રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્ર્વરાનંદજી મહારાજ એક વખત મિશનના એક કેન્દ્રમાં પધાર્યા હતા. ત્યારે એક બાળકે પૂ. મહારાજ પાસેથી મંત્રદીક્ષા લેવાની હઠ પકડી. તેની માતાએ પણ તેમની પાસે જ મંત્રદીક્ષા લીધેલી એટલે તેણે પણ પૂ. મહારાજને વારંવાર વિનંતી કરી. સામાન્ય રીતે પૂ. મહારાજ બાળકોને મંત્રદીક્ષા આપતા ન હતા પણ આ બન્નેની આજીજીથી પીગળી ગયા અને મંત્રદીક્ષા આપી. મંત્રદીક્ષા થઈ ગયા પછી બાળકના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ધૂંઆપૂંઆ થઈ ગયા. તેઓ મોટા ડોક્ટર હતા અને ઘોર નાસ્તિક હતા. બપોરે જ્યારે પૂ. મહારાજશ્રી પોતાના ઓરડામાં એકલા બેઠા હતા ત્યારે તેઓ અચાનક ત્યાં આવી ચડ્યા અને ક્રોધાવેશમાં બેફામ ગાળો દેવા માંડ્યા. તેમણે આરોપ મૂકતાં કહ્યું કે મહારાજે જ તેમના બાળકને ફોસલાવીને મંત્રદીક્ષા આપી દીધી છે. પૂ. મહારાજજીએ નિર્વિકાર ચિત્તે બધું સાંભળ્યું અને પ્રત્યુત્તરમાં મૌન પાળ્યું. પાછળથી (લગભગ બે વર્ષ બાદ) આ ડોકટરનું અદ્‌ભુત હૃદય પરિવર્તન થયું અને તેઓ રામકૃષ્ણ સંઘના અને પૂ. મહારાજશ્રીના ભક્ત બની ગયા અને મિશનનાં સેવાકાર્યોમાં સક્રિય સહકાર આપવા લાગ્યા.
વ્યક્તિ સત્-જીવન જીવવાનો પ્રારંભ કરે, ત્યારે નિંદાનો સામનો કરવો પડે છે. સંસારમાં મોટા ભાગના લોકો મૂલ્યલક્ષી કે આદર્શવાદી જીવન જીવવામાં માનતા નથી. તેમને મન આ બધું વેદીયાપણું લાગે છે, અસામાન્ય લાગે છે. આવા લોકો નિંદા કરે ત્યારે શું કરવું ? આ વિશે હિન્દીમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે :
હાથી ચલે બાઝારમેં કુત્તા ભોંકે હજાર ।
સાધુ કો દુર્ભાય નહીં નિંદે ચાહે સંસાર ॥
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આ વિશે સુંદર માર્ગદર્શન મળે છે. 5મી માર્ચ, 1882. શ્રીરામકૃષ્ણદેવ કોલકાતામાં દક્ષિણેશ્ર્વરમાં પોતાના ઓરડામાં નાની પાટ પર બેસીને ભક્તો સાથે વાતચીત કરી રહ્યા છે. એક યુવાન – નરેન્દ્ર (પછીથી સ્વામી વિવેકાનંદ)ને ઉદ્દેશીને વાતો કરી રહ્યા છે. સંસારમાં, વ્યવહારમાં રચ્યાપચ્યા રહેનાર સંસારી વ્યક્તિ સંબંધે વાત ચાલી રહી છે, જેઓ ઈશ્વર-ઈશ્વર અને ધર્મ-ધર્મ કર્યા કરે તેમની એ નિંદા કરે. વળી સંસારમાં કેટલાય નઠારા લોકો હોય તેમની સાથે કેવો વ્યવહાર રાખવો ઘટે, એ બધી વાતો ચાલી રહી છે.
શ્રીરામકૃષ્ણ : નરેન્દ્ર, તું શું કહે છે ? સંસારી લોકો તો કેટલુંય બોલે ? પણ હાથી જ્યારે રસ્તામાં જતો હોય ત્યારે કેટલાંય પ્રાણી તેની પાછળ પડે. પણ હાથી તો તેની સામું જુએ પણ નહીં. તારી જો કોઈ નિંદા કરે તો તને કેવું લાગે ?
નરેન્દ્ર : હું માનું છું કે કૂતરા હાઉં હાઉં કરે છે.
શ્રીરામકૃષ્ણ : (હસીને) ના રે ના, એટલું બધું નહિ. ઈશ્વર પ્રાણીમાત્રમાં છે, પણ સારા માણસોની સાથે હળવુંમળવું સારું, જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે, એટલે કાંઈ એને ભેટી પડાય નહિ ! જો એમ કહો કે વાઘ નારાયણ છે, તો ભાગી જઉં શા માટે ? તેનો જવાબ એ છે કે જેઓ કહે છે, ‘ભાગી જાઓ’ તેઓ પણ નારાયણ છે, તો તેમની વાતો કેમ ન સાંભળવી ?
આ પછી શ્રીરામકૃષ્ણદેવે ‘હાથી અને મહાવત નારાયણ’ વાળી વાર્તા કહી સંભળાવી. ‘જો કોઈ ખરાબ માણસ આપણું નુકસાન કરવા આવે અથવા નુકસાન કરે, તો શું ચૂપ રહેવું ? એક ભક્તના આ પ્રશ્નના જવાબમાં શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘માણસોની સાથે રહેવાનું હોય ત્યારે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવા માટે જરા તમોગુણ દેખાડવાની જરૂર ખરી, પણ તે નુકસાન કરશે એમ માનીને તેનું નુકસાન કરવું એ યોગ્ય નથી.’ આ પછી ‘સાપ અને બ્રહ્મચારી’ વાળી વાર્તા કહીને શ્રીરામકૃષ્ણદેવે ઉમેર્યું, ‘દુષ્ટ માણસોની સામે ફૂંફાડો રાખવો જોઈએ.’
‘તો શું અન્યાયનો પ્રતિકાર ન કરવો ?’ અવશ્ય કરવો, પણ સજ્જન વ્યક્તિ સજ્જનતાને છાજે તેવી રીતે પ્રતિકાર કરે છે. આ વિશે એક પ્રસિદ્ધ વાર્તા છે : એક ભક્ત હોડીમાં બેસીને જઈ રહ્યો હતો. સાથે બેઠેલા લોકો ઘોર સંસારી હતા. તેઓ ભક્તની ઠેકડી ઉડાડવા માંડ્યા. ભક્ત નિર્વિકાર ચિત્તે પ્રભુનું સ્મરણ કરતો બેસી રહ્યો. નાવ નદીના મધ્યભાગ સુધી પહોંચી પણ આ લોકોની ભક્ત પર નિંદાની વર્ષા ચાલતી જ હતી, છેવટે ભગવાનથી ન રહેવાયું. તેઓ તરત જ ભક્તની સામે પ્રગટ થઈ ગયા અને કહ્યું, ‘જો, તું કહે તો હમણાં જ આ નાવને પલટાવીને બધાંને ડુબાડી દઉં અને તને બચાવી લઉં.’ ભક્તે હાથ જોડીને કહ્યું, ‘પ્રભુ! પલટાવવી જ હોય તો નાવ ન પલટાવતા, પણ આ લોકોની બુદ્ધિ પલટાવી દો. એનાથી સમસ્યાનો ઉકેલ થઈ જશે. બિચારા એ લોકોની બુદ્ધિ બહેર મારી ગઈ છે. એટલે જ ધર્મની વાત નથી સમજી શકતા ને !’
એકવાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને એક વ્યક્તિએ જણાવ્યું કે અમુક વ્યક્તિ આપની ખૂબ નિંદા કરતી ફરે છે. થોડીવાર તેઓ વિચારમગ્ન રહ્યા અને પછી તેમણે કહ્યું, ‘મને તો યાદ આવતું નથી કે મેં તેમનું કાંઈ ભલું કર્યું હોય… તો પછી કેમ મારી નિંદા કરે છે?’ એનો અર્થ એ કે જેમની તેઓ સહાયતા કરતા તેઓ જ પાછળથી તેમની નિંદા કરતા. પણ તેથી વિદ્યાસાગરના સ્વભાવમાં કાંઈ ફેર પડ્યો નહિ, તેઓ બીજાનું ભલું કરતા જ રહ્યા.
એક સાધુ નદી કિનારે બેઠો હતો ત્યારે તેણે જોયું કે એક વીંછી પાણીમાં પડી ગયો. તેણે કરુણાવશ થઈને વીંછીને પાણીમાંથી કાઢી બહાર મૂક્યો. જમીન પર આવતાંવેંત વીંછીએ સાધુને ડંખ માર્યો. થોડીવાર પછી પાછો તે પાણીમાં પડી ગયો અને તરફડવા માંડ્યો. ફરી સાધુને દયા આવી અને ફરી તેને બહાર કાઢ્યો. જમીન પર આવતાંવેંત વીંછીએ ફરીથી ડંખ માર્યો. ફરીથી તે પાણીમાં પડ્યો અને ફરી સાધુએ તેને બચાવ્યો.
એક માણસ આ બધું જોતો હતો. તેણે નવાઈથી સાધુને પૂછ્યું, ‘તમને વારંવાર આ વીંછી ડંખ મારે છે છતાં તમે તેને કેમ બચાવો છો ?’ સાધુએ કહ્યું, ‘વીંછીનો સ્વભાવ જ છે ડંખ મારવો અને સાધુનો સ્વભાવ છે અન્યનું ભલું કરવું. વીંછી પોતાનો સ્વભાવ છોડતો નથી, તો મારે મારો સ્વભાવ શા માટે છોડવો જોઈએ ?’
સ્વામી વિવેકાનંદ કહે છે કે, ‘જ્યારે કોઈ તમારી નિંદા કરે ત્યારે તેને આશીર્વાદ આપો. જરા વિચારો તો ખરા, તમારા આ લુચ્ચા અહંને સમગ્રતાથી ભૂંસી નાખીને તેઓ તમારું કેટલું ભલું કરી રહ્યા છે ?’ ખરેખર આધ્યાત્મિક સાધનાનો અંતિમ ઉદ્દેશ તો આ ક્ષુદ્ર અહંને સમગ્રતાથી ભૂંસી નાખવાનો જ છે. રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ આ બધા જ યોગો આ ક્ષુદ્ર અહંને ભુલાવવામાં અથવા ભૂંસી નાખવામાં અથવા તેના સ્થાને વિરાટ અહંને સ્થાપવામાં સહાયરૂપ થાય છે. એટલે આપણે તો નિંદા કરનારી વ્યક્તિના કૃતજ્ઞ રહેવું જોઈએ કે તેમણે આપણને આ ક્ષુદ્ર અહંને ઓગાળવામાં સહાય કરી! વળી, શાસ્ત્રોમાં કહ્યું છે કે નિંદકનું પુણ્ય જેની નિંદા થાય છે તે વ્યક્તિના ખાતામાં જમા થાય છે. આમ, કંઈ કર્યા વગર આપણા એકાઉન્ટમાં તેમનું પોતાનું પુણ્ય ટ્રાન્સફર કરવા બદલ પણ આપણે તેમના આભારી થવું જોઈએ !
અમેરિકાનું એક સમાચાર-પત્ર વિલિયમ મેક્ધિલેનું વિરોધી હતું. જ્યારે તેઓ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા ત્યારે આ દૈનિકે એક પ્રેસ રિપોર્ટરને તેમની પાછળ લગાડી દીધો. તેનું કાર્ય એટલું જ હતું કે મેક્ધિલેની સાથે ટ્રેનમાં જવું અને તેમના વિરોધી મુદ્દાઓને મોકલતા રહેવું. તેણે આ કાર્ય પૂરજોશથી શરૂ કર્યું. મેક્ધિલેને ખબર પડી પણ તેમણે કાંઈ પ્રતિરોધ ન કર્યો.
એક દિવસ તેમણે જોયું કે એ રિપોર્ટર ટ્રેનમાં કડકડતી ટાઢમાં કાંઈ ઓઢ્યા વગર જ સૂતો છે. તેમણે પોતાનો ઓવરકોટ તેને ઓઢાડી દીધો. જ્યારે રિપોર્ટરની ઊંઘ ઊડી અને આ વાતની જાણ થઈ કે તરત જ તેણે સમાચાર-પત્રને તાર દ્વારા પોતાનું રાજીનામું મોકલાવી દીધું. જે વ્યક્તિનું આવું વિશાળ હૃદય હોય કે જે પોતાની ટીકા કરનાર પ્રત્યે આવી મૈત્રીભાવના રાખે, તેના વિરોધમાં નિંદાના જ સૂર વહાવ્યે રાખવા એ શક્ય ખરું?

Total Views: 286

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.