સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાન પરિણામો તો કેવળ પ્રચંડ ધૈર્ય, હિંમત અને પુરુષાર્થ દ્વારા જ પ્રાપ્ત થાય છે… કેવળ શૂરવીર મનુષ્યો જ મહાન કાર્યો કરી શકે છે, નિર્માલ્ય મનુષ્યો નહીં…. જ્યારે દેશને માટે તમે કંઈ કાર્ય કરી છૂટશો…. ત્યારે જ દેશ તમને સાથ આપશે.’

આ દેશમાં એવાં નરનારીઓ છે કે જેમણે મૂલ્યોની જાળવણી માટે અથાક પ્રયત્ન કર્યા છે. જીવનમૂલ્યો સાથે આવા લોકો જરાય બાંધછોડ કરતાં નથી. એટલે જ આજે પણ ભલે બધું ખાડે જતું હોય એવું લાગે, છતાં પણ મૂલ્યોનું સંરક્ષણ અને સંવર્ધન કરનારાં નરનારીઓ દેશને મૂલ્યો પૂરાં પાડે છે.

મિત્રો, તમે બંગાળી સાહિત્યનાં મહાન લેખિકા મૈત્રેયીદેવીના નામથી કદાચ પરિચિત હશો. તેમણે એક નવલકથા લખી છે. એ નવલકથાનું નામ છે, ‘ન હન્યતે.’ નવલકથાના સ્વરૂપમાં એ એક આત્મચરિત્ર છે. એમાં એમણે પોતાના વિદ્યાર્થીકાળનો એક પ્રસંગ આપ્યો છે :

મૈત્રેયીદેવી બી.એ.ની પરીક્ષા આપવાનાં હતાં. એમણે કોલેજમાં જઈને અભ્યાસ કર્યો ન હતો. તેઓ બહારથી પરીક્ષા આપવાનાં હતાં. તેમના પિતાજી તે સમયે યુનિવર્સિટીમાં સંસ્કૃત તેમજ તત્ત્વજ્ઞાનના અધ્યાપક હતા. મૈત્રેયીદેવીએ પિતાજી પાસે જ સંસ્કૃતનો અભ્યાસ કર્યો. પિતાએ પણ તેમને કસીને સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો. પછી તો પરીક્ષા આવી, પરીક્ષા પૂર્ણ પણ થઈ ગઈ. છેલ્લી પરીક્ષા આપીને મૈત્રેયીદેવી ઘેર આવ્યાં. પિતાજીએ પ્રશ્નપત્રો કેવાં હતાં અને તેના ઉત્તરો કેવા લખ્યા, એ વિશે પૂછપરછ કરી. મૈત્રેયીદેવીના ઉત્તરો સારા અને સાચા હતા. પણ એ વાતચીત દરમિયાન પિતાજીએ એમને પૂછેલો એક પ્રશ્ન ઘણો સૂચક છે. પિતાજીએ એમને પૂછ્યું, ‘પરીક્ષામાં શું પુછાશે એની પરીક્ષા પહેલાં કોઈ કલ્પના આવી હતી ખરી?’ મૈત્રેયીદેવીએ નિખાલસભાવે કહ્યું, ‘એવી તો જરાયે કલ્પના નહોતી આવી, એવો વિચાર પણ નહોતો કર્યો.’

પિતાજી હસી પડ્યા અને કહ્યું, ‘એમ ત્યારે! જરાય કલ્પના નહોતી આવીને!’ હવે વાત એવી હતી કે બી.એ.ની પરીક્ષાના સંસ્કૃત વિષયના પેપર સેટર અને અધ્યક્ષ મૈત્રેયીદેવીના પિતાજી પોતે જ હતા. વળી મૈત્રેયીદેવીને એ વિષયનો અભ્યાસ કરાવનાર તેઓ જ હતા. અને છતાં મૈત્રેયીદેવીને પરીક્ષામાં શું પુછાશે એનો જરાય અણસાર ન હતો.

આ હકીકત માટે પિતા અને પુત્રી બન્નેને ગૌરવ હતું. આજની શિક્ષણજગતની અવદશા જોઈને આપણે એમ કહીએ છીએ કે આ પરીક્ષાપદ્ધતિને ધરમૂળથી બદલી નાખવાની આવશ્યકતા છે. પરંતુ દુ:ખની વાત તો એ છે કે પરીક્ષા લેનાર અને પરીક્ષા આપનારની વિશ્વસનિયતા જ ન હોય તો પરીક્ષાપદ્ધતિ કઈ રીતે બદલવી અને એ બદલવાથી શો ફાયદો? એ તો ‘મેલ કરવત મોચીના મોચી’ની કહેવત જેવું છે. આવી વિશ્વસનિયતા કે શ્રદ્ધેયતા બીજાની તો ઠીક પરંતુ આપણી પોતાની પણ કેટલી?

આજે આ વાત સર્વસ્વીકૃત અને સામાન્ય બની ગઈ છે કે પિતા પરીક્ષક હોય તો પુત્રને પરીક્ષામાં લાભ થાય જ! આ બાબતમાં કોઈને કશું અસ્વાભાવિક કે ખોટું લાગતું નથી! ઊલટાનું આવી પરિસ્થિતિનો લાભ ન લે એ બેવકૂફ ગણાય, વેદિયો ગણાય, સિદ્ધાંતનું પૂંછડું ગણાય. એનામાં વ્યવહારુ બુદ્ધિ નથી એવું કહેવાય.

ઘણી વખત આપણે એમ પણ કહીએ છીએ કે આવી પ્રામાણિકતા આ જમાનામાં ચાલે નહીં. સરવાળે એનાથી આપણને નુકસાન થાય છે. આપણે એવું બહાનું પણ શોધી કાઢીએ છીએ કે જો કોઈ એમ ન કરતું હોય, નીતિનિયમો ન પાળતું હોય તો આપણે શું કામ કરીએ? વળી આપણાં એકલાની આવી વિશુદ્ધ પ્રામાણિકતાથી શું ફેર પડી જવાનો? જો આવું જ હોય તો પછી પ્રામાણિકતા અને નિષ્ઠા રાખીને શા માટે નિરર્થક નુકસાન વેઠવું?

વળી આવું શિક્ષણજગતમાં જ ચાલી રહ્યું છે એવું નથી, બીજાં બધાં ક્ષેત્રોમાં પણ આ ધીમા ઝેરની જેમ પ્રસરી રહ્યું છે. પિતા ન્યાયાધીશ હોય તો વકીલ બનવામાં ફાયદો છે, પિતા પરીક્ષક હોય તો પરીક્ષા આપવામાં ફાયદો, પિતા રેલવેમાં હોય તો મુસાફરી કે નોકરી મેળવવામાં ફાયદો, પિતા સરકારમાં ઊંચા હોદ્દા પર હોય તો નોકરી મેળવવામાં ફાયદો અને ધંધો કરીને ફાયદો રળી શકાય, એમાંય જો પિતા પ્રધાન હોય તો ઇજારદાર બનીને મબલખ કમાણી કરવાનો ફાયદો. આવી બધી ગણતરીઓ અને વ્યવહાર ચાલે છે! ઉમાશંકર જોષીએ પોતાના એક કાવ્યમાં આવી વ્યથા ઠાલવી છે :

‘દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું?

દેશ તો બરબાદ થતાં રહી ગયો, તેં શું કર્યું?’

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્હોન એફ કેનેડીએ એમના દેશવાસીઓને એકવાર કહ્યું હતું, “Do not ask what your nation can do for you, ask yourself what you can do for your nation.’

આપણા રાષ્ટ્રનાં ઘડતર-ચણતર માટે આપણે શું કરીએ છીએ, એવું જાણવા-કરવાને બદલે, આપણે હંમેશાં આવી ફરિયાદ કરીએ છીએ કે બધુંય બગડી ગયું છે, સામાજિક સ્થિતિ વણસી ગઈ છે, ભ્રષ્ટાચાર ફાલ્યો-ફૂલ્યો છે. આ દેશનું થશે શું! આવી આપણી ચિંતા પણ અપ્રામાણિક છે. આની શરૂઆત આપણે વ્યક્તિગત રીતે કરી. આપણે લાગ આવે ત્યારે લાભ ખાટવાનું ભૂલતાં નથી. અને કરી ન શકીએ ત્યારે આવી બૂમો પાડીએ છીએ. આ છે આપણી દુનિયાદારી!

એટલે ભ્રષ્ટાચાર દૂર કરવાની જવાબદારી આપણી પોતાની જ છે. સૌ કોઈ બાળપણ અને ઘરથી જ આની શરૂઆત કરી શકે છે. ઘરનાં માત-પિતા, વડીલોએ પ્રામાણિક બનવું જોઈએ, બાળકોને આવી પ્રામાણિકતાના પાઠ ભણાવવા જોઈએ. આવા અંધકારમય વાતાવરણમાં પણ કેટલાક ઘરદીવડા અજવાળું પાથરે છે, પ્રામાણિકતા પીરસે છે, પ્રામાણિકતાની પ્રયોગશાળામાં નિત્યનિષ્ઠાના પ્રયોગો આપણી સમક્ષ ધરે છે. આ બધાંને આજની ઊગતી પેઢી સામે ધરવા જોઈએ તો જ આપણે આપણાં બાળકોને પ્રામાણિક અને સંનિષ્ઠ બનાવી શકીશું. આવું કરવા જતાં કોઈ દેખીતું નુકસાન વેઠવું પડે તો તેમને વેઠતાં શીખવી શકીશું, તેઓ ગર્વ-ગૌરવ અનુભવે તેવું વાતાવરણ રચી શકીશું. આવું બધું માત્ર કથા-વાર્તાઓ કરવાથી, ભાવવિહોણાં ગીતો ગાવાથી, ઉપદેશકથાઓ સાંભળવાથી કે સંભળાવવાથી થઈ શકતું નથી. એના માટે તો પરિવારમાં એક વૈચારિક ક્રાંતિવાળું, ભાવનાત્મક અને રચનાત્મક વાતાવરણ સર્જવું પડે. આના માટે ઘર એક મંદિર બની જવું જોઈએ.

દરરોજ ટીવીની સિરિયલો છોડીને 30-45 મિનિટ ઘરમાં સ્વસ્થ ચિત્તે બેસીને બે મિનિટનું મૌન અને બે મિનિટની ‘સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે સન્તુ નિરામય, મા કશ્ર્ચિત્ દુ:ખમાપ્નુયાત્- બધાં કલ્યાણ પામે-જુએ, બધાં સુખી થાઓ, બધાં સ્વસ્થ રહે, કોઈના પર દુ:ખ-આપત્તિ ન આવો,’ આવી શાંતિપ્રાર્થના કરવી. પ્રાર્થના પછી તમારા ઘરે આવતાં વર્તમાનપત્ર કે સામયિકમાંથી કોઈ સારી ઘટના વાંચવી અને બને તો એને વિશે ચર્ચા કરવી. ત્યાર પછી ગીતામાંથી બે શ્ર્લોકનું પઠન ભાવાર્થ સાથે કરવું. પછી સારી લઘુકથા કે કોઈ મહાન વ્યક્તિના જીવનચરિત્રનો એકાદ પ્રસંગ વાંચવો. બને તો તે વિશે ચર્ચા પણ કરવી. છેલ્લે ‘મારું જીવન અંજલિ થાજો’ જેવાં કાવ્યનું પઠન કે ગાન કરીને બે મિનિટનું મૌન પાળવું. આમ રાતના જમ્યા પછી 30-45 મિનિટ ફાળવો. આનો લાભ આખું ઘર લેશે. બધાંનાં મન તરોતાજાં અને નિર્મળ બનશે. આટલું કરીએ અને શાળામાં પણ થોડું ઘણું આવું સુકાર્ય થાય તો ખરેખર બાળકોનું સારું ઘડતર આપણે ઘરના આંગણેથી કરી શકીએ.

Total Views: 288

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.