ઉદ્‌ઘાટન સમારંભ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદનું સ્વાગત પ્રવચન

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય અને જેમણે 25 વર્ષ સુધી પશ્ચિમના જગતમાં ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ અને ફિલોસોફીના પ્રચાર-પ્રસારનું કાર્ય કર્યું હતું એવા સ્વામી અભેદાનંદજી મહારાજની 150મી જન્મજયંતીના ઉપક્રમે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજાયેલ બે દિવસના ‘ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી’ વિશેના શનિવાર, 3 ફેબ્રુઆરી, 2018 અને રવિવાર 4 ફેબ્રુઆરી, 2018ના રોજ સવારના 9.00 વાગ્યાથી સાંજના 5.00 વાગ્યા સુધીના રાષ્ટ્રિય સેમિનારમાં ઉપસ્થિત સમગ્ર ભારતમાંથી આવેલા સુપ્રસિદ્ધ વક્તાઓ, દસ રાજ્યના 800 પ્રતિનિધિઓ, (જેમાં મોટા ભાગના યુવાનો છે), આમંત્રિતો, પ્રેસ પ્રતિનિધિઓ, વરિષ્ઠ સંન્યાસીઓ અને અન્ય સંન્યાસી બંધુઓનું હું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું.

જે સ્થળે આ સેમિનારનું આયોજન થયું છે, તે શ્રીરામકૃષ્ણ આશ્રમ ભારતની આધ્યાત્મિક વિરાસતનું મૂર્તસ્વરૂપ છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્રારંભ 1927માં થયો હતો. આ સંસ્થા વિશ્વવ્યાપી આધ્યાત્મિક અને સર્વસેવાના કાર્યમાં સંલગ્ન સંસ્થા રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વડા મથક બેલૂર મઠ (પશ્ચિમ બંગાળ)નું એક શાખાકેન્દ્ર છે. ગુજરાતનું આ સર્વપ્રથમ કેન્દ્ર છે. આ સંસ્થા ‘શિવભાવે જીવસેવા’ના આદર્શથી વિવિધ પ્રવૃત્તિઓ નવ દાયકાથી ચલાવી રહી છે. અહીં શ્રીરામકૃષ્ણદેવનું સુંદર વૈશ્ર્વિક મંદિર પણ છે.

જ્યારે ભારતના ભૂતપૂર્વ સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે આ મંદિરની મુલાકાત લીધી હતી ત્યારની એક ઘટના મને તમને કહેવી ગમશે. જ્યાં હું પોરબંદર આશ્રમમાં અધ્યક્ષરૂપે સેવા આપતો હતો, તેની મુલાકાત લેવા અને આમંત્રણ આપવા માટે મારે તેમને મળવાનું થયું હતું. એ વખતે તેઓ અહીંની રાજકુમાર કોલેજના કોઈ કાર્યક્રમમાં આવતા હતા. મેં તેમને પૂછ્યું કે હું આપને રાજકુમાર કોલેજમાં મળું કે વિમાનમથકે? તેમણે આવો સંદેશો પાઠવ્યો, ‘તમે સ્વામીજી છો, તમે સંન્યાસી છો. મારે તમારી પાસે આવવું જોઈએ.’ આમ, તેઓશ્રી 25 ડિસેમ્બર, 2001ની સાંજે વિમાનમથકે જતી વખતે અમારા આમંત્રણ વિના રાજકોટ આશ્રમમાં પધાર્યા. પછી અમે એમને પૂછ્યું કે આપને મંદિરમાં જવું પસંદ આવશે? તેમણે જવાબ આપ્યો, ‘હા, મને મંદિરમાં જવું ગમશે.’ તેઓશ્રી મંદિરમાં પધાર્યા. બહારથી જ મંદિર બતાવી દઈશું, એમ અમે વિચાર્યું હતું. પરંતુ તેઓશ્રી તો મંદિરમાં ગયા. બરાબર ગર્ભમંદિરની સામે જ પહોંચી ગયા.

એ વખતે સંધ્યા આરતી ચાલતી હતી, સંન્યાસીઓનું પ્રાર્થનાગાન ચાલુ હતું. તેમણે કહ્યું, ‘સ્વામીજી, હું આમની સાથે બેસી શકું?’ મેં કહ્યું, ‘હા, ચોક્કસ.’ તેમની સાથે જ તેઓ બેસી ગયા. જેવા તેઓ બેઠા કે તરત જ ગહન ધ્યાનમાં સરી પડ્યા. વિમાનમથકે જવામાં મોડું થતું હતું સિક્યુરિટીવાળાઓએ અમને એ વિશે જાણ કરવા કહ્યું. એટલે અમે એમને કાનમાં કહ્યું, ‘ડૉ. કલામ, તમારે મોડું થાય છે.’ પરંતુ અમારા શબ્દોની કોઈ અસર ન થઈ. અમારે તેમને જરા હલાવવા પડ્યા, ત્યારે તેઓ ધ્યાનમાંથી બહાર આવ્યા. અમે વળી પાછું કહ્યું કે આપશ્રીને મોડું થાય છે. પછી તેઓ તરત જ ઊભા થયા અને દાદરો ઊતરીને પોતાના બૂટ હાથમાં લઈને, પહેર્યા વિના સીધા કાર તરફ દોડ્યા. પછી ગાડીમાં બેઠા અને બૂટ પહેરવા લાગ્યા. અમે તેમને પૂછ્યું, ‘ડૉ. કલામ, મંદિરમાં શું થયું હતું?’ તેમણે કહ્યું, ‘સ્વામીજી, સંગીત દિવ્ય હતું. તે મારા કાનમાં પ્રવેશ્યું. પછી તે મારા હૃદયમાં પ્રવેશ્યું અને ત્યાર પછી તો તે મારા આત્મામાં પણ પ્રવેશી ગયું અને હું મારી જાતને વિસરી ગયો.’ આ જ શબ્દો એમણે વાપર્યા હતા, ‘હું મારી જાતને વિસરી ગયો.’ તેમણે ‘સમાધિ’ શબ્દનો પ્રયોગ ન કર્યો પણ તેમણે કહ્યું, ‘હું મારી જાતને વિસરી ગયો.’

ભારતના રાષ્ટ્રપતિરૂપે તેમને આમંત્રણ આપ્યું હતું એટલે સ્વામી વિવેકાનંદના કોલકાતાના પૈતૃક નિવાસસ્થાનમાં રામકૃષ્ણ મિશન, કેન્દ્રનું ઉદ્‌ઘાટન કરતી વખતે તેમણે આ શબ્દો કહ્યા હતા, ‘જ્યારે હું રાજકોટ આશ્રમના મંદિરમાં હતો ત્યારે પ્રથમ વખત જ મને ખબર પડી કે એક ચોક્કસ તબક્કે સમય જાણે કે વિસારે પડી ગયો. એ સમયે હું રાજકોટમાં હતો અને જ્યારે સમયનું મને ભાન ન રહ્યું તેવો એક અદ્‌ભુત અનુભવ મને થયો.’ આપ સૌને આ પવિત્ર મંદિરમાં પધારવા અને ત્યાં ધ્યાનમાં બેસવા અને જ્યાં સમય જાણે કે વિસારે પડી જાય છે એ પળનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા મારું આમંત્રણ છે. આ આમંત્રણ આપ સૌને છે.

અહીં કેટલાક પ્રતિનિધિઓ, આખા દેશમાંથી આવ્યા છે અને એમાંય એક પ્રતિનિધિ યુ.કે.માંથી પધાર્યા છે. ભારતનાં 10 રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આવ્યા છે અને તેમાં મોટે ભાગે ગુજરાતના છે. આ દૃષ્ટિએ આપ જેમ કહો છો, તેમ આ સેમિનાર રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સેમિનાર બની ગયો છે. ભિન્ન ભિન્ન રાજ્યોમાંથી અને એમાંય જે પ્રતિનિધિઓ ગુજરાતની બહારથી આવે છે એમને માટે અમે થોડી મૂંઝવણમાં છીએ.

સ્થાનિક લોકોની ઇચ્છા છે કે વક્તવ્યો ગુજરાતીમાં કે હિંદીમાં હોવાં જોઈએ. પરંતુ આપ સૌ જાણો છો કે આ રાષ્ટ્રિય સેમિનાર છે, એટલે અમે વકતવ્યો અંગ્રેજી કે હિંદીમાં હોય એવું વિચાર્યું છે. અમે એમાં એક અપવાદ કરીશું. એક વકતવ્ય ગુજરાતીમાં પણ હશે, 50% વકતવ્યો હિંદીમાં હશે અને 50% વકતવ્યો અંગ્રેજીમાં હશે. પરંતુ જ્યારે જ્યારે અંગ્રેજી ભાષાનું વકતવ્ય હશે તો તેનો હિંદીમાં સારસંક્ષેપ અપાશે કે જેથી બધા લોકોને એનો લાભ મળી શકે. જે લોકો આ સેમિનારમાં ઉપસ્થિત રહી શક્યા નથી એમને માટે આ સેમિનારનું યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ થશે.

પરંતુ અહીં ઉપસ્થિત ગુણવાન શ્રોતાજનોને જોઈને આનંદ અનુભવું છું. જે રીતે તમે આ બધું સાંભળો છો, એ રીતે હું અપેક્ષા રાખું છું કે આવું ધ્યાન આવતીકાલની સાંજના પાંચ વાગ્યા સુધી રહેશે. ફરીથી હું આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું. આપ સૌનો આભાર.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપ-કુલપતિશ્રી માનાર્હ અતિથિ ડૉ. કમલેશ જોષીપુરાનું પ્રવચન

સ્વામી વિવેકાનંદજીના સંન્યાસી-ગુરુભાઈ સ્વામી અભેદાનંદજી મહારાજની 150મી જન્મજયંતીની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. બે દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારે નર્સરીથી માંડીને ઉચ્ચતર માધ્યમિક સુધીની કેળવણીની પ્રણાલીને સુસંગઠિત બનાવવાની જાહેરાત કરી હતી. કેન્દ્રના માનવ-સંસાધન ખાતાએ આની ક્રિયાન્વિતતાનો પ્રારંભ પણ કરી દીધો છે. વ્યક્તિગત રીતે આ કાર્યનું હું સ્વાગત કરું છું. વૈશ્ર્વિક કક્ષાએ આપણે સહસ્રવર્ષના વિકાસના ધ્યેયના બીજા તબક્કામાં પહોંચ્યા છીએ. 2000ના વર્ષમાં MDG (Millennnium Development Goal – સહસ્રાબ્દી વિકાસ ધ્યેય) ની ઘોષણા થઈ હતી અને સમગ્ર વિશ્વ કેળવણીના ક્ષેત્રમાં નક્કર પગલાં ભરાય તેની અપેક્ષા સેવે છે, એમ પણ કહેવામાં આવ્યું હતું. 2015માં એનું પુનરાવલોકન કરવામાં આવ્યું હતું અને MDG ને SDG (Sustainable Development Goal  – દીર્ઘકાલીન વિકાસ ધ્યેય) માં પરિવર્તિત કરવામાં આવ્યો. કેળવણીના ક્ષેત્રમાં એક શબ્દ ઉમેરાયો છે અને તે છે જઉૠમાં મૂલ્યશિક્ષણ. 2030માં આ જઉૠનું પુનરાવલોકન કરવામાં આવશે.

સમગ્ર વિશ્વને જાગૃત કરવા આજના સમયે ભારતીય નૈતિકતા અને મૂલ્યો તેમજ સંસ્કૃતિ સૌથી વધારે પ્રાસંગિક છે. આપણે માત્ર શાંતિમાં માનતા નથી. ક્યારેક શાંતિ એ અભાવાત્મક શબ્દ પણ બની રહે છે. આપણે તો સર્વસમભાવમાં માનીએ છીએ. સર્વસમભાવ હંમેશાં ભાવાત્મક ભાવ જ રહે છે. આ સાથે હું સ્વામી નિખિલેશ્વરાનંદજી સમક્ષ એક સૂચન મૂકવા માગું છું. હું માનું છું કે રાષ્ટ્રિય કક્ષાના આ બે દિવસના સેમિનારનું સુનિશ્ર્ચિત મહત્ત્વ છે. આ સેમિનાર દ્વારા કેન્દ્ર સરકારને શિક્ષણની નીતિઓમાં માર્ગદર્શન પૂરું પાડી શકીશું. અને મને દૃઢ વિશ્વાસ છે કે આવતાં વર્ષોમાં આપણો આ બે દિવસનો સેમિનાર શિક્ષણ માટે ‘રાજકોટ ડેક્લેરેશન – રાજકોટનું જાહેરનામું’ બની રહેશે.

મિત્રો, અલબત્ત, આ બાબત આપણા માટે પડકારરૂપ બની રહેશે. વિચારશક્તિને આપણી સ્મૃતિની પેલે પાર જોવાની શક્તિમાં પરિવર્તિત કરવી, એ કામ ઘણું મુશ્કેલ છે. અપરિવર્તનીય આવરણવાળી, સ્થિતિસ્થાપકતા વિહોણી, ચીલાચાલુ માળખાવાળી વિશ્વવિદ્યાલયની પ્રણાલીઓ તો આપણે ધરાવીએ છીએ. પરિવર્તનશીલતા સાથેની પ્રક્રિયા એ આપણા માટે પડકારરૂપ કાર્ય છે. આપણી વિશ્વવિદ્યાલયની કેળવણીની પ્રણાલીમાં ભારતીય દર્શનશાસ્ત્ર અને સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતો કે નૈતિક મૂલ્યોને રાતોરાત દાખલ કરવાં એ આપણા માટે શક્ય નથી. પરંતુ આવી પરિસ્થિતિમાંય આ બધાંનું ક્રમશ: આવરણ, ક્રમશ: ઉઘાડ કે અભિવ્યક્તિ અને તબક્કાવાર પરિવર્તન કરવું એ મારી દૃષ્ટિએ આજના સમયે સૌથી વધારે યોગ્ય બની રહેશે.

શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી વિશ્વ મહાવિદ્યાલય, કાંચીપુરમ્ના કુલપતિ અને આજના અતિથિવિશેષ પ્રો. ડૉ. જયરામ રેડ્ડીનું પ્રવચન

સ્વામી અભેદાનંદજી મહારાજની 150મી જન્મજયંતી મહોત્સવના ઉપક્રમે યોજાયેલ ‘ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી’ વિશેના રાષ્ટ્રિય સેમિનારના ઉદ્‌ઘાટન સમારંભમાં આપણે આજે અહીં એકઠાં થયાં છીએ. આ ભવ્ય પ્રસંગે મને ઉદ્‌ઘાટન સંભાષણ આપવાની તક મળી એ માટે હું ઘણા માનની લાગણી અનુભવું છું.

સ્વામી અભેદાનંદજી હંમેશાં કહેતા કે ઈશ્વર સર્વવ્યાપી છે અને તે અણુથીયે વામન અને મહાનથીયે મહત્માં વસે છે. એમનાં વક્તવ્યોમાં ત્રણ મુખ્ય પાસાં રહેતાં : આત્મસંયમ, એકાગ્રતા અને ધ્યાન તથા ઈશ્વરપરાયણતા. એમની દૃષ્ટિએ ધ્યાનના દ્વારને ખોલવાની ચાવી આત્મસંયમમાં છે, જ્યારે એકાગ્રતાવાળું ધ્યાન આપણને સીધેસીધા ઈશ્વરના ચૈતન્યસ્વરૂપના મંદિર સુધી દોરી જાય છે.

એમનાં વક્તવ્યોએ પશ્ચિમના પ્રખર બુદ્ધિશાળીઓને અને સત્યની શોધનાના ઉત્કટ જિજ્ઞાસુઓને આકર્ષ્યા હતા. તેઓ દિવ્ય પ્રભાવવાળા વક્તા હતા.

આ મહાન સંન્યાસીની 150મી જન્મશતાબ્દીના ઉપક્રમે રાષ્ટ્રિય સેમિનારનું આયોજન કરવા માટે હું સ્વામી નિખિલેશ્વરાનંદજીને ધન્યવાદ પાઠવું છું.

‘હું જીવીશ ત્યાં સુધી શીખતો રહીશ’ આ સુખ્યાત ઉક્તિ શ્રીરામકૃષ્ણ પરમહંસની છે. તેઓ પોતે એક મહાન દર્શનશાસ્ત્રી હતા. આ કથન ભારતીય ફિલોસોફીને યોગ્ય રીતે સમજાવે છે. ભારત ગહનતમ સંસ્કૃતિ અને પ્રણાલીઓના ઇતિહાસનો દેશ છે. ભારત એવાં ઘણાં પ્રખર નરનારીઓનો દેશ છે કે જેમણે આજે ભારતીયો જીવે છે તેવાં વિચારો, આદર્શો અને માન્યતાઓને ઘડ્યાં છે. આવાં નરનારીઓ રૂપે આ દેશમાં સૌથી વધારે મેધાવી વિચારકો અને દર્શનશાસ્ત્રીઓ નિપજ્યાં છે.

એમનો મુખ્ય ઉદ્દેશ વેર અને ઘૃણાના યુગોમાં વૈશ્ર્વિક શાંતિ, સંવાદિતા અને સમાનતા લાવવાનો હતો. ભારતના ક્રાંતિકારી અને દાર્શનિક મહાત્મા ગાંધીની ભારતના સ્વાતંત્ર્ય માટેની અહિંસક લડત અને અહિંસા એ આજના વિશ્વને અનુસરવા માટે જીવંત ઉદાહરણરૂપ છે.

જ્યારે 1893ની શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાના વક્તવ્યના પ્રારંભમાં ‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’ શબ્દો ઉચ્ચાર્યા, ત્યારે તેમણે જગતની હિંદુઓ અને હિંદુ ધર્મ પ્રત્યેની દૃષ્ટિને સાવ બદલી નાખી.

પશ્ચિમના જગત સમક્ષ ભારતીય વેદાંતદર્શનને અને યોગને રજૂ કરનાર તેઓ પ્રમુખ વ્યક્તિ હતા. બીજા સુખ્યાત દર્શનશાસ્ત્રીઓ ચાણક્ય, શ્રીઅરવિંદ, ગૌતમ બુદ્ધ, રામાનુજ અને એવા ઘણાએ આ કાર્ય કર્યું હતું. અદ્વૈત વેદાંતને પ્રસ્થાપિત કરનાર આદિ શંકરાચાર્યના દર્શનશાસ્ત્રનો ભારતમાંના પ્રભાવક હિંદુ દર્શનશાસ્ત્રીઓ અને સિદ્ધાંતશાસ્ત્રીઓએ વિપુલ અને વિસ્તીર્ણ અભ્યાસ કર્યો. પોતાના સંસ્કૃત ગ્રંથોમાં આત્મા અને નિર્ગુણ બ્રહ્મની એકતાની ચર્ચા શંકરાચાર્યે કરી છે. પોતાના સિદ્ધાંતના સમર્થનમાં તેમણે વૈદિક સૂત્રો પર ભાષ્યો લખ્યાં. તેમના ગ્રંથોમાં ઉપનિષદોમાંથી મળતા આદર્શો અને વિચારોનું સૂક્ષ્મ નિરીક્ષણ જોવા મળે છે.

વૈજ્ઞાનિક તર્કવાદના આ યુગમાં ભારતીય સંસ્કૃતિ બીજી સંસ્કૃતિઓને એમના પોતાનાં સંકલ્પનાઓ અને માન્યતાઓને તાર્કિક રીતે રચવામાં એક દીવાદાંડી જેવો પ્રકાશ પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિ પાસે તાર્કિકો અને બૌદ્ધિકો માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક માળખાની આવશ્યકતા અને પરિણામગામી ગુણનો ઉત્તર છે. વિશ્વની બીજી કોઈ સંસ્કૃતિએ માનવના ભીતરનાં વિશ્વ, તેમનાં આદર્શો-વિચારો, સંવેદનાઓ, માન્યતાઓ, ભય-મર્યાદાઓ અને એનાથીયે વધુ મહત્ત્વનું તેની ક્ષમતાઓ વિશે ભારતીય સંસ્કૃતિ જેટલી સાંગોપાંગ વિચારણા કરી નથી. આપણી સંસ્કૃતિ પાસે માનવજાત માટેનાં શાંતિ, સમૃદ્ધિ અને સંતોષપૂર્વકની પૂર્તિ માટેની ગુરુચાવી છે.

ભારતીય સંસ્કૃતિનાં ઉપર્યુક્ત પાસાંમાંથી કેટલાંકનો પોતાની અભિરુચિ અનુસાર સાંગોપાંગ અભ્યાસ કરીને અને તેમનું અનુસરણ કરીને, એનો પોતાને તેમજ ભવિષ્યની આવતી પેઢીઓને થોડો લાભ મળે, એ રીતે જીવનમાં ઉતારવાનું પ્રત્યેક ભારતવાસીનું પરમ કર્તવ્ય છે.

અલબત્ત, તમારામાંના દરેક એ જાણો છો કે દરેક સંસ્કૃતિને જીવનને સ્પર્શતાં ત્રણ મુખ્ય પાસાં હોય છે : ફિલોસોફી, પરંપરાગત કથાઓ અને રીતિ-રિવાજો. આ ત્રણેય પાસાં લોકોની બુદ્ધિ, સંવેદના અને ક્રિયાકર્મને પ્રવૃત્ત રાખે છે. આ ત્રણેય પરસ્પરાવલંબી છે અને એટલું ખાતરીપૂર્વક કહી શકાય કે કોઈ પણ સંસ્કૃતિમાં એ ત્રણેયનું સાતત્ય વિકસતું રહે છે. ભારતીય તત્ત્વજ્ઞાનના હાર્દસમાં કેટલાંક પાસાં બધી ઈશ્વરપ્રધાન અને કલાસૌંદર્યલક્ષી પેટા સંસ્કૃતિમાં સામાન્ય હોય છે અને એ જ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ રચે છે. આ પાસાં છે :

(1) વ્યક્તિમત્તાઓ કરતાં સિદ્ધાંતો વધુ મહત્ત્વના છે.

(2) સમગ્ર અસ્તિત્વની સંપૂર્ણ એકતા છે. આપણે જે કંઈ પણ ચેતન કે અચેતન વિશ્વ જોઈએ છીએ તે બધાં અસ્તિત્વ સાપેક્ષ દૃષ્ટિબિંદુથી પૂર્ણ અને અબાધિત રીતે મૂળભૂતપણે પાયાનું અનંત ઐક્ય છે.

ઉપસ્થિત સંજોગોમાં શું કરવું જોઈએ એ વિશેનો નિર્ણય કરવા કોઈ પણ વ્યક્તિ મુક્ત છે. વ્યક્તિ જે કંઈ પણ પરિસ્થિતિ કે વસ્તુનો સામનો કરે છે તે પોતે ભૂતકાળમાં કરેલાં કર્મોનું પરિણામ છે. આજે તે જે કંઈ કરે છે તે તેના જીવનમાં ભવિષ્યના સંજોગો નક્કી કરશે. આ બધાં પુન: પુન: જીવનમાં સાંપડવાનાં છે. જીવનચક્રનું ધ્યેય આપણી પૂર્ણ એકતાને અનુભવવાનું છે અને દેહભાવની યથાર્થતાની વિભાવનાને દૂર કરવાનું છે. વિશ્વમાં બધાં માનવકાર્યો પ્રગતિની પરાકાષ્ઠાએ પહોંચવા માટે છે.

નૈતિક જીવન જીવીને મનની શુદ્ધિ કે પવિત્રતા કેળવવી અને સાંસારિક સુખોપભોગની અતિશયતાના ખ્યાલને દૂર કરવો તેમજ મનની શાંતિ કેળવવી, એ જ વ્યક્તિનું ઈશ્વરની નિકટ પહોંચવાનું ધ્યેય છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રશ્ન પૂછવાના મિજાજને ઉન્નત કરાયો છે. અંધશ્રદ્ધા કે વહેમોને જરાય માનવાના જ નથી. દરેકેદરેક સંકલ્પનાને બૌદ્ધિક રીતે પ્રશ્નો પૂછીને, સમજીને, પછી જ આત્મસાત્ કરવાની છે. આ બધું સંતો, ઉપદેશકો, પયગંબરો કે ઋષિઓ જે પ્રાચીન કાળથી અત્યાર સુધી જીવ્યા છે અને આપણાં વિવિધ શાસ્ત્રો, વેદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્રો – આ બધાંનાં ભાષ્યો, કારિકાઓ અને ટિકાઓ વગેરે તેમજ પુરાણો, ઇતિહાસ, સંગીત, સંતોએ રચેલાં ગદ્યખંડો, કાવ્યોમાં જોવા મળે છે. ભારતને હંમેશાં તેનાં ભિન્ન ભિન્ન ભોજન-આદતો, પ્રણાલીઓ, માન્યતાઓ, સામાજિક રીતિરિવાજો, પોશાક, ભાષા, ઉત્સવો વગેરે દ્વારા સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશ ગણવામાં આવ્યો છે. લગભગ 5000 વર્ષ જેટલા પ્રાચીન કાળથી વિવિધ ધર્મોનાં મૂળિયાં અહીં જ છે. બધાં જ હિંદુશાસ્ત્રો પવિત્ર સંસ્કૃત ભાષામાં રચાયાં છે.

એમ માનવામાં આવે છે કે વેદોમાંથી મૂળ હિંદુધર્મ નિપજ્યો છે. એમ માનવામાં આવે છે કે જૈન ધર્મનાં મૂળિયાં પણ પ્રાચીન છે અને તેનું અસ્તિત્વ સિંધુખીણના પ્રદેશોમાં હતું. ગૌતમ બુદ્ધના ઉપદેશો પછી બૌદ્ધધર્મ પણ આ જ દેશમાં નિપજ્યો છે. ખ્રિસ્તીધર્મ પણ અહીં ફ્રેંચ અને અંગ્રેજો દ્વારા લાવવામાં આવ્યો હતો અને આ બંને પ્રજાએ લગભગ બે સદી સુધી આપણા પર રાજ કર્યું હતું. આના પરથી એટલું કહી શકાય કે વિવિધ ધર્મોનું મૂળ પ્રાચીનકાળથી જ અહીં રહ્યું છે અને કેટલાક ધર્મોને જુદીજુદી રીતે આ દેશમાં લાવવામાં આવ્યા હતા.

આમ છતાં પણ અહીં દરેક ધર્મના લોકો પોતપોતાનાં વિધિવિધાનો અને માન્યતાઓ પર અસર પાડ્યા વિના ભેગા મળે છે અને શાંતિથી જીવે છે. આપણે દીવાળી, ઈદ, દશેરા, હોળી, ક્રિસમસ, વૈશાખી, ઓન્નમ, ગુરુપર્વ, પોંગલ, બિહુ જેવા બધા તહેવારો ઊજવીએ છીએ. ગૌતમ બુદ્ધ જન્મજયંતી, મહાવીર જયંતી, ગુરુનાનક જયંતી જેવા ઉત્સવો પણ ભિન્ન ભિન્ન ધર્મના લોકો સાથે મળીને ઉજવે છે. સાંસ્કૃતિક નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય અને પ્રદેશવાર લોકનૃત્યો માટે પણ આ દેશ સુખ્યાત છે. પંજાબના લોકો ભાંગડાની મજા માણે છે અને ગુજરાતના લોકો ગરબા માણે છે. રાજસ્થાનના લોકો ઘુમ્મર અને આસામના લોકો બિહુની આનંદમજા માણે છે, જ્યારે મહારાષ્ટ્રના લોકો લાવણીનો આનંદ માણે છે. વડીલોને માન-સન્માન આપવાં એ આપણી સંસ્કૃતિનો પાયાનો પથ્થર છે. ‘અતિથિ દેવો ભવ’ આવું ઉમદા વલણ આ દેશની સંસ્કૃતિમાં જોવા મળે છે, જે સમગ્ર માનવજાતિ માટેના ભારતના પ્રેમ અને શ્રદ્ધાનું પ્રતિક છે. આપણી ભોજનટેવો પણ મનભાવન વાનગીઓ આપે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમાં પોતાના વિપરીત અને વિષમ સમયે, અનેક વિદેશીઓના આક્રમણ વખતે અને સદીઓ સુધીના વિદેશી શાસનના વખતે પણ દેશની સંસ્કૃતિ ટકી રહી છે. કદાચ આપણી સંસ્કૃતિની ભીતરની શક્તિ એને માટે જવાબદાર હશે. પશ્ચિમની અને ભારતની દાર્શનિક પ્રણાલીઓનો સમન્વય કરવાના ઘણા આધુનિક પ્રયાસો પણ થયા છે.

આપણે સાંસ્કૃતિક રીતે જેટલા પ્રબળ છીએ એટલા જ વૈજ્ઞાનિક રીતે પણ સારા પ્રમાણમાં બળવાન છીએ. આપણે આગમ દૃષ્ટિવાળા છીએ અને આપણી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ આધુનિક બની ગઈ છે છતાં પણ ભારતીય લોકોએ પોતાનાં પ્રણાલીઓ અને મૂલ્યોને બદલ્યાં નથી. ઘણા માને છે કે સ્વસ્થ અને શાંતિમય જીવન જીવવા માટે ભારત બીજા ઘણા દેશોને શીખવી શકે તેમ છે.

આપણે પ્રબળ કુટુંબમૂલ્યો ધરાવીએ છીએ. આપણે ઓછી કીમતના તંદુરસ્તીના નુસખાઓ શોધીએ છીએ. આપણે જાણીએ છીએ શ્ર્વાસોચ્છ્વાસ આપણી તંદુરસ્તીનો પ્રાણ છે. આપણી પાસે કરુણાને પ્રશંસવાની સંસ્કૃતિ પણ છે. આપણે સંગીતની શક્તિને પણ માણીએ છીએ.

આપણે આપણા ભીતરના જ્ઞાનશાણપણનું પણ મૂલ્ય આંકી શકીએ છીએ. વ્યક્તિના અંતિમ ધ્યેય ‘મુક્તિ’ને કેન્દ્રિત કરતી ધર્મ, કર્મ, સંસાર, અવતાર કે પુનર્જન્મ, દુ:ખ, ત્યાગ, ધ્યાન જેવી સંકલ્પનાઓ આપણા દર્શનશાસ્ત્રમાં આવે છે.

આપણા સર્વોત્કૃષ્ટ પ્રાચીન જ્ઞાનના ભંડારમાં વૈદિક ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વિજ્ઞાન, ઔષધશાસ્ત્ર, જીવન વિશેના તાત્ત્વિક સિદ્ધાંતો અને ગૃહિત સિદ્ધાંતો, બ્રહ્માંડ, સમાજ, વ્યક્તિ, મંત્રોચ્ચાર પાછળનું વિજ્ઞાન, માનવમનની ગ્રંથિઓ, આત્મસુધારણાની પદ્ધતિઓ, પ્રાણાયામ અને યોગ ઉપરાંત અનુભવાતીત વિષયોની વાતો જોવા મળે છે. એમ કહેવાય છે કે આ બધા પાસે માનવમનના બધા પ્રશ્નોના ઉત્તર છે. માનવોએ હજુ સુધી શોધવાના બાકી છે તેવા પ્રશ્નોનો આમાં સમાવેશ થાય છે અને આધુનિક વિજ્ઞાન તો આના માટે માત્ર થોડુંઘણું જ જાગ્યું છે.

અંતે મને એ કહેતાં આનંદ થાય છે કે અત્યંત પ્રેરક અને ચિત્તાકર્ષક આધ્યાત્મિક આનંદ અને સંતોષમાં અંતર્દૃષ્ટિ કરવી કે રાખવી એ વિશે ભારત ખરેખર ગહન અનુભૂતિવાળું રહ્યું છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો, ‘આ પૃથ્વી ઉપર કલ્યાણમયી પુણ્યભૂમિ હોવાનો જો કોઈ ભૂમિ દાવો કરી શકતી હોય, બધા જીવાત્માઓને પોતાનાં કર્મોનો હિસાબ ચૂકવવા જે ભૂમિ ઉપર આવવું જ પડતું હોય, જ્યાં પરમાત્માને પંથે પ્રયાણ કરી રહેલા દરેક જીવાત્માએ પોતાનું અંતિમ ધામ પ્રાપ્ત કરવા માટે આવવું જ પડે, જ્યાં માનવતાએ મૃદુતાની, ઉદારતાની, પવિત્રતાની, શાંતિની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હોય, સૌથી વિશેષ અંતર્મુખતાની અને આધ્યાત્મિકતાની જો કોઈ ભૂમિ હોય તો તે ભારત ભૂમિ છે.’

Total Views: 369

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.