ગતાંકથી આગળ…

સ્થાનિક લોકોએ મને સલાહ આપી કે મારે સામાનને રસ્તા પર મૂકીને પહેલાં સંસ્થામાં પહોંચી જવું. મારા ચહેરા પર શંકાના ભાવ જોઈને તેમને ખૂબ હસવું આવ્યું. તેમણે કહ્યું, ‘સામાનની કોઈ ચિંતા કરવાની નથી. સહેજેય ચિંતા ન કરો. અહીં લોકો પ્રભુથી ડરનારા છે અને જો કોઈ આ ભારેખમ સામાન ચોરી જવા માગે તો તે લઈને બહુ દૂર તો જઈ જ ન શકે.’ કશા કારણ વિના તો આ સ્થળને ‘દેવોનો નિવાસ’ નહીં કહેવાતું હોય !

સાહેબનો હાથ પકડીને હું ધીમે ધીમે નીચેના કેમ્પમાં સહેજ ઘસડાતી લથડતી પહોંચી ગઈ. સાહેબે ધ્યાન રાખ્યું કે હું સલામત રીતે પહોંચું. પછી ફરી એ રસ્તે ચડીને સામાન લેવા ગયા. મને રહેવા માટે નદીની પાસે એક તંબુ ફાળવવામાં આવ્યો. સાહેબને આવી રીતે રહેવાની તેમના પેરામિલિટરીની નોકરી દરમિયાન આદત હતી. તેમણે કેમ્પની આજુબાજુ તરત જ એક નાની ખાઈ ખોદી કાઢી, જેથી વરસાદનું પાણી કે સાપ જેવા સરકતા જીવો તંબુમાં દાખલ ન થઈ શકે. સાહેબને એવા તંબુમાં રાખ્યા કે જ્યાં બધા પુરુષો હતા. પછી અમે સાથે બેસીને ચા પીધી.

ત્યાર પછી તરત જ તાલીમ આપનારા પ્રશિક્ષક આવ્યા. એમણે પોતાની ઓળખાણ આપતાં કહ્યું, ‘હું પ્રતીક ભૌમિક છું.’ પછી મને એમણે બહાર બોલાવી. તેમણે મારા બન્ને પગ તપાસ્યા અને એક લાક્ષણિક સૈનિકની અદાથી મને કહ્યું, ‘ભલે સારું, હવે તમારી તાલીમ શરૂ.’ પછી મને જે ૨૫૦ ફૂટના રસ્તે હું નીચે આવી હતી ત્યાં ચડવા કહ્યું.

‘શું ?’ હું તો આ રસ્તે ફરી ચડવાના વિચારે જ ગભરાઈ ઊઠી. પણ ભૌમિક કોઈપણ છૂટ આપવાની મન :સ્થિતિમાં ન હતા. નામરજી સાથે હું ચડવા તૈયાર થવા લાગી. જાણતી હતી કે આટલે ઉપર જવું અશક્ય હતું. એટલે મેં સાહેબને વિનંતી કરી કે તેઓ મારી સાથે આવે. બે જ કલાકમાં હું ૨૫૦ ફૂટ ચડીને પાછી આવી ગઈ. બીજે દિવસે આ અંતર બે વખત પાર કરવાની સૂચના આપી. મેં તેમ કર્યું.

એ જ સાંજે તાલીમ આપનાર બીજા પ્રશિક્ષક મળવા આવ્યા. તેમણે કહ્યું કે એક જૂથ લાંબા પ્રવાસે નીકળે છે અને મારે તેમની સાથે થવાનું છે. બીજે દિવસે અમે એ પ્રવાસ (ટ્રેક) માટે તૈયાર થઈ ગયાં. આમ તો એ જૂથ બીજે દિવસે નીકળવાનું હતું, પણ મારા પગની ખોડને કારણે તેમણે અમને એક દિવસ અગાઉ પ્રવાસ શરૂ કરાવી દીધો. ‘આપણે ૯ કિ.મી. ચાલ્યા પછી જ પહેલો પડાવ કરીશું. તમારો પગ નબળો છે, તેથી તમે એક દિવસ વહેલાં ચાલવાનું શરૂ કરો, એમ મને લાગે છે.’

અમને પેપર ઉપર દોરીને જે માર્ગ બતાવ્યો હતો તે માર્ગે સાહેબ અને એક મદદનીશ સાથે અમે જવાનું શરૂ કર્યું. સાહેબે સી.આઈ.એસ.એફ.માં ૧૫ વર્ષ કામ કરેલું એટલે તેઓ આ માર્ગાે પર આવી ચૂક્યા હતા. મેં તો એમની પાછળ પાછળ ચાલવાનું જ કામ કર્યું. એક એક પગલું મોટો પ્રયત્ન હોય તેમ લાગતું હતું. જ્યારે પણ જોર કરવાનું આવે, ત્યારે મારા કૃત્રિમ પગે મારા ખરા અંગ સાથે ઘસાઈને મોટો ઘા બનાવી દીધો. મેં પીડા સહન કર્યે રાખી, પણ ૨.૫ કિ.મી. પછી એક સીધા ચઢાણવાળો ભાગ આવતાં હું ભાંગીને બેસી જ પડી.

પર્વતોમાં આવા ભાવુકતાના પ્રસંગો બનતા જ રહે છે. મને કોઈ રીતે ફરી બેઠી કરવા માટે કશાક ઉત્તેજકની જરૂર હતી, કોઈના પ્રોત્સાહક શબ્દો સાંભળવાની જરૂર હતી. સદ્ભાગ્યે એ ભૂમિકા ભજવવા માટે સાહેબ હાજર હતા. તેમણે મને કહ્યું કે જે વ્યક્તિ એવરેસ્ટ પહોંચવાનું ધ્યેય રાખે તેને માટે આવા અવરોધો ખાસ તો ન ગણાય. આવું પ્રોત્સાહન મારા માટે જરૂરી હતું અને તે એવો જ એક ધક્કો મારી ગયું. સાથે ને સાથે મારી બીકને ફગાવી દઈને મેં સંમતિ આપી. થોડી વાર આરામ લઈને એ સાંજ સુધીમાં બીજા ૩ કિ.મી. ચડીને અમે એ ગામડામાં પહોંચ્યાં. એક સ્ત્રી-પ્રશિક્ષક સાથે મને તેમના ઘરમાં રાતવાસો કરવા દેવા અહીંના મુખી સંમત થયા. સાહેબને ખળામાં સૂવાનું આવ્યું.

બીજે દિવસે અમે અમારા મિશનમાં આગળ ચાલ્યાં. ૯ કિ.મી. દૂરના લક્ષ્ય સ્થળે અમે સાંજે આવ્યાં. અહીં સાહેબે તો તંબુ ઊભો કરી દીધો. અમારી સાથેના સક્ષમ લોકોની ટીમ હજી અમે પહોંચ્યાં ત્યાં સુધીમાં આવી ન હતી. તેઓ બે કલાક પછી આવ્યાં. અમારા પહેલાં લક્ષ્યે અમને અહીં સફળતાથી પહોંચી ગયેલાં જોઈને સૌને નવાઈ લાગી. એક સાંજે એક અધિકારી પણ આવ્યા. પછી મારી અને સાહેબ સાથે ચર્ચા કરીને કહ્યું કે અમારે પાછાં ફરતી વખતે કયો માર્ગ લેવો. ‘બીજા લોકો જુદે માર્ગે આવવાના છે. તમે લોકો તો જે માર્ગે આવ્યાં છો ત્યાંથી જ પાછા ફરો.’

તેમણે કહ્યું કે બીજું જૂથ એ બીજો વધુ અઘરો માર્ગ લેવા સક્ષમ હતું, પણ મારે તો એ વધુ સલામત એવા જૂના માર્ગે જ પાછું ફરવું જોઈએ. પણ મેં તો હઠ કરી, ‘ના, એમ નહીં. જે માર્ગ તમે બધાં લેશો, હું પણ એ જ માર્ગે આવીશ. બહુ બહુ તો હું થોડી પાછળ પડી જઈશ, એટલું જ ને ? અને હું મારો આ નિર્ણય બદલવાની નથી.’ બાકીનું જૂથ સવારે ૮ વાગ્યે નીકળવાનું હતું. અમે ૪ વાગ્યે નીકળવાનું નક્કી કર્યું. વળી પેલાં મદદનીશ બહેન વિના જ જવાનું નક્કી કર્યું, કેમ કે એમણે કહ્યું કે મારી ધીમી ગતિ તેમને અસ્વસ્થ કરતી હતી. એક રીતે તેમણે મને એ માર્ગે જવામાં મદદ કરવાની ના પાડી દીધી, એમ પણ કહેવાય. તેઓ અમે આવ્યાં તેનાથી બીજો માર્ગ વધુ કઠિન હોવાનું જાણતાં હતાં. (ક્રમશ 🙂

 

Total Views: 393

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.