ગતાંકથી આગળ

સંધ્યા થતાં થતાં શ્રી‘મ.’ આવીને ઠાકુરઘરની બહારના વરંડામાં ઊભા રહી ગયા. ઠાકુર પૂર્વ તરફની નાની ખાટ પર બેઠા હતા. જમીન પર ભક્તગણ, ઘર આખું ભરેલું, શ્રી‘મ.’ એ સાંભળ્યું, ઠાકુર કહી રહ્યા છે, ‘જ્યારે એક વાર હરિ અથવા એક વાર રામનામ લેવાથી રોમાંચ થાય, અશ્રુપાત થાય, તો નક્કી જાણો સંધ્યા વગેરે કર્મો કરવાની જરૂર નથી.’ ભક્તગણ વચનામૃત પાનમાં મસ્ત, જગત ભુલાઈ ગયું. શ્રી‘મ.’ વિચારવા લાગ્યા, શુકદેવ જાણે ગંગાતીર પર ભાગવતકથા કરી રહ્યા છે. અથવા શ્રી શ્રી ચૈતન્ય જાણે શ્રી પુરીધામમાં અંતરંગો સાથે ભગવત્-નામ-ગુણ-કીર્તન કરી રહ્યા છે. શ્રી‘મ.’એ અનુભવ કર્યો કે અહીં સર્વતીર્થાેનો સમાગમ થયો છે. શું સુંદર સ્થાન ! શું સુંદર મનુષ્ય ! શું સુંદર વાત! અહીંથી પાછા ફરવાની ઇચ્છા જ નથી થતી.

આરતી પછી ઠાકુરવાડીનાં દર્શન કરી આવીને શ્રી‘મ.’ ઠાકુરના ઓરડામાં ઉપસ્થિત થયા. ઠાકુરે શ્રી‘મ.’ને બેસવાનું કહ્યું અને એમનો પરિચય લીધો. આ દરમ્યાન ઠાકુરના મનને જાણે અંદરથી કોઈ ખેંચી રહ્યું છે, જાણે માછલી બરુને ખેંચે છે. ઠાકુર ભાવસમાધિમાં પ્રવેશ કરી રહ્યા છે. બે-એક વાતો કરીને શ્રી‘મ.’એ પ્રણામ કરીને વિદાય લીધી. પરંતુ વિચાર કરવા લાગ્યા, ‘આ સૌમ્યજન કોણ છે કે જેની પાસે પાછા જવાની ઇચ્છા થાય છે.’ શ્રી‘મ.’નું શરીર ચાલી રહ્યું હતું વરાહનગર તરફ, પરંતુ મન બંધાઈ ગયંુ શ્રીરામકૃષ્ણનાં ચરણોમાં.

વધારે આવન-જાવનના ફળસ્વરૂપે સાત દિવસમાં જ શ્રી‘મ.’ શ્રીરામકૃષ્ણ સાથે ઘનિષ્ઠ થઈ ગયા, શ્રી‘મ.’ને પ્રતીત થયું કે જાણે પોતાનું માણસ મળી ગયું. શ્રી શ્રીઠાકુરે શ્રી‘મ.’ને વિદેશથી આવેલ પુત્રની જનની સમાન સ્નેહ-સમાદર સાથે હૃદયમાં સ્થાન આપ્યું. એક દિવસ આંગણામાં ફરતાં ફરતાં શ્રી‘મ.’એ સાહસ કરીને પોતાના મનનાં રુંધાયેલાં દ્વારને ખોલી નાખ્યાં; શ્રીરામકૃષ્ણને કહ્યું, ‘સંસારની આ છેતરામણીભરી લીલાભૂમિમાંથી તો વિદાય લેવી જ સારી છે.’ અંતર્યામી શ્રીરામકૃષ્ણ તો પહેલેથી જ શ્રી‘મ.’ના મનના ભાવો જાણતા હતા. એટલે અભય પ્રદાન કરતા સ્નેહથી તત્ક્ષણ ઉત્તર આપ્યો, ‘ઓ તારી બલા ! તું ભલા સંસારમાંથી શું કામ જઈશ ? તને તો ગુરુલાભ થયો છે, જે અભાવનીય, અચિંતનીય, સ્વપ્નમાં પણ અગોચર એમની કૃપાથી એ પણ સહજ થઈ જાય છે.’ શ્રીરામકૃષ્ણની આ અભયવાણીથી શ્રી‘મ.’ને ભરોસો થયો, મનનાં વાદળો હટી ગયાં અને પછી જીવિત રહેવાની ઇચ્છા પાછી ફરી. પોતાના જીવનની આ સંકટમય ઘટનાની વાતોનો ઉલ્લેખ કરીને શ્રી‘મ.’ પછીના સમયમાં વિપત્તિમાં પડેલ ભક્તોને આશાન્વિત કરીને કહેતા રહેતા, ‘જુઓ, ક્યાં શરીરત્યાગનો સંકલ્પ અને ક્યાં ભગવાન-લાભ ! એટલે વિપત્તિ મનુષ્યનો મિત્ર. ભગવાન સર્વમંગલમય.’

શ્રી‘મ.’ એ દિવસોમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના શ્યામબજારમાં આવેલી મેટ્રો પોલિટન સ્કૂલના હેડમાસ્ટર હતા. એ પછી ચાર વર્ષ ત્યાં જ કામ કર્યું. ઈ.સ. ૧૮૮૬માં જ્યારે ઠાકુર ખૂબ જ બીમાર પડી ગયા, ત્યારે હંમેશાં શ્રી‘મ.’એ ઠાકુરની સેવામાં કાશીપુર ઉદ્યાનમાં આવ-જા કરવી પડી. એટલે સ્કૂલનું વાર્ષિક પરિણામ પહેલાંનાં વર્ષોની જેમ ઉત્તમ ન આવતાં વિદ્યાસાગરે એક દિવસ સસ્નેહ ઠપકો આપ્યો, ‘આ વખતે ત્યાં આવન-જાવન કરી રહ્યા છો, એટલે પરીક્ષાનું પરિણામ સારંુ ન આવ્યું.’ શ્રીગુરુ ઉપર પિતૃસમાન વિદ્યાસાગરનો આ સામાન્ય એવો આક્ષેપ પણ શ્રી‘મ.’થી સહન ન થયો. એમણે એ સ્કૂલનું કામ છોડી દીધું. ઠાકુર એ સાંભળીને કહેવા લાગ્યા, ‘બહુ સારું કર્યું.’ પંદર દિવસમાં જ અભાવની ફરિયાદો અસહનીય થઈ પડી. એક દિવસ તે ચરમસીમા સુધી પહોંચી ગઈ. બાળકો સહિત ભૂખી સિંહણ સમાન શ્રી‘મ.’ બીજા માળની લાંબી ઓસરીમાં ત્રણ કલાક સુધી ફરતાં ફરતાં વિચારતા રહ્યા, ‘શું ખાવાનું આપીશ બાળકોને?’ ત્યાં જ નીચેના રસ્તા પરથી અવાજ આવ્યો- ‘મહેન્દ્રબાબુ ઘરે છે?’ એક વ્યક્તિ એક પત્ર અને ઘોડાગાડી લઈને આવ્યો હતો. નીચે જઈને પત્ર વાંચ્યો. સુરેન્દ્રનાથ બેનર્જીએ શ્રી‘મ.’ને રિપન કોલેજમાં અધ્યાપન કાર્ય સ્વીકારવા માટે અનુરોધ કર્યો હતો. તેઓ ગાડીમાં બેસીને તરત જ ગયા. આ રીતે તેઓ પોતાની આંતરિક પ્રેરણાથી ચાર-પાંચ વાર કર્મત્યાગ કરીને ક્યારેક કામારપુકુર, ક્યારેક કાશી, પુરી વગેરે તીર્થાેમાં ચાલ્યા ગયા અને ચિંતાગ્રસ્ત થઈ ગયા.

ઠાકુરનાં દર્શન અને કૃપાલાભ મેળવીને શ્રી‘મ.’એ નવો જન્મ પ્રાપ્ત કર્યો. શ્રીગુરુની કૃપાથી અંતરંંગોની જેમ શ્રી‘મ.’રૂપી વૃક્ષમાં પહેલાં આવ્યું ‘ફળ’, પછી આવ્યાં ફૂલ. ઠાકુર શ્રીરામકૃષ્ણ છે ભગવાનના અવતાર. એમના પાર્ષદગણોમાંથી અધિકાંશ પૂર્વ અવતારોના પાર્ષદો રહ્યા છે. એટલે તેઓ છે નિત્યસિદ્ધ. આ દૃષ્ટિએ જોઈએ તો પાર્ષદોની સાધના ગૌણ અને ગુરુકૃપા મુખ્ય હોય છે. શ્રી શ્રીરામકૃષ્ણની કૃપાથી અન્ય પાર્ષદગણોની જેમ શ્રી‘મ.’ છે આત્મદ્રષ્ટા, નિરાકાર-સાકારની ચરમસીમાની અનુભૂતિના અધિકારી. છતાં પણ ઠાકુરે શ્રી‘મ.’ પાસે ખૂબ સાધના કરાવી, લોકશિક્ષા માટે દક્ષિણેશ્વરમાં પોતાની પાસે રાખીને. બ્રાહ્મોસમાજના શિક્ષણથી પ્રથમ શ્રી‘મ.’એ નિરાકારની સાધના કરી હતી. એ સમયે ઠાકુર એમને લઈને મતિશીલના તળાવ પર ગયા, નિરાકાર નિર્ગુણ અખંડ સચ્ચિદાનંદનું ધ્યાન શીખવવા. વિશાળ જળાશયમાં ખૂબ જ માછલીઓ સ્વચ્છન્દ આનંદથી વિચરણ કરી રહી છે. ઠાકુરે કહ્યું, ‘નિરાકાર ધ્યાનમાં આ જ આરોપણ કરવું જોઈએ. જીવ જાણે સચ્ચિદાનંદ સાગરમાં માછલી બનીને આનંદથી વિહાર કરી રહ્યો છે. અથવા અનંત નિર્મલ ચિદાકાશમાં જાણે જીવ પક્ષીની જેમ ઊડી રહ્યું છે.’ આ જ સંબંધે શ્રી‘મ.’ને ઠાકુરે અષ્ટાવક્ર સંહિતા વાંચવાનું કહ્યું અને પછી યોગનો ઉપદેશ પણ આપ્યો. ત્યારે કહ્યું, ‘ગીતામાં યુક્તાહારની વાત છે એને જોઈ લેજો.’ શ્રી‘મ.’નો સ્વાભાવિક ભાવ છે શુદ્ધા ભક્તિ. એ ભાવસાધના પણ ઠાકુરે કરાવી.

ઠાકુર મા પાસે પ્રાર્થના કર્યા કરતા, ‘આનો સર્વસ્વ ત્યાગ ન કરાવશો મા.. ગૃહસ્થીમાં જો રાખો (લોકોને ભાગવત સંભળાવવા માટે) તો વચ્ચે વચ્ચે દર્શન દેતા રહેજો.’ એટલે ઠાકુરે શ્રી‘મ.’ને ગૃહસ્થ આશ્રમમાં રહેવા માટે ઉપયુક્ત વિવિધ સાધનાઓ પણ કરાવી. શ્રી‘મ.’એ અવતારના પાર્ષદ થઈને ‘માસિકવૃત્તિ’ વાળા રાજાના દીકરાની જેમ આખું જીવન કઠોર સાધના કરી. ઠાકુરના દેહત્યાગ પછી પણ તેમણે દક્ષિણેશ્વરમાં સાધના કરી. અઠવાડિયામાં કયારેક ક્યારેક ત્રણ દિવસ ત્યાં રહેતા અને ચાર દિવસ કામ કરતા. કેટલીક વાર પલાળેલા પૌંઆ ખાવાથી હોજરીના રોગના શિકાર થયા પણ ખરા. ક્યારેક ગુરુભાઈઓ ઘરે પહોંચાડી જતા. ઘણી વાર વરાહનગર મઠમાં પણ લાંબા સમયનો નિવાસ કરતા સાધુ, ગુરુભાઈઆની સંગે. કહેતા રહેતા, ‘પાયખાનાની પાસે ચોકડીનું પાણી માથા પર છાંટતો- મનમાં અતિ પવિત્ર લાગતું.’ ઈ.સ. ૧૮૯૦માં એક સાથે છ મહિના વરાહનગર રહ્યા. પછી મા ઠાકુરાણીના આદેશથી ઘરે ગયા. શ્રી‘મ.’નું સુદીર્ઘ જીવન નિત્ય આઠે પ્રહર સાધનામંડિત રહ્યું. ઠાકુરની કૃપાથી શ્રી‘મ.’ સાકાર-નિરાકારનાં દર્શનના ઉચ્ચ અધિકારી થઈને ગૃહસ્થમાં રહેતા, જાણે કે ‘કાદવી માછલી’ અથવા ‘કુલટા સ્ત્રી’ અથવા ‘કાચબો’ કે ‘કમળપત્ર’ કે ‘મોટા ઘરની દાસી.’ હાથમાં તેલ ચોપડીને કોળું કાપતા જનક રાજાની જેમ.

શ્રી‘મ.’ ની આજીવન તીવ્ર વાસના હતી સર્વત્યાગી સંન્યાસી થવાની. ઠાકુર પાસે એ ઇચ્છા પ્રગટ કરવાથી ઠાકુરે કહ્યું, ‘માએ મને કહ્યું છે, તારે એમનું થોડું કામ કરવુ પડશે. લોકોને ‘ભાગવત’ સંભળાવવું પડશે. મા એ ભાગવત પંડિતને એક પાશ દ્વારા સંસારમાં બાંધી રાખ્યા છે.’ તોપણ સંન્યાસ માટે વારંવાર અનુરોધ કરવાથી એક દિવસ સંધ્યા પછી સમાધિમાંથી ઊતરીને ઠાકુર કહેવા લાગ્યા, ‘કોઈ મનમાં વિચારે, હું નહીં હોઉં તો માનું કામ નહીં ચાલે. મા તો એક તણખલા દ્વારા મોટા મોટા આચાર્ય તૈયાર કરી શકે છે.’ ઠાકુરની ઇચ્છામાં આત્મસમર્પણ કરીને શ્રી‘મ.’ ગૃહસ્થ સંન્યાસી થયા.

ઠાકુર શ્રી‘મ.’ પાસે ભક્તોને મોકલી દેતા. ભક્તો આવવાથી શ્રી‘મ.’ અવિરત શ્રી શ્રીરામકૃષ્ણ-મહાત્મ્ય-કીર્તન કર્યા કરતા. જ્યાં જે અવસ્થામાં કોઈ આગન્તુક આવતંુ, શ્રી‘મ.’ આગન્તુકને શ્રી શ્રીરામકૃષ્ણ વચનામૃત સંભળાવ્યા વિના જવા નહોતા દેતા. શ્રી‘મ.’ને ગૃહસ્થ જીવનની દુર્દશાવસ્થામાં કોઈ અવિવાહિત યુવક મળતો તો કહેતા રહેતા, ‘એટલે ઠાકુરે કહ્યું : સંસાર જ્વલંત અનલ. એમાં પ્રવેશ કરવાથી બળી-ઝળી જવાય છે.’ ઠાકુર સ્વયં પોતે જીવિતાવસ્થામાં હતા ત્યારે શ્રી‘મ.’ ની વિપત્તિઓને બતાવી બતાવીને નરેન્દ્રનાથ વગેરે યુવકોને સાવધાન કરતા હતા. પોતાના પરવર્તી જીવનની વિપદા સમયે તેઓ યુવક ભક્તોને કહેતા, ‘મારી વિપત્તિઓ છે તમારા લોકોના ઉપદેશ માટે.’

ઠાકુરે શ્રી‘મ.’ ને ‘ચપરાસ’ આપ્યો લોકશિક્ષાજન્ય. એમણે જ જગદંબા પાસેથી માગીને એક ‘કળા’ શક્તિ અપાવી. એ જ શક્તિના પ્રભાવથી શ્રી‘મ.’ પચાસ વર્ષો જેટલા દીર્ઘકાળ સુધી ભક્તોના પ્રાણોને દિવસ-રાત સુખ વિતરણ કરતા રહ્યા. અને અવિવાહિત યુવકોને ત્રણ પેઢીઓ સુધી પવિત્ર ત્યાગવ્રતથી અનુપ્રાણિત કરતા રહ્યા. માત્ર એક આ ઘટના જ સ્પષ્ટરૂપે બોલી રહી છે, શ્રી‘મ.’ની ભીતર હતો જ્વલંત સંન્યાસ. બેલુર મઠમાં એક દિવસ સ્વામી વિજ્ઞાનાનંદજીએ શ્રી‘મ.’ને કહ્યું : પૂછપરછ કરવાથી મને જાણવા મળ્યું કે મઠના ચૌદ આના લોકો સાધુ બન્યા ‘કથામૃત‘ વાંચીને અને આપને મળીને.

શ્રી‘મ.’ના જીવનની અક્ષયકીર્તિ છે ‘કથામૃત’. આ પુસ્તકે ધર્મજગતમાં એક અભિનવ ભાવને જન્મ આપ્યો. તિથિ, નક્ષત્ર, તારીખ સહિત કોઈ અન્ય ગ્રંથ મળતો નથી.

એટલે જ તો સ્વામી વિવેકાનંદે ઉચ્છ્વસિત પ્રસંશા કરતાં કહ્યું, You have hit Ramkristo to the right point… It is indeed wonderful. The move is quite original… It has been reserved for you this great work.’ શ્રી શ્રીમા ઠાકુરાણીએ શ્રી‘મ.’ને લખ્યું, ‘એક દિવસ તમારા મુખેથી (કથામૃત) સાંભળીને મને લાગ્યું, જાણે તેઓ (ઠાકુર) જ બધી વાતો કરી રહ્યા છે.’

શ્રીરામકૃષ્ણ કથામૃત પહેલાં પ્રકાશિત થયું અંગ્રેજીમાં ‘Gospel’ રૂપમાં, ૧૮૯૭માં. બંગાળીમાં પ્રથમ ભાગ પ્રકાશિત થયો ૧૯૦૨માં. બીજો ભાગ ૧૯૦૪માં, ત્રીજો ભાગ ૧૯૦૮માં, ચોથો ભાગ ૧૯૧૦માં અને પાંચમો ભાગ ૧૯૩૨માં. હવે અનેક ભાષાઓમાં એનો અનુવાદ થઈ ચૂક્યો છે.

શ્રી‘મ.’ની કૃપાથી અનેક વ્યક્તિઓએ ઠાકુરનાં દર્શન કર્યાં છે. ઉત્તમ લક્ષણયુક્ત વિદ્યાર્થીઓને શ્રી‘મ.’ ઠાકુર પાસે લઈ જતા હતા. ‘કથામૃત’ના રાખાલ, બાબુરામ, સુબોધ, સારદા, પૂર્ણ, નાનો નરેન, ક્ષીરોદ, નારાયણ, તેજચંદ્ર, પલ્ટુ વગેરે છે, શ્રી‘મ.’ના વિદ્યાર્થી.

(ક્રમશ 🙂

 

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.