કેશી અને વ્યોમાસુરનો વધ

કંસે મોકલેલ કેશી નામનો દૈત્ય એક ભારે વજનદાર અને મોટા કદાવર ઘોડાના રૂપે અત્યંત વેગથી દોડતો વૃંદાવન આવ્યો. તે પોતાના પગના ડાબલાથી ધરતીને જાણે કે ખોદતો હોય એવી રીતે આવતો હતો. એની આંખો મોટી અને લાલઘૂમ હતી અને એના મુખમાંથી જાણે કે આગ વરસતી હતી. તેણે પોતાની ભયંકર હણહણાટીથી સમગ્ર વૃંદાવનને ભયભીત બનાવી દીધું. જાણે વાદળની કાળી કાળી ઘટા ન હોય એવું એનું શરીર વિશાળ હતું. એને જોતાં જ ડરી જવાય. જ્યારે શ્રીકૃષ્ણે જોયું કે તે દૈત્યે પોતાના આશ્રિત વ્રજવાસીઓને ભયભીત કરી દીધા છે, ત્યારે તેઓ આગળ વધ્યા અને એ દૈત્યની સામે આવીને એમણે સિંહના જેવી ત્રાડ નાખીને તેને પડકાર્યો. ભગવાનને સામે આવેલા જોઈને કેશી તેમની તરફ પ્રચંડ વેગે દોડ્યો અને નજીક પહોંચીને પાછલા બે પગની લાત ઉગામી. પરંતુ શ્રીકૃષ્ણે પોતાને બચાવીને તેના પાછલા પગને પકડીને આક્રોશપૂર્વક ચારે તરફ હવામાં ફેરવીને તેને ઘણે દૂર ફેંકી દીધો. કેશી થોડી વાર માટે તો બેભાન થઈ ગયો પણ થોડી વારમાં હોંશમાં આવ્યો અને તેણે પોતાનું મોં ફાડીને શ્રીકૃષ્ણ પર ફરીથી આક્રમણ કર્યું. આ વખતે ભગવાન શ્રીકૃષ્ણે માત્ર સ્મિત કર્યું અને તેમણે પોતાનો ડાબો હાથ કેસીના મુખમાં નાખી દીધો અને તરત જ ભગવાન શ્રીકૃષ્ણનો કોમળ હાથ પણ જાણે ધગધગતું લોઢું ન હોય એવો થઈ ગયો. એ હાથનો સ્પર્શ થતાં જ કેશીના દાંત તૂટીને ખરી પડ્યા. હવે શ્રીકૃષ્ણનો ભુજદંડ તેના મોંમાં આગળ વધવા લાગ્યો. એ હાથ એટલો તો આગળ ઘૂસી ગયો કે કેશી માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો. શ્વાસ રુંધાતાં તે જમીન ઉપર પડી ગયો અને તરફડિયાં મારવા લાગ્યો. તેના મોંમાંથી લોહીની ધાર થઈ અને થોડી વારમાં કેશીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા.

કેશીને મારીને શ્રીકૃષ્ણ પોતાના સખાઓ સાથે ગાયો ચરાવવા લાગ્યા. એ દિવસે ગોવાળિયાઓએ સંતાકૂકડી રમવાનો નિર્ણય કર્યો. તેમાં કેટલાક ચોર બન્યા તો વળી કેટલાક રક્ષક, અને કેટલાક ઘેટાંબકરાં બન્યા અને પોતાની રમતમાં લીન થઈ ગયા. બરાબર એ જ સમયે ગોવાળિયાનું રૂપ લઈને વ્યોમાસુર આવ્યો. આ ઘણો માયાવી હતો. રમતમાં તે મોટેભાગે ચોર જ બનતો અને જે ગોવાળિયા ઘેટાંબકરાં બન્યા હોય એવાને ચોરીને ઉપાડી જતો. પછી એ બધાને એક પર્વતની ગુફામાં છુપાવી રાખતો. આ રીતે ગોવાળિયાઓમાંથી ચાર જ બાકી બચ્યા. શ્રીકૃષ્ણે વ્યોમાસુરના આ કરતૂતને જાણી લીધું. જે વખતે તે ગોવાળિયાઓને લઈને જતો હતો તે જ સમયે જેમ સિંહ શિયાળને દબોચી લે તેમ શ્રીકૃષ્ણે તેને દબોચી લીધો. વ્યોમાસુર ઘણો બળવાન હતો. પોતાના પહાડ જેવા અસલી રૂપને તેણે પ્રગટ કર્યું. તે શ્રીકૃષ્ણના પંજામાંથી પોતાને છોડાવવા મથવા લાગ્યો. પ્રયત્ન કર્યા પણ તે પોતાની જાતને ભગવાનના પંજામાંથી છોડાવી ન શક્યો. પછી શ્રીકૃષ્ણે તેને પોતાના બે હાથે જકડી લીધો અને જમીન પર પછાડીને મારી નાખ્યો. ત્યાર પછી તેમણે ગોવાળિયાઓને ગુફામાંથી બહાર કાઢ્યા અને બધા સાથે મળીને વ્રજમાં ચાલ્યા ગયા.

શ્રીકૃષ્ણની અક્રૂર સાથે મુલાકાત

આ બાજુ મથુરાથી અક્રૂરજી શ્રીકૃષ્ણને મળવા પોતાના રથમાં બેસીને વૃંદાવન જવા નીકળી પડ્યા. તેઓ એક મહાન ભક્ત હતા અને રસ્તામાં મનમાં વિચાર કરવા લાગ્યા, ‘મેં એવું કયું શુભકાર્ય કર્યું છે કે કેવી તપશ્ચર્યા કરી છે કે જેના પરિણામે આજે હું ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરીશ. ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા સ્વેચ્છાએ મનુષ્યલીલા કરી રહ્યા છે. આજે મને અહીં એમનાં દર્શન થશે !’ વ્રજમાં પહોંચીને અક્રૂરજીએ શ્રીકૃષ્ણ અને બલરામજીને ગાય દોહવાના સ્થળે બેઠેલા જોયા. શ્યામસુંદર શ્રીકૃષ્ણે પીતાંબર અને ગૌરસુંદર બલરામજીએ નીલાંબર ધારણ કર્યાં હતાં. તેમનાં નેત્ર શરદઋતુમાં ખીલતાં કમળ જેવાં હતાં. બન્ને ભાઈઓને જોતાં જ અક્રૂરજી પ્રેમભાવથી અધીર બનીને રથમાંથી કુદ્યા અને એમનાં ચરણોમાં પડ્યા. એમની આંખોમાં પ્રેમાશ્રુ વહી રહ્યાં હતાં. શ્રીકૃષ્ણ અક્રૂરજીના મનના ભાવને ઓળખી ગયા અને તેમને અત્યંત પ્રસન્નતા સાથે ઊભા કર્યા અને પ્રેમથી ભેટી પડ્યા. ત્યાર પછી બન્ને ભાઈ અક્રૂરજીનો હાથ પકડીને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. ઘરે જઈને શ્રીકૃષ્ણે અક્રૂરજીનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું અને ભાવથી એમને ભોજન જમાડ્યું. ત્યાર બાદ જ્યારે અક્રૂરજી આરામથી આસન પર બેસી ગયા, ત્યારે નંદબાબાએ મધુરવાણીમાં એમના કુશળમંગળ પૂછ્યા. શ્રીકૃષ્ણે અક્રૂરજી પાસે જઈને વિનયપૂર્વક કહ્યું, ‘કાકાજી, આપની યાત્રા સુખદ રહી હશે. મથુરમાં અમારા આત્મીય સુહૃદ, કુટુંબી તથા બીજા સંબંધીઓ ક્ષેમકુશળ છે ને ? ઘણા દુ :ખની વાત છે કે મારે કારણે મારાં નિરપરાધ અને સદાચારી માતપિતાને અનેક પ્રકારની યાતનાઓ ભોગવવી પડી છે. મારે જ કારણે કંસે એમનાં સાત બાળકોને મારી નાખ્યાં અને એ બન્નેને કારાવાસનું દુ :ખ ભોગવવું પડ્યું. આપ અહીં શા માટે આવ્યા છો, એ કૃપા કરીને અમને કહો ?’ અક્રૂરજીએ કંસનો સંદેશ સંભળાવ્યો અને જે હેતુથી તેણે અક્રૂરજીને દૂત બનાવીને મોકલ્યા હતા અને નારદજીએ જે રીતે શ્રીકૃષ્ણના જન્મનું વૃત્તાંત તેમને બતાવ્યું હતું, એ બધું કહી સંભળાવ્યું. અક્રૂરજીની વાત સાંભળીને શ્રીકૃષ્ણ અને બલરામજી હસવા લાગ્યા અને ત્યારબાદ તેમણે પોતાના પિતા નંદજીને કંસની સંદેશ વિશે કહ્યું. પછી નંદબાબાએ આ વાત બધા ગોવાળિયાઓને કહી કે તેઓ બધા પછીના દિવસે મથુરા જશે અને એને માટે બધી તૈયારીઓ કરી રાખવી. ગામના કોટવાલ દ્વારા આવી ઘોષણા આખા વ્રજમાં કરાવી દીધી.

 

Total Views: 396

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.