ગતાંકથી આગળ…

ને ત્યાં તો હવે બરફીલા પવનોનું આગમન થયું. કલાકના ૨૦૦ કિ.મી.ની ઝડપે વાતા એ પવનો અમારા નિર્ધારની કસોટી કરવા લાગ્યા અને કસોટી કરીને થોડા વખત પછી જ નરમ પડયા. અમે આઈલેન્ડ શિખરે પહોંચ્યાં ત્યારે હવામાન તદ્દન સુધર્યું નહોતું, જોકે થોડા વખતમાં તે સ્વચ્છ થવા લાગ્યું ખરું. મને ખ્યાલ નહોતો કે એક પગવાળી હોઈને આઈલેન્ડ પીક’નું આ ચડાણ કરનાર હું સર્વપ્રથમ વિકલાંગ બની હોઈશ. નિષ્ણાતો કહે છે કે આ શિખર ચડવું, એ તો એવરેસ્ટ ચડવા કરતાં પણ વધુ ટેક્નિકલ અને મુશ્કેલ કામ છે. હવે જ્યારે

મેં આ બન્ને ચડાણ જોઇ લીધાં છે ત્યારે હું પણ આ વાતનું સમર્થન કરી શકું છું.

મને એ જોઈને ખૂબ આનંદ થયો કે રામલાલ પણ મારી સાથે જ ચડતા રહ્યા. તેમણે નોંધ્યું કે મારા પગમાં સોજા હતા અને ઘણું લોહી નીકળતું હોવા છતાં હું ચડતી રહેલી. આટલી વાત પણ રામલાલ માટે પ્રેરણાત્મક હતી. અને તેમણે તે ઘણી વાર સ્વીકારી અને કહી.

શિખરે પહોંચી ગયા પછી અમે તરત જ આઈલેન્ડ બેઝ કેમ્પ તરફ પાછાં ફર્યા. મને હવે ખ્યાલ આવ્યો કે હું લગભગ કોઈ જાતનો ખોરાક લીધા વિના જ બારેક કલાક સુધી ચાલી હતી. આ વાત જોકે આ પહાડોમાં અસામાન્ય ન ગણાય, કારણ કે અહીં તો સહુ સંપૂર્ણપણે પ્રકૃતિની દયા પર નભે છે. હવે જોકે ભૂખને ટાળવા હું બહુ વ્યગ્ર બની હતી ત્યારે મને યાદ આવ્યું કે મારી પાસે એક ઉકાળેલું ઈંડું અને કેટલીક ચોકલેટો છે. મેં બેગ ખોલીને જોયું તો ઈંડું તો અત્યાર સુધીમાં તદ્દન થીજી ગવેલું. પહેલાં તો તેના ઉપર જામેલો બરફ દૂર કરવો પડે તેમ હતો. હું એ કરતી હતી ત્યારે મને કોઈ ભૂખી આંખે જોઈ રહ્યું હોય એવું લાગ્યું. એ પેલો પીળી ચાંચ અને લાલ પગવાળો કાગડો હતો; અને સ્પષ્ટ હતું કે તેને ઘણા વખતથી ડશું ખાવા મળ્યું નહોતું. ઈંડાની જરદીનો થોડો ભાગ અને થોડી ચોકલેટ મેં તેને પણ આપ્યાં.

મેં અંધારામાં જ ચડવાનું શરૂ કરેલું અને હવે જ્યારે અજવાળું થયું હતું ત્યારે હું એ જોઈને ખૂબ નવાઈ પામી કે આટલા ખતરનાક માર્ગે હું પસાર થઈ ગઈ હતી. મને એ વિચારે જ ધ્રુજારી છૂટી કે હું એ આખો સમય મોતથી કેટલી નજીક આવી હતી. અમે છેવટે સાંજે ૬ વાગે બેઝ કેમ્પ પહોંચ્યાં. હવે ખૂબ અંધારું થઈ ગયું હતું અને અહીં મને છેવટે વ્વવસ્થિત ભોજન મળ્યું – ઘણા કલાકો પછી મેં પૂર્ણ ભોજન લીધું.

અહી કુદરતી હાજતે જવું એ મારે માટે મોટો પડકાર હતો. મારી ખોડને લીધે હું ભારતીય પ્રકારના જાજરૂમાં બેસી શકતી નહીં અને મારે સાચે જ ઊભા રહીને થરથરતાં મારું કામ પતાવવાનું રહેતું. બીજો પડકાર હતો : કઈ રીતે રજસ્વલા થવાનો સમય સાચવવો. આમ પણ પહાડોમાં આ કામ અઘરું હોય જ અને મારી ખોડને કારણે આ અનુભવ પીડાકારી જ નહીં, જરા શરમાવે તેવો પણ હતો. મારો જમણો પગ સૂજી ગયેલો. મદદ માટે બોલાવી શકું એવું કોઈ આસપાસ હતું નહીં, એટલે પછી મેં ગરમ પાણીની થેલીથી જ પગને શેક કર્યાે. મને ખબર નથી કે ઈશ્વરને યાદ કરતાંકરતાં અને માળાથી તેમનું નામ જપતાં હું ક્યારે સૂઈ ગઈ. મેં એ ગરમ પાણીની થેલી મારી સ્લીપિંગ બેગમાં જ રાખી મૂકી હતી અને જો મેં એને બહાર મૂકી હોત તો એ ચોક્કસ થીજી જાત.

છેવટે હું પીડાની સાથે સૂવાનું શીખી અને ઊંઘી શકી. સવારે એવરેસ્ટનાં પક્ષીઓના કલરવથી જાગી, જેમની સાથે જાણે મારે કોઈ અજાણ્યો સંબંધ બંધાઈ ગયો હતો. પથારીમાંથી ઊઠતાં પહેલાં તેમને જોયા કરવાનો જાણે મારો નિત્યક્રમ જ બની ગવેલો.

ફરી હું ડિંગબોચે તરફ જવા રવાના થઈ. તે વખતે ફરી છુકુંગના પેલા એકલાઅટૂલા ઘર પાસેથી પસાર થયાં, ત્યારે ફરી એ જ તોફાની બાળકને મળીને થોડું રમી, છૂટાં પડતાં પહેલાં મેં અમારા બન્નેનો ફોટો લીધો.

બીજા દિવસે સાંજે ૪ વાગે ડિંગબોચે પહોંચી. અહીંનું ગેસ્ટહાઉસ બરફથી છવાઈ ગયેલું. માર્ચ મહિનાથી લોકોના ટ્રેકિંગની શરૂઆત થઈ જાય છે અને ત્યારે આ ઘરો ગેસ્ટહાઉસ બને છે. બહારથી તે મકાનો જર્જરિત જણાતાં હોય પણ અંદરથી તે પંચતારક હોટેલો જેવાં લાગે. આવી બરફીલી સ્થિતિમાં પણ તેમની અંદરનું તાપમાન ઉષ્મા આપે અને ત્યાં રહેવું ગમી જાય તેવું હોય છે.

અલબત્ત, આ સગવડ માટે ખર્ચ કરવાનો આવે, પરંતુ અમુક વખતે અને ખાસ કરીને આ પહાડોમાં જ્યાં તમારી પાસે અન્ય વિકલ્પો ન હોય ત્યારે તમે કિંમત સામે નથી જોતાં. આ ગેસ્ટહાઉસોની દીવાલો ઉપર વિવિધ દેશોના ધ્વજો ચોંટાડેલા જોયા. કેટલાક મુલાકાતીઓ પોતે અહીં આવેલા એ વાતના સમર્થન માટે આમ કરતા હતા.

શાહનાઝ ઠુસેને મને તેમના હસ્તાક્ષરવાળું એક ટી-શર્ટ ભેટ આપેલું તે હું અહીં મૂકી ગઈ. છુકુંગમાં એક જ સહિયારું ટોઇલેટ હતું. મારી મર્યાદાઓને લીધે મારે ત્યાં અનુકૂળ થવું બહુ અઘરું હતું, ખાસ તો જ્યારે દરેક મહેમાન ટોઇલેટમાં જવા માટે અધીરું હોય. તેમ છતાં આ સમસ્યાઓ સાથે રહેવાનું પણ હું શીખી. ફેહરિશ (૪૨૭૦ મી.) ઉપર મેં લીલો રંગ છૂટોછવાયો હોય તેમ જોયું. શિખર ઉપર જતાં આ સહુથી છેલ્લો વિસ્તાર હતો જ્યાં તમે કોઈ લીલો રંગ જોઈ શકો. અહીંથી આગળ ધપતાં અમે લોબુચે થઈને એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી ગયાં ત્યાં સુધી માર્ગમાં ક્યાંય લીલો રંગ દેખાયો નહીં.

લોબુચેમાં હું લાંબો સમય ન રોકાઈ અને એવરેસ્ટ બેઝ કેમ્પ તરફ આગળ વધી. પહાડ અને બરફની વચ્ચે ચાલતાં જાણે એમ લાગતું હતું કે બરફનું મસમોટું લશ્કર માનવોને આગળ વધતાં રોકવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. સખત ઠંડી હતી અને અહીંની સ્થિતિ ખરેખર આપણી કસોટી કરે તેવી હતી. એક એવું સ્થાન છે, જ્યાંથી જ્યારે આકાશ સ્વચ્છ હોય ત્યારે બેઝ કેમ્પમાંથી તમે એવરેસ્ટનું શિખર જોઈ શકો. જ્યારે હું એ સ્થળે પહોંચી ત્યારે સદભાગ્યે આકાશ સ્વચ્છ જ હતું. મારા શેરપાએ મને શિખર બતાવ્યું અને હું થીજી ગઈ !

એ દશ્ય અત્યંત ઉત્તેજિત કરનાર હતું. મને ખબર નહોતી કે હવે શું થવાનું છે – હું શિખરને સફળતાથી પાર કરી પાછી આવી શકીશ કે પછી બરફની કબરમાં પોઢી જઈશ? અત્યારે તો મને ખૂબ મન થઈ ગયું કે હું એ સ્થળે હમણાં જ પહોંચી જઉં, જે મને અહીંથી દેખાતું હતું. મેં મનમાં જ એક પ્રાર્થના કરી : હમ આવેં ઔર આપકે દર્શન કર પાવેં, બસ.’ (ઓ. પર્વતેશ્વર, એવી આશિષ આપો કે હું તમારા સુધી પહોંચીને દર્શન કરી શકું !! એ સોહામણા દશ્યને અમે જાણે એકીટશે જોયા જ કરીએ એટલું એ. સુંદર હતું. અમારી એ. સમાધિ તોડતાં શેરપા કહે, હજી તો તમને એ. જોવા જ મળ્યું છે, પણ યાદ કરો કે તમારે ત્યાં પહોંચવું છે. તો હવે આગળ ચાલવા માંડો!

(ક્રમશ 🙂

Total Views: 411

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.