એક નર્તકી શિષ્યા

સ્વામીજીનાં એક વિશિષ્ટ મહિલા ભક્ત બેટી લેગેટે ૧૨ જાન્યુઆરી, ૧૯૦૦ના પોતાના પત્રમાં લખ્યું હતું :

‘ગઈકાલે કુલીન ઘરનાં અને સુસંસ્કૃત એક મહિલા અને એમની ૧૬ વર્ષની દીકરી સ્વામીજીને મળવા આવ્યાં. ૩ વર્ષ પહેલાં તેઓએ લંડનમાં સ્વામીજીનાં વ્યાખ્યાનો સાંભળ્યાં હતાં. સ્વામીજીના ધર્મસંદેશથી દીકરી એટલી પ્રભાવિત થઈ ગઈ હતી કે તેણે સ્વામીજીના સિદ્ધાંતો પોતાના જીવનમાં અપનાવ્યા અને પોતાની રહેણીકરણી એ અનુસાર ઢાળવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો. તેણે પોતાની પ્રતિભા નૃત્યકળાના અભ્યાસમાં લગાવવાનો અને નૃત્યના માધ્યમથી કળા અને ધર્મનું સૌંદર્ય અભિવ્યક્ત કરવાનો નિર્ણય કર્યો.

આ એક મૌલિક વિચાર છે. યુવતીએ સ્વામીજી સાથે પહેલાં ક્યારેય વાર્તાલાપ કર્યો ન હતો પરંતુ તેની આંતરિક ઇચ્છા હતી કે સ્વામીજી તેનું નૃત્ય જોવા પધારે. કાલે રાત્રે અમે બધાં એક થિયેટરમાં તેનું નૃત્ય જોવા ગયાં. તેનું લાવણ્ય અદ્‌ભુત હતું. એનું શરીર જાણે કે હાડકા વગરનું અને સહેજે વાળી શકાય એવું ચપળ હતું.

પ્રચાર એ જ જીવન

લોસ એન્જલસમાં પ્રથમ વ્યાખ્યાન આપવાની સાથે જ સ્વામીજીને પોતાના કેલિફોર્નિયા યાત્રાના સાચા મહત્ત્વનો અણસાર આવ્યો. સ્વામીજી જગદ્ગુરુ હતા અને કેલિફોર્નિયા આવવાનો એક હેતુ એમની સ્વાસ્થ્ય સુધારણા અવશ્ય હતો પરંતુ ટૂંક સમયમાં જ સ્વાસ્થ્ય ભુલાઈ ગયું અને વિશ્વમાં વેદાંતપ્રચાર ફરીથી એમનો મુખ્ય ઉદ્દેશ્ય બની ગયો.

તેઓ પોતે જ કહે છે :

‘હું ઘણો જ વધારે શાંત છું; અને મને લાગે છે કે શાંતિનો એક માત્ર માર્ગ બીજાને ઉપદેશ આપવો એ છે. પ્રવૃત્તિ એ જ સલામતીની ચાવી છે.’

સ્વામીજીનો રસ્તો એની મેળે જ મોકળો થતો. એ માટે તેઓ પોતે કોઈ પ્રયત્ન ન કરી ઈશ્વર પર જ નિર્ભર રહેતા. એકવાર તેઓએ કહ્યું હતું, ‘ધર્મનો પ્રચાર ક્યારેય આયોજન દ્વારા થતો નથી.’ ભગિની નિવેદિતાએ એમના વિષે કહ્યું હતું, ‘સ્વામીજી ધીરજ ધરે છે અને સમયના વહેણમાં વહે છે. એમની મહાનતા વિશેની મારી સમજ હમણાં જ ખૂલી રહી છે.’

સ્વામીજીનો જીવનહેતુ સિદ્ધ કરવા જાણે કે ઈશ્વરે જ મીડ ભગિનીઓને એમની પાસે મોકલ્યાં. મીડ ભગિનીઓ વિશે આપણે પહેલાં વાત કરી હતી. તેઓએ સ્વામીજીનું

વ્યાખ્યાન સાંભળ્યું હતું પણ રૂબરૂ મળ્યાં પહેલીવાર ૧૩ ડિસેમ્બરના રોજ. મિસિસ હેન્સબ્રો આ મુલાકાતનું વર્ણન કરે છે :

‘મારી બહેન હેલન અને હું સ્વામીજીને મળવા ગયાં. તેમના વ્યાખ્યાનમાં અમને ખૂબ રસ પડ્યો એ જાણી તેઓ ખુશ થયા. અમે પૂછ્યું કે તેઓ કેટલા દિવસ લોસ

એન્જેલસમાં રોકાવાનું ધારે છે. તેઓએ ઉત્તર આપ્યો કે હજુ સુધી એમણે કોઈ નિર્ણય કર્યો નથી પણ જો અમે એમનાં વ્યાખ્યાનોનું આયોજન કરવા માગતાં હોઈએ તો તેઓ ખુશીથી શ્રોતાઓને સંબોધશે.’

સ્વામીજીએ પોતાની ઉપર જે છાપ પાડી હતી તેનું વર્ણન કરતાં તેઓ આગળ કહે છે : ‘મુલાકાતના સમયે સ્વામીજી થોડા શરમાળ અને અંતર્મુખી પણ ચિત્તાકર્ષક હતા.’

સ્વામીજીનું વર્ણન કરવા માટે મિસિસ હેન્સબ્રો અનેક સમયે ‘ચિત્તાકર્ષક’ શબ્દ વાપરે છે. સ્વામીજીએ શ્રોતાઓને સંબોધવા રાજી થયા તેથી મીડ ભગિનીઓએ આનંદપૂર્વક તૈયારીઓ આરંભી દીધી. આટલી સહજતાથી વ્યાખ્યાનનું આયોજન થતું જોઈ સ્વામીજીએ એ દિવસે આનંદથી નાના બાળકની જેમ નૃત્ય કર્યું હતું. મિસ મેકલાઉડ કહે છે, ‘જાણે કે એક નવા યુગનો સૂર્યોદય થયો હોય એવા આનંદમાં સ્વામીજી રહે છે.’

ટૂંક સમયમાં જ ‘વ્યવહારુ મનોવિજ્ઞાન’ વિષયક ત્રણ વ્યાખ્યાનોનું આયોજન થયું. આ વ્યાખ્યાનોની નોંધ તો અવશ્ય લેવાઈ હતી પણ આજે એ નોંધો આપણી પાસે નથી. ત્રણમાંથી બે વ્યાખ્યાનો લોસ એન્જલસ સ્થિત ‘સત્ય સદન’માં અપાયાં હતાં. આ વ્યાખ્યાનોનું વર્ણન કરતાં સદનના સંચાલક કહે છે :

‘સ્વામીજી મનોહર અને ચિત્તાકર્ષક શૈલીમાં બોલ્યા હતા. એમને સાંભળીને લાગ્યું કે વિષયવસ્તુ પર એમની ખૂબ પ્રભાવી પકડ છે, જાણે કે એમની પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર છે. અંગ્રેજી એમની માતૃભાષા ન હોવા છતાં પણ આ ભાષા ઉપર એમનું અદ્‌ભુત પ્રભુત્વ છે. વ્યાખ્યાનોનું આયોજન કરવા હું એમને બે વાર મળ્યો હતો. એક હવેલીમાં ઓજસ્ અને ગાંભીર્ય સ્વરૂપ સ્વામીજી સાથે મારી પ્રથમ મુલાકાત થઈ હતી. પ્રભાવશાળી વસ્ત્રોમાં સજ્જ સ્વામીજીને મળીને હું એમના વ્યક્તિત્વથી અભિભૂત થઈ ગયો હતો.
પરંતુ બીજી મુલાકાત તદ્દન ભિન્ન સંજોગોમાં થઈ હતી. એક ધનવાનની હવેલીને બદલે શહેરના ગરીબ વિસ્તારમાં આવેલ એક સામાન્ય કુટીરમાં હું એમને મળ્યો હતો. સ્વામીજીએ જાણે કે એક બીજું જ રૂપ ધારણ કર્યું હતું. પ્રભાવશાળી વસ્ત્રોને બદલે તેઓ આરામદાયક સામાન્ય ગેરુઆ ઝભ્ભામાં સજ્જ હતા. હું મળવા ગયો ત્યારે આ મહાપુરુષ શું કરી રહ્યા હતા, જાણો છો? તેઓ સામાન્ય માણસની જેમ જ ખારીસિંગ ખાઈ રહ્યા હતા. તેઓએ હસીને કહ્યું કે ખારીસિંગ તેમને અપચો કરાવીને જ રહેશે.’

આ ત્રણ વ્યાખ્યાનોને શ્રોતાઓનો એટલો અદ્‌ભુત પ્રતિસાદ મળ્યો કે તરત જ ‘સત્ય સદન’માં ‘મન અને તેની શક્તિઓ’ વિષયક વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું.

મનની શક્તિઓ

આ વ્યાખ્યાનમાળા અંતર્ગત છ વ્યાખ્યાનો પૈકીના એક પ્રવચન ‘મનની શક્તિઓ’ના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે :

‘અસાધારણ ઘટનાઓ વિશે આપણે સૌએ સાંભળેલું છે અને આપણમાંના કેટલાકોને તો તેનો જાત અનુભવ પણ હશે. મેં જાતે અનુભવેલી કેટલીક ઘટનાઓ સંભળાવીને તમારી સમક્ષ આ વિષયની હું શરૂઆત કરીશ. એક માણસ વિશે મેં એક વખત એવું સાંભળ્યું કે, જો કોઈ પોતાના મનમાં સવાલ ધારીને તેની પાસે જાય તો તે તરત જ તેનો જવાબ આપી શકે છે અને મને એમ પણ કહેવામાં આવેલું કે ભવિષ્યમાં બનવાના બનાવોની આગાહી પણ તે કરી શકે છે. મને કુતૂહલ થયું એટલે થોડાક મિત્રોને લઈને હું તેને મળવા ગયો. અમારા દરેકના મનમાં તેને પૂછવાનો કંઈ ને કંઈ સવાલ હતો જ અને ભૂલ ન થાય એટલા ખાતર અમે અમારા પ્રશ્નો લખીને ખિસ્સામાં રાખ્યા. જેવો અમારામાંના એકને એણે જોયો કે તરત જ એ અમારા પ્રશ્નો બોલી ગયો અને તેમના જવાબ પણ આપ્યા. પછી તેણે એક કાગળ ઉપર કંઈક લખ્યું, એ કાગળની તેણે ગડી કરી અને તેની પાછળ સહી કરવાનું મને કહીને તે બોલ્યો : ‘તેના તરફ તમે જોશો નહીં પણ તમારા ખિસ્સામાં મૂકી દો અને જ્યાં સુધી હું તે પાછો માગું નહિ, ત્યાં સુધી તમારી પાસે જ રાખજો.’ અમને સહુને તેણે આ પ્રમાણે જ કહ્યું. પછી અમારા ભવિષ્યમાં થવાના કેટલાક બનાવો વિશે તેણે અમને કહ્યું અને જણાવ્યું કે, ‘ચાલો, તમને ગમતો કોઈ પણ એક શબ્દ અથવા વાકય ધારો.’ જે ભાષાથી તે તદ્દન અજ્ઞાત હતો તેવી સંસ્કૃત ભાષામાં મેં એક લાંબું વાકય ધાર્યું. તેણે કહ્યું : ‘હવે તમારા ખિસ્સામાંથી કાગળ બહાર કાઢો.’ કાઢીને મેં જોયું તો આખુંય સંસ્કૃત વાકય એ કાગળમાં લખાયેલું હતું. નીચેના ઉલ્લેખ સાથે તેણે તે વાકય એક કલાક પહેલાં લખેલું હતું, ‘મેં જે લખ્યું છે તેના સમર્થનમાં આ માણસ આ વાકય જ ધારશે.’ તે ખરું હતું. અમારામાંના બીજા એક મિત્રને પણ તેણે એક કાગળ આપ્યો હતો. તેમાં તે મિત્રે સહી કરી હતી અને કાગળ પોતાના ખિસ્સામાં રાખ્યો હતો. તેને પણ એક વાકય ધારવાનું કહેવામાં આવ્યું હતું. મારા મિત્રે તે માણસને જરા પણ ન આવડે તેવી અરબી ભાષામાંથી એક વાકય ધાર્યું હતું; એક ફકરો કુરાનમાંથી હતો. મારા મિત્રે તે જ વાકય કાગળ ઉપર લખાયેલું જોયું. અમારા પૈકી બીજા એક ભાઈ દાકતર હતા. તેણે જર્મન ભાષામાં લખાયેલ તબીબી પુસ્તકમાંથી એક વાકય ધાર્યું હતું અને તે જ વાકય તેના કાગળ ઉપર લખાઈ ગયું હતું.

ખૂબ જ દૂરના ભૂતકાળમાં, હજારો વર્ષ પહેલાં આજે જોવા મળે છે તેનાથી ઘણા વધુ પ્રમાણમાં હિંદુસ્તાનમાં આવી ઘટનાઓ બનતી. મને એમ લાગે છે કે દેશની વસ્તી ખૂબ જ વધી જાય છે, ત્યારે માનસિક શક્તિઓ નબળી પડી જાય છે. દેશ વિશાળ હોય અને પ્રમાણમાં વસ્તી ઘણી ઓછી હોય તો કદાચ, તે દેશમાં માનસિક શક્તિ વધારે હોવાનો સંભવ છે. વિશ્લેષણ કરવાની વૃત્તિવાળા હોવાથી, હિંદુઓએ આ બાબતને હાથ પર લીધી અને તે બાબત અન્વેષણ કર્યું; તેમણે અમુક ચોક્કસ તારવણીઓ કરી અને તેને વિજ્ઞાનની કક્ષાએ મૂકી. તે લોકોએ જોયું કે આ બધી ઘટનાઓ અસાધારણ હોવા છતાં પ્રકૃતિની અંદરની છે; એમાં અલૌકિક જેવું કંઈ જ નથી. બીજી કોઈ પણ ભૌતિક ઘટનાઓને જે નિયમો લાગુ પડે છે તેવા જ નિયમો આ અસાધારણ બનાવોને પણ લાગુ પડે છે. માણસમાં આવી શક્તિઓ જન્મથી જ હોય છે; એ કોઈ કુદરતી અકસ્માત નથી. આવી શક્તિનો વ્યવસ્થિત અભ્યાસ થઈ શકે, પ્રયોગ થઈ શકે અને તે પ્રાપ્ત પણ કરી શકાય. આ વિજ્ઞાનને તેઓએ રાજયોગ એવું નામ આપ્યું. હજારો લોકો આ શાસ્ત્રનો અભ્યાસ કરે છે; આખી પ્રજાને માટે તે શાસ્ત્ર દરરોજના ધાર્મિક અનુષ્ઠાનનું એક અંગ બની ગયું છે.

તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે આ બધી અસાધારણ શક્તિઓનું સ્થાન માણસનું મન જ છે. આ મન વિરાટ મનનો એક ભાગ છે; દરેક મન બીજા દરેક મનની સાથે જોડાયેલું છે; અને દરેક મન, પછી ભલે તે ગમે તે સ્થળે હોય, પણ તે આખી દુનિયાના વાસ્તવિક સંપર્કમાં હોય છે.’

Total Views: 920

One Comment

  1. રસેન્દ્ર અધ્વર્યુ October 3, 2022 at 9:40 am - Reply

    અદ્વિત્ય અનુભૂતિ.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.