સરયૂબાલાદેવીની નોંધ

મને જોઈને તેમણે મોટા અવાજે કહ્યુ, ‘બેટા ! અંદર આવ, અંદર આવ. તું સવારમાં આવી તેથી મને આનંદ થયો. આજે રાધાષ્ટમીનો શુભ દિવસ છે. બેટા ! નીચે બેસ. હું હમણાં સ્નાન કરીને આવું છું.’

મેં કહ્યુ કે મને સાથે આવવું ગમશે ત્યારે શ્રીમાએ કહ્યુ, ‘તો, ચાલ.’

પણ ઝરમર વરસાદ આવતો હતો તેથી ગોલાપ માએ મને જવાની ના કહી. આથી શ્રીમાએ ગોલાપ માની વાતને ટેકો આપ્યો અને કહ્યુ, ‘તો પછી બેટા ! તું અહીં જ રહે. હું હમણાં જ જલદીથી આવું છું.’

તેથી મારે પાછળ રહેવું જ પડ્યું. મેં વારંવાર નોંધ્યું હતું કે એક સાદી નવોઢાની માફક શ્રીમા બીજાના મતની વિરુદ્ધ કદી પોતાનો મત આગળ ધરતાં નહીં. ગમે તેમ પણ શ્રીમા રસ્તા ઉપર પહોંચ્યાં કે તરત જ વરસાદ રહી ગયો હતો. અને તેઓ પાછાં ફર્યાં કે તરત જ તેમણે મને કહ્યુ, ‘અમે નીકળ્યાં કે તરત જ વરસાદ રહી ગયો. અને મને યાદ આવ્યું કે તું સાથે આવવાનું કહેતી હતી આથી મને દુ:ખ થયું. જો તું આવી હોત તો બહુ જ સારું હતું; તું ગંગાનાં દર્શન પામત.’ જો સત્ય જ કહું તો હું તો ગંગાનાં દર્શન પામવા કરતાં તો શ્રીમાના સત્સંગ માટે જ જવા ઇચ્છતી હતી!….

જ્યારે ગોલાપ માએ શ્રીમાની વાત સાંભળી ત્યારે તેમણે મોટા અવાજે કહ્યુ, ‘એમાં શો ફેર પડે છે? તે માત્ર તમારા ચરણે સ્પર્શ કરે તે પૂરતું છે.’

મેં જ્યારે ગોલાપ માના શબ્દોને ફરી કહ્યા ત્યારે શ્રીમાએ કહ્યુ, ‘આ તે કેવી વાત ! ગંગા !’

આ રીતે તેઓ સદાય સામાન્યજન તરીકે રહેતાં; પણ એ પણ મારા ધ્યાનમાં આવ્યું કે જ્યારે કોઈ જોનારાઓ ન હોય ત્યારે કોઈ વાર, કોઈ કોઈ પ્રત્યે કૃપા બતાવીને તેઓ જગન્માતાનો ભાવ ધારણ કરતાં.

તેઓ ઓરડામાં આવ્યાં અને પલંગ ઉપર બેઠાં અને કહ્યુ, ‘અમે ગંગામાં સ્નાન કર્યું, તે ઘણી ખુશનસીબી છે.’ મને લાગ્યું કે તે દિવસે તેમનાં ચરણોની પૂજા કરવાના હેતુથી હું આવી હતી, તે તેઓ જાણતાં હતાં. . . .

પૂજા સમાપ્ત થઈ. મેં તેમની ચરણધૂલિ લીધી અને ઊભી થઈ. છેવટે શ્રીમાએ થોડો નાસ્તો લીધો અને ફરી મને લાગણીપૂર્વક તેમની બાજુમાં બેસાડી અને જે કોળિયો તેઓ લેતાં હતાં તે દરેકમાંથી અર્ધો મને આપ્યો. મેં  આ બધું અત્યંત આનંદપૂર્વક લીધું. જ્યારે હું ‘સાલ’નાં પાંદડામાં જમતી હતી ત્યારે મને ઈશ્વર-સ્વરૂપ નાગ-મહાશયનો વિચાર આવ્યો અને મેં શ્રીમાને કહ્યુ, ‘મા, જ્યારે હું ‘સાલ’નાં પાંદડામાં પ્રસાદી લઉં છું ત્યારે મને નાગ મહાશય યાદ આવે છે.’

‘અરે ! તેની તો કેવી ઊંડી ભક્તિ હતી !’ શ્રીમાએ કહ્યુ, ‘જુઓ તો ખરા, આ ‘સાલ’નું પાંદડું કેવું  સુક્કું અને ચીમળાઈ ગયેલું છે. શું તમે ધારો છો કે કોઈ આ ખાઈ શકે ? પરંતુ તેઓ તો ઠાકુરને ધરાવેલા પ્રસાદના સંપર્કમાં હતું તે કારણે ભક્તિપૂર્વક તે ‘સાલ’નું પાંદડું સુધ્ધાં ખાઈ ગયા ! લાલ રંગની, હંમેશાં અશ્રુભીની એવી તો તેમની પ્રેમમય આંખો હતી ! અને તેમનું શરીર કઠોર તપસ્યાથી ખખડી ગયું હતું. તેઓ જ્યારે મને મળવા આવ્યા ત્યારે તેઓ એવા તો ભાવાવેશમાં આવી ગયા કે આ પગથિયાં પણ મુશ્કેલીથી ચડી શક્યા ! તેઓ થરથર કાંપતા હતા અને ભાગ્યે જ તેમના પગ ઉપર કાબૂ રાખી શકતા હતા. મેં કદી આવી ઊંડી ભક્તિ જોઈ નથી !’ (શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : 89-90)

Total Views: 339

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.