ઊઘડતું દૃશ્ય યુદ્ધભૂમિનું છે; બન્ને પક્ષ પોતાનાં સગાઓ અને મિત્રોને જુએ છે: એક ભાઈ એક પક્ષે છે, બીજો ભાઈ બીજા પક્ષે. પિતામહ એક પક્ષે છે, પૌત્ર બીજા પક્ષે. . . . જ્યારે અર્જુન પોતાના મિત્રો અને સગાંઓને સામા પક્ષે ઊભેલા જુએ છે અને પોતે એમને મારવા પડશે એમ જાણે છે, ત્યારે એનું હૃદય ભાંગી પડે છે અને એ કહે છે: હું યુદ્ધ નહિ કરું. આ રીતે ગીતાની શરૂઆત થાય છે. શ્રીકૃષ્ણ કહે છે :

‘હે અર્જુન! ઊભો થા! આ હૃદયની દીનતા, આ નિર્બળતા છોડી દે! ઊભો થા અને યુદ્ધ કર.’ (ગીતા, 2:3) ત્યારે અર્જુન શ્રીકૃષ્ણ સાથે તર્ક કરવા માંડે છે અને પ્રતિકાર કરતાં અપ્રતિકાર કઈ રીતે શ્રેષ્ઠ છે વગેરે નૈતિક વિચારો રજૂ કરે છે. એ પોતાના વિચારોનું સમર્થન કરવા પ્રયત્ન કરે છે, પણ શ્રીકૃષ્ણ આ દલીલ પાછળનો હેતુ તરત જ સમજી લે છે. આ દાખલામાં તે (હેતુ) છે નિર્બળતા. અર્જુન અહીં પોતાનાં સગાંઓને જુએ છે; તેમને તે શસ્ત્રો વડે મારી શકે તેમ નથી. . . .

શ્રીકૃષ્ણ કહે છે, ‘પંડિતો જીવતાઓનો કે મરેલાઓનો, કોઈનો પણ શોક કરતા નથી.’  (ગીતા, 2.11) ‘તમે નથી મરતા તેમ હું પણ નથી મરતો. એવો એકેય સમય ન હતો કે જ્યારે આપણું અસ્તિત્વ ન હતું; તેવો એકેય સમય નહિ આવે કે જ્યારે આપણું અસ્તિત્વ નહિ હોય. જેમ આ જિંદગીમાં માનવ બાળપણથી જીવન શરૂ કરીને યૌવન અને વૃદ્ધાવસ્થામાંથી પસાર થાય છે, તેમ મૃત્યુ પછી એ માત્ર અન્ય શરીરમાં પ્રવેશે છે. જ્ઞાની પુરુષે શા માટે શોક કરવો જોઈએ ?’ (ગીતા, 2:12-13) અને જે આ લાગણીવશતાએ તારા પર કબજો જમાવ્યો છે, તે ક્યાંથી આવી ? ઇંદ્રિયોમાંથી. ‘શીત કે ઉષ્ણ, સુખ કે દુ:ખ, આ બધા અનુભવો વિષયો સાથે ઇંદ્રિયોના સંપર્કથી ઉદ્ભવે છે, અને તે આવે છે તથા જાય છે.’  (ગીતા, 2:14) એક ક્ષણે માનવી સુખી હોય તો બીજી ક્ષણે તે દુ:ખી હોય છે. આમ હોવાથી તે આત્માનો સ્વભાવ જાણી  શકતો નથી.

‘અસ્તિ કદી નાસ્તિ હોઈ શકે નહિ, તેમ જ નાસ્તિ કદી અસ્તિ હોઈ શકે નહિ… માટે જાણ કે જે કોઈ આ સમગ્ર વિશ્વમાં વ્યાપી રહ્યું છે તે આદિ અને અંત વગરનું છે, તે અપરિણામી છે. આ વિશ્વમાં એવું કશું નથી કે જે અપરિણામીને પરિણામી બનાવી શકે. જો કે આ શરીરને આદિ છે અને અંત છે, પણ તેમાં રહેલો આત્મા એ અસીમ અને અનંત છે.’ (ગીતા, 2:16-18)

અર્જુન પૂછે છે : ‘સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય?’ (ગીતા, 2:55) શ્રીકૃૃષ્ણ પ્રત્યુત્તર વાળે છે ‘જે મનુષ્ય સર્વ કામનાઓનો ત્યાગ કરે છે. જે કશું ઇચ્છતો નથી, આ જીવન કે મુક્તિ, દેવો કે કર્મ કશાની દરકાર રાખતો નથી તે સ્થિતપ્રજ્ઞ છે. જ્યારે એ સંપૂર્ણ  રીતે સંતોષ પામે છે ત્યારે તેને કશી તૃષ્ણા રહેતી નથી.’ (ગીતા, 2:55)                                                                                     (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયન 288-92)

Total Views: 403

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.