સ્તુતિ

रामाय रामचन्द्राय रामभद्राय वेधसे ।

रघुनाथाय नाथाय सीताया: पतये नम: ॥

હું શ્રીરામને, શ્રીરામચંદ્રને,

સ્રષ્ટા શ્રીરામભદ્રને, રઘુઓના નાથને,

સીતાના પતિને પ્રણામ કરું છું.

પ્રત્યેક હિંદુની શ્રદ્ધા છે કે જ્યારે પૃથ્વી પરનાં મહા પાપોના વિનાશ માટે તથા ધર્મની સંસ્થાપના માટે એમનું અવતરણ આવશ્યક બની રહે છે, ત્યારે સર્વવ્યાપી બ્રહ્મ-ભગવાન વિષ્ણુ લૌકિક રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. અયોધ્યાના યુવરાજ શ્રીરામ વસ્તુત: ભગવાન વિષ્ણુના સાતમા અવતાર હતા. તેઓ રાક્ષસોના નરસંહાર અને ઉત્પીડનથી લોકોને બચાવવા, સંત-સાધુઓની રક્ષા કરવા માટે તેમજ પૂર્ણ મર્યાદાના આદર્શને લોકો સમક્ષ રાખવા અવતર્યા હતા.

ત્રેતાયુગમાં અયોધ્યા (ઉત્તર પ્રદેશ)માં દશરથ નામના એક ધર્મપરાયણ અને વીર સૂર્યવંશી રાજા રાજ્ય કરતા હતા. એમને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા નામની ત્રણ પતિવ્રતા પત્નીઓ હતી. પણ પોતાના રાજ્યના ઉત્તરાધિકારી પુત્રથી તેઓ વંચિત હતા. તેમણે ઋષિ ઋષ્યશ્રૃંગનાં આદેશ અને માર્ગદર્શન હેઠળ અશ્ર્વમેધ યજ્ઞ કર્યો. યજ્ઞાગ્નિમાંથી એક ભવ્યમૂર્તિ ખીરથી ભરેલા પાત્ર સાથે પ્રગટ થઈ. રાણીઓએ એને ગ્રહણ કરી પ્રસાદ લીધો અને કાળક્રમે કૌશલ્યાની કૂખેથી શ્રીરામ, કૈકેયીથી ભરત અને સુમિત્રાની કૂખેથી લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. આ ચારે પુત્રો ભગવાન વિષ્ણુના અંશ મનાય છે. જ્યેષ્ઠ પુત્ર શ્રીરામ સમસ્ત દૈવીગુણ સંપન્ન હતા અને બધાંનાં પ્રેમ, વાત્સલ્ય અને શ્રદ્ધાના પાત્ર હતા. રાજકુમારોને યોગ્ય એવું પ્રશિક્ષણ ચારે ભાઈઓને આપવામાં આવ્યું. રામ પ્રત્યે લક્ષ્મણને વિશેષ પ્રેમભાવ હતો તો શત્રુઘ્નને ભરત પ્રત્યે એવો જ પ્રેમભાવ હતો.

જ્યારે શ્રીરામ 16 વર્ષના થયા ત્યારે એક દિવસ ઋષિ વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા અને રાક્ષસોનો સંહાર કરવા માટે રામ-લક્ષ્મણને પોતાની સાથે મોકલવા માટે તેમણે દશરથ રાજાને કહ્યું. આ રાક્ષસો ઉપદ્રવ મચાવતા અને ઋષિઓને યજ્ઞકાર્ય કરવા ન દેતા. ઋષિ વિશ્વામિત્રના આશીર્વાદ અને પોતાની શસ્ત્રવિદ્યાની શક્તિ અને નિપુણતાથી રામે બધા રાક્ષસોનો નાશ કર્યો. ઋષિઓના આશીર્વાદ લઈને બંને ભાઈ જનકરાજાની રાજધાની મિથિલામાં આવ્યા. અહીં રામે ભગવાન રુદ્રનું અલૌકિક ધનુષ્ય ઉપાડ્યું અને તેની પણછ ચડાવીને પોતાની વિલક્ષણ શક્તિ તેમજ નિપુણતાનો પરિચય આપ્યો. બીજા કેટલાય રાજાઓ આવું કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. પણ શ્રીરામે ધનુષ્યની પણછને એટલી જોરથી ખેંચી કે આ મહાન શસ્ત્ર એક ભયંકર ટંકાર સાથે કટકા થઈને તૂટી ગયું. રાજા જનકે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરીને પોતાની વહાલી અને અનન્ય સૌંદર્યવાન ક્ધયા સીતાનો વિવાહ શ્રીરામ સાથે કર્યો.

દશરથ વૃદ્ધ થયા અને તેમણે શ્રીરામનો યુવરાજપદે અભિષેક કરવાનો નિર્ણય કર્યો, બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. પરંતુ એકાએક નિષ્ઠુર હૃદયવાળી કૈકેયીએ પોતાની ભ્રષ્ટબુદ્ધિ મંથરા નામની દાસીની કાનભંભેરણીથી દશરથ રાજા પાસે બે વરદાન માગી લીધાં. દશરથે એનો સ્વીકાર કર્યો. પહેલા વરદાન પ્રમાણે રામે 14 વર્ષનો વનવાસ કરવાનો હતો અને બીજા વરદાન પ્રમાણે તેના પોતાના પુત્ર ભરતનો યુવરાજના રૂપે અભિષેક કરવાનો હતો. રામ પિતાના આજ્ઞાંકિત પુત્ર હતા એટલે તેઓ તત્કાળ સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ જવા ઊપડ્યા. આ અસહ્ય કુઠારાઘાતથી દશરથે પોતાના પ્રાણ છોડી દીધા. ભરતને રામ પ્રત્યે અત્યંત શ્રદ્ધાપ્રેમભાવ હતો. તેમણે રામને અયોધ્યા પાછા લાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા. એમાં સફળ ન થતાં અંતે તેમણે રામની ચરણપાદુકાઓને રાજ્ય સિંહાસન પર સ્થાપિત કરીને રામના નામે રાજ્યનું શાસન સંભાળ્યું.

રામ, લક્ષ્મણ અને સીતા પંચવટીમાં રહેવા લાગ્યાં. જ્યારે શ્રીરામ મારીચ રાક્ષસની માયાથી પોતાની કુટિરથી દૂર ગયા ત્યારે લંકાધિપતિ રાક્ષસરાજા રાવણે સીતાનું હરણ કર્યું. રાવણે સીતાને પોતાની રાણી બનાવવાના પ્રબળ પ્રયાસો કર્યા.

પરંતુ રામનાં ચિંતન-મનનમાં પૂર્ણ રૂપે ડૂબેલાં સીતાએ ખૂબ રોષપૂર્વક એમના આ અભદ્ર પ્રસ્તાવોને ધિક્કાર સાથે ઠુકરાવી દીધા. સીતાને અશોકવાટિકામાં બંદિની બનાવી દીધાં. રામ લક્ષ્મણની સાથે વ્યાકુળ હૃદયે સીતાની શોધમાં નીકળી પડ્યા. એમને મુમૂર્ષુ જટાયુ અને વાનરરાજ સુગ્રીવ પાસેથી સીતાના સગડ મળ્યા.

એમણે સુગ્રીવ સાથે મૈત્રી કરી અને એનો અધિકાર ઝૂંટવી લેનાર તેના ભાઈ વાલીના નાશમાં તેને સહાયતા કરી. સુગ્રીવે આપેલ વાનરસેનાને સાથે લઈને સીતાનો ઉદ્ધાર કરવા રામ લંકા પહોંચ્યા. રામ-રાવણની વચ્ચે મહાયુદ્ધ થયું, અંતે પોતાના બધા કુશળ યોદ્ધાઓ સાથે રાવણ મરાયો અને સીતાને મુક્ત કરાયાં.

શરૂઆતમાં સીતાને સ્વીકારવા શ્રીરામ સહમત ન થયા, કારણ કે સીતા આટલા દિવસ રાવણનાં બંદિની રૂપે રહ્યાં હતાં. પોતાની પવિત્રતાનું પ્રમાણ આપવા સીતાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. જ્યારે અગ્નિદેવ પોતે જ સીતાને લઈને પ્રગટ થયા અને તેમને નિષ્કલંક અને પવિત્ર ઘોષિત કર્યાં, ત્યારે શ્રીરામે સીતાને પત્ની રૂપે સ્વીકાર્યાં. શ્રીરામના આનંદની કોઈ સીમા ન હતી. રાવણના ભાઈ વિભીષણને લંકાના રાજ્યાસન પર બેસાડ્યા. સીતા, લક્ષ્મણ, વિભીષણ, સુગ્રીવ તથા પોતાના અત્યંત વિશ્વસનીય અને પ્રકાંડ ભક્ત હનુમાન સાથે શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા. 14 વર્ષના લાંબા ગાળા પછી વશિષ્ઠ મુનિએ સીતા સાથે રામને અયોધ્યાના રાજાના રૂપે સિંહાસન પર બેસાડ્યા. આમ, શ્રીરામના સુદીર્ઘ સમૃદ્ધિશાળી શાસનનો પ્રારંભ થયો, જેને ચારણોએ-કવિઓએ એકી અવાજે અયોધ્યાનો ‘સુવર્ણયુગ’ કહ્યો છે. એમણે કહ્યું છે:

‘રામરાજ્યમાં કોઈ અકાળે મૃત્યુ ન પામતું. બધાં રોગમુક્ત હતાં. સ્ત્રીઓને પોતાનાં પતિ કે સંતાનના અવસાનનું દુ:ખ વેઠવું ન પડતું. ક્યાંય લુટારા, દગાબાજ કે ભ્રષ્ટાચારી વેપારી ન હતા. પ્રત્યેક માનવી પાડોશીને પોતાની જેમ ચાહતો. ઋતુ અનુસાર વૃક્ષોમાં ફળ આવતાં, અન્નના ભંડારો ભરવામાં પાકને ક્યારેય નિષ્ફળતા નહોતી મળી અને લોકો પોતાના પરિશ્રમના ફળથી સંતુષ્ટ હતા. સર્વત્ર ઉલ્લાસ, સ્વાસ્થ્ય અને આનંદનું વાતાવરણ હતું.’

અમર કવિ વાલ્મીકિએ પોતાના મહાકાવ્ય ‘રામાયણ’માં અને તુલસીદાસે ‘શ્રીરામચરિત માનસ’માં શ્રીરામના આ દૈવી અને વિલક્ષણ જીવનનું વર્ણન કર્યું છે, જે આજે પણ બધા હિન્દુઓનું-ભારતીયોનું ચિરંતન સહચર બની ગયું છે.

Total Views: 643

One Comment

  1. Rasendra Adhvaryu August 27, 2023 at 9:28 am - Reply

    ખુબ સુંદર સન્ક્ષિપ્ત વર્ણન

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.