ધનુષ્યભંગ

શ્રીકૃષ્ણ નગરવાસીઓને મથુરાના ધનુષ્યયજ્ઞનું સ્થાન પૂછતાં પૂછતાં રંગશાળામાં પહોંચ્યા. ત્યાં એમણે ઇન્દ્રધનુષ્યના જેવું એક અદ્‌ભુત ધનુષ્ય જોયું. એ ધનુષ્યને અનેક બહુમૂલ્ય અલંકારોથી સજાવ્યું હતું અને એની ઘણી પૂજા પણ કરવામાં આવી હતી. કેટલાયે સૈનિકો તેની રક્ષા કરી રહ્યા હતા. જ્યારે શ્રીકૃષ્ણ તેની પાસે પહોંચ્યા, ત્યારે સૈનિકોએ એમને ધનુષ્યની નજીક જવાની મના કરી. પરંતુ શ્રીકૃષ્ણ એની અવગણના કરીને ધનુષ્ય પાસે ગયા અને પોતાના ડાબા હાથે એ વિશાળ ધનુષ્યને સહજતાથી ઉપાડી લીધું. પછી બધાંના દેખતાં તેમણે એના પર પણછ ચડાવી અને એક ક્ષણ તેને ખેંચીને જેમ કોઈ હાથી શેરડીના સાંઠાને તોડીફોડી નાખે એમ તે ધનુષ્યના બે ટુકડા કરી નાખ્યા.

જ્યારે આ ધનુષ્ય તૂટ્યું ત્યારે તેની ગર્જનાથી આકાશ, પૃથ્વી અને દિશાઓ ગૂંજી ઊઠ્યાં. પોતાના મહેલમાં કંસે પણ આ ધનુષ્યનો ગંભીર અવાજ સાંભળ્યો અને ભયથી કાંપવા લાગ્યો. એ ધનુષ્યના રક્ષકો શ્રીકૃષ્ણ અને બલરામ પર ક્રોધે ભરાયા અને એમને પકડવા ઘેરીને ઊભા રહી ગયા. એમની વાત સાંભળીને શ્રીકૃષ્ણ અને બલરામજી પણ ગુસ્સે થયા અને એ ધનુષ્યના ટુકડાથી ફટકારી ફટકારીને એ રક્ષકોને પણ મારી નાખ્યા. બન્ને ભાઈઓએ એ ધનુષ્યના ટુકડાથી કંસે મોકલેલી સેનાનો પણ સંહાર કરી નાખ્યો.

ત્યાર પછી તેઓ યજ્ઞશાળાના મુખ્ય દરવાજેથી બહાર નીકળી ગયા અને આનંદપૂર્વક મથુરાપુરીની શોભાને નીરખતાં નીરખતાં વિચરણ કરવા લાગ્યા. એમનાં અલૌકિક પરાક્રમો જોઈને મથુરાવાસીઓના મનમાં એવું ઠસાયું કે ભલે ગમે તે હોય પણ આ બન્ને ભાઈઓ કોઈ દેવતા જ છે. બન્ને ભાઈઓ નિશ્ચિંત મનથી નગરભ્રમણ કરવા લાગ્યા. જ્યારે સૂર્યાસ્ત થઈ ગયો ત્યારે તેઓ નગરની બહાર પોતાના નિવાસે પાછા ફર્યા.

જ્યારે કંસે સાંભળ્યું કે શ્રીકૃષ્ણે સહજ સરળતાથી વિશાળ ધનુષ્યને તોડી નાખ્યું અને ત્યાંના રક્ષકોને પણ મારી નાખ્યા, ત્યારે તે અત્યંત ગભરાઈ ગયો. હવે એને પૂરેપૂરી ખાતરી થઈ કે શ્રીકૃષ્ણ જ દેવકીના આઠમા પુત્ર છે અને તેના હાથે પોતાનું મૃત્યુ સુનિશ્ચિત છે. તેને પોતાના સ્વપ્નમાં પણ કેટલાંય અપશુકન દેખાવા લાગ્યાં. તેણે જોયું કે તે પ્રેતને ભેટી રહ્યો છે અને ગધેડા પર સવાર થઈને ક્યાંક જઈ રહ્યો છે. વળી ક્યારેક જોયું તો સ્વપ્નમાં તે ઝેર પીઈ રહ્યો છે. આખી રાત તે આવાં દુ :ખભર્યાં સ્વપ્ન જોતો રહ્યો અને એને ઊંઘ પણ ન આવી.

બીજે દિવસે સવારે કંસે મલ્લયુદ્ધના મહોત્સવનો આદેશ આપ્યો. રાજકર્મચારીઓએ રંગભૂમિને સારી રીતે શણગારી હતી. થોડીવારમાં તૂરી,

ભેરી જેવાં વાજિંત્રો વાગવા લાગ્યાં. મથુરાવાસી મલ્લક્રીડાંગણમાં એકત્ર થવા લાગ્યા. રાજા કંસ પોતાના મંત્રીઓ અને મંડલેશ્વર સાથે વચ્ચે

જ ઊંચા શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો હતો. પછી તેમણે નંદ આદિ ગોવાળિયાઓને બોલાવ્યા. એ લોકોએ કંસને જાતજાતની ભેટ દીધી અને

પછી જઈને મંચ પર બેસી ગયા.

કુવલીયાપીડનો ઉદ્ધાર

શ્રીકૃષ્ણ અને બલરામ પણ પ્રાત :કાળમાં જ દંગલની ઘોષણા માટે નગારાના નાદ સાંભળીને રંગભૂમિ તરફ ચાલી નીકળ્યા. રંગભૂમિના પ્રવેશદ્વાર પર કુવલીયાપીડ નામના વિશાળકાય ગજરાજને ઊભો રાખ્યો હતો. તેના મહાવતે જાણી સમજીને ગજરાજને પ્રવેશમાર્ગને આડે જ ઊભો રાખ્યો હતો. શ્રીકૃષ્ણે મેઘગંભીર સ્વરે તેને લલકારતાં કહ્યું, ‘મહાવત ! અમને બન્નેને જવાનો રસ્તો કરી દે. અમારા માર્ગમાંથી દૂર હટી જા. જો એમ નહીં થાય તો હું હાથી સાથે તને પણ યમરાજને ઘેર પહોંચાડી દઈશ.’ શ્રીકૃષ્ણે જ્યારે મહાવતને આ રીતે ધમકાવ્યો, ત્યારે તે ક્રોધથી લાલપીળો થઈ ગયો. પછી તેણે અત્યંત ભયંકર કુવલીયાપીડને પોતાના અંકુશના મારથી ઉશ્કેરીને શ્રીકૃષ્ણ તરફ આગળ ધપાવ્યો. ગજરાજે ઝપટ મારીને શ્રીકૃષ્ણને પોતાની સૂંઢમાં લપેટી લીધા. પરંતુ શ્રીકૃષ્ણ ચતુરાઈથી એ હાથીની સૂંઢમાંથી છટકી ગયા અને એક મુક્કો મારીને તેના પગની વચ્ચે છુપાઈ ગયા. શ્રીકૃષ્ણને પોતાની સામે ન જોઈને કુવલીયાપીડના ક્રોધનો ભભૂકો ફૂટ્યો. તેણે સૂંઘીને શ્રીકૃષ્ણને પોતાની સૂંઢમાં લઈ લીધા અને પકડી પણ રાખ્યા. આ વખતે પણ શ્રીકૃષ્ણે બળપૂર્વક પોતાને હાથીની સૂંઢમાંથી મુક્ત કર્યા. ત્યાર પછી શ્રીકૃષ્ણે એ હાથીનું પંૂછડું પકડી લીધું અને જેમ ગરુડ સાપને ઘસડી લાવે તેવી જ રીતે તેઓ રમતરમતમાં જ એ હાથીને પચ્ચીસ ગજ સુધી ઘસડી લાવ્યા. પછી તો જેમ શ્રીકૃષ્ણ વૃંદાવનમાં વાછડાઓ સાથે રમતા તેવી રીતે તેનું પૂંછડું પકડીને તેને આમતેમ ફેરવવા લાગ્યા; જાણે કે ‘એ પકડી લીધો’, ‘એ પકડી લીધો’ એમ રમત કરવા લાગ્યા. શ્રીકૃષ્ણે ધરતી પર પડવાનું નાટક કર્યું અને પછી ત્યાંથી ઊભા થઈને તરત જ ભાગી ગયા. હવે તો હાથી ક્રોધથી ધૂંવાંપંૂવાં થઈ ગયો. તેને હવે સમજાયું કે હવે પછી શ્રીકૃષ્ણ નીચે પડી જાય એટલે પ્રબળ તાકાતથી પોતાના બે દાંત ધરતી પર ધરબી દેવા. જ્યારે બધા પ્રયત્નોમાં હાથીનું આક્રમણ નિષ્ફળ ગયું, ત્યારે તે પાછો વધુ ક્રોધમાં આવી ગયો. મહાવતે તેને ઉશ્કેરતાં તે ફરીથી શ્રીકૃષ્ણ પર તૂટી પડ્યો. શ્રીકૃષ્ણે જ્યારે એ હાથીને પોતાના પર ઝપટ મારતો જોયો, ત્યારે એમણે પોતાના એક જ હાથે એની સૂંઢ પકડીને તેને ધરતી પર ઢાળી દીધો. હાથી પડી ગયો એટલે શ્રીકૃષ્ણે બળપૂર્વક એના બે દાંત ઉખેડી નાખ્યા અને ઢોરમાર મારીને હાથી અને મહાવતને ત્યાં ને ત્યાં જ પતાવી દીધા.

મરેલા હાથીને છોડીને શ્રીકૃષ્ણે હાથમાં તેના બે દંતશૂળ લઈને રંગભૂમિમાં પ્રવેશ કર્યો. એ સમયે શ્રીકૃષ્ણની શોભા જોવા જેવી હતી. તેમના ગળામાં પુષ્પોનો હાર હતો, ખભે હાથીના દાંત રાખ્યા હતા તેમજ મુખ પર પરસેવાનાં ટીપાં ચળકતાં હતાં. જેમનાં નેત્ર એક વાર શ્રીકૃષ્ણ અને બલરામ પર પડી જતાં, બસ તે નેત્રો ત્યાં જ સ્થિર થઈ જતાં અને લોકો હટતાં પણ નહીં. શ્રીકૃષ્ણે કુવલીયાપીડ હાથીને હણી નાખ્યો એ કંસે જ્યારે નજરે જોયું, ત્યારે તે અત્યંત ગભરાઈ ગયો. મંચ પર બેઠેલા નાગરિકો શ્રીકૃષ્ણને જોઈને એટલા પ્રસન્ન થયા કે બધાનીં મુખ પર અને નેત્રોમાં પ્રસન્નતા ખીલી ઊઠી. એમનાં સૌંદર્ય, ગુણ, માધુર્ય અને નિર્ભયતાએ જાણે કે દર્શકોને શ્રીકૃષ્ણની લીલા યાદ કરાવી દીધી. તેઓ બધા અરસપરસ શ્રીકૃષ્ણ વિશેની ‘આ બન્ને સાક્ષાત્ ભગવાન નારાયણના અંશ છે અને આ ધરતી પર વસુદેવના ઘરે અવતર્યા છે’, આવી જોયેલી-સાંભળેલી વાતો કરવા લાગ્યા.

 

 

Total Views: 379

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.