(અનુવાદક : કુસુમબહેન પરમાર)

સેવક – શું અજપાનો અર્થ હંસ, સોઽહં નાદ કરવો એવો છે ?

મહારાજ – જે સદા સર્વદા ‘હરિ હરિ’ બોલે છે, તે શું અજપા થશે નહિ ?

સેવક સ્વામીજી રચિત ‘ૐ હ્રીં ઋતમ્’ વાંચે છે.

મહારાજ – જુઓ, આમાં પાઠાન્તર છે. સ્વામીજીની રચનામાં થોડી grammatical mistake હતી. તે સુધારી દેવામાં આવી છે. ‘વિવેકાનંદજીના સાંનિધ્યમાં’ નામના પુસ્તકમાં એક જગ્યાએ સ્વામીજી કહે છે : ‘લખાણ તપાસી લેજે, ભૂલ હોય તો સુધારી લેજે !’ તેથી શરત્ચન્દ્ર ચક્રવર્તીએ કહ્યું : ‘આપની ભૂલ અમે આર્ષ પ્રયોગ માનીશું.’ આપણે પણ સ્વામીજીના મૂળ લખાણને જ મહત્ત્વ આપીએ છીએ અને ભૂલને આર્ષ પ્રયોગ માનીએ છીએ.

03-01-1960

એક ભક્ત સ્વામીજીની તિથિપૂજા નિમિત્તે સભાનું આયોજન કરી રહ્યા છે.

મહારાજ – ખૂબ સારું, છોકરાઓને જણાવવું જરૂરી છે. કેવળ પ્રસાદ અને મહોત્સવ કરવાથી થઈ જશે? પ્રચાર ન રહે, તો કંઈ ટકે નહિ. હું પણ ઉત્સવ કરતો હતો.

જેમ બોરના ઝાડને પહેલાં હલાવવું પડે છે ત્યાર બાદ પડેલાં પાકાં બોરને વીણી લેવાં પડે છે. તેવી જ રીતે ઉત્સવમાં વિભિન્ન વર્ગના લોકો ભેગા થતા હતા. તેમાંથી છોકરાઓ પસંદ કરીને તેઓમાં ઠાકુર, મા, સ્વામીજીના ભાવનું આરોપણ કરવા પ્રયત્ન કરતો હતો. જે છોકરાઓનું ચિત્ત શુદ્ધ હશે, તેમના કાનમાંં ‘રામકૃષ્ણ’ નામ સારું લાગશે, તેઓને મુગ્ધ કરશે જ, કરશે જ. તેથી તો સ્વામીજી કહે છે – ‘ધમાલ મચાવી દો છો.’

05-01-1960

સેવક – મઠની નિયમાવલિમાં છે કે ઠાકુર સો વર્ષ આ શરીરમાં રહેશે. તો શું 100 વર્ષ પછી તેમનાં દર્શન નહીં થાય ?

મહારાજ – હું આનો બરાબર જવાબ આપી શકીશ નહિ. પરંતુ મારી ધારણા છે કે સ્વામીજી કહેવા માગતા હતા – ઠાકુર 100 વર્ષ સુધી સૂક્ષ્મ શરીરે રહેશે. ત્યાર બાદ કારણ શરીરમાં ચાલ્યા જશે. અથાર્ર્ત્ જેટલા દિવસ સૂક્ષ્મ શરીરમાં રહેશે તેટલા દિવસોમાં તેમને સહજતાથી પામી શકાશે. પરંતુ કારણ શરીરમાં ગયા પછી સહજતાથી પામી શકાશે નહિ.

સેવક – ઠાકુરનાં દર્શન તો થઈ શકશે, એટલે સુધી કે સ્પર્શ કરીને પણ જોઈ શકાશે, જેમ વિજય ગોસ્વામીએ દર્શન કર્યાં હતાં. પરંતુ સ્વામી શિવાનંદ, સ્વામી વિશુદ્ધાનંદને પણ એ જ રીતે જોઈ શકાશે ?

મહારાજ – શા માટે ન જોઈ શકાય ? એ  પરબ્રહ્મનું જેવી રીતે ધ્યાન કરશે બરાબર તેવી જ રીતે દર્શન કરશે. ‘યે યથા માં…’ પરંતુ ઠાકુરનાં દર્શન કરવાં અને સ્વામી શિવાનંદનાં દર્શન કરવાં બંને એક નથી. તે બીજા એક રાજ્યની વાત છે. દેહ, પ્રાણ, મનથી અતીત થઈને શુદ્ધ બુદ્ધિમાં પ્રવેશ કર્યા પછી આ બધાં દર્શન થાય છે.

સેવક – મહારાજ, શું નંદલાલ બોસ, યદુ મલ્લિકના જીવનમાં પછીથી પરિવર્તન થયું હતું ?

મહારાજ – ચોક્કસ જ. ઠાકુરે જેમના તરફ દૃષ્ટિ કરી છે તેમની મુક્તિ થશે જ.

સેવક – કેવળ દૃષ્ટિથી જ થશે?

મહારાજ – ‘વીક્ષણે મોહ જાય’ અવતારોની કેવળ દૃષ્ટિથી જ મુક્તિ થશે.

સેવક – મહારાજ, ઠાકુરના સમયમાં દક્ષિણેશ્ર્વર કાલીમંદિરમાં જેઓ હતા તેમની પણ મુક્તિ થશે ?

મહારાજ – ના, જેમના પર ઠાકુરની કૃપાદૃષ્ટિ હતી માત્ર તેમની થશે.

સેવક – યદુ મલ્લિક ઉપર શું કૃપાદૃષ્ટિ હતી ?

મહારાજ – શું ન હતી ? તેઓ સ્વયં તેના ઘરે ગયા હતા. યદુલાલ વચ્ચે થોડા ભોગોન્મુખ થયા હતા. પછી સુધરી ગયા હતા. પરંતુ તે પણ નિવૃત્તિમૂલક છે. થોડો ભોગ બાકી હતો, થઈ ગયો. આપણાં જે બધાં કર્મ છે તે બધાં કર્મક્ષય માટે છે, તે કર્મ સમાપ્ત કરવા માટે ભોગ છે, આ ક્ષયકારી કર્મ છે એનાથી આ જ જન્મમાં, બહુ તો બીજા જન્મમાં મુક્તિ થશે.

સેવક – મહારાજ, આપણા સંઘમાં આ બધાં કામકાજ વધી રહ્યાં છે, એ સારું કે ખરાબ ?

મહારાજ – સારું જ છે. અમારામાં જો ખરેખરો વૈરાગ્ય હોત તો કોઈ હિસાબે આટલું બધું કામ વધત નહિ. અસલમાં વૈરાગ્ય નથી. તેથી ક્ષયકારી કર્મ સારું જ થાય છે.

સેવક – આ બધાં કામ કરતાં કોઈ જો ઠાકુુરના ભાવ સાથે થોડું (compromise) – બાંધછોડ કરીને કામ કરે છે, તો તેનાથી તેની કેવી ગતિ થશે ?

મહારાજ – વ્યક્તિગત રીતે કર્મફળ ભોગવવું પડશે.

07-01-1960

સેવક – પરાણે શું કોઈનું ભલું કરી શકાય ?

મહારાજ – તો પછી સાંભળો, પેલો છોકરો કામ કરે છે, તેને સારો કરીશ તેમ મેં નક્કી કર્યું છે. તેની પાછળ પડીને પરીક્ષા પણ અપાવી. પરંતુ તે પોતાનું મન તે તરફ લગાડતો જ નથી.

હવે તે મને જોતાં વેંત બહાનાં બનાવીને અહીંતહીં છટકી જાય છે. જે છોકરો શાકભાજી સમારે, વાસણ ઘસે તેના માટે પ્રયત્ન કર્યો. તે હવે બે વાર ઠાકુરને પ્રણામ કરે છે. તેને ઠાકુરનો ફોટો આપ્યો છે. એમ લાગે છે કે તે હવે લગ્ન કરશે નહિ. ચંદનકાષ્ઠને પણ ઘડવું પડે, નહિ તો સુંદર ન બને.

હું મારા પલંગ અને બેંચના પાયા બતાવું છું. એક જ લાકડું બે પ્રકારનું રૂપ ધારણ કરે છે. પ્રત્યેકની અંદર ઈશ્વર છે. તો પણ બધાને રૂપાંતરિત કરી શકાય નહિ. આ જુઓ ને, આ છોકરો જે સારું સમજે તે જ કરે. તેને માત્ર તેના ગુણો દેખાડી શકાય; જેથી તે પોતાની ઉન્નતિનો માર્ગ શોધી શકે.

સાંજે વેદાંત મઠના સ્વામી શંકરાનંદ આવ્યા છે; તેઓ પ્રેમેશ મહારાજના પૂર્વપરિચિત છે. સિલેટમાં નિવાસ દરમ્યાન તેમની પાસે વચ્ચે વચ્ચે જતા. તેમણે ઇતિહાસમાં કેટલીય શોધખોળ કરી છે અને સ્વામી અભેદાનંદ મહારાજની પાસેથી દીક્ષા લઈને વેદાંત મઠમાં જોડાયા હતા.

સ્વામી શંકરાનંદ – અભેદાનંદ મહારાજ સંબંધે શરત મહારાજે જે રીતે સ્વામીજી દ્વારા શક્તિસંચારનું વર્ણન કર્યું છે, તે બાબત કંઈક કહો.

પ્રેમેશ મહારાજ – અભેદાનંદ મહારાજે જેઓને દીક્ષા આપી છે, તેમની મુક્તિ નિશ્ર્ચિત. અને તેમને apostolic mood -માં અમેરિકામાં બહુ સમય સુધી રહેવું પડ્યું હતું. પચીસ વર્ષ સુધી બહિર્મુખી લોકોની સાથે રહેવાથી તેમના શરીર પર પ્રતિક્રિયા થઈ હતી, જેમ કે ઠાકુર, મા અને સ્વામીજીના શરીરે થયું હતું. સ્વામીજીએ કોઈ એક જગ્યાએ કહ્યું છે, ‘પ્રતિક્રિયા સ્થૂળ શરીરનું અતિક્રમણ કરીને સૂક્ષ્મ શરીરને પણ પ્રભાવિત કરી શકે છે.’                                             (ક્રમશ:)

Total Views: 340

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.