તમારાં કાર્યોમાં અને બોલચાલમાં સરળ બનો. તમે બડભાગી છો એવો તમને અનુભવ થશે! તેમના આશીર્વાદ તો પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ પર હંમેશાં વરસી રહ્યા છે. તેને માટે માગણી કરવાની જરૂર નથી. અંત:કરણપૂર્વક ધ્યાન ધરો એટલે ઈશ્વરની અપાર દયા તમારી સમજમાં આવશે. ઈશ્વર તો સરળતા, સાધુતા અને પ્રેમ માગે છે. ઉપલકિયા શબ્દોના બબડાટ તેમના પર અસર પાડી શકતા નથી.

ઈશ્વર સાક્ષાત્કારના સંબંધમાં માતાજીએ કહ્યું છે : ‘વત્સ ! એ કેવો છે તેની ખબર છે ? એ તો બાળકના હાથમાંના સાકરના ગાંગડા જેવો છે. એ આપી દેવા ઘણા માણસો તેને વીનવે છે, પણ તેમનામાંથી કોઈને તે આપતું નથી. પરંતુ તેમ છતાં ગમે તેને તે એકદમ આપી પણ દે છે. કોઈ માણસ ઈશ્વરના સાક્ષાત્કાર માટે આખી જિંદગી આકરી તપસ્યા કરે છે, પણ તે સફળ થતો નથી. જ્યારે બીજા કોઈને બહુ જ થોડે પ્રયત્ને સાક્ષાત્કાર થઈ જાય છે. તેનો આધાર ઈશ્વરની કૃપા ઉપર છે, મરજી પડે તેના ઉપર એમની કૃપા થઈ જાય છે. કૃપા એ જ મુખ્ય વસ્તુ છે.’

જેણે એકવાર પણ ભગવાનની ખરેખરી પ્રાર્થના કરી છે, તેને કંઈ બીવાનું રહેતું નથી. અહર્નિશ પ્રાર્થના કરવાથી તેમની કૃપા દ્વારા પ્રેમભક્તિનો ઉદય થાય છે. બેટા ! આ પ્રેમ જ આધ્યાત્મિક જીવનનું સારતત્ત્વ છે, વૃંદાવનની ગોપીઓને તે પ્રાપ્ત થયું હતું. સંસારમાં શ્રીકૃષ્ણ સિવાય તેમને બીજી કોઈ વાતનું ભાન ન હતું.

દરેક જણ નિસાસો નાખીને કહે છે કે, ‘આ સંસારમાં આટલું બધું દુ:ખ છે. અમે ઈશ્વરની આટલી બધી પ્રાર્થના કરી, તેમ છતાં દુ:ખનો પાર નથી.’ પરંતુ દુ:ખ તો ઈશ્વરની બક્ષિસ છે. એ તો તેમની કરુણાનું પ્રતીક છે.

ભગવાનની દયા એ જ જરૂરની વસ્તુ છે. ભગવાનની કૃપા માટે જ માગણી કરવી.

મનુષ્ય-અવતારમાં ક્યાંય પણ સુખ નથી. ખરેખર સંસાર દુ:ખથી ભરેલો છે, સુખ તો નામનું જ છે. જેના ઉપર ઠાકુરની દયા થઈ છે, તે જ તેમને સાક્ષાત્ ઈશ્વરરૂપે ઓળખી શક્યા છે, અને યાદ રાખો કે એ જ એક માત્ર સુખ છે.

તમે જુઓ છો ને કે નીચાણમાં જવું એ પાણીનો સ્વભાવ છે, પણ સૂર્યનાં કિરણો તેને ઊંચે આકાશ તરફ લઈ જાય છે. તે જ રીતે હલકી વસ્તુઓ તરફ-ભોગના પદાર્થો તરફ જવું એ તો મનનો સ્વભાવ જ છે, પરંતુ ઈશ્વરની દયા મનને ઉચ્ચ વિષયો તરફ વાળી શકે છે.

ઈશ્વર પ્રત્યેના પ્રેમનો આધાર પોતાની આંતરિક લાગણી ઉપર છે. ઈશ્વર પ્રત્યે અનુરાગ એ જ મુખ્ય વાત છે.

વૃંદાવનમાં ગોપબાળકોને શું જપ અને ધ્યાન દ્વારા શ્રીકૃષ્ણની તેમના પોતાના સ્વજન તરીકે પ્રાપ્તિ થઈ હતી? પ્રેમાભક્તિ દ્વારા જ તેમને ભગવાન મળ્યા હતા.                                                   (દિવ્યકૃપા, 10-12,56)

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.