(ગતાંકથી આગળ…)

શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય

શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્‌ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે માનવભાવોની સાથે શરણાગત-વત્સલતા, ભક્ત-વત્સલતા, પતિતોદ્ધાર વગેરે દિવ્ય ભાવો પણ શ્રીરામકૃષ્ણમાં એકી સાથે જોવા મળે છે.

ભારતના યશસ્વી કવિએ અયોધ્યાપતિ શ્રીરામચંદ્રજીના લોકોત્તર ચરિત્રનું વર્ણન કરતાં લખ્યું છેઃ

વજ્રાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ ।

લોકોત્તરાણાં ચેતાંસિ કોનુ વિજ્ઞાતુમર્હતિ ।।

શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પણ બાળકની સરળતા અને મહામાનવની કઠોરતા એકી સાથે જોવા મળે છે.

શ્રીરામ સત્યનિષ્ઠ હતા. પિતાએ આપેલ વચનને પૂરું કરવા સ્વેચ્છાથી પોતે ચૌદ વર્ષ વનવાસ ભોગવ્યો. શ્રીરામકૃષ્ણ પણ બાળપણથી જ સત્યનિષ્ઠ હતા. તેમણે ધની લુહારણને વચન આપ્યું હતું કે ઉપનયન સંસ્કાર વખતે પહેલી ભિક્ષા તેની પાસેથી જ લેશે. પરિવારના લોકોના સખત વિરોધ છતાં તેમણે પોતાનું વચન પાળ્યું. શ્રીરામકૃષ્ણે જગદંબાને ધર્મ-અધર્મ, પાપ-પુણ્ય, સારું-નરસું, યશ-અપયશ વગેરે દેહ-મનનું સર્વસ્વ અર્પણ કરી દેવા છતાંયે તેઓ ‘આ લે તારું સત્ય અને આ લે તારું અસત્ય’ એમ કહી શક્યા નહિ. અદ્‌ભુત સત્યનિષ્ઠા તેમનામાં હતી. જે દિવસે જે ઠેકાણે જઈશ એમ બોલતા તે દિવસે તેઓ ત્યાં બરાબર સમયસર પહોંચતા જ. આની પાસેથી અમુક વસ્તુ લઈશ એમ કહ્યા પછી તેના સિવાય બીજા કોઈની પાસેથી તે ચીજ લઈ શકતા જ નહિ! જે દિવસે બોલ્યા કે હવેથી અમુક વાનગી ખાઈશ નહીં કે અમુક કામ હવેથી કરીશ નહીં, તે દિવસથી તે વાનગી ફરીથી તે ખાઈ શકતા નહીં કે તે કામ કરી શકતા નહીં.

શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણ પણ માતાપિતાને સ્નેહ કરતા અને તેમની આજ્ઞાનું પાલન કરતા. શ્રીરામકૃષ્ણ જ્યારે વૃંદાવન ગયા હતા ત્યારે તેમણે ત્યાં જ રહી જવાનું લગભગ નક્કી કરી નાખ્યું પણ માતાને આથી દુઃખ થશે એમ સંભારીને તરત જ કોલકાતા રવાના થયા.

વિનયપત્રિકામાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ‘મૈં પતિત તુમ પતિત-પાવન, દોઉ બાનક બને.’ ‘હું પતિત છું, અને તમે પતિતપાવન છો એટલે બન્નેનો હવે સુમેળ થઈ ગયો.’ શ્રીરામચંદ્રજીની જેમ શ્રીરામકૃષ્ણ પણ પતિતપાવન હતા. ગિરીશ ઘોષ, નટી વિનોદિની, પદ્મવિનોદ, કૃષ્ણદા બિહારી, ભગવતી દાસી, મન્મથ ગુંડો વગેરે શ્રીરામકૃષ્ણના દિવ્ય સ્પર્શથી પાવન બન્યા હતા. બીજાઓનાં પાપ ગ્રહણ કરવાથી શ્રીરામકૃષ્ણને કેન્સરનો રોગ થઈ ગયો તોપણ તેમણે પતિતોના ઉદ્ધારનું કાર્ય બંધ ન કર્યું. શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણ પણ અહેતુક દયાસિંધુ, શરણાગત-વત્સલ હતા. જ્યારે રાવણનો ભાઈ વિભીષણ શ્રીરામની શરણે આવ્યો ત્યારે બીજાઓની તેના વિષે શંકા હોવા છતાં તેમણે તેને શરણ આપ્યું હતું અને કહ્યું હતું –

કોટિ વિપ્ર વધ લાગહિ જાહું ।

આયે શરન તજઉં નહિ તાહુ ।।

(શ્રીરામચરિતમાનસ, ૫/૪૪/૧)

‘જો કોઈ કોટિ બ્રાહ્મણોની હત્યા કરીને પણ મારી શરણે આવશે તોપણ હું તેનો ત્યાગ નહિ કરું.’

શ્રીરામકૃષ્ણે પણ ભક્તોને, પાપીતાપીઓ વગેરે બધાને તેમનાં કુલ, મર્યાદા, જાતિ, વગેરે પર ધ્યાન ન આપી શરણ આપ્યું. એક વાર કામારપુકુરમાં વરસાદના દિવસોમાં ચાલતી વખતે એક માછલી તેમના શ્રીચરણો નીચે આવી ગઈ, તેમણે દયાર્દ્ર ચિત્તે સાથે ચાલવાવાળાને કહ્યું, ‘અરે! શરણાગત થઈ છે, તેને પાણીમાં છોડી આવો.’ એટલે જ સ્વામી વિવેકાનંદજી શ્રીરામકૃષ્ણની આરતી – સ્તુતિમાં કહે છે – ‘નિષ્કારણ ભકત શરણ ત્યજી જાતિકુલ માન.’

શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ

ઈ.સ. ૧૮૮૪નું વરસ. વસંતઋતુનું આગમન થઈ ચૂક્યું છે. કોલકાતાની પાસેના ગામ કામારહાટીમાં વૃદ્ધ બ્રાહ્મણી અઘોરમણિ દેવી (શ્રીરામકૃષ્ણના ભક્તો જેમને ‘ગોપાલની મા’ના નામથી ઓળખે છે.) એક દિવસ રાત્રે ત્રણેક વાગ્યે જપમાં બેઠેલાં છે. જપ પૂરા થતાં ઇષ્ટદેવતાને જપ સમર્પણ કરતાં પહેલાં તેમણે પ્રાણાયામની શરૂઆત કરી અને તે વખતે જોયું કે શ્રીરામકૃષ્ણદેવ તેમની ડાબી બાજુમાં બેઠેલા છે અને તેમનો હાથ મૂઠી વાળેલો હોય એવો દેખાય છે! દર્શન એટલાં સ્પષ્ટ, જીવંત હતાં કે અઘોરમણિદેવી વિચારવા લાગ્યાં કે ‘આ ટાણે એઓ અહીં ક્યાંથી આવ્યા?’ આ દર્શનની વાત કરતાં તેમણે કહ્યું હતુંઃ ‘હું તો અવાક બનીને એમને જોઉં છું અને આવો વિચાર કરું છું. આ બાજુ ગોપાલ (શ્રીરામકૃષ્ણદેવને તેઓ ‘ગોપાલ’ કહેતા) બેઠો બેઠો મરક મરક હસે છે! ત્યાર પછી હિંમત ભેગી કરીને ડાબે હાથે જેવો ગોપાલનો (શ્રીરામકૃષ્ણનો) ડાબો હાથ પકડવા જાઉં છું, તેવી એ મૂર્તિ ક્યાંય જતી રહી અને એની અંદરથી એક દસ મહિનાનો ખરેખરો ગોપાલ, (હાથ વડે બતાવીને) આવડો મોટો બાળક બહાર નીકળીને ભાંખોડિયા ભરતો એક હાથ ઊંચો કરીને મારા મોઢા સામું જોઈને (શું તો એ રૂપ અને શું એ નજર!) બોલ્યો, ‘મા, માખણ દેને!’ હું તો જોઈ-સાંભળી સાવ હેબતાઈ જ ગઈ, એવો તો અજબનો કાંડ! ચીસ પાડીને રડી ઊઠી… રડતાં રડતાં બોલી, ‘બેટા, હું તો દુઃખણી કંગાળ, હું તને શું ખવરાવું? માખણ-ખીર ક્યાંંથી લાવું, બેટા!’ પણ એ અદ્‌ભુત ગોપાલ કંઈ તે સાંભળે? કેવળ ‘ખાવા દે’ બોલ્યા કરે. શું કરું, રડતાં રડતાં ઊભી થઈને શીકેથી સૂકો નાળિયેરનો લાડુ ઉતારીને હાથમાં દીધો અને બોલી, ‘બેટા, ગોપાલ, મેં તને આવી તુચ્છ ચીજ ખાવાને દીધી એટલે તું મને એવું ખાવાનું ના દઈશ.’ ત્યારબાદ એ દિવસે જપ પછી કરે કોણ? ગોપાલ આવીને ખોળામાં બેસે, માળા તાણી લે, કાંધે ચડે, આખી ઓરડીમાં ઘમ્મર ઘમ્મર ફરે! જેવી સવાર પડી કે ગાંડાની જેમ દોડતી દોડતી દક્ષિણેશ્વર જવા લાગી. ગોપાલ પણ કેડે ચડીને સાથે ચાલ્યો ખભે માથું ઢાળીને.’

આવી રીતે ભાવપ્રેમે ઉન્મત્ત બનીને ‘ગોપાલની મા’ બીજે દિવસે સવારે કામારહાટીથી ચાલતાં ચાલતાં લગભગ સાત વાગે દક્ષિણેશ્વર પહોંચ્યાં. શ્રીરામકૃષ્ણ ત્યારે પોતાના ઓરડામાં નાની પાટ ઉપર બેઠેલા હતા. ગોપાલની માને જોઈને તેમને પણ ભાવાવેશ થઈ ગયો અને તેમના ખોળે ચડી બેઠા! ગોપાલની માની આંખોમાંથી દડદડ કરતાં આંસુ વહી જવા લાગ્યાં અને જે ખીર-મલાઈ-માખણ લાવેલાં તેને શ્રીરામકૃષ્ણના મોંમાં મૂકીને ખવડાવવા લાગ્યાં. આ એક અદ્‌ભુત ઘટના હતી. સામાન્ય રીતે તો શ્રીરામકૃષ્ણ સ્ત્રીઓનો સ્પર્શ પણ સહન કરી શકતા નહિ. અલબત્ત, તેમનાં ગુરુ ભૈરવી બ્રાહ્મણીને ક્યારેક ક્યારેક જશોદાનો ભાવાવેશ થતો ત્યારે તેઓ ગોપાલભાવે એમના ખોળે ચઢીને બેસતા. આ દિવસથી અઘોરમણિદેવી ખરેખરાં ‘ગોપાલની મા’ બની ગયાં અને શ્રીરામકૃષ્ણ પણ એમને એ નામે બોલાવવા લાગ્યા!

આમ લગભગ બે મહિના સુધી અઘોરમણિદેવીએ ગોપાલરૂપી શ્રીકૃષ્ણને દિવસરાત છાતીએ-પીઠે વળગાડીને એક સંગે વાસ કરેલો! વારંવાર શ્રીરામકૃષ્ણના દેહમાંથી બાલગોપાલ નીકળવાથી અને એમાં સમાઈ જવાથી અઘોરમણિદેવી સમજી ગયેલાં કે ગોપાલનાં દર્શન, તેનાં તોફાનો આ બધા શ્રીરામકૃષ્ણદેવના જ ખેલ છે. શ્રીરામકૃષ્ણદેવ જ બની ગયા એમને માટે ‘નવીન નીરદ શ્યામ નીલેન્દીવર લોચન’ ગોપાલ રૂપ શ્રીકૃષ્ણ!

શ્રીરામકૃષ્ણદેવને તંત્રવિદ્યામાં પારંગત કરનાર ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વર મંદિરથી બે માઈલ દૂર આવેલ દેવમંડલઘાટમાં રહેતાં. એક વાર વાત્સલ્યભાવના આવેશમાં તેઓ હાથમાં માખણ લઈ દિવ્ય પ્રેમાશ્રુ વહાવતાં ‘ગોપાલ’ ‘ગોપાલ’ પોકારવા લાગ્યાં. આ તરફ એ જ વખતે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવને ભૈરવી બ્રાહ્મણીને મળવાની અદમ્ય ઇચ્છા થઈ. તેઓ દેવમંડલઘાટ સુધી બે માઈલ દોડતા ગયા. જાણે કે એક બાળક પોતાની માતાને મળવા દોડી રહ્યું હોય! અને ત્યાં પહોંચી ભૈરવી બ્રાહ્મણીની પાસે બેસીને તેમના હાથેથી માખણ ખાવા લાગ્યા. આમ ભૈરવી બ્રાહ્મણી પણ શ્રીરામકૃષ્ણને બાળગોપાલ રૂપે જોતાં.

શ્રીરામકૃષ્ણની બાળલીલા હતી- જાણે કે શ્રીકૃષ્ણની બાળલીલાનું પુનરાવર્તન. બાળક ગદાધર કામારપુકુર ગામમાં બધાંનો લાડીલો હતો. ગામનાં આબાલ-વૃદ્ધ-વનિતા તમામની જોડે એ ભળી ગયેલો. ભાગવત વગેરે પુરાણકથાનું વાચન કે ધર્મતત્ત્વોની ભક્તિપૂર્ણ આલોચના કરવામાં ગામમાં એનો જોટો નહોતો. કીર્તનવેળાની એના જેવી ભાવની ઉન્મત્તતા, એની જેમ ભજનની કડીઓ કે નવા નવા ભાવપૂર્ણ ઊથલા દેવાની શક્તિ અને એના જેવો મધુર કંઠ અને રમણીય નૃત્ય બીજા કોઈનામાં જોવા મળતાં નહિ. વિદૂષકવેડા કરવામાં, સ્ત્રી-પુરુષોના તમામ હાવભાવોની નકલ ઉતારવામાં અને પ્રસંગને અનુરૂપ નિતનવાં ટૂચકા અને ગાયનો જોડીને સહુનાં દિલ બહેલાવવામાં પણ એની બરાબરી કોઈ કરી શકતું નહિ. આ બધાને કારણે બધા ગામવાસીઓ તેના ઉપર બહુ વહાલ રાખતા. શ્રીકૃષ્ણની જેમ જ નટખટ ગદાધર નિશાળેથી મિત્રોની સાથે માણેકરાજાના આંબાવાડિયામાં જઈ શ્રીરામચંદ્ર અને શ્રીકૃષ્ણલીલાના નાટ્યાભિનયથી સમસ્ત આંબાવાડિયું ગજવી દેતા.

ગદાધરની દેવભક્તિ, તેના જન્મ સમયે તેનાં માતાપિતાને થયેલાં અદ્‌ભુત સ્વપ્નો અને દિવ્ય દર્શનો, ગદાધરની મધુર લીલા આ બધાથી કામારપુકુરની સ્ત્રીઓના હૃદયમાં તેના પ્રત્યે અપૂર્વ ભક્તિ અને પ્રીતિ ઊપજેલી. ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ શ્રી ધર્મદાસ લાહાની પુત્રી પ્રસન્નમયી અને બીજી મોટી ઉંમરની મહિલાઓ બાળક ગદાધરની અંદર બાળગોપાલનો દિવ્ય પ્રકાશ અનુભવીને તેના ઉપર પુત્રથીયે અધિક પ્રેમ રાખતી અને એમનાથી નાની વયની સ્ત્રીઓએ તેને શ્રીકૃષ્ણના અંશભૂત ગણીને તેવી શ્રદ્ધા રાખીને સખ્ય ભાવે સંબંધ બાંધેલો.

કામારપુકુરના શ્રી સીતાનાથ પાઈનના પરિવારની અને વણિક શેરીની બીજી સહુ નારીઓને તો ગદાધરનું એટલું ઘેલું લાગી ગયું હતું કે થોડાક દિવસો ગદાધર જો તેમને ઘરે ન આવ્યો હોય તો કોઈકને તેને તેડવા મોકલતાં. સીતાનાથ પાઈનના ઘરમાં કથાપાઠ કરતાં કે ભજનકીર્તન કરતાં ગદાધરને ક્યારેક ભાવસમાધિ થઈ જતી. આ જોઈને તેમની ગદાધર પ્રત્યે ભક્તિ ઓર વધી જતી. આવા એક પ્રસંગે ઘણી સ્ત્રીઓએ ગદાધરને શ્રીકૃષ્ણની જીવતી જાગતી મૂર્તિ ગણીને પૂજા કરેલી અને અભિનય કરવામાં મદદરૂપ થશે એમ વિચારીને એને માટે એક સોનાની મુરલી અને જુદાં જુદાં સ્ત્રીપુરુષ પાત્રોની વેશભૂષા પણ તૈયાર કરાવી દીધેલી.

એક વાર શ્રીરામકૃષ્ણદેવે શ્રી મહેન્દ્રનાથ ગુપ્તને પૂછ્યુંઃ ‘વારુ, આ જે માણસો આટલા બધા આકર્ષાઈને અહીં આવે છે, તે એનો અર્થ શો?’ શ્રી મહેન્દ્રનાથે જવાબ આપ્યોઃ ‘મને તો વ્રજની લીલાનો ખ્યાલ આવે છે. શ્રીકૃષ્ણ જ્યારે ગોવાળિયા અને વાછરડાંઓ રૂપે પોતે થયા, ત્યારે ગોવાળિયાઓ ઉપર ગોપીઓને, અને વાછરડાંઓ ઉપર ગાયોને વધુ આકર્ષણ થવા લાગ્યું.’ શ્રીરામકૃષ્ણે જાણે કે આનું સમર્થન કરતાં કહ્યું, ‘એ ઈશ્વરીય આકર્ષણ. એ શું ખબર છે? મા એ પ્રમાણે નજરબંધી લગાડી દે, અને આકર્ષણ થાય.’ (ક્રમશઃ)

Total Views: 282
By Published On: July 1, 2021Categories: Bhandev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram