1. ઘણા સાધકો માનસિક કલ્પનાઓ દ્વારા કાલ્પનિક અનુભૂતિઓ ઊભી કરે છે, તેમાં રાચે છે અને આવી મનગઢંત કાલ્પનિક અનુભૂતિઓને સાચી અનુભૂતિઓ માની બેસે છે. આવી મનોકલ્પિત અનુભૂતિઓ ઊભી કરવી નહિ અને તેમાં રાચવું નહિ.

ઘણા સાધકો લય (શૂન્યતા) કે જડતાને સમાધિ કે ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા માની બેસે છે. આવી ભ્રામક ધારણાઓ તેમના આધ્યાત્મિક વિકાસમાં બાધારૂપ બને છે.

સાધકે આવી મનોકલ્પિત કે ભ્રામક અનુભૂતિઓમાં રાચવું નહિ.

અધ્યાત્મ એ સત્યની શોધ છે. અસત્યને સત્ય માનવાથી સત્યની પ્રાપ્તિમાં બાધા ઊભી થાય છે, તેથી એને યથાર્થ માનવાના રવાડે ચડવું નહિ.

  1. સમર્પણ પ્રબળ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સાધન છે અને ભગવત્કૃપા આધ્યાત્મિક વિકાસનો રામબાણ ઉપાય છે, પરંતુ સમર્પણ બાળકોની રમત નથી. સમર્પણ જીવંત ઘટના છે અને ક્ષણે ક્ષણે જીવવાની અનુભૂતિ છે. સમર્પણ જો યથાર્થ હોય તો તેના દ્વારા યથાર્થ અને આમૂલાગ્ર ક્રાન્તિની ઘટના ઘટી શકે છે.

આમ હોવા છતાં સમર્પણને નામે સાધક શૈથિલ્યમાં સરી પડે તો તે તમોગુણની રમત છે. ભગવત્કૃપા બધું કરશે તેવા બહાના હેઠળ પ્રમાદ સેવે તો તે સમર્પણ નથી, પરંતુ અકર્મણ્યતા છે. સમર્પણ અને ભગવત્કૃપાને નામે શૈથિલ્યમાં સરી પડવું તે આધ્યાત્મિક આત્મહત્યા છે. તેથી આવી ભ્રમજાળમાં ફસાવું નહિ.

  1. સાધકે પંડિત કે વિદ્વાન થવાના રવાડે ચડવું નહિ. ઉપનિષદકાર પણ આ વિશે સાધકોને જાગ્રત કરતાં કહે છે :

નાનુધ્યાયાદ્ બહૂઞ્છબ્દાન્,

વાચો વિગ્લાપનં હિ તદિતિ॥ બૃ. ઉ. ; 4-4-21.

‘બહુ શબ્દો(ગ્રંથો)નું અધ્યયન કરવું નહિ. તે વાણીનો વિલાસ છે.’

આધ્યાત્મિક અનુભૂતિજન્ય જ્ઞાન અને બૌદ્ધિક જાણકારી, આ બન્ને એક નથી. બૌદ્ધિક જાણકારીને આધ્યત્મિક જ્ઞાન માની લેવું નહિ.

સમજનું પણ એક મૂલ્ય છે, તેથી થોડા પ્રમાણભૂત આધ્યાત્મિક ગ્રંથોનું પરિશીલન સાધકે અવશ્ય કરવું જોઈએ, પરંતુ વિદ્વાન બનવા માટે હજારો ગ્રંથોના વાંચનમાં સમય આપવો કે સાધનના ભોગે અધ્યયન કરવું, તે પદ્ધતિ સાધક માટે ઉચિત નથી. તેથી સાધકે બહુ ગ્રંથોનું સેવન કરવું નહિ.

  1. સાધના યંત્રવત્ કરવી નહિ. સાધનામાં યાંત્રિક્તા ન આવે તેવી કાળજી સાધકે સતત રાખવી જોઈએ. આવી અવસ્થા અમુક સમય પૂરતી આવે તોપણ તે કાયમી ધોરણે યાંત્રિક ન બની જાય તેની કાળજી રાખવી જોઈએ. સાધના તો એક જીવંત અને ભાવસભર ઘટના છે, તેથી યાંત્રિક્તામાં સરી ન પડાય તેની કાળજી રાખવી જોઈએ.
  2. સાધકે સાધનકાળમાં અન્યના ગુરુ બનવું નહિ. કોઈના ગુરુ બનવું તે ઘણી મોટી જવાબદારી છે. આવું ગુરુતર કાર્ય અધ્યાત્મપથમાં અવરોધક બની શકે છે.
  3. સાધનકાળમાં બહુ જનસંપર્ક રાખવો નહિ. ગીતામાં ‘અરતિર્જનસંસદિ’ને અધ્યાત્મમાં ઉપકારક સદ્ગુણ ગણેલ છે. સતત જનસંપર્કથી સમય, શક્તિ અને ચિત્તનો દુર્વ્યય થાય છે અને સાધનામાં બાધા ઊભી થાય છે, તેથી યથાશક્ય એકાંતવાસમાં એટલે કે જનસંપર્કથી દૂર રહેવું જોઈએ.
  4. કામી, નાસ્તિક, ભોગવાદી, શંકાશીલ અને સાધનહીન લોકોના સંપર્કમાં રહેવું નહિ, તેમનો સંગ કરવો નહિ. આવા લોકોનો સંગ સાધનામાં અનેક સ્વરૂપની બાધાઓ ઊભી કરે છે.

‘અજ્ઞાની ઉપાધિ કરાવે મેરે સંતો રે !

અજ્ઞાની ઉપાધિ કરાવે રે !’

સારી કે ખરાબ દરેક બાબત ચેપી હોય છે, તેથી દુ:સંગ સર્વથા ત્યાજ્ય છે. તે જ રીતે મનની ભૂમિકાને નીચે દોરી જાય તેવાં ગ્રંથો, ફિલ્મો આદિથી પણ દૂર રહેવું જોઈએ.

  1. આધ્યાત્મિક વિકાસની પ્રક્રિયાનાં બે સ્વરૂપ છે – વિધાયક અને નિષેધક. કાંઈક સાધના કરવામાં આવે તે વિધાયક પ્રક્રિયા છે. જપ, ધ્યાન, પ્રાણાયામ, પૂજાપાઠ આદિ સાધનાઓ વિધાયક ઘટના છે. ચિત્તમાં રહેલી અશુદ્ધિઓમાંથી મુક્ત થવાની પ્રક્રિયા એક રીતે ઇનકારની પ્રક્રિયા છે તેથી આ શુદ્ધિની પ્રક્રિયા તે નિષેધક પ્રક્રિયા છે. વિધાયક અને નિષેધક બન્ને સ્વરૂપની સાધનાનું મૂલ્ય છે. બન્નેનો સમન્વય થવો જોઈએ. આમ છતાં વિધાયક સાધનાને પ્રધાન સાધન ગણી તેને વિશેષ મહત્ત્વ આપવું જોઈએ. નિષેધક સ્વરૂપની સાધનામાં બહુ જોર મૂકીએ તો જીવનમાં તણાવ અને સંઘર્ષ વધી જતાં હોય છે. વિધાયક સાધનાના પરિણામે નિષેધક પ્રક્રિયા અર્થાત્ શુદ્ધિની પ્રક્રિયા તો આપોઆપ થતી જ રહે છે.
  2. પાંખડી કે ધૂર્ત ગુરુના શિષ્ય બનવું નહિ અને બની જવાયું હોય તો તેમને વંદન કરી તેમની પાસેથી વિદાય લઈ લેવી.
  3. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા તરફ દૃષ્ટિ રાખવી નહિ. અધ્યાત્મસાધન ભગવત્પ્રાપ્તિ માટે છે, સિદ્ધિઓની પ્રાપ્તિ માટે નથી. સિદ્ધિઓની પ્રાપ્તિને રવાડે ચડવું તે માર્ગાન્તર છે અને યથાર્થ અધ્યાત્મમાં તે વિઘ્નરૂપ છે. સિદ્ધિઓ હેતુ તો નથી જ, પરંતુ કોઈ વાર અનાયાસ આવી જાય તોપણ તેમાં રાચવું નહિ, તેના તરફ ધ્યાન આપવું નહિ.
  4. કોઈ પણ સાધના ભગવત્પ્રાપ્તિ માટે સ્વયંપર્યાપ્ત સાધના નથી. આખરે તો ભગવત્કૃપાથી જ ભગવત્પ્રાપ્તિ થાય છે. સાધના ગમે તેટલી કરીએ તોપણ તે સાન્ત સાધનાના બળથી અનંત ભગવાનને કેવી રીતે પામી શકાય ? તેથી પોતાની સાધનાના બળ પર મુસ્તાક રહેવું તે ગંભીર ભૂલ છે. ભગવત્કૃપાના પ્રાર્થી અને ભગવત્કૃપા પ્રત્યે અભિમુખ રહેવું – તે જ યથાર્થ આધ્યાત્મિક મનોવલણ છે.

જે કાંઈ સાધન કરીએ છીએ, તે ભગવાનની કૃપાથી કરીએ છીએ અને ધ્યેયસિદ્ધિ પણ એની કૃપાથી જ થશે એમ સમજવું.

  1. જીવનનું સ્વરૂપ એવું છે કે આધ્યાત્મિક પ્રગતિ સતત અને એકધારી સમાનરૂપે ચાલતી નથી. અધ્યાત્મપથ પર પ્રગતિશૂન્યતાના ગાળા પણ આવે છે. એવો સમય પણ આવે છે કે જ્યારે સાધકના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિનો સાવ અભાવ જણાય છે. આવા સમયે પણ સાધકે નિરાશ થવાનું નથી, ઉત્સાહહીન થવાનું નથી. આ સમય પણ ચાલ્યો જશે, ફરી વિકાસનો વેગ આવશે એવી આશાપૂર્વક ધીરજ રાખવી જોઈએ. ક્યારેક ઉત્સાહ મંદ પડી જાય, અભીપ્સા ઝાંખી પડી જાય, મન નિરાશ થઈ જાય તોપણ સાધકે ચિત્તમાં શ્રદ્ધાને ધારણ કરી રાખવાની છે. અંધકારનો ગાળો કાયમી નથી, ફરીથી પ્રકાશ પ્રગટશે, ફરીથી અભીપ્સા અને ઉત્સાહની જ્યોત પ્રજ્વલિત થશે, એવી શ્રદ્ધા રાખવી અને ધીરજને ગુમાવવી નહિ. આવા નિરાશાના ગાળા દરમિયાન જ સાધકની અધ્યાત્મનિષ્ઠાની કસોટી થાય છે.

આવા પ્રગતિશૂન્ય અને ઉન્માદહીન ગાળા દરમિયાન પણ સાધનપ્રવૃત્તિ ચાલુ જ રાખવી અને ભગવાનને પ્રાર્થના કરવી.                            (ક્રમશ:)

Total Views: 316

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.