અધ્યાત્મવિદ્યાના રહસ્યવિદોએ અધ્યાત્મપથના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન ખૂબ ઊંડાણપૂર્વક કર્યો છે. જેમ આપણી વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન આદિ વિદ્યાઓ છે તેમ અધ્યાત્મપથની પણ એક વિદ્યા છે. અધ્યાત્મવિદ્યા અધ્યાત્મપથના અનેકવિધ પાસાઓની વિચારણા-મીમાંસા કરે છે. આ અનેકવિધ મીમાંસાના એક ભાગરૂપે તે અધ્યાત્મપથનાં સોપાનની, અધ્યાત્મપથનાં પગલાંની પણ વિચારણા કરે છે.

અધ્યાત્મપથનાં અનેકવિધ સ્વરૂપો છે. દરેક રાષ્ટ્રમાં, દરેક સમાજમાં દરેક ધર્મમાં અને દરેક સંપ્રદાયમાં કે દરેક ગુરુપરંપરામાં અધ્યાત્મવિદ્યાનું કોઈ ને કોઈ સ્વરૂપ વિકસ્યું છે. અધ્યાત્મનું મૂળ તત્ત્વ એક જ હોવા છતાં દરેક સ્વરૂપને, દરેક અધ્યાત્મપથને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ પણ હોય છે. દરેક અધ્યાત્મપથમાં અધ્યાત્મના સોપાનની વિચારણા પોતાની રીતે થઈ છે, તેથી અધ્યાત્મપથના સોપાન અંગે પણ અનેક રીતે વિચારણા થઈ છે. મૂળ તત્ત્વ સમાન હોવા છતાં દરેક અધ્યાત્મપથના સોપાનના સ્વરૂપમાં ભિન્નતા પણ જોવા મળે છે.

વૈદિક અધ્યાત્મધારામાંથી અનેક અધ્યાત્મપથનો વિકાસ થયો છે. વેદાંત, અનેકવિધ ભક્તિ પરંપરાઓ, હઠયોગ, રાજયોગ આદિ અધ્યાત્મપથ વૈદિક અધ્યાત્મધારામાંથી વિકસેલી અધ્યાત્મવિદ્યાઓ છે. દરેકમાં ઘણી વિશિષ્ટતાઓ અને કંઈક ભિન્નતાઓ છે, પરંતુ વૈદિક ધારાનાં પાયાનાં તત્ત્વો બધા અધ્યાત્મપથમાં છે. દરેક અધ્યાત્મપથની સોપાન-શ્રેણી સમજવા માટે, તે સમજતાં પહેલાં આપણે વૈદિક અધ્યાત્મધારાની સોપાન-શ્રેણી સમજી લેવી જોઈએ. તેથી આપણે અહીં વૈદિક અધ્યાત્મધારામાં અધ્યાત્મપથનાં સોપાન ક્યા સ્વરૂપે છે, તે સમજવાનો પ્રયત્ન કરીશું.

વૈદિક અધ્યાત્મપરંપરામાં અધ્યાત્મનાં ત્રણ સોપાન ગણવામાં આવે છે. આ ત્રણે સોપાનને શાસ્ત્રીય પરિભાષામાં ત્રણ ખાસ નામ આપવામાં આવેલ છે. (1) પ્રયોગ, (2) સંપ્રયોગ, (3) સંપ્રસાદ

(1) પ્રયોગ

‘પ્રયોગ’ સાધનાનો પ્રારંભિક તબક્કો છે, પ્રથમ સોપાન છે. આ પ્રથમ કક્ષા ક્રિયાત્મક છે. આ આવસ્થામાં કશુંક ‘કરવું’ મુખ્ય છે. આ અવસ્થામાં સાધના ક્રિયાત્મક સ્વરૂપ(ઝજ્ઞ મજ્ઞ)ની સાધના હોય છે. અધ્યાત્મપથના પથિકમાં આ પથ પર ચાલવા માટે કોઈક સ્વરૂપની અભીપ્સા પ્રગટે છે. આ અભીપ્સા સાધકને અધ્યાત્મપથ પર ચાલવા માટે વેગ આપે છે. સાધક અભીપ્સાના વેગથી દોરવાયો કાંઈક કરવા પ્રેરાય છે. ગુરૂપદિષ્ટ માર્ગે કોઈક સ્વરૂપનું ક્રિયાત્મક સાધન કરે છે. આ કક્ષાની સાધનામાં શરીર અને ઇન્દ્રિયો પ્રધાન ભાગ ભજવે છે. યજ્ઞયાગ, પૂજા, પાઠ, યોગાસન, પ્રાણાયામ, જપ, સ્વાધ્યાય, તીર્થયાત્રા, વ્રત, અનુષ્ઠાન આદિ અનેક પ્રકારની સાધનાઓ આ પ્રથમ ભૂમિકાની કક્ષામાં આવે છે. વૈદિક પરંપરામાં પ્રથમ કાંડ પણ કહેવામાં આવે છે. આ કક્ષાની શાસ્ત્રીય સંજ્ઞા ‘ભૂ:’ છે.

આ ભૂમિકાની સાધનાના પ્રધાન દેવતા ‘અગ્નિ’ છે. વૈદિક પરંપરામાં ક્રિયાકાંડ વિશેષત: અગ્નિને કેન્દ્રમાં રાખીને ગોઠવાયેલો છે. પછીના કાળમાં અગ્નિનો ઉપયોગ કર્યા વિના પૂજાદિ ક્રિયાકાંડનો પણ વિકાસ થયો છે.

આ કક્ષાની સાધનામાં અર્થાત્ ક્રિયાકાંડમાં પાંચ તત્ત્વો પ્રધાન હોય છે.

(1) દ્રવ્ય- જવ, તલ, ઘી, ધૂપ, દીપ, નૈવેધ, જળ વગેરે (2) મંત્ર – હોમ, પૂજા, પાઠ આદિ દરમિયાન જેનો વિનિયોગ થાય છે તેવા વૈદિક મંત્રો કે પૌરાણિક સ્તોત્રોનો આમાં સમાવેશ થાય છે. દા.ત. પુરુષસૂક્ત, શ્રીસૂક્ત, વિષ્ણુ સહસ્ત્રનામ, ગીતા વગેરે (3) વિધિ – યજ્ઞ, પૂજા, આદિ જે ક્રિયાકાંડનું અનુષ્ઠાન કરવાનું હોય તેનો નિશ્ર્ચિત શાસ્ત્રીય વિધિ હોય છે તે વિધિ પ્રમાણે ક્રિયા થવી જોઈએ. દા.ત. ષોડશોપચાર પૂજાવિધિ, અગ્નિહોત્રવિધિ વગેરેમાં નિશ્ર્ચિત વિધિ હોય છે. નિશ્ર્ચિત ક્રિયા વખતે, નિશ્ર્ચિત મંત્રપૂર્વક નિશ્ર્ચિત દ્રવ્યનો હોમ કે અર્પણવિધિ થવો જોઈએ. (4) ભાવ – જે ક્રિયા કરવામાં આવે તે ક્રિયા શ્રદ્ધાપૂર્વક અને હૃદયના ભાવથી કરવામાં આવે તે ક્રિયાકાંડમાં મહત્ત્વનું પરિબળ છે. આ ભાવ દ્વારા ક્રિયા જીવંત અને જ્વલંત બને છે. દા.ત. શ્રીકૃષ્ણની પૂજામાં શ્રીકૃષ્ણને નૈવૈદ્ય અર્પણ કરવામાં આવે ત્યારે સાક્ષાત્ શ્રીકૃષ્ણને ભોજન કરાવીએ છીએ તેવો ભાવ ચિત્તમાં હોય તો તે પૂજાવિધિ યથાર્થ પૂજા બને છે. ક્રિયા માત્ર ક્રિયાત્મક ન રહેતાં તેને ભાવનો પુટ મળે તે આવશ્યક છે. ક્રિયાયોગનું અનુષ્ઠાન કરતી વખતે આ સૂત્ર યાદ રાખવું- કુર્યાત્ અધ્યાત્મ ચેતસા । ‘જે કાંઈ કરો તે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી કરો.’ (5) સમજ – જે કાંઈ કરવામાં આવે છે તે સમજીને કરવામાં આવે તો તેનું બળ વધે છે. કિમર્થં ક્રિયતે ક્રિયા- ની સમજ સાધકમાં હોય તે ઇષ્ટ છે.

આ પાંચે તત્ત્વયુક્ત ક્રિયાયોગ ફલદાયી બને છે. ક્રિયાયોગના મંત્ર, વિધિ, દ્રવ્ય આદિનો વિનિયોગ વગેરે કોઈ અધિકારી વ્યક્તિ પાસે શીખી લેવા જોઈએ. દા.ત. અગ્નિહોત્ર, પ્રાણાયામ, રુદ્રીનો પાઠ આદિ ક્રિયાઓ પોતાની મેળે શીખી શકાતી નથી. ક્રિયાકાંડ કે ક્રિયાયોગના યથોચિત પરિશીલનથી સાધકનું ચિત્ત શુદ્ધ થાય છે, વૃત્તિઓ અંદર વળે છે. લાંબા સમય સુધી પર્યાપ્ત માત્રામાં તેના અનુષ્ઠાનથી સાધકનો દ્વિતીય કક્ષામાં પ્રવેશ થાય છે.

(2) સંપ્રયોગ

પ્રયોગમાંથી સંપ્રયોગ નિષ્પન્ન થાય છે. સાધનાનો આ દ્વિતીય તબક્કો છે. આ દ્વિતીય અવસ્થામાં ક્રિયાત્મક પાસું ઓછું થાય છે. આ કક્ષા વિશેષત: અનુભવાત્મક છે. આ અવસ્થામાં કશુંક કરવું નહિ, પરંતુ કશુંક ચિંતવવું મુખ્ય છે. આ અવસ્થાની સાધના અનુભવાત્મક સ્વરૂપની હોય છે. આ અવસ્થામાં ઝજ્ઞ રયયહ મુખ્ય છે. વૈદિક પરંપરા પ્રમાણે આ સ્વરૂપની સાધનાને ઉપાસનાકાંડ કહે છે. વૈદિક પરંપરામાં આ અવસ્થાને દ્વિતીય કાંડ પણ કહેવામાં આવે છે.

આ કક્ષાની શાસ્ત્રીય સંજ્ઞા ‘ભુવ:’ છે. ભૂમિકાની સાધનાના પ્રધાન દેવતા ‘વાયુ’ છે. આ અવસ્થાની સાધનામાં આંતરિક સ્પર્શ મુખ્ય છે અને વાયુ એ સ્પર્શના દેવ છે.

ઉપાસના અનેક સ્વરૂપની છે, પરંતુ તેનાં મુખ્ય બે સ્વરૂપો છે- સાકારની ઉપાસના અને નિરાકારની ઉપાસના. સાકાર ઉપાસનાને પ્રતીકોપાસના અને નિરાકાર ઉપાસનાને અહંગ્રહ ઉપાસના પણ કહેવામાં આવે છે. પ્રતીકોપાસનામાં દેવનાં પ્રતીક રૂપે શિવલિંગ, શાલિગ્રામ, મૂર્તિ આદિ રાખવામાં આવે છે અને તે પ્રતીકના માધ્યમ દ્વારા દેવની ઉપાસના કરવામાં આવે છે. નિરાકાર કે અહંગ્રહોપસનામાં પ્રતીકોપાસના નથી. પરંતુ પરમસત્ને નિરાકાર અને નિર્ગુણ માનીને ચિંતન માર્ગે તેની ઉપાસના કરવામાં આવે છે. પ્રતીકોપાસનામાં દ્વૈતભાવ છે. ઉપાસક ઉપાસ્યને પોતાનાથી ભિન્ન માનીને તેની ઉપાસના કરે છે. અહંગ્રહોપાસનામાં ઉપાસક ઉપાસ્યને પોતાનાથી અભિન્ન માનીને તેની ઉપાસના કરે છે. અદ્વૈતપથની ઉપાસના અહંગ્રહોપાસના ગણાય છે. ઈશાવાસ્યોપનિષદમાં સાકાર ઉપાસનાને ‘સંભૂતિ’ અને નિરાકાર ઉપાસનાને ‘અસંભૂતિ’ કહેલ છે, અને બન્નેના સમુચ્ચયની ભલામણ કરેલ છે.

ઈશાવાસ્યોપનિષદમાં કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની પણ ભલામણ કરેલ છે. કર્મ (અવિદ્યા) અને ઉપાસના (વિદ્યા)ના સમુચ્ચય દ્વારા સાધનાની તૃતીય ભૂમિકા- જ્ઞાનકાંડમાં પ્રવેશ થાય છે, તેમ પણ ઈશાવાસ્યોપનિષદમાં કહેલ છે –

વિદ્યા ચાવિદ્યાં ચ યસ્તદ્ વેદોભયં સહ ।

અવિદ્યયા મૃત્યું તીર્ત્વા વિદ્યયામૃતમશ્નુતે ॥

(3.11)

‘જે સાધક વિદ્યા (ઉપાસના) અને અવિદ્યા(કર્મ)ને સાથે જાણે છે (તેમનું અનુષ્ઠાન કરે છે) તે અવિદ્યા દ્વારા મૃત્યુને તરીને, વિદ્યા દ્વારા અમૃતને પામે છે.’

ઉપાસનાકાંડની આ દ્વિતીય કક્ષા દરમિયાન ક્રિયાત્મક પાસાનો સંકોચ થાય છે. જપાદિ કર્મો સૂક્ષ્મ અને ગહન બને છે. આ કક્ષામાં અંત:કરણ પ્રધાનભાગ ભજવે છે.

સાકાર ઉપાસના (પ્રતીકોપાસના) અને નિરાકાર ઉપાસના (અહંગ્રહોપાસના)- ઉપાસનાના આ બે પ્રધાન પ્રકારો છે છતાં તે બન્નેના પેટા પ્રકારો અનેક છે. પ્રતીકોપાસનાની અનેકવિધ પદ્ધતિઓ વિકસી છે અને અહંગ્રહોપાસનાનાં પણ અનેકવિધ સ્વરૂપો છે.

અધ્યાત્મની આ દ્વિતીય કક્ષા, પ્રથમ કક્ષા કરતાં વિકસિત છે, એ સાચું છે. પરંતુ એનો અર્થ એવો નથી કે પ્રથમ કક્ષા અર્થાત્ ક્રિયાકાંડનું મૂલ્ય ઓછું છે. પ્રથમ કક્ષાના પર્યાપ્ત પરિશીલનથી જ બીજી કક્ષામાં પ્રવેશ થાય છે. એટલે બીજી કક્ષાને વિકસિત માનીને, પ્રથમ કક્ષાની સાધનાનો સદંતર ઇનકાર કરાનાર વ્યક્તિ અધ્યાત્મના તત્ત્વને સમજી નથી, એમ ગણવું જોઈએ.

એટલું જ નહિ પણ એ હકીકત પણ સમજી લેવી જોઈએ કે ક્રિયાકાંડના પરિશીલનનો હેતુ આ દ્વિતીય કક્ષામાં પ્રવેશ છે. જીવનભર માત્ર પ્રથમ કક્ષામાં જ રમમાણ રહેનાર સાધક પણ અધ્યાત્મના અર્થ અને સ્વરૂપને સમજતા નથી, એ તથ્ય પણ સમજીને સ્મરણમાં રાખવું જોઈએ. પ્રથમ કક્ષા કર્મ અને દ્વિતીય કક્ષા ઉપાસનાના પર્યાપ્ત પરિશીલનથી તૃતીય કક્ષા, જ્ઞાનકાંડમાં પ્રવેશ થાય છે.

(3) સંપ્રસાદ

અધ્યાત્મની આ તૃતીય કક્ષાને ‘સંપ્રસાદ’ કહે છે. આ અવસ્થામાં કશુંક કરવું કે કશુંક અનુભવવું કે ચિંતન કરવું પ્રધાન નથી. પરંતુ ‘હોવું’ મુખ્ય છે. આ અવસ્થા ઝજ્ઞ બય ની અવસ્થા છે. વૈદિક પરંપરા પ્રમાણે આ અવસ્થાની સાધનાને જ્ઞાનકાંડ કહેેવામાં આવે છે. આ કક્ષાની શાસ્ત્રીય સંજ્ઞા ‘સ્વ:’ છે. આ ભૂમિકાની સાધનાના પ્રધાન દેવતા ‘સૂર્ય’ – જ્ઞાનના દેવ છે.

ચિત્તની વૃત્તિઓ જ્યારે પોતાના સ્વરૂપમાં પાછી ફરે અને સ્વસ્થાનમાં સમાઈ જાય ત્યારે ક્રિયાઓ બંધ પડે છે અને જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયની ત્રિપુટીનું ભેદન થતાં કશું અનુભવવાનું પણ હોતું નથી. આ અવસ્થામાં માત્ર સ્વસ્વરૂપમાં અવસ્થિત રહેવાનું હોય છે. પોતાના સ્વરૂપમાં અવસ્થિત રહેવાની અવસ્થાને જ સંપ્રસાદ કે જ્ઞાનાવસ્થા કહે છે.

સંપ્રસાદ કે જ્ઞાનની આ તૃતીય કક્ષા માત્ર ‘હોવાની’ અવસ્થા છે છતાં જ્ઞાનકાંડની કેટલીક સૂક્ષ્મ સાધનાઓ પણ છે. બ્રહ્મવિચાર દ્વારા બ્રાહ્મીસ્થિતિમાં પ્રતિષ્ઠિત થવું તે જ્ઞાનકાંડની પ્રધાન સાધના છે. જ્ઞાનકાંડ વસ્તુત: સાધનપ્રધાન નહિ પરંતુ પ્રમાણપ્રધાન કાંડ ગણાય છે. આ કક્ષાની સાધનામાં કશું કરવાનું કે કશું પામવાનું નથી પરંતુ જે છે તેનું માત્ર દર્શન કરવાનું છે.

વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણગ્રંથો કર્મકાંડના, આરણ્યક ગ્રંથો ઉપાસનાકાંડના અને ઉપનિષદો જ્ઞાનકાંડના ગ્રંથો ગણાય છે.

વૈદિક સોપાન પદ્ધતિની મહત્તા

વિશ્વભરની બધી જ આધ્યાત્મપદ્ધતિઓનો અભ્યાસ અને વિશ્ર્લેષણ કરવામાં આવે તો સર્વત્ર એવો એક ક્રમ જોવા મળે છે કે સાધનાની પ્રારંભિક અવસ્થામાં કોઈક પ્રકારની સાધના કરવામાં આવે છે. આ પ્રથમ અવસ્થા ક્રિયાકાંડ છે. કશુંક કરવાથી તેમાંથી કાંઈક નિષ્પન્ન થાય છે. આ દ્વિતીય અવસ્થા કાંઈક અનુભવવાની છે. તે અવસ્થા ઉપાસનાકાંડ છે અને આખરે કરવા તથા અનુભવવાથી પર ‘હોવાની’ અવસ્થામાં પહોંચવાનું છે. આ તૃતીય અવસ્થા જ્ઞાનકાંડ છે.

નામાભિધાન, અભિવ્યક્તિની પદ્ધતિ, સાધનાનાં બાહ્ય સ્વરૂપોમાં ખૂબ ભિન્નતા હોઈ શકે છે પરંતુ સાધનાનાં આ ત્રણ સોપાન સર્વત્ર કોઈ ને કોઈ સ્વરૂપે જોવા મળે છે.

વૈદિક સાધનાપદ્ધતિની આ રચના એટલી મૂલગામી છે કે તેની સોપાન-શ્રેણી કોઈ ને કોઈ સ્વરૂપે સર્વત્ર જોવા મળે છે.

અધ્યાત્મપુરુષોની સાધનાનો ઊંડાણથી વિચાર કરવામાં આવે તો તેમાં પણ આ ત્રણ સોપાનો સર્વત્ર જોવા મળે છે. દરેકની સાધનાના બહિરંગ સ્વરૂપમાં તથા સાધનાના સમયગાળામાં ભિન્નતા જોવા મળે છે. દા.ત. કોઈ કર્મકાંડમાં દશ વર્ષ સુધી રહે અને કોઈને માત્ર ચાર મહિનામાં પૂરું થાય. કોઈને ચાલીશ વર્ષના બ્રહ્મવિચારને અંતે નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થાય છે (તોતાપુરી) અને કોઈને માત્ર ત્રણ દિવસમાં તે જ અવસ્થા સિદ્ધ થાય છે (ઠાકુર શ્રી રામકૃષ્ણદેવ). આવી ભિન્નતા છતાં કર્મ, ઉપાસના અને જ્ઞાનની ત્રિવિધ સોપાન-શ્રેણી તો સર્વત્ર જોવા મળે છે. વૈદિક સોપાન-શ્રેણીની આ મહત્તા છે.

Total Views: 363

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.