાનંદને જ પામવાનો પ્રયત્ન કરીએ છીએ.

સચ્ચિદાનંદ વ્યક્તિનું મૂળ સ્વરૂપ છે. સચ્ચિદાનંદની પ્રાપ્તિમાં તેની બધી ખોજની પરિપૂર્ણતા છે. અભાવગ્રંથિનું પૂર્ણવિસર્જન સચ્ચિદાનંદની પ્રાપ્તિ દ્વારા જ શક્ય બને છે. સચ્ચિદાનંદની પ્રાપ્તિ જ વ્યક્તિને અમરત્વ, પૂર્ણજ્ઞાન, પૂર્ણશક્તિ, પૂર્ણસ્વતંત્રતા, પૂર્ણપ્રેમ અને પૂર્ણઆનંદ આપે છે, જે ભ્રામક અને ક્ષણિક નહિ પણ યથાર્થ અને શાશ્ર્વત છે અને તેની પ્રાપ્તિમાં જ વ્યક્તિના જીવનની કૃતાર્થતા છે.

સચ્ચિદાનંદની પ્રાપ્તિ માટેનો જે સાધનપથ તે જ અધ્યાત્મપથ છે.

અધ્યાત્મ = અધિ + આત્મ. અધિ એટલે તરફ. આત્મા તરફ વળવું તે જ અધ્યાત્મ છે.

અહીં ‘આત્મા’ શબ્દનો ઉપયોગ થયો હોવાથી કોઈ એમ ન સમજે કે અધ્યાત્મપથ દ્વારા માત્ર જ્ઞાનમાર્ગ સૂચિત થાય છે.

ભક્તની ભગવત્પ્રાપ્તિ, આત્માર્થીની આત્મપ્રાપ્તિ, જ્ઞાનીની અદ્વૈતસિદ્ધિ-બ્રહ્મપ્રાપ્તિ, યોગીનું કૈવલ્ય- આ બધાં અધ્યાત્મનાં જ સ્વરૂપો છે અને આમાંના કોઈ પણ ઉપાયથી વ્યક્તિ તત્ત્વત: તો પોતાના સ્વરૂપને જ પામે છે.

સરળ ભાષામાં કહીએ તો અધ્યાત્મ એટલે પોતાના મૂળ ઠેકાણે- સ્વસ્થાને પાછા ફરવું. યાત્રાએ નીકળેલો યાત્રી જ્યાં સુધી સ્વસ્થાને પાછો ન ફરે ત્યાં સુધી યાત્રાની સમાપ્તિ થતી નથી અને ત્યાં સુધી કૃતાર્થતા અનુભવાતી નથી. પ્રકૃતિનાં રાજ્યોમાં અટવાતો જીવ જ્યાં સુધી આત્મસ્વરૂપમાં સ્થિત ન થાય ત્યાં સુધી સાચી શાંતિ, પરમકૃતાર્થતા અને અભાવમુક્તિને પામી શકે નહિ.

અરીસામાં પ્રતિબિંબિત થયેલો અગ્નિ કોઈની ઠંડી ઉડાડી શકે નહિ કારણ કે તે મૂળ અગ્નિની જેમ ગરમી આપી શકે નહિ. એ માટે તો આપણે બિંબસ્વરૂપ મૂળ અગ્નિ પાસે પહોંચ્યે જ છૂટકો છે. તે જ રીતે આ પ્રકૃતિમાં પ્રતિબિંબિત થયેલ આત્માની ખોજથી એટલે કે ભોગ દ્વારા માનવી કૃતાર્થતા પામી શકે નહિ. એ માટે તો સ્વરૂપપ્રાપ્તિ એટલે કે અધ્યાત્મ જ ઉપાય છે.

સદીઓ-સહસ્ત્રાબ્દીઓથી માનવજાતે પરમને પામવાના અનેકવિધ સફળ-નિષ્ફળ પ્રયોગો કર્યા છે. આ લાંબા અનુભવમાંથી અધ્યાત્મવિદ્યાનું નિર્માણ થયું છે.

અધ્યાત્મવિદ્યા સ્વરૂપત: અનુભવગમ્યવિદ્યા છે, પરંતુ હજારો વર્ષના અનુભવોમાંથી અધ્યાત્મનું એક ભાથું પણ તૈયાર થયું છે, જેનાથી અધ્યાત્મપથ પર ચાલનાર પથિક માટે ઉપયોગી માર્ગદર્શન મળી શકે છે. લાંબા ગાળે અધ્યાત્મવિદ્યાએ એક શાસ્ત્રનું રૂપ ધારણ કર્યું છે. અધ્યાત્મવિદ્યા એટલે પરમના સાક્ષાત્કારનું શાસ્ત્ર.

આધ્યાત્મિક સાક્ષાત્કારનાં અનેકવિધ સ્વરૂપો છે. પરમસત્ય પરમાત્મા અનંત સ્વરૂપ છે. એ એક એવો સાગર છે, જેનો કોઈ પારાવાર નથી. એ અનંતનો સાગર છે. સાગર મૂલત: એક હોવા છતાં તેનાં અનેકવિધ સ્વરૂપો છે. તેમ પરમાત્મા મૂલત: એક હોવા છતાં તેનાં અનેકવિધ સ્વરૂપો(પાસાં) છે. તે નિર્ગુણ નિરાકાર છે; તે સગુણ નિરાકાર છે; તે સગુણ સાકાર છે; તે માનવસ્વરૂપે અવતરે પણ છે, તે વિરાટસ્વરૂપ પણ છે; તે અંતર્યામી પણ છે અને બીજાં કેટલાંયે સ્વરૂપ હશે- આપણે જાણતા નથી; જે અનંત છે, જે અમર્યાદ છે, તેનાં પાસાં-સ્વરૂપોની કોઈ મર્યાદા નથી. તે આવો છે અને આવો નથી એમ કહેવું તે તેના અનંતસ્વરૂપનો ઇનકાર કરવા જેવું છે. એટલે પરમની પ્રાપ્તિ કોઈ એક જ સ્વરૂપે કરી શકાય અને બીજા સ્વરૂપે નહિ તેમ ન કહી શકાય.

સમુદ્ર એક છે છતાં તેના અનેક કિનારા છે અને દરેક સ્થળે તેનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. સોમનાથનો સમુદ્ર, દ્વારિકાનો સમુદ્ર, ક્ધયાકુમારીનો સમુદ્ર અને જગન્નાથપુરીનો સમુદ્ર- આ બધાં એક જ સમુદ્રનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. બાહ્ય સ્વરૂપો ભિન્ન ભિન્ન હોવા છતાં મૂલત: સમુદ્ર એક જ છે. જેમ સમુદ્રના કોઈ પણ એક કિનારેથી સમુદ્રમાં પ્રવેશેલો માનવી સમુદ્રને પામ્યો કહેવાય તેમ પરમાત્માનાં અનેક સ્વરૂપોમાંથી કોઈ એક સ્વરૂપને પામનાર માનવી પરમાત્માને પામ્યો કહેવાય છે.

સાધક પરમાત્માના કોઈ એક કે એકથી વધુ સ્વરૂપોનો સાક્ષાત્કાર પણ પામી શકે. એક ભક્ત સગુણ સાકારની ઉપાસના દ્વારા રામ, કૃષ્ણ કે જગદંબાને પામે; એક યોગી આત્મસાક્ષાત્કાર પામે- પરમાત્માના અંતર્યામી સ્વરૂપને પામે, જેને તે કૈવલ્ય કહે છે; અદ્વૈતમાર્ગનો ઉપાસક જ્ઞાનમાર્ગે બ્રહ્મપ્રાપ્તિ કરે, જેને તે અદ્વૈતસિદ્ધિ કહે છે. આ ઉપરાંત ખ્રિસ્તીમતની સગુણનિરાકારની પ્રાપ્તિ, બૌદ્ધમતની નિર્વાણપ્રાપ્તિ અને જૈનમતની કેવળજ્ઞાન(આત્મજ્ઞાન)ની પ્રાપ્તિ પણ શક્ય છે.

એટલું જ નહિ પણ કૃષ્ણભક્ત કૃષ્ણપ્રાપ્તિ ઉપરાંત અદ્વૈતસિદ્ધિ પણ પામે અને અંતર્યામી સ્વરૂપે તેનો સાક્ષાત્કાર કરે. સમુદ્રના એક કિનારાથી સમુદ્રને પામ્યા પછી સમુદ્રના અન્ય કિનારા તેના માટે બંધ થતા નથી.

પરમસત્તાનાં આ ભિન્ન ભિન્ન સ્વરૂપો અને તેમના સાક્ષાત્કાર મૂલત: એક જ હોવા છતાં સંપૂર્ણત: એક જ છે તેમ નથી. દરેક અનુભૂતિની વિશિષ્ટ લાક્ષણિક્તા પણ હોય છે. એક જ મહાસત્તાનાં ભિન્ન ભિન્ન પાસાંના આ સાક્ષાત્કાર છે.

અધ્યાત્મપથ અનંતની યાત્રા છે. આધ્યાત્મિક વિકાસનો કોઈ અંત નથી. હવે આથી આગળ કશું નથી એમ ક્યારેય કહી શકાય નહિ. સમુદ્રના જળમાંથી કોઈ અંજલિ ભરી લે; કોઈ ઘડો ભરી લે; કોઈ અવગાહન કરે; કોઈ અનેક કિનારેથી અવગાહન કરે પણ પૂરેપૂરા સમુદ્રનું કોઈ સાદ્યંત પાન ન કરી શકે. કીડી સાકરના પહાડમાંથી એક કણ કે થોડા વધુ કણ લઈ શકે પણ આખો પહાડ ઊંચકી શકે નહિ.

પરમની પ્રાપ્તિ સાધ્ય છે. એ સાધ્યને સિદ્ધ કરવા માટે સાધક જે કોઈ ઉપાય, માર્ગ કે પદ્ધતિનું અનુસરણ કરે તે સાધના છે. સાધનાનાં અનેકવિધ સ્વરૂપો છે અને એમ હોવાનાં મુખ્યત્વે ત્રણ કારણો છે :

  1. પરમતત્ત્વનાં અનેકવિધ સ્વરૂપો છે, અનેકવિધ પાસાં છે તેથી તેને પામવાના સાધનપથ પણ અનેકવિધ હોય તે સ્વાભાવિક છે.
  2. સાધકોની રુચિ, પ્રકૃતિ, દેશકાળ આદિ પરિબળો સાધનાનાં સ્વરૂપને નિર્ધારિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પરિબળોની વિવિધતાને કારણે સાધનાનાં સ્વરૂપોમાં પણ વિવિધતા આવે છે.
  3. માનવજાત પાસે અધ્યાત્મપથનો એક વિશાળ વારસો છે. અધ્યાત્મવિદ્યાનું ઘણું ખેડાણ થયું છે. દરેક ધર્મનું, દરેક સંપ્રદાયનું, દરેક ગુરુપરંપરાનું અધ્યાત્મપથમાં એક વિશિષ્ટ પ્રદાન હોય છે. હજારો વર્ષથી ભિન્ન ભિન્ન સમાજ, ધર્મ, સંપ્રદાય અને ગુરુપરંપરામાં ભિન્ન ભિન્ન સાધન-પદ્ધતિઓનો વિકાસ થયો છે. અધ્યાત્મપથનો આ સમૃદ્ધ અને અનેકવિધ વારસો પણ સાધનમાર્ગની વિવિધતાનું નિર્માણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

ભાવપ્રધાન-હૃદયપ્રધાન વ્યક્તિ પ્રેમપંથનો સાધક છે અને ભક્તિમાર્ગે આગળ વધતાં પરમતત્ત્વના કોઈ સગુણ સાકાર કે સગુણ નિરાકાર સ્વરૂપને પામે છે.

બુદ્ધિપ્રધાન વ્યક્તિ જ્ઞાનપંથનો સાધક છે અને જ્ઞાનમાર્ગે-ચિંતનના માર્ગે સત્-અસત્ના વિવેક દ્વારા પરમ તત્ત્વના નિર્ગુણ નિરાકાર સ્વરૂપને પામે છે.

પ્રાણપ્રધાન વ્યક્તિ યોગપંથનો સાધક છે અને કુંડલિની જાગરણ કે ચિત્તવૃત્તિનિરોધ દ્વારા સમાધિમાં પહોંચે અને સાક્ષાત્કાર કે કૈવલ્યપદને પામે છે.

સાધકના વ્યક્તિત્વનું સ્વરૂપ કાયમ માટે એક જ સ્વરૂપનું રહે છે તેવું પણ નથી. આજનો બુદ્ધિપ્રધાન અને જ્ઞાનમાર્ગનો પ્રવાસી સાધક આવતી કાલે હૃદયપ્રધાન અને ભક્તિમાર્ગનો પ્રવાસી પણ બની શકે છે. હૃદયનું ગુપ્ત રીતે રહેલું ઝરણું કયા નિમિત્તે અને ક્યારે બહાર ફૂટી નીકળે તેનો કોઈ નિશ્ર્ચિત નિયમ નથી. માનવ વ્યક્તિત્વ ઘણું ગહન છે. તેના અંત:સ્થલમાં શું શું ભરેલું છે અને ક્યારે શું બહાર નીકળી આવશે તે કહેવું મુશ્કેલ છે. એક વખતના જ્ઞાનમાર્ગના સાધકો મહાન ભક્તો બન્યા હોય તેવાં દૃષ્ટાંતો પણ છે અને તેનાથી ઊલટું પણ બની શકે છે.

વળી આ મુખ્ય ત્રણ માર્ગનાં પણ અનેકવિધ સ્વરૂપો છે અને વિવિધ માર્ગના સમન્વયની પ્રક્રિયા પણ સતત ચાલતી રહી છે. ખરેખર તો જેટલા સાધકો તેટલી સાધનપદ્ધતિઓ છે. દરેક વ્યક્તિ પરમાત્માનું વિશિષ્ટ સર્જન છે એટલે તેની જીવનપદ્ધતિ અને સાધનમાર્ગ પણ વિશિષ્ટ હોવાનાં જ.

એટલું જ નહિ પણ સાધનપદ્ધતિ પણ સતત વિકસતી પ્રક્રિયા છેે. જેમ જેમ સાધક વિકસતો જાય છે તેમ તેમ તેની સાધનપદ્ધતિ પણ વિકસતી જાય છે. સાધકમાં થતું રૂપાંતર તેની સાધનપદ્ધતિના સ્વરૂપમાં પણ રૂપાંતર કરે જ છે.

બધા જ સાધનાપથનાં બે સ્વરૂપો છે- બહિરંગ સાધના અને અંતરંગ સાધના. બહિરંગ સાધના ક્રિયાપ્રધાન અને અંતરંગ સાધના અનુભવપ્રધાન છે. દરેક સાધકે બહિરંગમાંથી આખરે અંતરંગમાં જવાનું છે. બહિરંગ સાધનાને પરિણામે અંતરંગ સાધના નિષ્પન્ન થાય છે.

તેથી બહિરંગનો એટલો ઇનકાર ન કરવો કે અંતરંગમાં પ્રવેશ જ ન થાય અને બહિરંગમાં એટલા રમમાણ ન રહેવું કે અંતરંગમાં પ્રવેશ ચૂકી જવાય. સાધન-સાધ્યનો વિવેક સતત ખ્યાલમાં રાખવાનો છે.

આપણે સામાન્ય રીતે વિશ્વવિષયક જ્ઞાન બે રીતે મેળવીએ છીએ : (1) જ્ઞાનેન્દ્રિયો દ્વારા – પ્રત્યક્ષ જ્ઞાન, (ર) બૌદ્ધિક વિચારણા દ્વારા – પરોક્ષ જ્ઞાન.

પરમ સત્યને જ્ઞાનેન્દ્રિયોથી કે બુદ્ધિથી પણ પામી શકાય તેમ નથી. જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિથી પ્રકૃતિનું જ્ઞાન મેળવી શકાય છે, પરંતુ અધ્યાત્મજ્ઞાન તો ચૈતન્યનું જ્ઞાન છે તેથી તે બન્નેની ત્યાં પહોંચ નથી. અધ્યાત્મજ્ઞાન ઇન્દ્રિયગમ્ય(પ્રત્યક્ષ જ્ઞાન) નથી, તેમ તે બુદ્ધિગમ્ય(પરોક્ષ જ્ઞાન) પણ નથી, પરંતુ તે અનુભવગમ્ય એટલે કે અપરોક્ષાનુભૂતિ છે.

અધ્યાત્મજ્ઞાન સર્વજ્ઞાનનું કેન્દ્રસ્થ જ્ઞાન છે. અસ્તિત્વનું કેન્દ્ર-ચૈતન્ય છે તેથી ચૈતન્યનું જ્ઞાન અસ્તિત્વના સર્વજ્ઞાનનું કેન્દ્રસ્થ જ્ઞાન હોય તે સ્વાભાવિક છે. અધ્યાત્મજ્ઞાન સર્વમાં રહેલા એકનું જ્ઞાન છે.

મુંડકોપનિષદમાં શૌનક ઋષિ મહર્ષિ અંગિરાને પૂછે છે :

કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતં ભવતીતિ । 1-3.

‘ભગવન્ ! કોનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ સર્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે ?’

અહીં ઋષિ એમ પૂછે છે કે એવું ક્યું જ્ઞાન છે કે જેની પ્રાપ્તિથી બાકીનું બધું સમજાઈ જાય છે. સરળ ભાષામાં કહીએ તો ઋષિ સર્વ વિદ્યાઓની કેન્દ્રસ્થ વિદ્યા વિશે પૂછે છે.

મહર્ષિ અંગિરા જવાબ આપે છે :

દ્વૈ વિદ્યે વેદિતત્યે ઇતિ હ સ્મ ।

યદ્ બ્રહ્મવિદો વદન્તિ પરા ચૈવાપરા ચ ॥ 1-4.

તત્રાપરા ઋગ્વેદો યજુર્વેદ: સામવેદોઽથર્વવેદ:

શિક્ષા કલ્પો વ્યાકરણં નિરુક્તં છન્દો જ્યોતિષમિતિ ।

અથ પરા યયા તદક્ષરમધિગમ્યતે ॥ 1-5.

‘બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે બે વિદ્યાઓ જાણવા યોગ્ય છે. એક પરાવિદ્યા અને બીજી અપરાવિદ્યા.

‘તેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ- આ બધું અપરાવિદ્યા છે અને જેનાથી બ્રહ્મને જાણી શકાય તે પરાવિદ્યા છે.’

પરાવિદ્યા તે જ બ્રહ્મવિદ્યા અને તે જ અધ્યાત્મવિદ્યા. અધ્યાત્મવિદ્યા સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાની વિભૂતિઓ ગણાવતાં અર્જુનને કહે છે :

અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ્ -ભ.ગી. 10-32

‘સર્વ વિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું.’

અધ્યાત્મવિદ્યા શું છે તે સમજવા માટે અધ્યાત્મવિદ્યા શું નથી તે સમજવું પણ આવશ્યક છે.

અધ્યાત્મવિદ્યા તત્ત્વજ્ઞાન નથી, અધ્યાત્મવિદ્યા ધર્મશાસ્ત્ર નથી, અધ્યાત્મવિદ્યા નીતિશાસ્ત્ર નથી, અધ્યાત્મવિદ્યા ક્રિયાકાંડ નથી, અધ્યાત્મવિદ્યા ગુહ્યવિદ્યા નથી, અધ્યાત્મવિદ્યા પરિવેશ કે પાંડિત્ય પણ નથી. આ બધા સાથે અધ્યાત્મવિદ્યાને કોઈ ને કોઈ સ્વરૂપનો સંબંધ છે પણ તેમાંનું કશું સાક્ષાત્ અધ્યાત્મ નથી. તેટલું સ્પષ્ટ સમજી લેવું આવશ્યક છે, કેમ કે તેમાંના કોઈ પણ એકને અધ્યાત્મ સમજીને તેમાં જ રમમાણ રહેવામાં આવે તો યથાર્થ અધ્યાત્મની પ્રાપ્તિ થઈ શકે નહિ.

જે ભગવાન સુધી પહોંચાડે તે અધ્યાત્મ; જે આત્મદર્શન કરાવે તે અધ્યાત્મ; જે બ્રાહ્મીસ્થિતિમાં સ્થિર કરે તે અધ્યાત્મ. જેને જાણવાથી કશું જાણવાનું બાકી ન રહે તે અધ્યાત્મજ્ઞાન છે; જેને પામ્યા પછી કશું પામવાનું બાકી ન રહે તે આધ્યાત્મિક પ્રાપ્તિ છે; જ્યાં પહોંચ્યા પછી ક્યાંય પહોંચવાનું બાકી ન રહે તે આધ્યાત્મિક લક્ષ્ય છે અને તે અધ્યાત્મવિદ્યા વિશે ભગવાને કહ્યું છે :

અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ્ ।

Total Views: 368

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.