હજુ હમણાં જ શ્રીકૃષ્ણ અને બલરામ ગુરુને આશ્રમેથી વિદ્યા પ્રાપ્ત કરીને મથુરા પાછા ફર્યા છે. મથુરા આવ્યા ત્યારથી શ્રીકૃષ્ણ વ્રજને યાદ કરી ઘણા વ્યાકુળ રહે છે. ત્યાંની યમુના, પુલિન, ગોકુળની ગલીઓ, ગોવર્ધન, ગોષ્ઠ, ગાયો, ગોપસખા, ગોપીઓ અને માતા-પિતાનું સ્મરણ થતાં ઉદાસ રહે છે. વ્રજજનોના જીવન-સર્વસ્વ એવા શ્રીકૃષ્ણને ઘણા દિવસથી તેઓના કશા સમાચાર મળ્યા નથી. બધા કુશળ તો હશે ને?

મથુરામાં સવારે વ્રજચંદ્ર શ્રીકૃષ્ણ યમુનામાં નહાવા જાય છે, ત્યારે વૃંદાવનમાં યમુનાને તીરે ગોપસખાઓ સાથે કરેલી ક્રીડા યાદ આવે છે. માતા-પિતાના અને ગોપીઓના પ્રેમની મધુર સ્મૃતિ આજે જીવંત બની પ્રભુના હૃદયમાં ઊભરાઈ આવી છે, કોઈ પ્રકારે ભૂલી શકાતી નથી. શા માટે શ્રીકૃષ્ણ આજ આટલા વ્યાકુળ છે? કારણ, શ્રીકૃષ્ણ-વિરહમાં ડૂબેલા વ્રજજનોની વેદના આજ તીવ્ર બની છે. પ્રભુના હૃદયને સ્પર્શ કરી તેમને વ્યથિત બનાવી દીધા છે. નિત્ય નિયમ મુજબ આજ શ્રીકૃષ્ણ રાજસભામાં આવ્યા છે, પણ રાજસભામાં એમનું મન લાગતું નથી. આજ એમનાં મન અને અંતર વ્રજની યાદથી ભરાઈ આવ્યાં છે. રાજકાર્ય પૂરું કર્યા વિના તેઓ સભામાંથી ઊઠી ગયા. ઇશારાથી ઉદ્ધવને બોલાવી મહેલના અંદરના ખંડમાં લઈ ગયા.

ઉદ્ધવ શ્રીકૃષ્ણના કાકા દેવભાગના પુત્ર હતા. નાનપણથી જ શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. બૃહસ્પતિના શિષ્ય હોવાથી પાંડિત્યમાં પણ સર્વશ્રેષ્ઠ. વળી તેઓ વૃષ્ણિવંશના મંત્રી તેમજ સર્વ વિષયના સલાહકાર હતા. આજ શ્રીકૃષ્ણ પોતાના પ્રિય સખા ઉદ્ધવને લઈ મહેલમાં એકાંત સ્થળે, તેનો હાથ પોતાના હાથમાં લઈને બેઠા છે. ભાવાવેશમાં તેમનો કંઠ રુંધાઈ ગયો, વાણી ગદ્ગદ થઈ ગઈ. પોતાના હૃદયની વાત કરવા માટે તત્પર છતાં બોલી શકતા નથી. ઉદ્ધવ પ્રભુના  હૃદયના ભાવો હાથના સ્પર્શ દ્વારા અનુભવવા લાગ્યા. આજ તેમને પ્રભુના અભિનવ સ્વરૂપનાં દર્શન થયાં, જે તેમને ક્યારેય પ્રાપ્ત થયાં ન હતાં.

શા માટે શ્રીકૃષ્ણ આજે વ્યાકુળ છે ? આજ તેઓ શી વ્યથા અનુભવી રહ્યા છે ? શ્રીકૃષ્ણ હૃદયનો ભાવ સમાવી વેદનાભર્યા સ્વરે બોલ્યા, ‘હે ઉદ્ધવ, હે સૌમ્ય, તમે વ્રજમાં જાઓ.’ ભગવાનનાં દુ:ખમાં, વિષાદમાં સાંત્વના આપે તેવા શાંત, ધીર-ગંભીર, સ્નિગ્ધ હૃદયવાળા ઉદ્ધવને પ્રભુ ‘સૌમ્ય’ કહી બોલાવતા. તેમને વ્રજમાં જવા માટે આદેશ આપે છે, ‘મારા માતા-પિતા મારા વિયોગથી દુ:ખી હશે. મારા વિરહમાં તેઓનું જીવન અસહ્ય વેદનાથી ભરેલું હશે. તમે વ્રજમાં જઈ મારા કુશળ સમાચાર આપી તેઓનું દુ:ખ દૂર કરો. તેઓનો વાત્સલ્યપ્રેમ હું કેમે કરી ભૂલી શકતો નથી.’

શ્રીકૃષ્ણની વાત સાંભળી નંદ-યશોદા પ્રત્યે ઉદ્ધવના હૃદયમાં ભક્તિ અને પૂજ્યભાવ ઉત્પન્ન થયાં. તેઓના હૃદયમાંથી શ્રીકૃષ્ણ પ્રત્યેનો પુત્રભાવ શેષ કરી, ઈશ્વરભાવ જગાવવા માટે ભગવાનની ઐશ્ર્વર્યશક્તિ પણ સમર્થ ન હતી. વ્રજમાં બાલગોપાલે માટી ખાવાની લીલા કરી, મા યશોદાને મુખમાં વિશ્વરૂપ દર્શન કરાવ્યાં ત્યારે તેમનો વાત્સલ્યપ્રેમ ઓછો થયો ન હતો. ગોપબાળકો સાથે વનમાં અનેક લીલા કરી ત્યારે પણ તેઓનો સખ્યભાવ ક્ષીણ થયો ન હતો. ત્રિલોકમાં તુલનારહિત એ વ્રજજનોના પ્રેમ પાસે ઈશ્વરત્વ લઘુ થઈ ગયું ! વ્રજમાં શ્રીકૃષ્ણ નિત્ય નાના થઈને રહ્યા છે. વ્રજજનોના પ્રેમનું આસ્વાદન કરવા ઐશ્ર્વર્યને યોગમાયા દ્વારા ઢાંકી રાખ્યું છે. મથુરામાં કંસવધ પછી પિતા નંદજીને વિદાય આપતાં તેમણે કહ્યું કે, ‘યાદવોની સુખ-સંભાળ કરી હું ફરી વ્રજમાં આવીશ.’

શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે, ‘તમે વ્રજમાં જઈ ગોપીઓને મારા કુશળ સમાચાર આપો. વિરહિણી ગોપીઓને તેનાથી પરમ સાંત્વના મળશે. તેઓને માટે આથી વધારે આનંદના સમાચાર બીજા કશા નથી. મારી કથા જ તેઓના વિરહવ્યાધિનું એક માત્ર ઔષધ છે. તેઓએ પોતાનાં દેહ, મન, પ્રાણ, જીવન સર્વ મને અર્પણ કરી દીધાં છે. હું જ તેઓનો આત્મા છું, પ્રાણ છું, જીવન સર્વસ્વ છું. તેઓ સર્વસ્વનો ત્યાગ કરી મારે શરણે આવેલી છે. તેઓ જે કંઈ કરે છે તે મારી સેવા અર્થે, મને આનંદ આપવા કરે છે. પ્રિય ઉદ્ધવ, મારાં દર્શન વિના એક પળ તેઓને યુગ સમાન લાગતી. મારા રૂપનું દર્શન કરતાં આંખની પલક આડે આવતી ત્યારે તેના સર્જક બ્રહ્માની નિંદા કરતી.’

પ્રભુ આગળ કહે છે, ‘એ ગોપીઓને છોડી મને મથુરા આવ્યાને ઘણા દિવસો થયા છતાં વિરહ-વેદનામાં પણ તેઓના પ્રાણ ટકી રહ્યા છે.’ વિરહ અને મિલનનો સૂક્ષ્મભાવ ઉદ્ધવને સમજાવતાં કહે છે, ‘જ્યારે ગોપીઓ વિરહભાવમાં આવે ત્યારે મૂર્છિત થઈ જાય છે અને તે સમયે અંતરમાં મિલનભાવ અનુભવે છે. પણ તેનાથી તૃપ્તિ થાય નહીં. જ્યારે બાહ્યદશામાં હોય ત્યારે મને સુખ આપવા, મારી સેવા કરવા, મને પ્રાપ્ત કરવા ઝંખે, પણ બાહ્યદશામાં મને પ્રાપ્ત ન કરે એટલે મારાં રૂપ, ગુણ અને લીલાનું સ્મરણ-ચિંતન-કથન કરવા લાગે. તેમ કરતાં ફરી તીવ્ર વિરહભાવમાં આવી જઈ મૂર્છા પામે. આમ ગોપીઓ વધુ સમય મૂર્છિત અવસ્થામાં જ વિતાવી રહી છે. વસ્તુત: મૂર્છાદશા જ તેઓના પ્રાણની રક્ષા કરે છે.’

ઉદ્ધવ વ્રજમાં જઈ ગોપીઓના માધુર્યનું આસ્વાદન કરી શકે તે માટે તેના પર કૃપા કરી શ્રીકૃષ્ણે આ ગૂઢ રહસ્ય પ્રગટ કર્યું. ગોપીકાઓ પ્રત્યે તેમના હૃદયમાં ગાઢ શ્રદ્ધા-ભક્તિ ઉત્પન્ન થયાં અને શ્રીકૃષ્ણની તેમજ ગોપીઓની વિરહવ્યથા સમજી શકવા યોગ્યતા પ્રાપ્ત કરી. પોતાના પ્રિય સખા શ્રીકૃષ્ણ સાથે સમપ્રાણ થયા. તેઓ પોતાની જાતને કૃતાર્થ માનવા લાગ્યા.

શ્રીકૃષ્ણનો આદેશ માથે ચડાવી શ્રદ્ધાથી તેમનું સેવાકાર્ય કરવા ઉદ્ધવ રથ લઈ વ્રજ તરફ રવાના થયા. રથ ચાલ્યો જાય છે, તેનું એમને ભાન નથી. શ્રીકૃષ્ણના મુખે વ્રજવાસીઓના પ્રેમની વાતો સાંભળી ભાવાવસ્થામાં સરી ગયા છે. મથુરામાં ભગવાન પણ ઉદ્ધવને યાદ કરી રહ્યા છે, ‘મારો પ્રિય સખા ઉદ્ધવ આજ વ્રજધામમાં જાય છે પણ મારા વિના આજ ત્યાં બધું મરુભૂમિ જેવું છે. મારો ઉદ્ધવ વ્રજની શ્રી, સૌંદર્ય અને માધુર્યથી વંચિત રહેશે.’

ભગવાને સંકલ્પ કર્યો કે આનંદ, ઉલ્લાસ, શ્રી-સૌંદર્ય અને માધુર્યથી ભરપૂર એવાં વ્રજનાં દર્શન ઉદ્ધવને થાય. પ્રભુની યોગશક્તિથી વ્રજવિહાર સમયની શોભાથી વ્રજ ઉલ્લસિત થઈ ગયું. રથે વ્રજમાં પ્રવેશ કર્યો. વૃંદાવનની શોભા અને સૌંદર્ય નીરખી તે આનંદના સાગરમાં ડૂબી ગયા. વ્રજની રજમાં આળોટવા લાગ્યા. અહો ! આ એ જ વ્રજભૂમિ કે જ્યાં નંદનંદને વિહાર કર્યો છે. આ વનની કેડીઓ પર સખાને ખભે હાથ રાખી નાચતા-કૂદતા ! પ્રભુ થાકી જતા ત્યારે આ વૃક્ષોની ઘટા નીચે ગોપસખાના ખોળામાં માથું રાખી સૂઈ જતા. આ કદંબના વૃક્ષ નીચે લલિત ત્રિભંગ સ્વરૂપે વેણુવાદન કરી ગાયોને બોલાવતા ! તો ક્યારેક કળાયેલ મયૂર સાથે નૃત્ય કરતા !

ઉદ્ધવ આજે અતૃપ્ત નયને વ્રજદર્શન કરી રહ્યા છે. બધી જ કુંજ-લતાઓ ફળફૂલથી શોભી રહી છે. સરોવર અને યમુનાનાં નીર ખીલેલાં કમળોથી શોભી રહ્યાં છે. હંસ અને બતક ઉલ્લાસથી સ્વર કરી રહ્યાં છે. ડાળે ડાળે કોયલનો ટહુકાર સંભળાય છે. ઉદ્ધવે વ્રજમાં પ્રવેશ કર્યો ત્યારે ગોધૂલિ વેળા થઈ. વનમાંથી ગાયો પાછી ફરી રહી છે. ગોવાળિયાઓ ગાયોને ખીલે બાંધી રહ્યા છે. ગોષ્ઠમાં વાછરડાઓ તેની માને જોઈ કૂદકા મારી રહ્યાં છે. શ્યામસુંદરની પ્રતિક્ષામાં ગોપીઓ આતુર નયને વાટ નિહાળી રહી છે. આમ જ્યાં જ્યાં ઉદ્ધવની દૃષ્ટિ પડી ત્યાં બધું શ્રીકૃષ્ણથી સભર, દિવ્ય અને મનોહર દેખાયું. વ્રજરજથી ઉદ્ધવનો દેહ અને રથ બન્ને છવાઈ ગયા. એ વ્રજરજના સ્પર્શથી ભાવવિભોર થઈ ગયા. દેવદુર્લભ વ્રજરજ મળતાં પોતાની જાતને ધન્ય માની !   (ક્રમશ:)

Total Views: 272

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.