(ગતાંકથી આગળ…)

‘જો તમે આજ્ઞાપાલક અને સત્ય, માનવતા અને તમારા દેશનાં કાર્ય પ્રત્યે એકનિષ્ઠ રહેશો, તો જગત આખાને હચમચાવી શકશો.’

સ્વામીજી વિભિન્ન કાર્યોમાં એટલા વ્યસ્ત હતા કે પોતાના વચન પ્રમાણે આ સામયિક માટે વાર્તાઓ લખી ન શક્યા, તોપણ આ સામયિક્માં તેમનાં ઘણાં લેખો અને ભાષણો પ્રકાશિત થયાં હતાં પરિણામે હંમેશ માટે આ પત્રિકા મહિમાન્વિત થઈ છે. સ્વામીજીએ આ પત્રિકાનું નામ ‘પ્રબુદ્ધ ભારત’ આપ્યું.

‘પ્રબુદ્ધ ભારત’ના સંયોજક ડૉ.નંજુન્દા રાવ મદ્રાસના એક પ્રસિદ્ધ ચિકિત્સક અને દર્શનશાસ્ત્રના સારા વિદ્વાન હતા. તેમના સબળ બાહુઓ પર સ્વામીજીએ આ પત્રિકાનો ભાર નાખ્યો હતો અને તેમને સંબોધીને ઘણા પ્રેરણાદાયી પત્રો લખ્યા હતા. ૧૪મી જુલાઈ, ૧૮૯૬ના પત્રમાં તેમણે લખ્યું – ‘પ્રબુદ્ધ ભારત’ના અંકો મળ્યા છે અને વર્ગમાં સૌને વહેંચી પણ આપ્યા છે. એ કાર્ય ઘણું જ સંતોષકારક થયું છે. હિન્દમાં તો એ પત્રનું સારા પ્રમાણમાં વેચાણ થશે એમાં શક નથી અને અમેરિકામાંથી પણ ઘણાય ગ્રાહકો મને મળશે.’ સ્વામીજી આ પત્રિકાઓની ઝીણવટથી તપાસણી કરતા અને જરૂર પડે તો કઠોર આલોચના કરતાં પણ ચૂકતા નહિ. આ પત્રિકાનું મુખપૃષ્ઠ તેમને ન ગમ્યું. એ માટે ઉપર્યુક્ત પત્રમાં તેમણે ઉમેર્યું – ‘આ બધું કહ્યા પછી એક મુદ્દો અત્રે હું ઉપસ્થિત કરીશ અને તે એ કે આ પ્રસ્તુત અંકનું પૂઠું સંસ્કારિતાનો પૂરેપૂરો અભાવ દર્શાવે છે. એ બેહૂદું અને ઘૃણાજનક છે. જો શક્ય હોય તો એ બદલાવી નાખો અને એને કોઈ પ્રતીકનું સૂચક તેમ જ સાદું બનાવો. એના ઉપર માનવ-આકૃતિઓને બિલકુલ સ્થાન ન આપો. વટવૃક્ષ તેમજ ટેકરી કે સાધુયુગલ, એમાંનું એકેય યુરોપીય નવજાગૃતિનું સૂચક નથી. ક્મળ એ પુનરુત્થાનનું પ્રતીક છે. આપણે કળાની બાબતમાં અત્યંત પછાત છીએ. એક વનની અંદર વસંત નવોત્થાન પામતી હોય અને પાંદડાં અને ક્ળીઓ નવાં નવાં ફૂટતાં હોય એવું એક નાનકડું દૃશ્ય ચીતરો. ધીમે ધીમે આગળ ધપો; કેમ કે સેંકડો વિચારોને રજૂ કરવાના છે.’ આ વાંચીને ડૉ. નંજુન્દા રાવ હતાશ થઈ ગયા અને તેમણે સ્વામીજીને પત્ર લખ્યો. સ્વામીજીએ તેમને પોતાના પત્ર (૨૬ ઓગસ્ટ, ૧૮૯૬)માં આ વિષયનો ખુલાસો કરતાં કહ્યું – ‘પ્રબુદ્ધ ભારત’ના ઉપરના ચિત્ર સામેનો મારો વાંધો કેવળ એની ભભક અંગે જ ન હતો, પરંતુ કશાયે હેતુ વગર એમાં જે અનેક આકૃતિઓનો શંભુમેળો કરવામાં આવ્યો છે, તેની સામે પણ હતો. કોઈપણ આકૃતિ સાદી, પ્રતીકરૂપે અને થોડી રેખાઓથી ઘણું સૂચવનારી હોવી જોઈએ. ‘પ્રબુદ્ધ ભારત’ માટે હું લંડનમાં ડિઝાઇન તૈયાર કરાવવાનો પ્રયાસ કરીશ અને તમને મોકલી આપીશ.’ ડૉ. નંજુન્દા રાવની હતાશાને દૂર કરવા તેમણે ઉમેર્યું – ‘વીરતાપૂર્વક આગળ ધપો, હમણાં ડિઝાઇનો અને અન્ય વિગતોનો ઝાઝો વિચાર કરશો નહિ, કારણ કે ‘ઘોડો હાથમાં આવશે તો લગામ આપોઆપ હાથમાં આવી જશે.’ આ જ પત્રમાં તેમણે પત્રિકા માટે કેટલાંક વ્યાવહારિક સૂચનો પણ કર્યાં – ‘ભારતમાં તમામ સામૂહિક પ્રયત્નો એક જ ઊણપના ભાર હેઠળ પાણીમાં જાય છે; અને એ ઊણપ એ છે કે આપણે હજી સંગીન ધંધાદારી સિદ્ધાંંતોનો વિકાસ કર્યો નથી. સાચામાં સાચા અર્થમાં ધંધો એટલે ધંધો; એમાં મૈત્રી કે આપણી હિંદુ કહેવતમાં બધે બોલાય છે તેમ ‘આંખની શરમ’ જેવું હોવું ન જ જોઈએ. દરેક મનુષ્યે પોતાના હવાલામાં સોંપાયેલી દરેક વસ્તુનો ઝીણામાં ઝીણો હિસાબ રાખવો જોઈએ અને એક બાબત માટે રાખેલાં નાણાંનો ઉપયોગ બીજી બાબત માટે કદાપિ કરવો ન જોઈએ, પછી બીજી જ પળે એ બાબત ભલે ભૂખે મરે, એનું નામ ધંધામાં પ્રમાણિકતા. બીજું, કાર્યમાં અદમ્ય ઉત્સાહ જોઈએ, તમે જે કંઈ કરો તેને તેટલા પૂરતું તો સાધન જ ગણી લો. હાલ પૂરતું તો આ સામયિક્ને જ તમારો ઈશ્વર બનાવી દો તો તમે જરૂર સફળ થશો.’

આવા ઉત્સાહવર્ધક, પ્રેરણાદાયી પત્રને વાંચ્યા પછી મદ્રાસના યુવકો અદમ્ય ઉત્સાહથી ‘પ્રબુદ્ધ ભારત’ના કાર્યમાં મંડી પડે એમાં શી નવાઈ ? ડૉ.નંજુન્દા રાવ અને આલાસિંગા સિવાય વ્યવસ્થાના કાર્યમાં સિંગારવેલુ મુદલિયાર (સ્વામીજી સ્નેહપૂર્વક કીડી કહીને સંબોધતા) પણ ઉત્સાહથી કાર્યમાં લાગી ગયા. એટલા જ ઉત્સાહથી એક પ્રતિભાવાન યુવક શ્રી બી. આર. રાજમ્ અય્યર સંપાદનકાર્યમાં લાગી ગયા. એક વર્ષમાં જ ‘પ્રબુદ્ધ ભારત’ને આશાતીત સફળતા મળી. વર્ષાંતે પ્રકાશિત ‘સિંહાવલોકન’માં યુવા-સંપાદકે એ સ્વીકાર કર્યો કે આ બધી સફળતાઓના મૂળમાં સ્વામી વિવેકાનંદજીના આશીર્વાદ જ કારણરૂપ હતા અને લખ્યું – ‘પ્રારંભમાં અમારા માત્ર ૧૫૦૦ ગ્રાહક હતા, દરેક મહિને આ સંખ્યા વધતી ગઈ અને હવે એ ૪૫૦૦ સુધી પહોંચી ગઈ છે. આવી રીતે હવે આ પત્રિકા સંપૂર્ણ ભારતવર્ષમાં સર્વાધિક પ્રસારિત થતી માસિક પત્રિકા થઈ ગઈ છે.’

આવી સુંદર શરૂઆતનાં માત્ર બે વર્ષો પછી જ જ્યારે આ પત્રિકા સફળતાના શિખર પર ચડી ચૂકી હતી, ત્યારે તેના જૂન, ૧૮૯૮-ના અંકમાં સંપાદકીય લેખ પ્રકાશિત થયો ‘Farewell !’ (વિદાય!) એનું કારણ એક જ – તેના યુવા-સંપાદક શ્રી રાજમ્ અય્યરનું અકાળ મૃત્યુ – જે ખરેખર આ પત્રિકાના પ્રાણરૂપ હતા. પણ બે મહિનાની અંદર જ આ પત્રિકાનો પુનર્જન્મ થયો-રામકૃષ્ણ મિશનના મુખપત્રના રૂપે. આ દરમિયાન સ્વામીજીએ વિદેશથી પાછા ફરીને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી દીધી હતી. આવી લોકપ્રિય પત્રિકાનું બંધ થઈ જવું એ તો સ્વામીજીના પ્રિય વેદાન્ત-આંદોલનનો પરાજય ગણાય. સ્વામીજી આ કેમ સાંખી શકે ? ૧૮૯૮ના મે તથા જૂન મહિનામાં સ્વામીજીએ તેમના અંગ્રેજ શિષ્ય કેપ્ટન સેવિયર તથા અન્ય લોકોની સાથે અલ્મોડાના ‘થોમ્પસન હાઉસ’માં નિવાસ કર્યો અને આ ભવન જ નવા ‘પ્રબુદ્ધ ભારત’નું પ્રથમ કાર્યાલય થયું. કેપ્ટન સેવિયરે એક હસ્તચાલિત પ્રેસની વ્યવસ્થા કરી અને તેમાં છપાઈને જ ‘પ્રબુદ્ધ ભારત’નો પ્રથમ અંક ઓગસ્ટ, ૧૮૯૮માં પ્રકાશિત થયો. સ્વામીજીના જ શિષ્ય સ્વામી સ્વરૂપાનંદ આના સંપાદક તથા કેપ્ટન સેવિયર વ્યવસ્થાપક થયા. આ પ્રથમ અંકમાં સ્વામીજીની બે કવિતાઓ પ્રકાશિત થઈ હતી – એક તો – To the Awakened India” (‘પ્રબુદ્ધ ભારતને’) અને બીજી “Requiescat in Peace’ (‘ચિરશાંતિમાં’). આ દિવસોમાં સ્વામીજી કેટલી ગંભીરતાથી ‘પ્રબુદ્ધ ભારત’ના વિચારોમાં રચ્યાપચ્યા રહેતા, તેનું વિવરણ ભગિની નિવેદિતાએ પોતાનાં સંસ્મરણોમાં આપ્યું છે – ‘સ્વામીજીના હૃદયમાં સર્વદા આ પત્રિકા માટે એક વિશેષ સ્નેહ હતો. તેમણે પોતે આ પત્રિકાને આપેલ આ સંુદર નામ જ એનું પ્રમાણ છે. તેઓ હંમેશાં પત્રિકાઓ પ્રકાશિત કરવા માટે ઉત્સુક રહેતા. આધુનિક ભારતના શિક્ષણકાર્યમાં પત્રિકાઓના મહત્ત્વની તેમને સારી રીતે જાણ હતી. અને તેમને લાગ્યું કે પોતાના ગુરુદેવનો સંદેશ ફેલાવવા માટે સેવાકાર્યોની સાથે આ ઉપાયનો સહારો પણ લેવો જોઈએ. એટલા માટે દિવસો સુધી તેઓ જેમ પોતાની વિવિધ યોજનાઓ માટે વિચારમગ્ન રહેતા, તેમ પોતાની આ પત્રિકાઓના ભવિષ્ય માટે પણ વિચારમગ્ન રહેતા. દિવસ-રાત તેઓ સ્વામી સ્વરૂપાનંદના સંપાદનમાં પ્રકાશિત થનારા પ્રથમ અંકની ચર્ચા કરતા. એક દિવસે બપોરે જ્યારે અમે સૌ એકસાથે બેઠાં હતાં, ત્યારે તેઓ એક કાગળ લઈ આવ્યા અને તેમણે કહ્યું કે મેં એક પત્રના જેવું ક્ંઈક લખવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે આ રૂપમાં થઈ ગયું – ‘પ્રબુદ્ધ ભારતને’ To the Awakened India જાગો, પુનરપિ નિદ્રામાં તું હતી, હતી ના મૃત્યુ વિષે તું’….સ્વામીજીના ‘પ્રબુદ્ધ ભારત’ પ્રત્યેના પ્રેમભાવને કારણે પોતાના જીવનના છેલ્લા ત્રણ લેખો ‘પ્રબુદ્ધ ભારત’ માટે જ લખ્યા હતા- ‘આર્યો અને તામિળો’, ’સામાજિક પરિષદ વેળાનું વ્યાખ્યાન’ અને ‘થિયોસોફી અંગે છૂટક વિષયો’. આ લેખો વિષય તથા શૈલીની દૃષ્ટિથી વૈવિધ્યપૂર્ણ હતા અને આધુનિક માપદંડો અનુસાર પણ પત્રકારત્વના ઉત્કૃષ્ટ નમૂના તરીકે ગણી શકાય. આ બધા જ લેખો સમસામયિક હતા અને સૂક્ષ્મ વ્યંગથી પરિપૂર્ણ હતા. લેખોની રચનાશૈલી ધારદાર, બળૂકી અને સાથોસાથ ભાવપૂર્ણ છે. એક પ્રથમ શ્રેણીનો પત્રકાર પણ આવા લેખો લખીને પોતાને ધન્ય માનશે. તદુપરાંત, આ લેખોમાં ‘ઋષિ વિવેકાનંદ’ની છાપ સ્પષ્ટ ઊપસી આવે છે. એક ઋષિની દૃષ્ટિ જ રાષ્ટ્રિય જીવનને સંપૂર્ણપણે નિહાળી તેના પુનરોદ્ધારનો માર્ગ ખોળી શકે છે. સ્વામીજીના પત્રકારત્વમાં એક નિ :સ્વાર્થ ઋષિની ઝલક મળે છે જે કશી પણ બાંધછોડ કર્યા વગર સત્યનું પ્રતિપાદન કરે છે અને સાથે સાથે સર્વજન પ્રત્યે સ્નેહનો વિસ્તાર પણ કરે છે.

સ્વામીજી દ્વારા ૧૮૯૬માં પ્રવર્તિત આ પત્રિકા આજે પણ દેશની ધાર્મિક તથા સાંંસ્કૃતિક પત્રિકાઓમાં આગવું સ્થાન ધરાવે છે.

રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય લક્ષ્યો સાધવા માટે સ્વામી વિવેકાનંદજી અંગ્રેજી પત્રિકાઓના મહત્ત્વને સ્વીકારતા હતા. સાથે જ તેઓ પ્રાદેશિક ભાષાઓમાં પત્રિકાઓ પ્રકાશિત કરવા માટે ઉત્સુક હતા; કારણ કે તેઓ જાણતા હતા કે સામાન્ય જનતામાં ભાવ-આદર્શાેનો પ્રસાર કરવા માટે પ્રાદેશિક ભાષાઓમાં પત્રિકાઓની જરૂર છે. ‘બ્રહ્મવાદિન્’ના પ્રકાશન પહેલાં જ સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓને એક પત્રિકા હિન્દી અને બંગાળીમાં સંયુક્ત રીતે બહાર પાડવા માટે લખેલું. ૧૮૯૫માં સ્વામીજીએ પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને એક બંગાળી પત્રિકાના પ્રકાશન માટે તકાદો કરતાં લખ્યું – ‘એક સામયિક શરૂ થવાનું છે. તેનું શું થયું ? તેનું સંચાલન કરવામાં તમે ગભરાઓ છો શા માટે ? હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તોપણ શું ? કેટલીય વાર તમારે નરકમાં જવું પડે તોપણ શું ?’ અન્ય એક ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને તેમણે ૧૧ અપ્રિલ, ૧૮૯૫ના પત્રમાં લખ્યું, ‘એક સામયિક શરૂ કરવા માટે તમારી શક્તિઓ સંકલિત કરજો. શરમાળપણું હવે નહિ ચાલે.’

રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય લક્ષ્યો સાધવા માટે સ્વામી વિવેકાનંદજી અંગ્રેજી પત્રિકાઓના મહત્ત્વને સ્વીકારતા હતા. સાથે જ તેઓ પ્રાદેશિક ભાષાઓમાં પત્રિકાઓ પ્રકાશિત કરવા માટે ઉત્સુક હતા; કારણ કે, તેઓ જાણતા હતા કે સામાન્ય જનતામાં ભાવ-આદર્શાેનો પ્રસાર કરવા માટે પ્રાદેશિક ભાષાઓમાં પત્રિકાઓની જરૂર છે. ‘બ્રહ્મવાદિન્’ના પ્રકાશન પહેલાં જ સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓને એક પત્રિકા હિન્દી અને બંગાળીમાં સંયુક્ત રીતે બહાર પાડવા માટે લખેલું. ૧૮૯૫માં સ્વામીજીએ પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને એક બંગાળી પત્રિકાના પ્રકાશન માટે તકાદો કરતાં લખ્યું- ‘એક સામયિક શરૂ થવાનું છે. તેનું શું થયું ? તેનું સંચાલન કરવામાં તમે ગભરાઓ છો શા માટે ? હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તોપણ શું ? કેટલીય વાર તમારે નરકમાં જવું પડે તોપણ શું?’ અન્ય એક ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને તેમણે ૧૧ અપ્રિલ, ૧૮૯૫ના પત્રમાં લખ્યું, ‘એક સામયિક શરૂ કરવા માટે તમારી શક્તિઓ સંકલિત કરજો. શરમાળપણું હવે નહિ ચાલે.’ (ક્રમશ 🙂

 

Total Views: 426

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.