જનગણમન-અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા !

પંજાબ  સિન્ધુ  ગુજરાત  મરાઠા,  દ્રાવિડ  ઉત્કલ  બંગ !

વિન્ધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધિ તરંગ  !

તવ  શુભ  નામે  જાગે,  તવ  શુભ  આશિષ  માગે !

ગાહે તવ  જય ગાથા!

જનગણ – મંગલદાયક જય હે  ભારત ભાગ્યવિધાતા

જય હે ! જય હે ! જય હે ! જય જય જય જય હે !

આ રચનાના શબ્દો બંગાળી ભાષાના છે. તેનો ભાવાર્થ નીચે મુજબ છે –

(આ) પંજાબ, સિંધ, ગુજરાત, મહારાષ્ટ્ર, દ્રાવિડ, ઓરિસ્સા અને બંગાળના (લોકો) (તથા)  વિંધ્યાચલ, હિમાલય, યમુના, ગંગા અને છલકાતા તરંગોવાળો સમુદ્ર, (એ પ્રદેશનાં સર્વ નિવાસીઓ) તમારા શુભ નામથી (શ્રવણથી) જાગે છે અને તમારા શુભ આશિષ માગે છે તેમજ વિજયનું ગાન ગાય છે. હે જનસમુદાયના મંગલદાતા! હે ભારતના ભાગ્યવિધાતા! જય થાઓ! વારંવાર તમારો જય થાઓ !

રાષ્ટ્રગીતનો આશય રાષ્ટ્રની એકતા સિદ્ધ કરવાનો હોય છે. ભૌતિક બળ કરતાં રાષ્ટ્રિય ઐક્ય મોટામાં મોટું બળ છે. આક્રમણ ઉપરાંત આંતરિક સુખ, સલામતી અને સમૃદ્ધિ માટે રાષ્ટ્રિય ઐક્ય હવા-પાણી અને અન્ન જેટલું જ મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય છે.

આ ગીત મૂળમાં 31 પંક્તિઓનું છે. તેની શરૂઆતની સાત પંક્તિઓ આપણું રાષ્ટ્રગીત છે. આ ગીતના રચયિતા છે શ્રી રવીન્દ્રનાથ ટાગોર. તેઓ મહાન કવિ તો હતા જ, સાથે સાથે સાચા દેશભક્ત હોવાને કારણે તેમના આ ગીતમાં રાષ્ટ્રદૃષ્ટિ સાથે રાષ્ટ્રભક્તિ પણ ભળી છે. આ ગીતની રચના પૂર્વે તેમણે રચેલાં કે બીજાએ રચેલાં ગીતો તેઓ રાષ્ટ્રિય સમારંભોમાં ગાતા. આ ગીત રચ્યા પહેલાં તેમણે પ્રાંતભક્તિ અને રાષ્ટ્રભક્તિનાં અનેક ગીતો રચ્યાં હતાં.

આ ગીતના પ્રથમ શબ્દોના આધારે તેનું નામકરણ થયું ‘જનગણમન’વાળું રાષ્ટ્રગીત. આ ગીતની રચના એ આકસ્મિક ઘટના નથી. તા. 27-12-1911 ના દિવસે કોલકાતામાં ભરાયેલા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના 26મા અધિવેશનમાં ગાવા માટે તેમણે આ ગીત રચ્યું હતું. આ ગીત રાગ કૌરસ – તાલ ધુમાળી તેમ જ રાગ મિશ્ર ખમાજ અને તાલ ત્રિતાલમાં પણ ગાઈ શકાય છે. કવિવર ટાગોરનો કંઠ કોકિલ-મધુર હતો. તેમને ગાવાનો શોખ હતો.

26મા અધિવેશનમાં આ ગીત ગવાતાં લોકોને એ ખૂબ ગમ્યું. અવારનવાર એ ગવાતું રહ્યું. રાષ્ટ્રિય સમારંભો, સંમેલનો અને પરિષદોમાં તેઓ ગીતો અને રાષ્ટ્રિય ગીતો ગાતા. આ માટે એમને સામેથી આમંત્રણો પણ મળતાં.

ગીતના પ્રથમ ગાન બાદ બરાબર 36 વર્ષે એટલે કે તા. 14-8-1947 ની મધરાતે ભારતીય બંધારણ સભાના ઐતિહાસિક અધિવેશનમાં વિશિષ્ટ પરિસ્થિતિમાં ગવાયું કારણ કે સ્વરાજ્ય પ્રાપ્તિ પૂર્વેનું આપણું રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ હતું. તા. 24-1-1950થી બંધારણીય રીતે આપણું રાષ્ટ્રગીત ‘જનગણમન’ બન્યું છે.

હવે ગીત-રચનાની સમીક્ષા જોઈએ.

ગીતની બીજી પંક્તિમાં ભારતવર્ષનાં ભૌગોલિક સ્થાનો-પ્રદેશોનાં નામ છે. અખંડ  ભારતના ભાગલા પડતાં ‘સિંધ’નો ઇતિહાસ પલટાઈ ગયો. એટલે રાષ્ટ્રગીતની એ પંક્તિમાં ‘સિંધુ’નો સમાવેશ કર્યો.

પછીની પંક્તિ ‘વિન્ધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધિ તરંગ’માં દક્ષિણના વિન્ધ્યાચલ પર્વત અને ઉત્તરના હિમાલયનો ઉલ્લેખ છે. તે બન્ને છે ભારતના સંત્રીઓ, આપણી સંસ્કૃતિના સંરક્ષકો. એ પર્વતોના ઉલ્લેખથી ભારતમાતાની વિરાટ મૂર્તિ તાદૃશ થાય છે.વિન્ધ્યાચલની સ્મૃતિથી દક્ષિણ ભારતની પ્રાચીન સંસ્કૃતિ તાજી થાય છે. હિમાલય એટલે આર્યોનું આદ્યસ્થાન, ઋષિઓની તપોભૂમિ, ભૂલોકનું સ્વર્ગ, ધર્મનું પિયર, સાધકોનું મોસાળ, અવધૂતોનું અંતિમસ્થાન, નદીઓનો પિતા અને મહાદેવનું મહાધામ.

વિન્ધ્ય-હિમાચલ પછી આપણી સંસ્કૃતિની શિરા-ધમની જેવી ‘લોકમાતા’ એટલે ગંગા-યમુનાને યાદ કરે છે. આ લોકમાતાઓ સાથે ભારતવર્ષની અનેકાનેક ઐતિહાસિક, પૌરાણિક, વૈદિક, ધાર્મિક કથાઓ સંકળાયેલી છે.

પ્રાચીન પર્વતો અને પાવનકારી નદીઓના સ્મરણ પછી કવિવર ટાગોર સમૃદ્ધ સાગરકિનારાની વાત કરે છે ‘ઉચ્છલ જલધિ તરંગ’. વિન્ધ્ય-હિમાચલની સ્મૃતિ આવતાં મુખ-મન ભરાઈ જાય છે. ગંગા-યમુનાનું સ્મરણ થતાં જ ઉચ્ચારણમાં પ્રવાહિતા અને પ્રવેગ આવે છે. ‘ઉચ્છલ જલધિ તરંગ’માં હિલોળે ચઢતા સમુદ્ર-તરંગોનો સંસ્પર્શ અનુભવાય છે. આમ કહીએ તો-હે ભારતભૂમિ ! ઉચ્ચ પર્વતો તારા પાવન નામનો પ્રતિધ્વનિ કરે છે, પવિત્ર નદીઓમાં તારું સંગીત રેલાય છે. હજારો જીહ્વાઓ દ્વારા સમુદ્ર તારું ગાન કરે છે.

આમ કવિવર ટાગોર રાષ્ટ્રગીતમાં પર્વતો, નદીઓ અને મહાસાગરથી પરિવેષ્ટિત, વિભૂષિત, પલ્લવિત જન્મભૂમિના ભૌગોલિક અને પ્રાકૃતિક વિરાટ સ્વરૂપને ચિત્રાત્મક કલ્પના દ્વારા મૂર્ત સ્વરૂપે આકારિત કરે છે.

પ્રાકૃતિક વિરાટ સ્વરૂપના વર્ણન સાથે વાત આવે છે ભારતના માનવસર્જિત પ્રાંતોની – ‘પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ બંગ’. આ ઉલ્લેખ કેવળ ગણતરી પૂરતો નથી. એના સ્મરણ સાથે ભારતના વિરાટ દેહનો ખ્યાલ આવે છે. એકતામાં અનેકતા અને અનેકતામાં એકતા, એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. વિવિધતામાં વિચિત્રતા, વિશિષ્ટતા અને નવિનતાની રંગપૂરણી રહેલી છે. વિભિન્નતાની મધ્યે સંવાદી એકતા રહેલી છે. સારસંગ્રહ, સંવાદિતા, સમુચ્ચય, સમાસ એ ભારતીય સંસ્કરિતાનું વ્યાવર્તક લક્ષણ છે,  જીવંતપણાનું ચિહ્ન છે.

‘ઓ ભારત માતા ! તારું પવિત્ર નામ સાંભળતાં જ ભિન્ન ભિન્ન વિશિષ્ટતાવાળા પ્રાંતોનાં હૃદય એકતારે ગૂંજી ઊઠે છે.’

આમ આ રાષ્ટ્રગીતમાં આશિષ છે, પ્રશસ્તિ  છે. પ્રકૃતિ અને માનવકૃતિથી સર્જાયેલ આ માતૃભૂમિ  પોતાના ભાગ્યવિધાતાની શુભ આશિષ અને તેનું સદા ઉદિત યશોગાન ગાય છે. સમગ્ર ગીતનું આ સારતત્ત્વ છે. આ ગીતમાં સાત્ત્વિક દેશભક્તિ, પુષ્ટ પ્રેરણા અને ઉચ્ચ કક્ષાનું ઉદ્‌બોધન છે, વિશ્વમાનવને આશ્ર્લેષતી મનીષા છે, તેના સંગીતમાં ગતિ છે, ગાનમાં માધુર્ય છે, લયમાં જીવંતપણું છે, શબ્દોમાં પ્રાણ છે.

છેલ્લી પંક્તિમાં કવિવર ટાગોર ઔચિત્યપૂર્વક લખે છે – ‘જનગણ મંગલદાયક જય હે ભારત ભગ્યવિધાતા!’   અર્થાત્  જનસમુદાયનું કલ્યાણ  કરનાર  હે  ભારત-ભાગ્યવિધાતા! તારો જય હો! જય હો! જય હો! અહીં ‘કલ્યાણ’ શબ્દ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ભારતવર્ષનો સનાતન સંદેશ છે કલ્યાણ. ભારતનું કલ્યાણ,  ભારત દ્વારા સમગ્ર સંસારનું કલ્યાણ, સર્વનું કલ્યાણ. ભારતની રાષ્ટ્રિયતા એક ધર્મ છે, ભાવના છે. કવિવરે ‘જનગણ મંગલદાયક જય હે’  પંક્તિમાં આ પવિત્ર ભાવનાનો યશ ગાયો છે. આ યશ એક વખત નહીં  પણ સાત વખત ગાયો છે. ‘ જય હે ! જય હે ! જય હે ! જય જય જય જય હે !’

તા. 24-1-1950થી બંધારણીય રીતે આપણું રાષ્ટ્રગીત ‘જનગણમન’ બન્યું છે. આ પહેલાં ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત ગણવામાં આવતું  હતું. ‘વંદે માતરમ્’ ગીતના રચયિતા છે શ્રી બંકિમચન્દ્ર  ચટ્ટોપાધ્યાય. ઈ.સ. 1882માં પ્રકાશિત થયેલી તેમની વિખ્યાત નવલકથા ‘આનંદ મઠ’માં આ ગીત આવે છે. અત્યાર સુધીમાં તે બે-ત્રણ રાગમાં ગવાયું છે. કેટલાક રાગ કાફી-દીપચંદીમાં અને કેટલાક રાગ-મિશ્ર ઝિંઝોટી તાલ-કેરવામાં ગાય છે. આ ગીતે ભારતીય સ્વતંત્રતાના સંગ્રામમાં ઐતિહાસિક રીતે ભાગ ભજવ્યો છે. ‘જનગણમન’વાળું રાષ્ટ્રગીત સ્વીકારાયું નહોતું ત્યાં સુધી ‘વંદે માતરમ્’ ગીતની જ બોલબાલા હતી. જો કે હજીય ‘જનગણમન’વાળા રાષ્ટ્રગીત સાથે તેનું સત્તાવાર સ્થાન છે જ. ‘વંદે માતરમ્’ ગીત નીચે મુજબ છે –

વંદે માતરમ્, સુજલાં સુફલાં મલયજ શીતલાં

શસ્ય શ્યામલાં માતરમ્

શુભ્ર જ્યોત્સના પુલકિત યામિનિં

ફુલ્લ કુસુમિત દ્રુમદલ શોભિનીમ્

સુહાસિનીં સુમધુર ભાષિણીં

સુખદાં વરદાં માતરમ્ – વન્દે. ઇત્યાદિ.

ભાવાર્થ –  હું માતાને વંદન કરું છું-જે ભૂમિનું જળ સ્વચ્છ છે, જે ભૂમિ ફળોથી પરિપૂર્ણ છે અને જે (ભૂમિ) ચંદન જેવી શીતળ છે-મલય પર્વત પરથી આવતા (પવનોથી) જે શીતલ છે-જે ભૂમિ ધાન્ય (ક્ષેત્રો) થી શ્યામલ છે તે માતાને હું વંદન કરું છું – ઇત્યાદિ.

આ રાષ્ટ્રગીતમાં માનવ ભાગ્યવિધાતાના પરમ ‘વિશ્વેશ્ર્વર’-ને જ કવિ ઉદ્‌બોધન કરે છે – જે દુન્યવી સમ્રાટના પણ સમ્રાટ છે.

દેશબંધુ દાસે આ રાષ્ટ્રગીતને ‘હિંદની ભવ્યતા અને હિંદુના વિજયગીત’ તરીકે બિરદાવ્યું હતું.

જનતા, જનસમુદાય, નરદેવતાના અંતરમાં નિરંતર અધિષ્ઠિત મહાપ્રાણ એ જ ભારતના ભાગ્યને ઘડનારું મહાનતમ દૈવત! કવિને માનવીના- અરે, સમાન્ય માનવીના ગૌરવમાં કેટલી અમાપ શ્રદ્ધા છે! આને પ્રજાશાહી કહો, લોકશાહી કહો કે કહો જનતા-જનાર્દનનો વિજય!  અનેક ભાષા, અનેક ધર્મ, અનેક સંપ્રદાય, અનેકવિધ આચારવિચાર ધરાવતા આ દેશમાં જો રાષ્ટ્રિય ઐક્ય સિદ્ધ થવાનું હોય તો તે પ્રત્યેક નાગરિકના ‘જનગણમન’ના સદ્ધર ઘડતર દ્વારા જ.

આ રાષ્ટ્રગીત બંગાળીભાષામાં હોવા છતાં ભારતનાં સર્વ રાજ્યોની માન્ય વિવિધ ભાષાના લોકોને સમજવામાં ખાસ દુષ્કર નથી. રાષ્ટ્રગીતનો પ્રાણ-સંબંધ દેવગિરા સંસ્કૃત સાથે છે તેથી તેને કોઈપણ રાજ્યભાષાનો નાગરિક સમજી શકે છે. આ રાષ્ટ્રગીતમાંથી કવિવર ટાગોરની ધાર્મિકતા, આસ્તિકતા, શ્રદ્ધા, નિષ્ઠા, રાષ્ટ્રગૌરવ, માનવતા વગેરે સ્ફૂરી રહ્યાં છે. ભારતનું સમગ્ર આકાશ-મંડળ આ રાષ્ટ્રગીતથી ગૂંજી ઊઠો એવી મહત્ત્વાકાંક્ષા.

ભારતીય રાષ્ટ્રગીત અંગેના કેટલાક નિયમો છે.

સ્વરલિપિ અનુસાર રાષ્ટ્રગીતની લઢણ હોવી જોઈએ. રાષ્ટ્રગીત ધીરે ધીરે પરંતુ ઊંચે સાદે ગવાવું જોઈએ. જ્યાં રાષ્ટ્રગીતનું યોગ્ય માન ન જળવાય તેવા સ્થળે ન ગવાવું જોઈએ. રાષ્ટ્રગીત ગવાતું હોય તો સંભળાઈ શકે એટલે દૂરથી દરેક વ્યક્તિએ ‘હોશિયાર’ની સ્થિતિમાં ઊભા રહેવું  જોઈએ. ઘરમાં રહી સાંભળનાર વ્યક્તિએ સ્વસ્થ આસને બેસવું જોઈએ. ગીત ગવાતું  હોય ત્યારે કોઈ પણ જાતનો અવાજ કરવો નહીં કે હાલવું – ચાલવું પણ નહિ. નિયમ એવો છે કે રાષ્ટ્રગીત સમૂહમાં જ ગવાવું જોઈએ. રાષ્ટ્રગીત વાજિંત્ર સાથે ગવાતું હોય ત્યારે સર્વેએ શાંતિથી ઊભા રહેવું જોઈએ.

Total Views: 761

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.