(બ્રુકલીન સ્ટાન્ડર્ડ યુનિયન, ફેબ્રુઆરી ૪,૧૮૯પ)

એથિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. જેન્સે સ્વામી વિવેકાનંદનો પરિચય આપ્યો. એના ઉપક્રમે આ પ્રવચનો યોજાયાં હતાં. સ્વામીજીએ ટુકડે ટુકડે બોલતાં જણાવ્યું :

‘હિંદુ બુદ્ધ પ્રત્યે એક અનોખો ભાવ દર્શાવે છે. ખ્રિસ્તીઓ જેવી રીતે યહૂદીઓ પ્રત્યે વિરોધીભાવ દર્શાવે છે તેવી રીતે બુદ્ધે પણ તે કાળમાં ભારતમાં પ્રવર્તમાન ધર્મ પ્રત્યે વિરોધનો ભાવ દર્શાવ્યો હતો ખરો; પરંતુ ઈશુ ખ્રિસ્તને તેમના પોતાના જ દેશવાસીઓએ જાકારો આપ્યો હતો, તેને બદલે ભારતના નિવાસીઓએ તો બુદ્ધને ઈશ્વરના એક અવતાર તરીકે સ્વીકારી લીધા હતા. બુદ્ધે પેલા પુરોહિતોનો તેમના મંદિરો સામે જઈને વિરોધ ર્ક્યાે હતો અને છતાં પણ આજે એ બધા જ તેને પૂજી રહ્યા છે.

પણ બુદ્ધના નામે જે એક ધર્મ – એક સંપ્રદાય ઊભો થઈ ગયો એની આ વાત નથી. બુદ્ધે જે શીખવ્યું તેને તો હિંદુ માને છે. …

બૌદ્ધધર્મ પૂર્ણ રીતે સમજવા માટે આપણે એના માતૃરૂપ ધર્મ તરફ જવું પડશે. બુદ્ધ આવ્યા તે પહેલાં જ બૌદ્ધિક વિશ્વના બે ભાગ પડી ગયા હતા. પણ બુદ્ધના ધર્મને સાચી રીતે સમજવા માટે તે વખતે પ્રચલિત વર્ણ વ્યવસ્થા-જાતિ વ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી બને છે. વેદો શીખવે છે કે જે બ્રહ્મને- પરમાત્માને જાણે તે Brahma બ્રહ્મ (બ્રાહ્મણ) કહેવાય અને જે પોતાના સમાજના ભાઈઓનું રક્ષ્ાણ કરે તે Chocta ચોક્ટા (ક્ષ્ાત્રિય) કહેવાય છે. વળી જે વેપાર કરીને પોતાની આજીવિકા ચલાવે તેને Visha વિશા (વૈશ્ય) કહેવામાં આવે છે. આ જુદા જુદા સામાજિક વિભાગો વિકસ્યા અને એણે એની લોઢાની સાંકળથી સમાજને બાંધીને નિમ્ન કોટિનો કરી નાખ્યો અને સંગઠિત થયેલો પેલો પુરોહિતવર્ગ સમગ્ર રાષ્ટ્રની ડોક ઉપર ચડી બેઠો. આવા સમયે બુદ્ધનો અને એના ધર્મનો જન્મ થયો અને એટલા જ માટે એ તત્કાલીન ધાર્મિક અને સામાજિક સુધારણાના ઉચ્ચતમ શિખર સમો એક પ્રયત્ન બની રહ્યો.

આ જ વાત વારંવાર વાગોળાતી રહીને લોકોના મનમાં ઠસાવવાનું હવામાન એ વખતે આખા દેશમાં પ્રસરી રહ્યું હતું. વીસ હજાર આંધળા પુરોહિતો વીસ કરોડ(?) આંધળા લોકોને દોરી જવા મથી રહ્યા હતા અને પાછા તેઓ તો અંદરોઅંદર ઝઘડી જ રહ્યા હતા. આવા વખતે આના કરતાં બીજો ક્યો ઉપદેશ દેવાની બુદ્ધને જરૂર હોઈ શકે? ‘ઝઘડા બંધ કરો’, ‘તમારાં પુસ્તકોને એક બાજુ મૂકી દો’, ‘પૂર્ણ બનો’. બુદ્ધે સાચી વર્ણવ્યવસ્થાની ક્યારેય નિંદા કરી નથી, કારણ કે એવી સ્વાભાવિક વર્ણવ્યવસ્થા તો વિશિષ્ટ સ્વભાવગત ગુણધર્મ, વલણનો સરવાળો છે- સહકાર છે અને એ ખરેખર મૂલ્યવાન છે.

બુદ્ધ તો વંશીય સ્થાપિત હિતોને લીધે પતન પામેલી વંશીય જાતિવ્યવસ્થા સામે જ લડ્યા હતા અને એમણે બ્રાહ્મણોને કહ્યું કે સાચા બ્રાહ્મણ લોભી ન હોય. એ અપરાધી પણ ન હોય અને ક્રોધી પણ ન હોય. તમે એવા છો ખરા? જો ન હો તો એવા હોવાનો ડોળ ન કરો. સાચા હોવાનો દંભ ન કરો. જાતિપ્રથા એ કંઈ લોકોની બેડીથી બંધાયેલી વર્ગવ્યવસ્થા નથી અને દરેક માણસને ખબર છે કે જે માણસ ઈશ્વરને જાણે છે અને એને પ્રેમ કરે છે, તે જ ખરો બ્રાહ્મણ છે. વળી યજ્ઞોની બાબતમાં તેમણે કહ્યું કે,‘વેદમાં ક્યે ઠેકાણે લખ્યું છે કે યજ્ઞો આપણને પવિત્ર કરે છે? તેઓ આપણા માટે દેવોને પ્રસન્ન કરી શકે, પરંતુ તેઓ આપણને કંઈ વધુ સારા તો બનાવી શક્તા નથી. એટલા માટે આ હાસ્યાસ્પદ યજ્ઞસમારંભો છોડો અને ઈશ્વરને ચાહો અને પૂર્ણ માનવ થવાનો પ્રયત્ન કરો.’…

બુદ્ધનો દરેકે દરેક સિદ્ધાંત વેદાંતમાંથી નીકળેલો છે. તપોવનના મઠો અને વેદોમાં જે સત્ય છુપાઈને પડ્યાં હતાં તે સત્યોને બહાર લાવનારા સાધુઓ માંહેના બુદ્ધ પણ એક હતા. અત્યારે પણ એ સત્યોને માનવા વિશ્વ તૈયાર હોય એમ હું માનતો નથી. હજી પણ એને પેલા હલકા ધર્મો વહાલા છે. એ ધર્મો એને સગુણ ઈશ્વરને ભજવાનો બોધ આપે છે. આને જ કારણે મૂળનો બૌદ્ધધર્મ સામાન્ય માણસોના માનસને સ્પર્શી શક્યો નહિ અને એ માટે એણે મૂળમાં સુધારાવધારા ક્રવા પડ્યા. એ સુધારાવધારાની છાપ તિબેટ અને તાર્તાર પર પડી છે. મૂળ બૌદ્ધધર્મ કંઈ શૂન્યવાદી હતો જ નહિ. એ તો પુરોહિતવાદ અને જાતિવાદ સામે લડવા માટેનો પ્રયત્ન હતો. સમસ્ત વિશ્વમાં મૂંગાં પ્રાણીઓની પડખે ઊભો રહેનાર તે એકમાત્ર વીર નાયક હતો. જાતિપ્રથાની ભીંતોને ભાંગનાર તે સર્વપ્રથમ હતો, માનવ-માનવ વચ્ચેની દીવાલને તોડનાર તે સર્વપ્રથમ ધર્મ હતો.’

સ્વામી વિવેકાનંદે બુદ્ધના જીવનના કેટલાક પ્રસંગો આલેખીને પોતાનું પ્રવચન પૂરું ર્ક્યું. ‘અન્યનું ભલું કરવા સિવાયનું કોઈ પણ કામ એમણે કદી પણ વિચાર્યું નથી અને કદી પણ ર્ક્યું નથી. કેટલા મહાન આત્મા! એમની પાસે પ્રખર બુદ્ધિ અને વિશાળ હૃદય હતાં. એમણે આખી માનવજાતને અને આખી પ્રાણીસૃષ્ટિને સ્વીકારી, સૌને તેઓ ભેટ્યા અને ઊંચામાં ઊંચા દેવથી માંડીને એક નાનામાં નાના તુચ્છ કીડા માટે પણ તેમણે પોતાની જિંદગી કુરબાન કરવાની તૈયારી બતાવી હતી. કોઈક રાજાના યજ્ઞમાં બલિદાન દેવા માટે એકઠાં કરેલાં ઘેટાંના ટોળાને બચાવવા માટે તેમણે પોતાને યજ્ઞવેદી ઉપર ફેંક્યા એ વાત તેમણે પહેલાં બધાને કહી અને બતાવ્યું કે બુદ્ધે એ પ્રમાણે પોતાનું કાર્ય સિદ્ધ ર્ક્યું. ત્યાર પછી તેમણે બુદ્ધનું એ ચિત્ર રજૂ ર્ક્યું કે દુ :ખી માનવજાતનો પોકાર સાંભળીને તે મહાપુરુષ્ો પોતાની પત્ની અને પોતાના બાળક પુત્રનો કેવી રીતે ત્યાગ ર્ક્યાે અને છેલ્લે જ્યારે તેમના ઉપદેશો વૈશ્વિક સ્તરે ભારતમાં સ્વીકાર પામ્યા ત્યારે તેમણે એક હલકા ગણાતા ભંગીનું નિમંત્રણ સ્વીકાર્યું અને એની સાથે સૂવરનું માંસ પણ ખાધું અને એને જ પરિણામે એમનું મૃત્યુ થયું. (સ્વા.વિ. ગ્રંથમાળા ભાગ-૫, પૃ. ૨૩૭-૪૦)

 

Total Views: 330

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.