ગતાંકથી આગળ…

પછી માનવ-વ્યક્તિત્વના ગહન પરિમાણનો સુંદર અભ્યાસ આવે છે. આ માનવ-વ્યક્તિતંત્રનાં પરિમાણો શાં છે તે આપણે જાણવાં જોઈએ. ઉપનિષદોમાં અને ગીતાના આ અધ્યાયમાં અહીં એનો અદ્‌ભુત અભ્યાસ છે. અહીં આ એક જ શ્લોક છે, કઠ ઉપનિષદમાં એ બે થાય છે. પણ માનવ-વ્યક્તિત્વનાં પરિમાણોના વર્ણનનું આ સુંદર સંક્ષિપ્ત કથન છે.

ઉદાહરણ તરીકે આપણું શરીર લો. ચામડીનાં પોતાનાં જ કેટલાંય પડ છે. પછી ચામડી નીચે જતાં માંસ આવે છે. પછી નસો અને રક્તવાહિનીઓ. પછી આવે છે જ્ઞાનતંતુઓ અને અસ્થિતંત્ર. અસ્થિ-હાડકાંની અંદર મજ્જા છે. આમ દૈહિકતંત્રમાં અનેક પડ જોવા મળે છે; એકની અંદર બીજું છે. એ રીતે મનુષ્ય સમગ્રને ખ્યાલમાં રાખીને ઉપનિષદોએ એનું અધ્યયન કર્યું છે. તૈત્તિરીય ઉપનિષદમાં આ વિષયનો અભ્યાસ સાંપડે છે. એને પંચકોષવિદ્યા, ‘પાંચ કોષનું શાસ્ત્ર’ કહેવામાં આવે છે. પાંચ કોષો છે. કોષ એટલે મ્યાન; તલવારને મ્યાનમાં મૂકો. આ આત્મા નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત, નિત્ય પ્રકાશિત છે.

એ આત્મા પાંચ કોષથી આચ્છાદિત છે. પાંચ, એક નહીં. શરીરથી આરંભો, અન્નમય કોષ, પછી પ્રાણમય કોષ, પ્રાણ એટલે ‘જીવન શક્તિ’; મનોમય કોષ, ‘ચૈતસિક શક્તિ’, પછી બુદ્ધિ, વિજ્ઞાનમય કોષ. અને છેલ્લે, ‘આનંદ’, આનંદમય કોષ. આ પાંચની પાછળ તમારો સાચો સ્વ, તમારો આત્મા છુપાયેલો છે. આ સત્ય જાણ્યું સારું.

અહીં આપણે આ ત્રણ કોષોનો ઉલ્લેખ કરીએ છીએ. પ્રથમ ઇન્દ્રિયોનું તંત્ર, જૈવિક શક્તિતંત્ર. इन्द्रियाणि पराण्याहुः, જડ, મૃત પદાર્થ જેવા દેહની તુલનાએ, ‘આ ઇન્દ્રિયો વધારે ચડિયાતી છે’; આ ઇન્દ્રિયશક્તિઓ જ દેહને ચેતનવંતો રાખે છે. દેહ અથવા તો બહારના ભૌતિક પદાર્થ કરતાં એ ચડિયાતી, परा છે. परा એટલે ‘વધારે સારું’, ‘ચડિયાતું’. इन्द्रियेभ्यः परं मनः, ‘ઇન્દ્રિયતંત્ર કરતાં મન ચડિયાતું છે’. ને પછી, પણ मनसस्तु परा बुद्धिः, ‘મન કરતાં બુદ્ધિ ચડિયાતી છે.’ અહીં ક્રમ જોવા મળે છે : સામાન્ય, એથી ચડિયાતું ને પછી, એનાથીયેય ચડિયાતું. આ ત્રણ વિશેનો આ શબ્દપ્રયોગ છે.

તો બુદ્ધિથી ચડિયાતું શું છે? માત્ર સત્ય જ બુદ્ધિથી ચડિયાતું છે. શું છે એ ? આત્મા, અનંત આત્મા. यो बुद्धेः परतस्तु सः, ‘જે બુદ્ધિથી પર છે’, બુદ્ધિથી ચડિયાતું છે તે છે અનંત આત્મા, જે લિંગભેદોથી પર છે, આ મ્યાનોથી ઢંકાયેલો સત્ય સ્વરૂપ આત્મા છે.

વૈજ્ઞાનિક સભ્યતાના આ આશ્ચર્યકારક જમાનામાં મનુષ્યને માટે આ વિષય ખૂબ જ મહત્ત્વનો છે. જગત વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, ત્યાં (દૂર) છે તે વસ્તુઓ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, પરંતુ મનુષ્યમાં જે ગોપિત છે તેને વિશે આપણે સાવ થોડું જાણીએ છીએ. સર જુલિયન હક્સલીએ પણ કહ્યું હતું, ‘મનનું અધ્યયન હમણાં જ આરંભાયું છે’, ત્યારે કેટલાંક હજાર વર્ષો અગાઉ વેદાંતે આ વિષયમાં ઊંડે સુધી પ્રવેશ કર્યો હતો. એટલે ભૌતિક પદાર્થ વિશે ભૌતિક વિદ્યાઓમાંથી સપાટીથી ઊંડાણ સુધી આપણે જેટલું જાણી શકીએ છીએ તેને આપણે સ્વીકારીશું; એ અદ્‌ભુત જ્ઞાન છે.

પરંતુ આ બીજા જ્ઞાન વડે એની પૂર્તિ કરવી જોઈએ, એને ધારણ કરી રાખવું જોઈએ અને એનું દૃઢીકરણ કરવું જોઈએ; માનવવ્યક્તિત્વનું ગહન પરિમાણ કયું છે ? એ જ્ઞાન પણ પ્રાપ્ત થશે તો આપણી સભ્યતા અદ્‌ભુત રીતે સ્થિર અને સમૃદ્ધ બનશે.

આજે સભ્યતા માત્રા(Quntity)નાઠ માપદંડથી મપાય છે, ત્યાં આ જ્ઞાન પ્રાપ્ત થતાં ગુણ(Quality)નો માપદંડ સ્વીકારવામાં આવશે. વિજ્ઞાનની અને સભ્યતાની પ્રક્રિયાની પણ આજે એ દિશા છે. માટે તો પૂર્વમાં અને પશ્ચિમમાં મનુષ્યોને માટે વેદાંત એટલું સુસંગત છે. એ વિષય ઘણો મહત્ત્વનો છે. આ વિષય સાંભળવા તથા સમજવા માટે પશ્ચિમના દેશોમાં લોકોને એકધ્યાનથી બેસતા મેં જોયા છે.

‘અમે એને વિશે બહુ જ થોડું જાણીએ છીએ. અમારે એને વિશે વધારે જાણવું છે.’ સર જુલિયન હક્સલીએ કહ્યું છે તે સાચું છે. અત્યાર સુધીમાં આપણે આ વિષયની સપાટીએ જ ઘસરકો કર્યો છે. પણ એનામાં ઊંડે સુધી પ્રવેશેલું તત્ત્વદર્શન અહીં છે. આ વીસમી અને પછીની સદીઓમાં જે પ્રશ્નોનો માનવજાતે સામનો કરી ઉકેલવાના રહેશે તે માટે આ તત્ત્વદર્શનની સૂઝ અને એનું જ્ઞાન ખૂબ આવશ્યક છે.

‘ઇન્દ્રિયશક્તિઓને નિયમનમાં રાખો’, नियम्य. ‘દબાવો’ કે ‘નાશ કરો’ એ પાઠ નથી; પાઠ છે, ‘નિયમમાં રાખો’, नियम એટલે નિયમ, નિયંત્રણ. એના વિના તમે ચારિત્ર્યઘડતર કરી શકો નહીં કે જીવનની સિદ્ધિ પામી શકો નહીં. પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોને નિયમન હેઠળ કદી રાખતાં નથી. મેં અગાઉ કહ્યા પ્રમાણે, એમના જનીન બંધારણમાં પ્રાકૃતિક નિયમન રોપાયેલું છે. માત્ર મનુષ્ય જ જાગ્રતપણે ઇન્દ્રિયોની શક્તિઓનું નિયમન કરી શકે છે. મનને એમ લાગે છે ત્યારે એ ચેપને દૂર કરવાનું નિયમન કરી શકે છે.

મનને ચેપ લાગે છે ત્યારે એ ચેપને દૂર કરવાનું કઠણ બને છે અને એથી આગળ બુદ્ધિને ચેપ લાગે છે, ત્યારે આપણી પાસે એક માત્ર સાધન વિવેક રહે છે ને એ ચેપની સારવાર અતિ કઠિન બને છે. બુદ્ધિ (વિવેક)ની કક્ષાએ આપણે માત્ર બુદ્ધિને જ નહીં, સંકલ્પ (Will) ને પણ જોઈએ છીએ. બુદ્ધિ અને સંકલ્પ મળીને (વિવેક) બુદ્ધિ થાય છે. પોતાને ચેપ લાગ્યો હોય તેને આધારે એની બુદ્ધિ નિર્ણય લે છે. પછી પ્રશ્નોના ઉકેલનું કાર્ય એકદમ કઠિન થઈ જાય છે. ઇન્દ્રિયકક્ષાએ રોગ હોય ત્યારે જ ડામવો યોગ્ય ગણાય. (ક્રમશ 🙂

 

Total Views: 340

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.