સમગ્ર ભારતની જેમ દૂર-અંતરે આવેલા પ્રાચીન અવશેષો પરથી ગુજરાતમાં પણ સૂર્યોપાસના થતી હતી, એનાં પ્રમાણો મળે છે. અસંખ્ય શિલાલેખો અને કોતરકામો દ્વારા પણ ગુજરાતને સૂર્યોપાસના સાથે ઘણો સંબંધ હતો, એ જોવા મળે છે. ઈ.સ. પૂર્વેની પાંચમી શતાબ્દીથી મધ્યયુગ સુધીના સમયગાળામાં પુરાતત્ત્વવિદો દ્વારા થયેલાં ખોદકામ અને સંશોધનોથી મળેલાં સ્મારકો કે સ્મૃતિ મંદિરોમાંના પથ્થરનાં શિલ્પકામો દ્વારા આ સૂર્ય-ઉપાસનાની વાતને ઘણો ટેકો મળે છે. ઊગતા સૂર્યને સુવર્ણસમૃદ્ધિનું પ્રતીક ગણવામાં આવે છે. સૂર્ય સમગ્ર સૃષ્ટિના પાલક પિતા છે. એટલે જ ભારતમાં અનાદિકાળથી સૂર્યદેવની ઉપાસના થાય છે.
મોઢેરાનું સૂર્યમંદિર સમગ્ર ગુજરાતમાં બંધાયેલાં બધાં સૂર્યમંદિરોમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. મોઢેરાનું સૂર્યમંદિર કાશ્મીરમાં આવેલાં જગવિખ્યાત ‘માર્તંડમંદિર’ અને ઓરિસ્સાના ‘કોણાર્ક’ના સૂર્યમંદિર જેટલું જ મહત્ત્વ ધરાવે છે. અત્યાર સુધી જળવાઈ રહેલા આ ભવ્ય સ્થાપત્યનું સ્મારક તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે અને તે સ્થળની પવિત્રતા અને અલંઘ્યતાનો પણ પુરાવો આપે છે.
આ સ્થાન મોઢેરા કે મોઢેરાપુરા એ મુંડેરાના નામે જાણીતું હતું. એમ કહેવાય છે કે તે મોઢ બ્રાહ્મણનું મૂળ નિવાસસ્થાન હતું. છેક રામાયણ સુધી એની લોકકથા જોડાયેલી છે. એમ પણ મનાય છે કે રામ અને સીતાનાં લગ્ન વખતે મોઢ બ્રાહ્મણોને આ મોઢેરા ગામ કૃષ્ણાર્પણ થયું હતું. સ્કંદપુરાણના ત્રીજા ખંડના બીજા અધ્યાયના શ્ર્લોક 40 થી 67 દર્શાવે છે કે રાવણને હરાવીને ભગવાન રામે મુનિ વશિષ્ઠને એવું યાત્રાસ્થળ બતાવવા કહ્યું કે જ્યાં જઈને તેઓ પોતાના બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવી શકે. વશિષ્ઠ મુનિએ એમને ધર્મારણ્ય નામનું સ્થાન બતાવ્યું. આ ધર્મારણ્યમાં ભગવાન રામે મોઢેરાક નામના ગામમાં નિવાસ કર્યો. ત્યાર પછી તેમણે ત્યાં યજ્ઞ કર્યો. પછીથી સીતાપુર નામનું એક ગામ વસાવ્યું. એમ માનવામાં આવે છે કે ઉપર વર્ણવેલ મોઢેરાહ પછીથી મોઢેરાના નામે જાણીતું બન્યું. બહુચરાજી માતાના સ્થાનથી સીતાપુર નામનું ગામ 8 કિ.મિ. દૂર છે.
એક વખત આ શહેર સમૃદ્ધ હતું અને બંદર પણ હતું. મોઢેરા અનાહિતપટ્ટક(પાટણ)ની દક્ષિણે 4 કિ.મિ.ના અંતરે પુષ્પાવતી નદીના ડાબી બાજુના કિનારે આવેલું છે. મોઢેરાનું આ સૂર્યમંદિર પુષ્પાવતી નદીના પશ્ચિમ કિનારે આશરે ઈ.સ.1026 થી 27 દરમિયાન ચાલુક્ય વંશના રાજા ભીમદેવે (ઈ.સ. 1022-1063) બંધાવ્યું હતું.
મોઢેરા વણિકોના માતાના સ્થાન તરીકે પણ જાણીતું છે. અહીં ‘માતંગી મોઢેશ્ર્વરી માતા’નું મંદિર છે. પગથિયાંવાળી વાવનું બાંધકામ અહીં જોવા મળે છે. મોઢ વણિકો આ દેવીને પૂજે છે. અહીં મોટી ધર્મશાળા છે અને મહા સુદ 13ને દિવસે અહીં મેળાનું આયોજન થાય છે. ઘણા યાત્રાળુઓ એ વખતે અહીં આવે છે. ચૈત્ર પૂર્ણિમાને દિવસે મોઢાઘાંચીનો સંઘ અહીં દેવીની પૂજા કરે છે. આ ઉપરાંત અહીં શ્રાવણ વદ અમાસ અને અધિક મહિનાની અમાસે પણ મેળો યોજાય છે. અહીંનું સૂર્યમંદિર કર્કવૃત્ત રેખા પર આવેલું છે, અમદાવાદથી 102 કિ.મિ. દૂર છે.
જેમ ભારતના બીજા ભાગોમાં આવેલાં મંદિરોનું બન્યું છે તેવી જ રીતે કટ્ટરવાદીઓના આક્રમણથી આ મંદિરનો પણ વિનાશ કરવાના પ્રયત્નો થયા હતા. તેમણે ભોંયતળિયે આવેલા સૂર્યમંદિર નીચે દારૂગોળાની થેલીઓ મૂકી અને તેની મદદથી આ મંદિરનું શિખર ઉડાડી દીધું. અનન્ય નજાકત અને સૌંદર્ય ધરાવતા આ મંદિરનું બાંધકામ શિલ્પશાસ્ત્રની આસ્થા પ્રમાણે જેમ બીજાં અગત્યનાં બાંધકામોમાં બરાબર ધ્યાન રાખવામાં આવે છે, તેવી જ રીતે આ મંદિરનું સમગ્ર માળખું રચાયું હતું. કલાકારો પોતાની કળાના સર્જનમાં કળાને ભૂગોળ સાથે પણ અનુબંધિત કરતા હોય છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ મોઢેરાનું સૂર્યમંદિર છે.
સમગ્ર બાંધકામ એક ‘ખરાશિલા – Basement’ ના નક્કર પાયા પર રચાયું હતું. તેમાં ગર્ભગૃહ (મંદિર) અને ગુહમંડપ (વિશાળખંડ), સભામંડપ કે રંગમંડપ વગેરે હતાં. એને સ્થાનિક લોકો ‘સીતાચાવડી’ના નામે જાણે છે. આ મંદિરની બરાબર સામેના ભાગમાં એક કુંડ છે, તેનું નામ રામકુંડ છે. મૂળ મંદિરના બાંધકામમાં કેટલાંક નાનાં મંદિરો પણ હતાં, જેનો વિનાશ થયો છે.
મંડપ અને ગર્ભગૃહો સાથેના મંદિરનું મુખ્ય બાંધકામ લંબચોરસ આકારનું હતું. તેની અંદરની દીવાલો 51 ફૂટ અને 9 ઈંચ લાંબી હતી અને તેની પહોળાઈ 25 ફૂટ 8 ઈંચ હતી. આમ સમગ્ર બાંધકામ વિસ્તાર 1275 ચો.ફૂટનો હતો અને તે એકસરખા બે ભાગમાં વહેંચાયેલ હતો. અંદરના અડધા ભાગમાં ગર્ભગૃહ અને આગળના ભાગમાં મંડપનું બાંધકામ હતું. પવિત્ર નિજમંદિર અંદરથી 11 ફૂટની ચોરસાઈવાળું હતું. આ નિજમંદિર અને બહારની દીવાલો વચ્ચે પ્રદક્ષિણામાર્ગ હતો. આ પ્રદક્ષિણામાર્ગને સપાટ સ્લેબનું છાપરું હતું. તેના પર અંદરના ભાગે ગુલાબના આકારના અલંકાર જેવું કોતરકામ હતું અને તેની ઉપર શિખર હતું.
મંડપ અષ્ટકોણાકાર વીથિઓ અને સ્તંભોવાળો હતો અને તેના પર આવેલો ઘુમ્મટ ભવ્ય રીતે કોતરેલો હતો. અંદરની દીવાલો આવરણ વિનાની અને ગોખલાની કોતરણી અને ઝરુખાવાળી હતી. તેના પર સૂર્યનાં ચિત્રો હતાં. સાદી દીવાલો મોટે ભાગે કોતરેલા સ્તંભોવાળી, રામાયણનાં ચિત્રોવાળી હતી. મંદિરનો બાહ્યભાગ પણ સરસ કોતરકામવાળો હતો. આ બધામાં સભામંડપ ઘણો સુંદર, ભવ્ય અને મંદિરના એક ઘરેણા સમાન હતો. એના પર મહાભારતનાં દૃશ્યો કોતરેલાં હતાં. બહારની દીવાલો પર કોણાર્કના સૂર્યમંદિરની જેમ કામુકયુગલોનું કોતરકામ જોવા મળે છે. ત્રણ હાથ, ત્રણ પગ અને ધડવાળી આકૃતિ ખાસ જોવા જેવી છે. તત્કાલીન લોકોની જીવનશૈલી, દેવદેવીઓની મૂર્તિઓ સૂર્યકુંડ-રામકુંડની 108 રચનાવાળી નાની નાની દેરીઓમાં જોવા મળે છે.
આ સભામંડપની બહાર બે તોરણસ્તંભ છે. તેની કમાન અત્યારે નથી. તોરણમાંથી પગથિયાંની હારમાળા જોવામાં આવે છે, તે કુંડની સામેના ભાગ સુધી આપણને લઈ જાય છે. આ સૂર્યકુંડ રામકુંડના નામે પણ જાણીતો છે. તે લંબચોરસ આકારનો છે. તે ઉત્તરથી દક્ષિણ સુધી 176 ફૂટ લાંબો અને પૂર્વથી પશ્ચિમ 20 ફૂટની પહોળાઈવાળો છે. તેમાં ઘણાં ઝરુખા અને પાણીની સપાટી સુધી દોરી જતાં પગથિયાં પણ છે. તેની બાજુમાં અને ખૂણાઓમાં જલશાયી વિષ્ણુ, ત્રિવિક્રમ, દેવી શીતળા જેવાં દેવી-દેવતાઓની કોતરણીવાળાં નાનાં મંદિરો પણ છે. આ મોઢેરાનું મંદિર સુપ્રામાણ્યની ભવ્યતા અને આસ્થાની ભાવના જગાડે છે. જાણે કે સમગ્ર બાંધકામ પ્રેરણાની જીવંતજ્યોતથી પ્રકાશી ઊઠે છે. આના ભૌતિક સૌંદર્ય ઉપરાંત આ મંદિરના રચયિતાએ આધ્યાત્મિક કૃપાનું કે આનંદનું વાતાવરણ વહેતું કરવામાં સફળતા મેળવી છે.
આ મંદિર કર્કવૃત્ત પર પૂર્વ દિશામાં સૂર્યની સામે જ આવેલું છે. સૂર્યનાં સુવર્ણમય કિરણો લયતાલ સાથે મંદિરના મુખ્ય દ્વારથી પરસાળ સુધી જાણે કે નીતરતાં હોય એવું લાગે છે. આ સોનેરી કિરણો ત્યાંથી પસાર થઈને ગોળ થાંભલાની દેવડીઓમાંથી અંદરના ખંડ સુધી નીતરતાં રહે છે.
સૂર્યનાં સુવર્ણમય કિરણો મંદિરની મૂર્તિ સુધી પહોચી જાય છે, તે પહેલાં થાંભલાઓ અને તોરણો પર કિરણોનાં ઝબકારા, ચમકારા અને કંપનો જોવા મળે છે. આ સમગ્ર માળખું જાણે કે સૂર્યનાં સુવર્ણરંગી કિરણોથી પ્રકાશિત થઈ ઊઠે છે. અંતે આ કિરણો નીચેના કુંડના જળને પણ સુવર્ણમય બનાવી દે છે.
Your Content Goes Here