મહારાજ – ‘काम एष क्रोध एष रजोगुणसमुद्भव:’ મનમાં કામના રહેવાથી તેમાં અંતરાય આવતાં વ્યક્તિ ક્રોધિત થઈ ઊઠે છે. ઘણી વાર આપણે વિચારીએ છીએ કે આપણે ઠાકુરજીના સેવાભાવથી કર્મ કરી રહ્યા છીએ, આપણે નિષ્કામ છીએ પરંતુ તમારા મનની પરીક્ષા કર્મક્ષેત્રમાં નિષ્કામ થવાથી થશે – ‘रागद्वेष वियुक्तैस्तु’

– વ્યવહારમાં રાગદ્વેષરહિત થવાથી થશે.

સેવક – આપ જેવું કહી રહ્યા છો, તેવું આચરણ કરવા માટે તો દસ-બાર કલાક વિચાર કરવો પડશે.

મહારાજ – સમય મળશે, એટલે તો ઘરબાર બધું છોડીને આવ્યા છો. વિચાર કરવો જોઈએ, ધ્યાન કરવું જોઈએ. વધુ સમય સુધી વિચાર પણ નહીં કરી શકો અને વિચાર કર્યા વિના રહી પણ શકશો નહીં. એટલા માટે પરોપકાર કરવાનો રહે છે.

હજુય આપણે ત્યાં કંઈ પણ તૈયાર નથી. દેશમાં કોઈ જ નેતા નથી. બધાંની સાથે હળીમળીને કામ કરવાનું જાણતા નથી. હમણાં હમણાં અવિકસિત મહોલ્લામાં શાળા ખૂલી છે. એમાં સારા સારા છોકરા ક્યાંથી મળવાના ! પરંતુ એથી નિરાશ થવાની કોઈ જરૂર નથી. ઈર્ષા-દ્વેષ આ બધું તો રહેશે જ. આપણે બધા સંન્યાસી થઈને તો આવ્યા નથી, સંન્યાસી બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એ ઉપરાંત આપણી આજુબાજુનો પરિવેશ વિપરીત વિચારોથી ભરેલો છે. આ જગત દુ:ખમય અને ભયંકર છે. ક્યાંથી, કેવા સ્વરૂપે સંકટ આવશે, તે આપણે જાણતા નથી. મેં સગી આંખે જોયું છે. એક બ્રાહ્મણના ઘેર અંતિમ સંસ્કાર માટે ગયો છું. ત્યાં જઈને એક હૃદયવિદારક દૃશ્ય જોયું. વીસ વર્ષની એક છોકરી આંગણામાં સૂતી છે, જાણે કે સ્વર્ણમૂર્તિ! પિતા મોટે મોટેથી રડી રહ્યા છે, બાજુમાં માતા બેહોશ થઈને પડી છે. મેં મારા ઘેર જોયું છે, મોટા ભાઈનું મૃત્યુ થયું, મા આંધળી થઈ ગઈ, કેટલું રડી રહી હતી!

6-3-1960

જે લોકો આપણે ત્યાંથી દીક્ષા લે છે, તેથી શુભ સંસ્કાર આવશે અને તે સંચિત રહેશે જ.

એક બાહ્ય અને આંતરિક દિનચર્યા થઈ જવાથી કોઈ વિશેષ પ્રશ્ન રહેતો નથી. મનના યથાર્થ સૂરને પકડવો જોઈએ. મા શારદાદેવીએ કોઈક સંન્યાસીના કપાળમાં કુમકુમ જોઈને, તેને લૂછી નાખવાનું કહ્યું, કેમ કે અંદરનો ભાવ બહાર શા માટે દેખાડવો?

એક યુવક વચ્ચે વચ્ચે મહારાજ પાસે આવે છે. તેઓ એક વિદ્યાલયમાં શિક્ષક છે, પરંતુ વિદ્યાર્થીઓને મારઝૂડ કરે છે. તેમનો આવો વ્યવહાર સાંભળીને મહારાજજીએ કહ્યું, ‘જુઓ, આદર્શ ઘણા ઓછા લોકોના મગજમાં ઘૂસે છે. મારઝૂડ કરવી એ નિંદાપાત્ર છે, તેવું તે સમજતો જ નથી. હાલમાં તેની આસુરીશક્તિ વધી રહી છે, તે આસુરીભાવનું આચરણ કરવા વિવશ છે. કોઈથી કોઈ ભૂલ થઈ જાય તો એકલા બોલાવીને સમજાવવાથી તેને સુધારી શકાય છે. આ બાબત એ લોકો સમજવા માગતા નથી. કેટલીયવાર છાનામાના બોલાવીને કહેવું પડે છે – ‘અરે, તમે આવું કાર્ય કરી નાખ્યું જેથી અમને કલંક લાગ્યું!’ આ રીતે સુધારો થાય છે. મારઝૂડ કર્યા વિના શિક્ષા કરવામાં ઘણો વિચાર કરવો પડે છે, વિચારવું પડે છે કે તેને કેવી રીતે સુધારી શકાય તેમ છે? ખરી વાત તો એ છે કે કોઈ બુદ્ધિનો ઉપયોગ કરવા માગતું નથી. જો છોકરો બદમાશ હોય તો તેના માટે બાળસુધારાગૃહ છે. જુઓ, આપણો શાળા ખોલવાનો ઉદ્દેશ છે – મનુષ્યની અંદર જે પૂર્ણતા વિદ્યમાન છે, તેને પ્રગટ કરવી. કેમ કરીને છોકરાઓનો ઉત્કર્ષ થાય, એ જોવાનું છે. કેવી રીતે મારું વર્ચસ્વ રહેશે, તે જોવાની જરૂર નથી.’

21-3-1960

આપણે શ્રીરામકૃષ્ણદેવના અનુયાયીઓ છીએ. આપણી વિશેષતા એ છે કે આપણે કોઈ પણ ધર્મને ખરાબ કહેતા નથી. જો કોઈ ઇસ્લામ ધર્મની નિંદા કરે તો આપણે કહીશું – શું તમે કુરાન વાંચ્યું છે? શું તમે સાધના કરી છે ? બધું સારી રીતે જુઓ, સાંભળો, ત્યારે તો તમારી વાતોની કીમત રહેશે!

લોકો જે કંઈ કહે, તેને જ માની ન લેવું. તેને વિચારપૂર્વક ગ્રહણ કરવું પડશે. કેટલીક વાતોને સાંભળતાં જ મનોમન તેનો એકદમ અસ્વીકાર કરી દેવો અને કેટલીક વાતોને જમા કરીને રાખી મૂકવી, પછીથી સમય મળે ત્યારે તેને શાસ્ત્રો સાથે મેળવીને ગ્રહણ કરવી. શ્રોતા ત્રણ પ્રકારના હોય છે – પ્રથમ, જે સાંભળે છે તેનો જ વિશ્વાસ કરે છે. તેઓ અધમ સ્તરના છે. દ્વિતીય, મધ્યમ સ્તરના છે, તેઓ જે સાંભળે છે તેને શાસ્ત્રો સાથે મેળવી લે છે, અર્થાત્ વિચાર કરે છે. તૃતીય, માત્ર સાંભળી રાખે છે, તેઓ બીજાની વાતો પર વિશ્વાસ કરતા નથી. તેઓ જાતે જ જોઈ-જાણીને વિશ્વાસ કરે છે. ‘દશાવતારચરિત્’માં જે ચરિત્રો, લીલાઓનું વર્ણન કરાયું છે, તે બધી વિશ્વાસ કરવા જેવી નથી, પૌરાણિક છે. શ્રીકૃષ્ણના જીવનનું અનેક રીતે વર્ણન કરવામાં આવ્યું છે. જનસાધારણ માટે પુરાણોમાં વિસ્તારપૂર્વક લખવું પડ્યું છે. સામાન્ય જનતાને સમજાવવા માટે એવું જ કહેવું પડે છે. ઈશ્વરને જાણવો છે, તો તે માટે કઠિન તપસ્યા કરવી પડે છે, એ વાત કહેવાથી કોઈ સમજશે નહીં. તે લોકોને કહેવું પડે છે – 60 વર્ષો સુધી માથું નીચે રાખીને તપસ્યા કરીએ ત્યારે તેમને (ઈશ્વરને) પ્રાપ્ત કરી શકાય છે. ત્યારે લોકો સમજે છે કે ઈશ્વર શી વસ્તુ છે! આ બધી પૌરાણિક વાતો છે. આ બધાને વેદોનો પ્રયોગ કહી શકાય. મનુસ્મૃતિ દેશ-કાળ-પાત્ર અનુસાર પરિવર્તનીય હોય છે, પરંતુ વેદનાં સત્ય શાશ્ર્વત છે. તેના તાત્ત્વિક સિદ્ધાંતોની ઉપનિષદોમાં વ્યાખ્યા કરાઈ છે. પુરાણમાં પરીક્ષણ કરીને, વ્યવહારમાં આચરી બતાવીને સમજાવી દેવાયું છે. કેવી રીતે દયા, ત્યાગ, નિષ્ઠા, શ્રદ્ધા, સત્યવાદિતા, પ્રેમ અને અનુરાગ હોય તો ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે, આ બધાંને પુરાણોમાં માનવજીવનનાં ચરિત્રો દ્વારા સમજાવી દેવાયાં છે.

25-3-1960

પ્રશ્ન – મહારાજજી, શું ઈશ્વર ધારે તેને મુક્તિ આપી શકે છે?

મહારાજ – શું મૂર્ખા જેવી વાત કરો છો! તે તો સઘળું બનેલા છે. તેઓ પોતાની ઇચ્છાથી આ રીતે વિભિન્ન રૂપોમાં આવિર્ભૂત થયા છે અને ઇચ્છા કરવાથી જ સ્વ-રૂપમાં જઈ શકે છે.

પ્રશ્ન – પરંતુ વરાહ અવતારમાં તો શિવજીએ આવીને બધું ઠીકઠાક કરવું પડ્યું હતું!

મહારાજ – એ બધી પૌરાણિક વાતો છે. જુઓ, મુક્તિ કોઈને આપી શકાતી નથી. જે ઇચ્છે છે, તે જ મેળવે છે. જે ઇચ્છતો નથી તે મેળવતો નથી. સાક્ષાત્ ઈશ્વરી (શ્રીશ્રીમા શારદા)એ ગુરુરૂપે મને મંત્ર આપ્યો હતો. જો હું તેમની પાસેથી મુક્તિ માગત તો મને તે જ વખતે મુક્તિ મળી શકતી હતી, પરંતુ તે વખતે માગી નહીં. શ્રીમાએ પણ હાથ બતાવીને કહ્યું છે – ‘મુક્તિ જ્યારે ઇચ્છે ત્યારે આપી શકાય છે, પરંતુ શ્રદ્ધાભક્તિ નથી આપી શકાતાં.’                       (ક્રમશ:)

Total Views: 329

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.