ગતાંકથી આગળ…

કાઠમંડુમાં તમને સરળતાથી રોટલી નથી મળતી. શાકાહારી ભોજન પણ માંડ મળે. અને અમારી સાથે આવેલા બાબા જગદેવ તો શુદ્ધ શાકાહારી હતા. ખાસ્સી મહેનત પછી અમને એક એવી રેસ્ટોરાં મળી જે એક શીખ ચલાવતા હતા અને અહીં બાબાને દાલ અને રોટી જમવા મળ્યાં. ભાવ ઘણો વધુ હતો, પણ અમારે માટે છૂટકો નહોતો. બાબા આ સમજી ગયા, તેથી તેઓ જે ચાર દિવસ અમારી સાથે રહ્યા ત્યારે તેમણે દિવસમાં બે વાર જ ભોજન કર્યું અને બાકીની ભૂખને તેમણે બિસ્કિટ, ફરસાણ અને ચણા-ચબૈના (શેકેલા મસાલા-ભાત)થી જીતી લીધી. એક દિવસ સાહેબ, બાબા, રાજ કિશોર અને રાહુલ કાઠમંડુના રસ્તાઓ ઉપર ટહેલતા હતા ત્યારે ત્યાંની ડઝનબંધ ક્લબોનો એક એજન્ટ ક્યાંકથી આવ્યો અને આગ્રહ કરવા લાગ્યો કે બાબાએ મસાજ કરાવવું જ જોઈએ. તેણે દાવો કર્યો કે તેની ક્લબમાંના મસાજ કરનારા એટલા કુશળ હતા કે બાબા ફરી પોતાને ‘યુવાન’ જેવા માનશે.

‘તમને ખૂબ નરમ હાથે મસાજ થશે,’ તેણે દાણો ફેંક્યો. જીવનના કાવાદાવાથી અજાણ એવા બાબાને જિજ્ઞાસા થઈ આવી અને એક બાળકની જેમ મસાજ માટે જીદ કરવા લાગ્યા, ‘મારે મસાજ કરાવવો છે. તે લોકો વચન આપે છે કે તેઓ મારી ઉંમર પણ ઘટાડી દેશે!’ તેમના પોતાના ગામે તેમને એ જ મસાજનો અનુભવ હતો જે તેમનો વાળંદ કરતો હતો. એવા મસાજ તો તેમણે ઘણા લીધેલા, પણ હજી સુધી વધુ યુવાન થવા જેવું પરિણામ આવ્યું નહોતું. સ્વાભાવિક રીતે તેઓ આ વિચારે ઉત્તેજિત થઈ ગયેલા. સાહેબે તેમને કહ્યું કે આ બધી તો તેમને છેતરવાની વાત છે, એ રીતે તો તેમના બધા પૈસા લૂંટાઈ જશે. બાબા માની ગયા અને જીદ છોડી દીધી અને એ રીતે પોતાને બચાવ્યા. અમે બધાં તેમના આ બાળક જેવા ભોળપણ ઉપર ખૂબ હસ્યાં!

કાઠમંડુમાં મને એવી બે મહિલા મળી જે મને પસંદ પડી ગઈ. બચેન્દ્રી પાલનાં કલકત્તા રહેતાં મિત્ર ચિન્મોયી મુખરજી પણ તેમના આમંત્રણથી કાઠમંડુ આવ્યાં હતાં. તેઓ પણ પહાડનાં પ્રેમી હોવાનું કબૂલ કરતાં હતાં. બચેન્દ્રી પાલને તેઓ કહેતાં, ‘તમે જ્યારે પણ આરોહણ કરો ત્યારે મને કૃપા કરીને લઈ જાઓ.’ બચેન્દ્રી પાલ તો કોઈને પણ સરસ રીતે પાનો ચડાવી શકતાં. શ્રીમતી મુખરજી પોતાની સાથે ગંગાજળ લાવેલાં જેથી અહીંના પ્રખ્યાત પશુપતિનાથ મંદિરમાં પૂજા કરી શકે. તેમને પ્રભુમાં અત્યંત શ્રદ્ધા હતી અને તેથી એ મોટી પૂજા પણ તેઓ સરળતાથી કરી શકતાં. ‘જ્યારે પણ તમે કોઈ સમસ્યાનો સામનો કરતાં હો ત્યારે ઈશ્વરને જરૂર યાદ કરવા. અને પહાડથી તો તેઓ ખૂબ નજીક જણાશે!’ મને હસવું આવ્યું. તેઓ ઉષ્માભર્યા હૃદયનાં એક મહિલા હતાં અને તેમનું સરળ હાસ્ય અમને પણ હસાવતું.

એક સાંજે લગભગ ૭૦ વર્ષનાં ઉંમરલાયક એક મહિલાએ બે પત્રકારો સાથે મારી મુલાકાત લીધી. તેમનું નામ હતું એલિઝાબેથ હોલી. તેઓ તો ચાલતા-ફરતા વિશ્વકોશ સમાન હતાં. તેઓ કાઠમંડુમાં જ રહેતાં હતાં અને જ્યારે કોઈ પણ વ્યક્તિ એ મહાન શિખર પર ચડવા આવે ત્યારે તેને અચૂક મળતાં અને તેનો ઇન્ટરવ્યૂ લેતાં. એલિઝાબેથે મને કહ્યું કે જો હું મારા લક્ષ્યમાં સફળ થઈશ તો એ મહાન કાર્ય સફળતાથી સંપૂર્ણ કરી શકનાર હું સર્વપ્રથમ વિકલાંગ મહિલા બનીશ. અમે રાતનું ભોજન લેતાં મજાની વાતો કરી અને તેઓ એમની સાથે આવેલા વિદેશી પત્રકારો માટે ભાષાંતર પણ કરતાં રહેલાં.

મારે હવે નીકળવાનો સમય થવા લાગ્યો હતો. એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી મારી સાથે રહેવા એક શેરપા નિમાયા હતા અને ત્યાર બાદ શેરપા નીમા કાંચા મારી સાથે રહેવાના હતા. જે જે લોકો મને મૂકવા આવેલા તેમની હવે મારે વિદાય લેવાની હતી.

મારે જેમની અતિશય જરૂર હતી તેવા સાહેબને મારી સાથે આવવાની આર્થિક સહાય કોઈએ આપી ન હોવાથી તેઓ આવી શકે તેમ નહોતા. જો કે મને તે માટે ખૂબ ઇચ્છા હતી. પછી શ્રીમતી મુખરજી સાથે મારે સારો સંબંધ બંધાઈ ગયો હતો. તેમની પાસે પણ પૂરતા પૈસા કે અન્ય કોઈ આર્થિક સહાય કરનાર હતું નહીં જે તેમને પર્વતારોહણનો ખર્ચ આપે. મારા ભાઈ રાહુલ અને રાજ કિશોર પણ આર્થિક મર્યાદા ધરાવતા હતા. બાબા પાસે ધન હતું પણ તેઓ વધુ વય અને તબિયતના પ્રશ્નોને કારણે ચડી શકે તેમ નહોતા. મારા આ બાવન દિવસના અતિ મુશ્કેલ પ્રવાસે મારે સાવ એકલા જવાનું હતું. તે માટે તે સહુએ મને શુભેચ્છાઓ આપી. ઈશ્વરમાં મારી શ્રદ્ધા, સાહેબના પ્રોત્સાહક શબ્દો, બાબાની શિખામણ અને રાહુલભાઈનું પ્રેમભર્યું આલિંગન ઉપરાંત મારાં માની ઉષ્માભરી યાદો અને મારી મોટી બહેન સાથેના મારા સંબંધના ભાથા સાથે હું મારી યાત્રાએ નીકળી.

પરિવારને અલવિદા કરીને હું કાઠમંડુ એરપોર્ટમાં ગઈ અને ત્યાં સુઝન મહાતો અને હેમંત ગુપ્તા નામના મારા સાથી-પ્રવાસીઓ સાથે બે કલાક ગાળ્યા. મહાતો તાતા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશનમાં પ્રશિક્ષક હતા, જ્યારે ગુપ્તા મુંબઈના આઇ.આઇ.ટી.ના પૂર્વ-વિદ્યાર્થી અને તાતા સ્ટીલમાં મેનેજર હતા. અમારી ઉડાન મોડી થઈ હતી એથી અમે ત્રણે વખત પસાર કરવા લુક્લાના માર્ગ વિશે અને કઈ રીતે કેટલીય ઉડાનો પહાડોમાં ભાંગી પડી હતી તેની વાતો કરતાં રહ્યાં. પ્રદર્શન-બોર્ડ ઉપર અમારી ઉડાનને લગતી સૂચનાઓ ઉપર હું ધ્યાન રાખતી હતી અને બે કલાકના વિલંબ બાદ તેમાં જણાવાયું – આજે ઉડાન રદ થઈ છે, કેન્સલ્ડ!

અને અમારી જ નહીં, એ દિવસે બાકી રહેલી બધી ઉડાનોને પણ રદ કરવામાં આવી હતી. આ બોનસ જેવો સમય મારે પરિવાર સાથે ગાળવો હતો, પણ જ્યારે મેં તેમને ફોન કર્યો ત્યારે તેઓ ગાડીમાં સડકમાર્ગે ભારત જવા રવાના થઈ ગયાં હતાં. તેઓ પ્રમાણમાં ઘણાં આગળ નીકળી ગયાં હોવાથી તેમને પાછા ફરવાનું મારાથી કહેવાય તેમ નહોતું. સાવ એકલી અને દુ :ખના ભાવ સાથે હું મારી હોટેલ ઉપર ગઈ ત્યારે ત્યાં બચેન્દ્રી પાલને મળીને સાનંદાશ્ચર્ય થયું. તેઓ બીજી સવારે તો દિલ્હી પરત ફરવાનાં હતાં તેથી લુક્લા માટે રવાના થતાં પહેલાં તેમની સાથે થોડો મૂલ્યવાન સમય ગાળવાનું મને સદ્ભાગ્ય મળ્યું. મને જોઈને તેઓ પણ રાજી થયાં હોય એમ લાગ્યું અને મને કહે કે આ વધારાનો સમય તારી શારીરિક શક્તિ કરતાં પણ માનસિક શક્તિ – મનોબળને વધુ મજબૂત કરવા માટે મળ્યો છે. શારીરિક ક્ષમતા મહત્ત્વની છે એ ખરું, પરંતુ આ તબક્કે માનસિક સ્વસ્થતાનું ઘણું વધુ મહત્ત્વ છે. બચેન્દ્રી પાલે ફરી એક વાર ધીરજનું મહત્ત્વ સમજાવ્યું અને પર્વતોમાં ઝડપ ન કરવા કહ્યું. તેમના તરફથી શાણપણનાં આ છેલ્લાં મોતી હતાં અને જે જે તેમણે આપ્યાં તે બધાં મેં ગાંઠે બાંધ્યાં અને પછી જ સૂવા ગઈ.

થોડી ગભરાટભરી નિદ્રા લીધા બાદ હું બીજે દિવસે એરપોર્ટ જવા તૈયાર થઈ ગઈ. નીકળતાં પહેલાં બચેન્દ્રી પાલ મને ભેટ્યાં અને કહે, ‘જાઓ, એવરેસ્ટ ઉપર વિજય મેળવો !’ (ક્રમશ 🙂

Total Views: 335

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.