શાક્ય મુનિ હિંદુ ધર્મનો નાશ કરવા માટે નહીં, પણ એની પૂર્તિ કરવા આવ્યા હતા. તેઓ હિંદુ ધર્મના તર્કશુદ્ધ પરિણામ અને વિકાસ રૂપે હતા.

ગૌતમ બુદ્ધ વ્યક્તિરૂપ ઈશ્વરમાં કે વ્યક્તિરૂપ આત્મામાં માનતા નહોતા, તેમ તેમને વિષે કદી પૂછ્યું પણ ન હતું; તેઓ સંપૂર્ણ અજ્ઞેયવાદી હતા અને છતાં કોઈપણ માટે પોતાનું જીવન વિસર્જન કરવા તૈયાર રહેતા; તેમણે જીવનભર સર્વના ભલાનો જ માત્ર વિચાર કર્યો. આવા નીતિમાન મહાપુરુષો જોવાનું મને ગમે. તેમના જન્મનું વર્ણન કરતાં તેમના ચરિત્રલેખકે ઠીક જ કહ્યું છે કે બુદ્ધનું જીવન ‘બહુજનસુખાય’, ‘બહુજનહિતાય’ હતું, કેવળ પોતાની જ મુક્તિ માટે ધ્યાનમાં બેસી જવા તેઓ જંગલમાં નહોતા દોડી ગયા; તેમને લાગ્યું કે દુનિયા દુ :ખથી બળીઝળી રહી છે; તેમાંથી પોતાને રસ્તો કાઢવો જ રહ્યો. જિંદગી આખી એક જ સવાલ તેમના મનને સતત મૂંઝવી રહ્યો હતો કે ‘જગતમાં આટલું બધું દુ :ખ શા માટે છે ?’

બુદ્ધ મહાન વેદાંતી હતા, (કારણ કે બૌદ્ધ ધર્મ ખરી રીતે તો વેદાંતની એક શાખા જ છે.) અને આચાર્ય શંકરને ઘણીય વાર ‘પ્રચ્છન્ન બૌદ્ધ’ કહેવામાં આવે છે… બુદ્ધ કદી કોઈને નમ્યા ન હતા – નહીં વેદોને, ન વર્ણને, ન પુરોહિતોને કે ન રૂઢિને; તર્ક જેટલી હદ સુધી તેમને લઈ ગયો, ત્યાં સુધી તેમણે નિર્ભય રીતે તર્ક કર્યો. સત્ય માટેની આવી નિર્ભય અન્વેષણા અને પ્રત્યેક પ્રાણી માટેનો આવો પ્રેમ જગતે કદી જોયાં નથી.

બુદ્ધના આગમન પહેલાં આ દેશમાં શું હતું ? માત્ર સંખ્યાબંધ તાલપત્ર ઉપર લખાયેલા ધર્મના સિદ્ધાંતો; અને તેની પણ બહુ થોડાઓને જાણ હતી. ભગવાન બુદ્ધ એ બધાને વ્યાવહારિક કક્ષા ઉપર લાવ્યા અને લોકોના દૈનિક જીવન વ્યવવહારમાં તેનો કેમ ઉપયોગ કરવો તે બતાવ્યું. એક રીતે તો તેઓ સાચા વેદાંતનું જીવંત મૂર્ત સ્વરૂપ હતા.

Total Views: 344

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.