શ્રીરામકૃષ્ણ

ખરેખર શ્રીરામકૃષ્ણ સાક્ષાત્ ઈશ્વર હતા. બીજાઓના શોકતાપ દૂર કરવા તેમણે આ માનવદેહ ધારણ કર્યો હતો. રાજા પોતાના શહેરમાં ફરે તેમ છૂપે વેશે તેઓ ફરતા હતા. તેઓને ઓળખી કાઢ્યા કે તરત તેઓ અદૃશ્ય થઈ ગયા.

તમે ફક્ત ઠાકુરનો આશ્રય લેશો તો તમને બધું જ આવી મળશે. ત્યાગ એ જ તેમનું ભૂષણ હતું. આપણે તો તેમનું નામ લઈએ છીએ એટલે ખાઈએ- પીએ છીએ અને મોજ કરીએ છીએ, કારણ કે તેમણે સંપૂર્ણ ત્યાગ કર્યો હતો.

ઠાકુરને સત્ય ઉપર કેટલો બધો અનુરાગ હતો ! તેઓ કહેતા કે, સત્ય જ કલિયુગનું તપ છે. સત્યને વળગી રહેવાથી ઈશ્વરપ્રાપ્તિ થાય છે.

સંસારમાં ઈશ્વરના માતૃભાવનો પ્રકાશ કરવા શ્રીરામકૃષ્ણ મને પાછળ મૂકતા ગયા છે.

પ્ર : તમે શ્રીરામકૃષ્ણને તમારા પિતા કહી શકો ?

ઉ : હા ! તેઓ મારાં પિતા, માતા, મારા ભાઈ અને મિત્ર છે. તેઓ મારું સર્વસ્વ છે.

ઠાકુરના ચાલ્યા ગયા પછી હું પણ જવા માગતી હતી. તેઓ મારી સમક્ષ પ્રગટ થયા અને તેમણે મને કહ્યું: ‘ના, ના, તમારે અહીં જ રહેવાનું છે. હજી ઘણું કરવાનું છે.’

તેમની છબી સમક્ષ તમે કાયમ પ્રાર્થના કર્યા કરો, તો તેઓ તે છબી મારફત આવિર્ભૂત થાય છે. એ છબી જ્યાં રાખીએ તે જગ્યા મંદિર બની જાય છે.

ચૂપચાપ ઈશ્વરનું નામ લેવું. શ્રીરામકૃષ્ણના નામનો જાપ કરવો એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉત્તમોત્તમ રસ્તો છે.

શ્રીરામકૃષ્ણમાં વિશ્વાસ રાખો, તેઓ તમારાં દુ:ખોમાંથી તમને ઉગારી લેશે અને તમને માનસિક શાંતિ આપશે. ભગવાનનાં નામનો ઉચ્ચાર કરો અને બીજાનાં દુષ્કર્મોનો ભાર પોતાના ઉપર લેવાથી શ્રીરામકૃષ્ણને કેવાં દુ:ખ ભોગવવાં પડ્યાં હતાં, તેનો વિચાર કરો; તેમ કરવાથી તમારાં શરીર અને મન પવિત્ર થતાં જાય છે એમ તમને જણાશે. ઈશ્વરાવતાર અને તદ્દન પવિત્ર હોવા છતાં બીજાઓને માટે શ્રીરામકૃષ્ણે કેટલું બધું દુ:ખ ભોગવ્યું હતું ! અને તેમ છતાં એક ક્ષણ પણ મહાભાવથી કે આદ્યાશક્તિના મંગલમય ચિંતનમાંથી તેઓ વિચલિત થયા ન હતા, તે વાતનું સ્મરણ કરશો, તો તમારો શોક અને તમારાં દુ:ખ વિસાત વગરનાં લાગશે.

તેઓ તો આનંદની મૂર્તિ સ્વરૂપ હતા. દિવસના ચોવીસે કલાક તેઓ ભજનમાં, હસવામાં, ગમ્મત કરવામાં, ઉપદેશ આપવામાં અને વાતો કહેવામાં ગાળતા. મને યાદ છે ત્યાં સુધી મેં તેમને કદીયે કોઈપણ વાતનો ઉદ્વેગ કરતા જોયા નથી.

ઠાકુરને પ્રસાદ ધરવામાં કોઈ વિધિ અનુસરવાની જરૂર નથી. પોતાના ગુરુ તરફથી મળેલો મંત્ર જ બધી વાત માટે પૂરતો છે. (દિવ્યકૃપા, 13-16)

Total Views: 356

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.