ગતાંકથી આગળ…

એક દુકાનમાં તત્કાળ ફોટા પાડી શકાતા હતા, જો કે તે મોંઘું તો ઘણું હતું. તેમની પાસે કેટલાક સરસ નમૂનાઓ હતા. મેં થોડા ફોટા ખેંચ્યા પણ દુકાનદારે વાંધો લીધો એટલે કાઢી નાખવા પડ્યા. તોપણ મેં વચન આપ્યું કે પાછાં ફરતાં હું ફોટો ખેંચીશ જ. નામચેબજારથી થોડે ઉપર નેપાળનું લશ્કરી થાણું છે. અહીં લશ્કર પોતાનું પ્રદર્શન રાખે છે. એક ‘યતિ’ની ખોપરી મેં અહીં જોઈ, જેને હિમ-માનવ’(આઇસમેન) પણ કહે છે. આ શહેરમાં એ જ ચીમનીની વ્યવસ્થા છે જે અમે ફાડકિંગમાં અગાઉ જોઈ હતી, અને જે ઘરના રૂમોને ઉષ્મા આપે છે.

બીજે દિવસે અમે હજી વધુ ચડાણવાળા સ્થળે જવા નીકળ્યાં. મેં અહીંથી બૌદ્ધ વિહારો જોયા અને રસ્તામાં જ પ્રાર્થના કરી લીધી. ખુમજુમ્ગ ૩૭૯૦ મીટર ઊંચે છે. તેમાં ઘણાં સીધાં ચડાણો અને જોખમી ઢોળાવો આવેલાં છે. મારે માટે તો તે ઘણાં કપરાં કહેવાય. જેમના બન્ને પગ સારા હોય તેઓ પણ એ ચડીને પછી આરામ કરે, પણ મેં તો ચડવાનું ચાલુ રાખ્યું. આમ તો મેં સારું એવું અંતર કાપ્યું, છતાં મેં જોયું હતું કે સામાન્ય રીતે અમારે જ્યાં છેલ્લે રોકાણ કરવાનું હોય ત્યાં પહોંચતાં મને લગભગ આખો દિવસ લાગી જાય છે. નાનાં રેસ્ટોરાં આવે ત્યારે અમે ત્યાં બપોરનું ભોજન અને પીવા માટે ગરમ પાણી લેતાં. મેં તો લુકલાથી જ ગરમ પાણી પીવાનું શરૂ કરી દીધેલું, જેથી શરદી અને ઉધરસથી બચી જવાય.

જો પહાડોમાં તમને શરદી થાય તો તમે શિખર સુધી જઈ શકો તેવી સંભાવના બહુ ઓછી થઈ જાય. ઉધરસ સહસા અને એકદમ જોરથી આવે એટલે ચડાણ કરવું બહુ અઘરું પડે છે. બચેન્દ્રી પાલના ભાઈ રાજેન્દ્ર સિંઘ પાલ (રાજુ) પાસેથી હું આ બાબત શીખી હતી, જેઓ પોતે એક કુશળ પર્વતારોહી છે. તેમના અનુભવો અને સલાહો મને ખૂબ યાદ રહી ગયાં અને મેં સ્વસ્થ જ રહેવાનો નિર્ધાર કર્યો હતો.

એવરેસ્ટ વિશે નાની નાની છતાં રસપ્રદ બાબતો હું જાણવા લાગી. અહીં કેટલીક એવી વાતો કરું : પહાડોમાં ચાની કિંમત ૨૦૦ રૂપિયા (નેપાળના) થાય, ચિકન રાઈસ (જેમાં ચિકન કદાચ શોધ્યું ન જડે)ની કિંમત ૫૦૦ રૂપિયા (નેપાળના) થાય. મેં આવાં કેટલાંક બિલો સાચવ્યાં છે ! અમે જેમ ઉપર જતાં જઈએ ત્યારે (જેનાથી મેં મારી બોટલ ભરી રાખેલી) એક લિટર ગરમ પાણી પણ ૨૦૦ રૂપિયાનું (નેપાળના) પડતું. પણ એ પાણી ત્યાં તો અમૃત સમાન ગણાય.

શેરપાઓના જીવન વિશે પણ મને ઘણું જાણવા મળ્યું. દાખલા તરીકે, નામચેબજારની નજીક એક ‘શેરપાના ગામ’ તરીકે જાણીતું ગામ હતું. ૧૯૫૩ પહેલાં આ પહાડો ઉપર ચડવું એક પાપ ગણાતું. પણ તેનસિંગ નોરગેએ તેને સર કર્યું ત્યાર બાદ એ શેરપાઓને કમાણીનો એક નવો માર્ગ મળી ગયો. તે કમાણીનો માર્ગ હતો પર્વતારોહકોની સાથે પર્વત ચડવાનો અને તેમના મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક બનવાનો.

મેં જોયું કે શેરપાઓ સામાન્ય રીતે પૂર્વ નેપાળના હોય છે અને ત્યાં એવરેસ્ટના ચડાણ માટે કાર્યરત હોય તેવી ૨૭ એજન્સીઓમાંથી કોઈ એકમાં તેમને નોકરી મળી જાય છે. (૨૦૧૩ સુધીની વાત છે.) એમાંની એક હતી એશિયન ટ્રેકિંગ, જે તાતા સ્ટીલે મારે માટે ઠરાવી હતી. તેમની એ જવાબદારી હતી કે બાવન દિવસના એ પ્રવાસ દરમિયાન મારું ધ્યાન રાખવું, જે સમય મારે પહાડોમાં ગાળવાનો હતો.

આમ તો બધી એજન્સીઓ પોતાને વધુમાં વધુ પ્રવાસીઓ ફાળવાય તેવા પ્રયત્નો કરતી હોય છે, પરંતુ તેમના વ્યવસાયની સફળતાનો પાયો તો ખરેખર શેરપાઓના સહકાર, ક્ષમતા અને સદ્ભાવ હોય છે. વ્યક્તિની પોતાની મહેચ્છા, વિશિષ્ટ ક્ષમતા અને ખંત સાથે પણ પહાડોમાં સલામતી અને બચાવ માટે તેને એક શેરપાની જરૂર ચોક્કસ રહે છે.

૨૦૧૩ની સાલમાં ૨૯૭ લોકોએ એવરેસ્ટ પહોંચવાના પ્રયત્નો કર્યા, તેમાંથી માંડ ૯૭-૯૮ લોકો સફળ થયા. હું એવી એકમાત્ર વ્યક્તિ હતી, જેને કૃત્રિમ પગ હતો. ૨૦૧૧થી કોઈ અન્ય એવી વ્યક્તિ- સ્ત્રી કે પુરુષ- અહીં ચડી નથી. કેટલાકે પ્રયત્નો કરી જોયા, છતાં તેઓ બેઝ કેમ્પથી આગળ જઈ ન શક્યા.

ખુમજુન્ગ બાદ અમે ટેંગબોચે (૩૮૩૭ ફૂટ) પહોંચ્યાં. મને થાક લાગ્યો હતો. ટેંગબોચેમાં એક મોટો બૌદ્ધ વિહાર છે, કારણ કે હું આસપાસ ખૂબ નજીકથી બધું જોતી હતી તેથી મને અહીં એ લોકો જે મંત્રનો જાપ કરી રહ્યા હતા તે યાદ રહી ગયો છે. આ છેલ્લું એવું મથક હતું, જેમાં તમારા ફોનનું અનુસંધાન થઈ શકે છે. એવરેસ્ટ પર પ્રથમ ચડનારા હિલેરી અને તેનસિંગ નોરગેએ પણ એવરેસ્ટ પહોંચવા આ માર્ગ લીધો હતો.

અહીં મને એક સુંદર ઘટના જોવા મળી. લાલ પગવાળા કાગડા જેવું પક્ષી, જેની ચાંચ પીળી હતી તે એક ટેલિફોનના ટાવર ઉપર બેસવા પ્રયત્ન કરી રહ્યું હતું, પણ વેગીલો પવન તેને હટાવી દેતો હતો. પછી ટાવર ઉપર બેસવાનો પ્રયત્ન છોડીને તે ઊડીને થોડે દૂર ગયું અને છેવટે ત્યાં બેસી શક્યું. એવરેસ્ટ અને તેની આજુબાજુનાં શિખરોમાં આપણને ૧૫૦થીય વધુ પ્રકારનાં પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે, પરંતુ એ સહુ પ્રમાણમાં નીચલા ભાગોમાં રહે છે. એવરેસ્ટ-વિસ્તારમાં આવેલા સાગરમાથા નેશનલ પાર્કમાં ૧૫૦થી વધુ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે અને તે સહુ પણ નીચલા વિસ્તારોમાં જ મળે છે. ૨૦,૦૦૦ ફૂટથીય ઊંચે કોઈ વાર જોવામાં આવેલા જંપિંગ સ્પાઇડર્સને બાદ કરતાં, અને બરફથી અસર ન પામતી ‘બાર-હેડેડ’ હંસોની બે-ચાર પ્રજાતિઓ સિવાય, એટલી ઊંચાઈ પછી કોઈ જીવજંતુ કે પ્રાણીઓ જોવા મળતાં નથી.

જેમ જેમ હું ઉપર ચડતી ગઈ તેમ તેમ મને પણ મુશ્કેલી વધતી જણાઈ. હવામાં આૅક્સિજનનું પ્રમાણ ઘટતું જાય અને છેવટે ખલાસ થઈ જાય ત્યારે પહાડ કુશળ હોય તેવા આરોહકોની પણ કડક કસોટી કરતો લાગે છે. ટેન્ગબોચેથી ડિંગબોચે (૪૩૪૩ ફૂટ) પહોંચતાં મને આખો દિવસ થયો. અહીં ફોનનું જોડાણ નથી, છતાં શેરપાઓ એક એવું સ્થળ જાણે છે જ્યાંથી તમે ઊભા રહીને સમગ્ર બાહ્ય જગત સાથે જોડાણ કરી શકો. આ વાત વિચિત્ર લાગે છે પણ સાચી છે. એ સ્થળથી તમે સહેજ જ દૂર જાઓ ત્યારે એ જોડાણ કપાઈ જાય અને જેવા તમે ત્યાં આવો, તમારું જોડાણ ફરી સંધાઈ જાય.

ડિંગબોચે તેનસિંગ નોરગેના ગામ તરીકે જાણીતું છે. અહીંથી બે માર્ગાે છે – એક એવરેસ્ટના બેઝ કેમ્પ તરફ લઈ જાય અને બીજો ‘આઈલેન્ડ પીક’ (આઈલેન્ડ શિખર) તરફ લઈ જાવ. પ્રથમ તો અહીંના હવામાનને અનુકૂળ થઈ જવાના હેતુથી મેં ઠરાવ્યું કે એવરેસ્ટ બેઝ કેમ્પ જવા પહેલાં આઈલેન્ડ શિખર ચડી જોવું.

બધા આરોહકો આવું નથી કરતા, કારણ કે તેઓ પહાડોમાં ગાળવાના દિવસો વધારવા નથી માગતા. પરંતુ, બચેન્દ્રી પાલની સલાહ હતી કે પહાડમાં મારે કોઈ ‘શોર્ટ-કટ’ ન લેવા. આમ જરા વધારે અંતરનું આરોહણ કરવા માટે હું માનસિક રીતે તેયાર હતી. (ક્રમશ 🙂

Total Views: 993

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.