ગતાંકથી આગળ…

શ્રી મ. પીપળાના ઝાડની નીચે. સાથે બે એક ભક્ત. સમય હવે દોઢ. વાતચીત થઈ રહી છે. એક ભક્તે પૂછ્યું, ‘ઠીક, ઈશ્વરપ્રાપ્તિ જ જો જીવનનો ઉદ્દેશ્ય છે, તો વિવિધ વિદ્યાઓ શીખવાની શું આવશ્યકતા?’

શ્રી મ. કહેવા લાગ્યા, ‘હાં, એમને નિરંતર પોકારી શકો તો કાંઈ જરૂર નહીં. પરંતુ કેટલા લોકો આવું કરી શકે છે? એટલે જુદા જુદા પ્રકારનાં કામ થયાં છે. જુદા જુદા પ્રકારનાં કામોમાં વિદ્યા પ્રાપ્ત કરવી ખૂબ સારું છે. The period of study is the period of Brahmacharya– વિદ્યાર્થીજીવન બ્રહ્મચર્યપાલનનો સમય છે. વિદ્યાર્જનમાં મન લગાવવાથી અનેક મુશ્કેલીઓ એની મેળે ક્પાઈ જાય છે. બધાં કામોને એમનાંં કામ માનીને કરવાં જોઈએ. એમને ફળ સમર્પણ કરીને રુચિ અનુસાર કામ કરવાં જોઈએ. ઉદ્દેશ્ય, કોઈ પણ રીતે એમની પ્રાપ્તિ થાય.

‘ભણવું, લખવું, વાંચવું, various infor-mations, વિવિધ વિષયો જાણવા એ બધાંનું જ પ્રયોજન છે. ભગવાન માટે બધું કરવું જોઈએ. પોતાના માટે અથવા બીજા કોઈ માટે નહીં. બધું એમના માટે, આવી બુદ્ધિથી કરવાથી ક્રમશ : એમનાં દર્શન થાય છે. સ્વામીજી કેટલી વિદ્યાઓના જ્ઞાતા હતા! કેટલું જાણતા હતા! ઈશ્વર બધા પાસેથી એક સરખું કાર્ય નથી કરાવતા. એક એક પાસેથી જુદાં જુદાં કામ લે છે. બહુવિષય જાણવાથી બહુ લોકો સાથે deal, વ્યવહાર કરવો સહજ બની જાય છે. ચૈતન્યદેવ હતા વ્યાકરણ, ન્યાય અને વેદાંતના મહાપંડિત. એ બધાયનો એમણે ત્યાગ કરી દીધો. વળી એ જ્ઞાન દ્વારા જ મોટા મોટા પંડિતોને હરાવી દીધા. (એક ભક્ત પ્રત્યે) – એટલા માટે practice, વકીલાત માટે લાૅ બરાબર નહીં. લાૅ જાણવાથી lawyers, વકીલોની વચ્ચે સારી રીતે લાૅ સંબંધી વિચાર કરી શકાય છે. જે વિષયનું પોતાનું બિલકુલ જ્ઞાન જ ન હોય, તો વિચાર કેવી રીતે કરી શકાય? ભગવાનના કામ માટે એ પણ આવશ્યક છે. ઠાકુર વારંવાર કહેતા હતા, ‘પોતાના પ્રાણ તો નોયણીથી પણ લઈ શકાય છે, પરંતુ બીજાના પ્રાણ લેવા ઢાલ-તલવારની જરૂર.’ Retrospective way – અતીત જીવન પર નજર નાખવાથી એ સમજાય છે કે બધું જાણવું કેટલું જરૂરી.

‘સ્વામીજી કેટલું બધું જાણતા હતા! ગાવાનું, વગાડવાનું, કુસ્તી, વિભિન્ન શાસ્ત્ર, વિભિન્ન ભાષા, વક્તૃત્વજ્ઞાન, વિજ્ઞાન, કલા, સાહિત્ય, પ્રાચીન અને પાશ્ચાત્ય દર્શન, રાંધવાનું વગેરે, કેટલું બધું! વેદોમાં વિવિધ વિદ્યાઓનાં નામ છે. નારદ સર્વવિદ્યા પારદર્શી હતા-વેદવિદ્યા, ગંધર્વવિદ્યા, ભૂતત્ત્વ, નૃતત્ત્વ, ઉદ્ભિદતત્ત્વ (જડીબૂટી), કોણ જાણે કેટલુંય! સ્વામીજી પણ સર્વવિદ્યા સંપન્ન હતા. એમની કોઈ પણ વિદ્યા નષ્ટ ન થઈ. બધી જ કામમાં આવી. આહ ! જો કોઈ એમને અમેરિકાથી આવ્યા પછી rest, વિશ્રામ માટે હિમાલય પહાડ પર પકડીને લઈ જાત તો, એમનું શરીર થોડો વધારે સમય રહેત! કેટલાં ભાષણ! કેટલો પરિશ્રમ! અવિરત, આરામ નહીં. અતિશય પરિશ્રમથી શરીર તૂટી ગયું.

‘લૌકિક વિદ્યા પછી જ છે બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યામાં જો એકદમ મન ન જાય તો લૌકિક વિદ્યા મેળવવી સારી છે. ૧૫ માર્ચ, ૧૯૨૩ ઈ. ગુરુવાર, વદ-તેરસ.

ચોથો અધ્યાય

ભારતનો ભાવ, જે કંઈ ઉત્તમ બધું ઈશ્વરમાં સમર્પણ :

કલકત્તાના એક ભક્ત સદા મિહિજામ-આશ્રમ માટે ખૂબ ચીજવસ્તુ મોકલે છે. સૌના આહાર-વિહાર બાબત સમાચાર લીધા કરે છે. સૌનું ધ્યાન રાખે છે. આજે ચિઠ્ઠી આવી છે. એમાં રાત્રે શ્રી મ. ને પૂરી બનાવીને ખવડાવવા માટે લખ્યું છે. આ ચિઠ્ઠી વાંચીને સંભળાવી ત્યારે શ્રી મ. કહેવા લાગ્યા : જુઓ, આટલા ભારે કામકાજ વચ્ચે પણ મન અહીંયાં જ પડ્યું છે. બધાંના સમાચાર લે છે. વૃદ્ધોને પ્રેમ કરે છે ને, એટલે તો આટલું ધ્યાન છે. (સહાસ્ય). પરંતુ મારામાં આ બધું પચાવવાની હવે આટલી શક્તિ ક્યાં? (એક ભકતજન પ્રત્યે) આપ લખી દેજો, દિવસે દૂધ-ભાત અને રાત્રે દૂધ-રોટલીનો જ ખોરાક લઉં છું. old bottle, જૂની બોટલમાં શું નવો દારૂ રખાય? old bottle cannot contain new wine – જૂની બોટલમાં નવો દારૂ રાખી શકાય નહિ. જૂના કપડા પર નવું થીંગડું ચાલતું નથી. લગાડીએ તો પણ બન્ને નષ્ટ થઈ જાય છે. કહે છે ને, neither do men put new wine into old bottles – જૂની બોટલમાં નવો દારૂ રાખવો ઉચિત નથી. No man putteth a piece of new cloth unto an old garment – જૂના કપડા પર નવું થીંગડું લગાવવું બરાબર નથી. યુવક જે ખાઈ શકે છે તે વૃદ્ધોે માટે ચાલે નહીં. કળ નબળી પડી ગઈ છેને? યુવકોમાં પ્રચંડ અગ્નિ પ્રજ્જ્વલિત છે, કેળાનું ઝાડ પણ નાખો, ભસ્મ થઈ જશે. પહેલાંની ટેવ મુજબ જે લોકો વૃદ્ધાવસ્થામાં પણ યુવાવસ્થાનાં વિવિધ ભોજન ખાય છે એને જ અનેક તકલીફ થાય છે. અજીર્ણ રોગ થાય છે. ઉંમર સાથે સાથે આહાર-સંયમ અતિશય જરૂરી છે. (એક રોગી પ્રત્યે) – તમે માત્ર દૂધ-ભાત અને થોડુંક ઘી ખાઓ, બધા રોગો જતા રહેશે. વધારે ખા-ખા કરવાની ટેવ પડી ગઈ છે. એ બધી વસ્તુઓ ન મળે તો એવું લાગે છે કે જાણે હવે આવું ખાવાનું મળશે જ નહીં. But nature delights in simple food, સાદું ભોજન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. delicious dishes, dainties, સ્વાદિષ્ટ અને મુખરોચક આહારની શું જરૂર? બધી બીમારીઓનું મૂળ છે અતિભોજન. સાદું ખાવાનું ખાઓ અને ઈશ્વરભજન કરો. આહાર-સંયમ છે ધર્મજીવનનું મુખ્ય અંગ. શરીરને સ્વસ્થ રાખવાની જરૂર છે. વધારે ખાવાથી શરીર અસ્વસ્થ થઈ જાય છે, ત્યારે ધર્માચરણ નથી થતું. એટલે તો આહાર પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દહીં, લીંબું ગરમીમાં સારાં છે. વધારે મીઠાઈથી પેટમાં પિત્તનો રોગ થાય છે. વધારે શાકથી અસુખ થાય છે. ઝોલ પાણીની જેવો પાતળો સારો. ઠાકુરે કોઈ કોઈને ગાયનું ઘી, ભાત અને દૂધ પીવા માટે કહ્યું હતું. કહેતા, ‘આ ઋષિઓનો આહાર છે.’

શ્રી મ. આજે ભોજન પછી એક બ્રહ્મચારીને વાસણ થાળી-વાટકો વગેરે માંજવાનું શિખવાડે છે. થોડાક પાણીથી કેવી રીતે જલદી જલદી કામ પૂરું થાય એ એને પોતે પાણી રેડી અને ઉપદેશ આપી શિખવાડી રહ્યા છે. શ્રી મ. બતાવી રહ્યા છે, ‘પહેલાં, વાસણમાં ચોટેલાં દાળ- શાક હાથથી લૂછવાં; બીજું, જરાક પાણીથી ધોવું; ત્રીજું, માટી અથવા રાખથી સામાન્ય માંજવું; ચોથું, થાળીમાં થોડું પાણી લઈ વાસણનાં રાખ-માટી આ પાણીથી ધોવાં; પાંચમું, સ્વચ્છ જળથી ધોઈને વાસણ ચોખ્ખાં કરવાંં. આવું કરવાથી પાણી ઓછું, ઓછો પરિશ્રમ. વાસણનો બગાડ પણ ઓછો થાય છે. (ક્રમશ 🙂

Total Views: 374

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.