કાઠિયાવાડી હોટેલો કે ઢાબાની એક આગવી ઓળખ એટલે ‘બાજરીનો રોટલો’. આમ તો બાજરાને આપણે કાઠિયાવાડનું ‘લોકધાન્ય’ પણ કહી શકીએ. બાજરાના પબેડા જેવા રોટલા અને આવા રોટલા ઘડતી નારનાં વખાણ ગુજરાતી લોકસાહિત્યમાં ઠેર-ઠેર વાંચવા મળે. કાઠિયાવાડી આગતા-સ્વાગતાનાં વખાણ કરતી વખતે ખુદ ઝવેરચંદ મેઘાણી પણ બાજરાના રોટલાની વાત કાઢી જ લેતા. જો કે હવે આ ગુણકારી બાજરાને બદલે આપણે મુખ્યત્વે ઘઉં ખાતા થઈ ગયા છીએ. તે ઘાસકુળની વનસ્પતિના ગોળાકાર દાણા ધરાવતા બીજ ધાન્ય (millet) તરીકે ઓળખાય છે. ગુજરાતના સૂકા પ્રદેશોમાં પોષણથી ભરપૂર એવાં ઘણાં પ્રકારનાં ધાન્યો થાય છે. એમાં બાજરો, જુવાર, રાજગરો, સાંબો, મોરૈયો, બંટી, બાવટો, કોરી વગેરે મુખ્ય છે. આમ બાજરો એ પણ અનાજ નહીં પણ ધાન્ય છે. બાજરાના ગોળાકાર ચમકતા બીજને જોતાં અંગ્રેજીમાં તે ‘પર્લ (મોતી)’ તરીકે ઓળખાય છે. આમ જોઈએ તો બાજરો ગુણમાં પણ મોતી જેવો જ પોષણક્ષમ અને અણમોલ છે. શિયાળાની ઋતુ શરૂ થઈ જ ગઈ છે ત્યારે બાજરાનું સેવન અચૂક કરવું જોઈએ.

જો ધાન્યોની વાત કરીએ તો બીજાં ધાન્યોની સરખામણીમાં બાજરો સૌથી વધુ માત્રામાં પોષક તત્ત્વો (સૂક્ષ્મમાત્રા તેમજ બૃહદમાત્રા બંને પ્રકારના ) ધરાવે છે. ખાસ કરીને શરીરના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી એવાં લોહતત્ત્વ, ઝીંક, ફોલીક એસીડ, મેગ્નેશિયમ જેવા ખનીજક્ષારો અને રાઈબોફ્લેવીન જેવાં વિટામીન બાજરામાં વિપુલ માત્રામાં હોય છે. પરંતુ લોકોને બાજરા જેવાં ધાન્યોના પોષણ મૂલ્યની સાચી જાણકારી ન હોવાથી ધીમે ધીમે શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં, ખાસ કરીને રોજબરોજના ભોજનમાંથી ધાન્યોની બાદબાકી થવા લાગી છે. રાષ્ટ્રિય પોષણ નિરીક્ષણ સંસ્થા- નેશનલ ન્યુટ્રીશન મોનીટરીંગ બ્યૂરોએ વર્ષ ૨૦૦૯માં એક અભ્યાસ હાથ ધર્યો હતો. એમાં જાણવા મળ્યું કે લોકોમાં પોષક તત્ત્વોથી ભરપૂર ધાન્યો ખાવાનું પ્રમાણ ઘટતું જાય છે. આથી જ શક્તિ, પ્રોટીન, કેલ્શિયમ અને લોહતત્ત્વની ભોજનમાં માત્રા પણ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. આથી જ આજે આપણે બાજરાના પોષક અને સ્વાસ્થ્યપ્રદ ગુણોનો પરિચય મેળવીએ. એટલે તેને રોજિંદા ભોજનમાં સમાવી શકીએ.

હવે બાજરાના પોષક મૂલ્યની વાત કરીએ. બાજરો શક્તિથી સમૃદ્ધ છે. શરીરને રોજબરોજનાં કાર્યો કરવા માટે શક્તિની જરૂર પડે છે. બાજરો ઘઉં-ચોખા કે જુવાર કરતાં પણ વધુ શક્તિ (૩૬૧ કિલો કેલરી) આપે છે. શરીરના સ્નાયુઓ અને કોષોની રચના કરવા માટે પ્રોટીન નામનું પોષક તત્ત્વ ખૂબ જરૂરી છે. બાજરામાં અન્ય અનાજ અને ધાન્યની સરખામણીમાં વિશેષ માત્રામાં પ્રોટીન (૧૧.૬ ગ્રામ) રહેલું હોય છે. બીજાં અનાજ કરતાં બાજરીમાં પ્રમાણમાં ઓછા કાર્બાેદિત પદાર્થાે છે. બાજરામાં જટિલ પ્રકારના કાર્બાેદિત હોય છે. જો ભોજનમાં જટિલ કાર્બાેદિત પદાર્થાે લેવાય તો ડાયાબિટીસ જેવા રોગોમાં જમ્યા પછી લોહીની સાકર વધી જતી નથી અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે.

બાજરામાં ઘઉં, ચોખા, મકાઈ અને જુવાર કરતાં ઘણી વધુ માત્રામાં લગભગ ૫ ગ્રામ જેટલી ચરબી આવેલી હોય છે. અને એથી જ શિયાળામાં ખાવા યોગ્ય છે. બાજરાની ચરબી વજન વધારતી નથી. ઓમેગા-૩ અને ઓમેગા-૬ પ્રકારનાં ફેટી એસીડ ધરાવતી ચરબી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ભોજનમાં આ પ્રકારનાં ફેટી એસીડ લેવાથી હૃદયરોગ અને જાડાપણાના જોખમ સામે રક્ષણ મળે છે. બાજરાની ચરબી આવી ફાયદાકારક ચરબી છે.

બાજરામાં વિશેષ માત્રામાં રેષા (૧.૨ મિ.ગ્રા.) છે. રેષાવાળો ખોરાક સ્વાસ્થ્યપ્રદ છે. બાજરામાં રહેલા આ રેષા પચે નહીં તે પ્રકારના હોય છે, જેનાથી વજનવધારો, જાડાપણું, ડાયાબિટીસ, કેંસર, લોહીમાં ચરબી વધી જવી, બ્લડપ્રેશર અને હૃદયસંબંધી રોગો થતા અટકે છે.

લોહતત્ત્વની ઊણપ, એનીમિયા માટે બાજરો ઉત્તમ ધાન્ય છે. બાજરાની ખાસિયત એ છે કે અન્ય કોઈ પણ અનાજ કે ધાન્ય કરતાં નોંધપાત્ર વધુ અને લગભગ બમણું કહી શકાય એટલું લોહતત્ત્વ (૮ મિ.ગ્રા.) આવેલું હોય છે. લોહતત્ત્વ ખાસ કરીને કિશોરીઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ અને દરેક ઉંમરની સ્ત્રીઓ માટે ખૂબ જરૂરી છે. લોહતત્ત્વની ઊણપથી પાંડુરોગ થાય છે. ફોલિક એસીડની ઊણપથી લોહીના લાલકણો બનતા નથી અથવા તો ખામીયુક્ત બને છે. આને લીધે ‘મેગાલોબ્લાસ્ટીક એનીમિયા’ પાંડુરોગ થાય છે. બાજરો ફોલીક એસીડમાં અત્યંત સમૃદ્ધ છે. અન્ય અનાજ અને ધાન્યો કરતાં બાજરામાં બમણાંથીય વધુ માત્રામાં ફોલીક એસીડ આવેલ છે. આ ઉપરાંત બાજરામાં ૪૨ મિ.ગ્રા. જેટલું કેલ્શિયમ અને ૨૯૬ મિ.ગ્રા. જેટલું ફોસ્ફરસ હોય છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ આ બંને ખનીજક્ષારો દાંત અને હાડકાંના બંધારણ માટે ખૂબ મહત્ત્વના છે.

બાજરામાંથી વિશેષ માત્રામાં ફોસ્ફરસ ખનીજતત્ત્વ મળે છે. એ આપણા શરીરના કોષોનો એક અગત્યનો હિસ્સો છે. આપણાં જનીનતત્ત્વોમાં ન્યુક્લીક એસીડના ભાગ રૂપે ફોસ્ફરસ છે. ઉપરાંત કોષની દીવાલનું બંધારણ કરતો ફોસ્ફોલીપીડ નામનો એક પદાર્થ દરેક કોષમાં આવેલો હોય છે. બાજરો ઘણી માત્રામાં મેગ્નેશિયમ ધરાવે છે. એ શરીરમાં વિવિધ દૈહિક પ્રક્રિયાઓ સારી રીતે ચાલે તે માટે ખૂબ મહત્ત્વનું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે બાજરો ફક્ત ગુજરાત કે ભારતમાં જ ખવાય છે એવું નથી. દુનિયાભરમાં કરોડો લોકો પોતાના રોજિંદા ભોજનમાં બાજરો ખાય છે. આપણો ભારત દેશ બાજરાની ખેતીના વિસ્તાર અને ઉત્પાદન એમ બન્ને દૃષ્ટિએ દુનિયાભરમાં આગળ પડતો છે. એમાંય આપણું ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા જેવાં રાજ્યો તો એટલો બાજરો પકવે છે કે તેમને બાજરાનું ઘર કહીએ તો કંઈ ખોટું નથી. ભારતભરમાં ઊગતાં બધાં ધાન્યોના કુલ ઉત્પાદનમાં ચોથા ભાગનું ઉત્પાદન તો એકલા બાજરાનું જ કરાય છે. બાજરા જેવાં ધાન્યો ખેડૂતો અને આમજનતા બંને માટે આર્થિક અને પોષણક્ષમ બંને રીતે ખૂબ મહત્ત્વના છે. જેમ કે બાજરા જેવાં ધાન્ય પ્રમાણમાં ઓછા ખર્ચે અને ઓછી માવજતથી ઉગાડી શકાય છે. બાજરો સૂકા અને પાણી વિનાના પ્રદેશ તેમજ ઓછી ફળદ્રૂપ અને ખારાશવાળી જમીનમાં પણ સારી રીતે ઊગી શકે છે. બાજરા જેવા ધાન્ય પાકોની ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓની જરૂરિયાત ઓછી રહે છે.

જે શહેરી ઘરોમાં બાળકો અને યુવાનો બાજરી ખાવી પસંદ નથી કરતા તેમના માટે તો બાજરાનો મલ્ટીગ્રેઈન લોટમાં સમાવેશ કરીને ખાવાના ઉપયોગમાં લેવો, એ એક સ્વાદિષ્ટ અને સહેલો ઉપાય છે. આ ઉપરાંત ઢેબરાં, મૂઠિયાં, હાંડવો, પૂરી, ભજિયાં, વડાં, ગોટા, ઢોસા, સાતધાન ખીચડો, બિસ્કીટ, નાનખટાઈ અને રાબ જેવી તો કેટલીય સ્વાદિષ્ટ અને પોષક વાનગીઓ બાજરામાંથી કે બાજરાના અન્ય લોટ સાથેના મિશ્રણથી બની શકે છે. તો હવે બાજરો ખાવાના ફાયદા વહેલી તકે મેળવવા શરૂ કરી દો અને મોતી સમાન ગુણો ધરાવતા બાજરાનું શિયાળામાં અચૂક સેવન કરો.

 

Total Views: 382

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.