‘પ્રવર્તકોએ રોજ નિયમિત સમયે ધ્યાન-જપ કરવા જોઈએ. ભલે હજાર કામ હોય તોપણ છેવટે (સવારે) સાંજે સંધ્યામાં બેસે. વિદ્યાસાગર મહાશય બાપ, ભાઈઓ માટે સ્વયં ભોજન બનાવતા હતા, સમય મળતાં જ વાંચતા. અભ્યાસથી બધું સહજ બની જાય છે. પાંચ કામ એક સાથે કરી શકાય છે. ઠાકુર કહ્યા કરતા હતા, કે રાત્રે ત્રણ વાગે ઊઠવું જોઈએ, નહીંતર ચાર વાગે. ચાર પાંચ કલાકની ઊંઘ શું ઓછી છે? એ સમયે ઊઠીને ઈશ્વરચિંતન કરવું જોઈએ. બ્રાહ્મમુહૂર્તમાં ચિંતન કરવાથી સહજમાં થઈ જાય છે. એ સમયે બધા સાધુપુરુષો ઈશ્વરચિંતન કરે છે. એક spiritual current, આધ્યાત્મિક પ્રવાહ વહેતો રહે છે, એ સમયે.

‘રાત્રિના ભોજનની બાબતમાં સાવધાન ન રહેવાથી સવારે ઊઠાતું નથી. એટલે ઠાકુર કહેતા હતા, કે દિવસે ઠાંસી ઠાંસીને ખાઓ અને રાતે સામાન્ય જલપાન. શ્યામપુકુરવાળા ઘરમાં મને કહયું હતું, કે ગીતા વાંચો, એમાં યુક્તાહાર વિહારની વાત છે. યોગીઓનો આહાર જ છે યુક્તાહાર. ન બહુ વધારે, ન બહુ ઓછો. પરંતુ એકદમ simple and substantial, સાદો અને પોષક, સહજ રીતે પચી જાય તેવો. રાત્રે ખૂબ light, હલકું ભોજન ખાવું જોઈએ. રાત્રે વધારે ખાવાથી ઊંઘ આવે છે, આળસ વધે છે, પેટમાં ગડબડ થાય છે, મન ચંચળ થાય છે, ચિત્ત સ્થિર નથી રહેતું, ધ્યાન-જપમાં મન લાગતું નથી, અસુખ થાય છે. આ લોકો (સંથાલ) ખાલી ઉકાળેલ સેમભાત કે શાક-ભાત થોડાંક ખાય છે, પરંતુ શરીર જુઓ કેવાં છે.

‘જેઓ સાધન ભજન કરે છે, તેઓ આહાર જેટલો ઓછો બને તેટલો કરે, to the reasonable minimum. બીજાઓની વાત અલગ છે. મસાલો-બસાલો કાંઈ નહીં. વધારે ખાવાથી Dyspepsia, અજીર્ણ થશે. અનાદિ મહારાજ ડિસ્પેપ્સિયાના રોગી હતા. પાંચ વર્ષ ભોગવતા રહ્યા. ઘી-ભાત, થોડા થોડા ખાઈને જ ઠીક થયા. માત્ર દાળ જ હોય ભાત સાથે. અને હોય તો થોડુંક ઘી પણ, બસ. જે બીમાર કે વૃદ્ધ છે એમના માટે દૂધ-ભાત અને થોડું ઘી સારું છે. બાબુઓના ઘરમાં એક વાગ્યા સુધી ભાતભાતનાં ભોજન બને છે. અંતે ખબર પડશે.

‘ગીતાનો શ્લોક યાદ છે?

‘युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।

युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ।।

આ જુઓ, ‘યોગો ભવતિ દુઃખહા’ કહ્યું છે. આ જ સંસારનો દુઃખહરણકારી યોગ છે. અર્થાત્ ઈશ્વર સાથે એક થઈ જવું. એનાથી દુર્લભ પદાર્થની પ્રાપ્તિ થાય છે, યુક્તાહાર વિહાર દ્વારા. પરંતુ સાંભળે છે કોણ? ભગવાને ડંકો વગાડીને કહી છે આ વાત, પરંતુ પ્રકૃતિ સાંભળવા નથી દેતી.

‘ભગવાન direct, પ્રત્યક્ષ રૂપે નિષેધ નથી કરતા, ફળ જ બતાવે છે. વધારે ખાઓ, પહેરો, વિલાસિતા કરો, અંતે ફળ પણ એવું જ મળશે.

‘અધર સેનને ઘોડા પર ચઢવા માટે મનાઈ કરી હતી તોપણ તે ચઢ્યા. પણ પડી જવાથી ખૂબ કષ્ટ પામ્યા. હાથ-પગ તૂટ્યા અને એનાથી જ દેહ ગયો. પરંતુ ઠાકુરે પહેલી વાર ઘોડા પરથી પડ્યા ત્યારે જ એમને સાવધાન કરી દીધા હતા. કહ્યું હતું, ‘કેમ, પાલખી સારી છે એમાં બીક નહીં.’ અધર સેને સાંભળ્યું નહીં, અંતે પ્રાણ ગયા.’

‘એકવાર એક ભક્ત પથારીમાંથી મોડા ઊઠયા. ઠાકુરે એમનો તિરસ્કાર કર્યાે. કહ્યું હતું, ‘આટલા મોડા સુધી સૂઈ રહેવા કરતાં રામલાલને બજાર જવામાં મદદ કરવી એ તારા માટે વધારે સારું હતું.’ આવું કહીને ઠાકુર ideal of life, જીવનનો આદર્શ પોતે બતાવી ગયા છે, અને પોતાના ભક્તોને પોતાના હાથે શિખવાડી ગયા છે.

‘જપ-ધ્યાન સદાય કરવાં જોઈએ, એનો અંત નથી. કોઈએ થોડાંક જપ-ધ્યાન કર્યાં એનાથી લોકમાન્ય થઈ ગયો. એને થયું, બહુ થઈ ગયું. સમજ્યો, એનાથી વધુ બીજું કાંઈ છે જ નહીં. પરંતુ એવી વાત નથી. ઠાકુર કહેતા હતા, ‘જેટલા આગળ વધશો એટલું જ પામશો, એથી વધુ આગળ વધો. પહેલાં ચંદનના બાગ, પછી ચાંદીની ખાણ, હીરામોતી કેટલુંય મળશે. એનો અંત નહીં.’ જેનો જેટલો આધાર હશે એમાં તે એટલું જ ધારણ કરી શકશે. નાનો આધાર હોય તો જરાકથી જ પૂર્ણ થઈ જશે. મોટા આધારમાં જેટલું નાખો એનાથી વધારે ચાહે છે, એનો અંત નહીં. કાશીપુરમાં ઠાકુર કહ્યા કરતા હતા, ‘મા અત્યાર સુધી કેટલીય અવસ્થાઓમાંથી લઈ જઈ રહી છે, હજુ પણ બદલી રહી છે, અંત નહીં.’

‘જુઓ, જે અવતાર છે એ જ કહે છે કે હજુ પણ મા મને બદલી રહી છે, અંત નથી અને આ સાધારણ મનુષ્ય કેવી રીતે કહે છે, કે જરાક અમસ્તુ કરીને કે મારું બધું થઈ ગયું?’

શ્રી મ – ઠાકુર નિર્જનવાસની વાત બહુ જ કર્યા કરતા હતા. આવાં જ બધા નિર્જન સ્થાનોમાં જવાથી sense of infinity develop, ઈશ્વરીય ભાવ ઉદ્દીપન થાય છે. અહીંયાં nature, પ્રકૃતિ શિક્ષણ આપે છે. અમે અહીંયાં આ દક્ષિણ મેદાનમાં તળાવના કિનારે એક સ્થાન શોધ્યું છે, બહુ સુંદર સ્થાન. ખૂબ ઉદ્દીપન થયું. ઠાકુરે જે જે ગંભીર વાતો કહી હતી એ બધી મનમાં ઊઠવા લાગી.

‘કહ્યા કરતા હતા ને, ‘મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય છે, ભગવાનનાં દર્શન. ભગવાનનાં દર્શન ન થયાં તો કાંઈ ન થયું.’ આ જ ideal of life and end of life – જીવનનો આદર્શ છે અને લક્ષ્ય છે. એને છોડીને બધું વ્યર્થ. પહેલાં ઈશ્વર પછી બધું.’ પહેલાં બધું પછી ઈશ્વર નહીં. ખાલી કહ્યું જ ન હતું, પોતે કર્યું પણ હતું, અને અંતરંગો પાસે કરાવ્યું પણ ખરું. એમણે પણ એમની વાતોમાં વિશ્વાસ કર્યાે અને જીવન મધુમય થઈ ગયું. બીજા પણ જે લોકો એમનો વિશ્વાસ કરી રહ્યા છે, એ એમનો ભાગ પ્રાપ્ત કરી રહ્યા છે, શાંતિ મેળવી રહ્યા છે.

‘સ્વયં infinite, બ્રહ્મ સાથે વાતો કર્યા કરતા હતા. જેને infinite, નિરૂપાધિક બ્રહ્મ કહે છે, એને જ તેઓ ‘મા મા’ કહીને પોકારતા હતા. ઓરડો ભરીને લોકો બેઠા છે. કહે છે, ‘સાચું કહું છું મા આવી છે.’ વર્તમાન ભોગસર્વસ્વવાદમાં મનનો સરળ વિશ્વાસ નષ્ટ થઈ રહ્યો છે એટલે આવી રીતે બોલી રહ્યા છે, ‘માઇરિ બોલાછિ મા એસેછેન, સાચું કહું છું મા આવી છે.’ અને વળી વાતચીત પણ કરી રહ્યા છે. એક પક્ષની વાતો બધા સાંભળી રહ્યા છે, બીજો પક્ષ અદૃશ્ય છે.

‘કહેવાથી જ શું વિશ્વાસ થઈ જાય છે? સંશય તો પગલે પગલે થાય છે. ઠાકુર વિશ્વાસની બાબતમાં કહેતા હતા, ‘એની પણ કક્ષા છે. જેમ કે કોઈએ દૂધની વાત સાંભળી છે, કોઈએ દૂધ જોયું છે અને કોઈએ દૂધ પીધું છે.’ ઉત્તરોત્તર એકથી બીજું મોટું. જેણે દૂધ પીધું છે એનો વિશ્વાસ જ છે પાક્કો વિશ્વાસ. અવતાર વગેરેનો વિશ્વાસ જ છે પાક્કો વિશ્વાસ, જેમ કે ક્રાઇસ્ટ, ઠાકુર.

‘આ દુઃખમય સંસારમાંથી પરિત્રાણ પામવું હોય તો ‘મને ધારણ કરો.’ એ જ એમનો message, મહાવાક્ય છે. આ વાત માત્ર પોતાના અંતરંગોને જ કહેતા હતા, બધા તો ગ્રહણ ન કરી શકે ને.

‘એટલે એમનું ધ્યાન-ભજન સદાય કરવું જોઈએ. વ્યાકુળ થઈને નિર્જને ગોપને રડવું જોઈએ. પ્રભુ દર્શન દો, દર્શન દો એમ કહીને. ધ્યાન-ભજનહીન બેતાલા મનુષ્યને તેઓ જોઈ પણ નહોતા શકતા. પૃથ્વી પર માછલીની જેમ એવા લોકોના સંગમાં તરફડતા હતા. એમ કરતાં કરતાં એમના પર પ્રીતિ થાય છે. પ્રીતિ થવાથી જ બધું સહજ થઈ જાય છે. એમની નિકટ આવ્યા એટલે અનંત શાંતિ. એ જો કૃપા કરીને દર્શન દઈ દે તો ત્યારે જ પરિપૂર્ણ શાંતિ, પરિપૂર્ણ સુખ. ત્યારે જ મનુષ્યજીવનની પૂર્ણ સફળતા.’

જાંબુવૃક્ષ નીચે બપોરના ચાર. ભાગવત પાઠ સમાપ્ત થયો. શ્રી મ પૂર્વાસ્ય ખુરશી પર. મુકુન્દ અને જગબંધુ ઉત્તરાસ્ય. આશ્રમ-વાસી એક સ્કૂલના વિદ્યાર્થીએ કુલી પાસેથી કાચા પથ્થરનો કોલસો ખરીદ્યો હતો. એ જ કોલસાને કાલે મેદાનમાં સળગાવ્યો પણ હતો. એ જોઈને શ્રી મ એ કિંમત પૂછતાં છોકરાએ બાર આના કહ્યા. શંકા થવાથી શ્રી મ એ એક ભકતને સત્ય જાણવા કહ્યું અને એ પણ કહ્યું કે સ્કૂલના છોકરાઓ લગભગ અહીં આવ-જા કરે છે, રેલનું આટલું ભાડું એને ક્યાંથી મળે છે? ભક્ત બધી વાતોની ખબર મેળવી શ્રી મ ને નિવેદન કરે છે.

ભક્ત – કોલસો ચાર આના આપીને ખરીદ્યો, બે આના કુલીખર્ચ. આટલું સસ્તુ કહેવાથી પછી પકડાઈ જાય અને આપ કાંઈ બોલો એટલે બાર આના કહ્યા. રેલભાડું તો છોકરાઓ લગભગ આપતા નથી.

શ્રી મ – એ સારી વાત નથી, અત્યંત ખરાબ. એમનો એમાં શો દોષ? સંસ્કાર છે લોહીના. બિલાડીનાં બચ્ચાં માના પેટમાંથી બહાર આવીને પંજો મારવાનું જ કેમ શીખે છે? એના લોહીમાં માતા-પિતાના સંસ્કાર રહે છે ને એટલે. જન્મ, કર્મ, શિક્ષણ કાંઈ પણ તો બરાબર સારું નથી મળ્યું. જન્મ ભોગવિલાસમાં, કર્મ પણ એ જ રીતે, શિક્ષણ પણ કુશિક્ષણ જ. ‘હેગો ગુરુ પેદો શિષ્ય,’ ઠાકુર કહેતા રહેતા. યાદ રહે, આ જ સંસ્કારોના કારણે જ તો પ્રાચીન ગુરુગણ બ્રાહ્મણ-શરીરને જ શિષ્ય બનાવતા હતા. એમની અંદર જપ, ધ્યાન, પૂજા, અર્ચના વગેરે સદાચારના સંસ્કાર રહે છે ને, એટલે જ તો.

‘ઠાકુર પણ જાણી શકતા હતા કે કોની અંદર કેવા સંસ્કાર છે. પોતાના જનોને જોતાં જ ઓળખી લેતા હતા, અને ક્રમશઃ એમના સંસ્કાર કાપવાની ચેષ્ટા કર્યા કરતા. કહ્યા કરતા હતાં, ‘કોઈ કોઈની અંદર સોનું અડધો શેર માટીની નીચે છે, કોઈ કોઈને અડધો મણ. કોણ જાય ખોદવા અડધો મણ માટી?

‘સદ્‌ગુરુ જે છે, તે જ જાણે છે પૂર્વનો ઇતિહાસ. અને અતીત જીવનના બધા હાલ. તેઓ માત્ર સંસ્કાર બદલી શકે છે. સદ્‌ગુરુ એ જ છે જેમણે highest ideal reach, ભગવદ્ સાક્ષાત્કાર કર્યાે છે. તે જાણે છે કે જીવન-ગ્રંથિ ક્યાં છે. જે રીતે ચાલવાથી જીવન-ગ્રંથિ કાપી શકાય છે, તેવું જ ક્રમશઃ તેઓ કરે છે. હાથમાં પકડી રાખીને સંસ્કાર બદલી દે છે. જે બાજુ સંસ્કારોની ગતિ પ્રબળ થાય છે એ બાજુ ઢીલી છોડે છે, પરંતુ દોરી પોતાના હાથમાં પકડી રાખે છે. જેમ કે પહેલાં માછલીથી રમે છે, પછી દોરી છોડી દે છે, પછી પકડાય એટલે ખેંચી લે છે. એવું જ કરે છે સદ્‌ગુરુ, ઈશ્વર-અવતાર.

 

Total Views: 444

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.