રામકૃષ્ણ મિશન આશ્રમ, ઔરંગાબાદમાં શ્રીરામકૃષ્ણદેવના મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ

૧૭ નવેમ્બર, ૨૦૧૮ના રોજ શ્રીજગદ્ધાત્રી પૂજાના પાવનકારી દિવસે રામકૃષ્ણ મિશન આશ્રમ, ઔરંગાબાદમાં શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત વૈશ્વિક મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પાવન દિવસે રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ્ હસ્તે શ્રીરામકૃષ્ણદેવની આરસપ્રતિમાની ૫્રાણપ્રતિષ્ઠા થઈ હતી. આ પ્રસંગે સંઘના બીજા બે ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ અને શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી મહારાજની નિશ્રામાં આ પ્રતિષ્ઠા થઈ હતી. આ ઉપરાંત સંઘના આ.સેક્રેટરી શ્રીમત્ સ્વામી બલભદ્રાનંદજી, સંઘના ટ્રસ્ટીશ્રીઓ સ્વામી જ્ઞાનલોકાનંદજી, સ્વામી મુક્તિદાનંદજી ઉપસ્થિત હતા. તેમજ સ્વામી સત્યેશાનંદજી સહિત ભારતમાંથી આ પુણ્ય પ્રસંગે કેટલાય વરિષ્ઠ સંન્યાસીઓ પણ આવ્યા હતા. ૩૨૫ સંન્યાસીઓ અને પ૦૦૦ ભક્તજનોએ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો.

૧૬ નવેમ્બરથી ૧૮ નવેમ્બર સુધી સવારના ૯ થી રાતના ૯ સુધી યોજાયેલા આ ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે ૧૬ નવેમ્બરે ‘સ્વામી વિવેકાનંદ દિન’ ના ઉપલક્ષ્યમાં સંન્યાસીઓ અને બીજા અગ્રણીઓની વ્યાખાનમાળા યોજાઈ હતી. સ્થાનિક વિદ્યાર્થીઓએ કઠોપનિષદમાંના ‘નચિકેતા અને યમના સંવાદ’ વિશે નાટક રજૂ કર્યું હતું. એક વિદ્યાર્થી જૂથ દ્વારા સ્વામીજીના સંદેશનો મુખપાઠ અને ગીતગાન રજૂ કરાયાં હતાં. બપોર પછી શ્રીમત્ સ્વામી સર્વલોકાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને એક જાહેરસભાનું આયોજન થયું હતું. આ સભામાં સ્વામીજીનાં જીવન અને સંદેશનાં કેટલાંક પાસાં વિશે વ્યક્તવ્ય રજૂ થયાં હતાં. સાંજે શ્રીરામકૃષ્ણદેવ અને નરેન્દ્રના ગુરુશિષ્ય રૂપે બંધાયેલ અતૂટ બંધન અને બોધ પર આધારિત સંગીતમય નાટિકા રજૂ કરવામાં આવી હતી.

પ્રતિષ્ઠા મહોત્સવના પાવનકારી દિવસ ૧૭ નવેમ્બરે સવારમાં શ્રીમંદિરની પરિક્રમા કરીને શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજે ઉદ્‌ઘાટન કર્યું હતું. ત્યાર પછી કળશપૂજન અને અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પછી શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને એક જાહેરસભા યોજાઈ હતી. આ સભામાં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓએ શ્રીરામકૃષ્ણદેવના ‘જીવન અને વૈશ્વિક સંદેશ’ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. સાથે ને સાથે માનવના જીવનમાં ‘મંદિરનું મહત્ત્વ’ વિશે પણ ચર્ચા થઈ હતી. બપોર પછી એક બીજી જાહેર સભા શ્રીમત્ સ્વામી ગિરીશાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં શ્રીમા શારદાદેવીના ‘જીવન અને સંદેશ’ વિશે વ્યાખ્યાનો યોજાયાં હતાં. સાંજે મહારાષ્ટ્ર રાજ્યની વિવિધ ‘ધર્મપ્રણાલીઓ’ અને ‘અદ્વૈત ભક્તિ’ વિશે સ્થાનિક કલાકારો દ્વારા સંગીત નાટિકા રજૂ થઈ હતી.

૧૮ નવેમ્બર, ત્રીજે દિવસે ‘શ્રીરામકૃષ્ણ અને શ્રી ‘મ’ વચ્ચેના વાર્તાલાપ’ વિશે આખા દિવસની આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં ‘શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક અને પ્રભાવક સંદેશ તેમજ ગૃહસ્થ ભક્તોના અધ્યાત્મજીવન’ વિશે રામકૃષ્ણ સંઘના ૧૩ સંન્યાસીઓએ પોતાનાં વ્યાખ્યાનો આપ્યાં હતાં.

શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજ, શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ અને શિવમયાનંદજી મહારાજે સમાપન સમારંભમાં આશીર્વચન પાઠવતાં પ્રવચનો આપ્યાં હતાં.

૧૮ અને ૧૯ નવેમ્બરના રોજ પરલી વૈદ્યનાથ, ઘૃષ્ણેશ્વર અને નાગનાથ જ્યોતિર્લિંગનાં દર્શને જવા સંન્યાસીઓ માટે યાત્રાપ્રવાસ યોજાયો હતો. આ યાત્રાપ્રવાસ દરમિયાન સુખ્યાત અજન્તા-ઈલોરાની ગુફાઓનું નિરીક્ષણ પણ તેમણે કર્યું હતું.

 

Total Views: 277

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.