‘બુદ્ધનો દરેકે દરેક સિદ્ધાંત વેદાંતમાંથી નીકળેલો છે. તપોવનના મઠો અને વેદોમાં જે સત્ય છુપાઈને પડ્યાં હતાં તે સત્યોને બહાર લાવનારા સાધુઓ માંહેના બુદ્ધ પણ એક હતા.

અત્યારે પણ એ સત્યોને માનવા વિશ્વ તૈયાર હોય એમ હું માનતો નથી. હજી પણ એને પેલા હલકા ધર્મો વહાલા છે. એ ધર્મો એને સગુણ ઈશ્વરને ભજવાનો બોધ આપે છે.

આને જ કારણે મૂળનો બૌદ્ધધર્મ સામાન્ય માણસોના માનસને સ્પર્શી શક્યો નહિ અને એ માટે એણે મૂળમાં સુધારાવધારા ક્રવા પડ્યા. એ સુધારાવધારાની છાપ તિબેટ અને તાર્તાર પર પડી છે. મૂળ બૌદ્ધધર્મ કંઈ શૂન્યવાદી હતો જ નહિ.

એ તો પુરોહિતવાદ અને જાતિવાદ સામે લડવા માટેનો પ્રયત્ન હતો. સમસ્ત વિશ્વમાં મૂંગાં પ્રાણીઓની પડખે ઊભો રહેનાર તે એકમાત્ર વીર નાયક હતો.

જાતિપ્રથાની ભીંતોને ભાંગનાર તે સર્વપ્રથમ હતો, માનવ-માનવ વચ્ચેની દીવાલને તોડનાર તે સર્વપ્રથમ ધર્મ હતો.’…

‘અન્યનું ભલું કરવા સિવાયનું કોઈ પણ કામ એમણે કદી પણ વિચાર્યું નથી અને કદી પણ ર્ક્યું નથી. કેટલા મહાન આત્મા! એમની પાસે પ્રખર બુદ્ધિ અને વિશાળ હૃદય હતાં.

એમણે આખી માનવજાતને અને આખી પ્રાણીસૃષ્ટિને સ્વીકારી, સૌને તેઓ ભેટ્યા અને ઊંચામાં ઊંચા દેવથી માંડીને એક નાનામાં નાના તુચ્છ કીડા માટે પણ તેમણે પોતાની જિંદગી કુરબાન કરવાની તૈયારી બતાવી હતી. કોઈક રાજાના યજ્ઞમાં બલિદાન દેવા માટે એકઠાં કરેલાં ઘેટાંના ટોળાને બચાવવા માટે તેઓ પોતે યજ્ઞવેદીમાં કૂદી પડ્યા એ વાત તેમણે પહેલાં બધાને કહી અને બતાવ્યું કે બુદ્ધે એ પ્રમાણે પોતાનું કાર્ય સિધ્ધ ર્ક્યું.’

ત્યાર પછી તેમણે બુદ્ધનું એ ચિત્ર રજૂ ર્ક્યું કે દુ:ખી માનવજાતનો પોકાર સાંભળીને તે મહાપુરુષે પોતાની પત્ની અને પોતાના બાળક પુત્રનો કેવી રીતે ત્યાગ ર્ક્યો અને છેલ્લે જ્યારે તેમના ઉપદેશો વૈશ્ર્વિક સ્તરે ભારતમાં સ્વીકાર પામ્યા ત્યારે તેમણે એક હલકા ગણાતા ભંગીનું નિમંત્રણ સ્વીકાર્યું અને એની સાથે સૂવરનું માંસ પણ ખાધું અને એને જ પરિણામે એમનું મૃત્યુ થયું.

ભગવાન બુદ્ધ પ્રત્યે સ્વામી વિવેકાનંદની ઊભરાતી ભક્તિ અવિસ્મરણીય છે : ‘હું તો બુદ્ધના દાસોના દાસનો દાસ છું. એમની સમાન બીજું કોણ થયું છે! ભગવાન બુદ્ધ મારા ઇષ્ટ છે – મારા પરમેશ્ર્વર છે. ઈશ્વરત્વ વિશે એમણે કદી બોધ આપ્યો ન હતો. તેઓ જ સ્વયં ઈશ્વર હતા, એમાં મને પૂર્ણ શ્રદ્ધા છે.’

સ્વામી વિવેકાનંદને મન બુદ્ધની કરુણા અને શંકરની મેધા પૂર્ણ મનુષ્યને કે રાષ્ટ્રને સર્જશે.

(સ્વા.વિ.ગ્રંથમાળા ભાગ – 5 : પૃ. 239-240)

Total Views: 354

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.