શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદના ગૃહસ્થ શિષ્ય હતા. તે બન્ને વચ્ચે થયેલ જિજ્ઞાસા સભર ઉચ્ચ દાર્શનિક વાર્તાલાપના કેટલાક અંશ અહીં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે.

શિષ્ય : સ્વામીજી ! ઉપનિષદમાં એવું કોઈ વિધાન છે ખરું કે ઈશ્વર સર્વશક્તિમાન વ્યક્તિ છે ? પરંતુ લોકો તો સામાન્ય રીતે આવા (સર્વશક્તિમાન) ઈશ્વરમાં માને છે.

સ્વામીજી : પરમ તત્ત્વ પરમેશ્વર કોઈ વ્યક્તિ ન હોઈ શકે. જીવ એક વ્યક્તિ છે અને બધા જીવોનો સમુદાય એટલે ઈશ્વર છે. જીવમાં અવિદ્યા અગર અજ્ઞાન પ્રધાન છે, જ્યારે ઈશ્વર અવિદ્યા અને વિદ્યાની સમષ્ટિરૂપ માયાનું નિયંત્રણ કરે છે અને સ્વતંત્રપણે આ ચરાચર વિશ્વને પોતામાંથી બહાર કાઢે છે. પણ વ્યક્તિ કે સમુદાય – જીવ કે ઈશ્વર – આ બંને પક્ષથી બ્રહ્મ પર છે. બ્રહ્મમાં કોઈ અંશ જ નથી; માત્ર સરળતાથી સમજવા માટે તેના વિભાગો કલ્પવામાં આવ્યા છે. બ્રહ્મના જે ભાગ ઉપર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનો અધ્યારોપ કરવામાં આવ્યો છે તેને શાસ્ત્રમાં ઈશ્વર કહે છે, જ્યારે બીજો અપરિણામી ભાગ જેમાં દ્વૈતનો વિચાર નથી, તેને બ્રહ્મ કહેવામાં આવે છે. પણ તે કારણે એવો ખ્યાલ ન રાખશો કે બ્રહ્મ જીવ કે જગતથી કોઈ જુદું જ અને નિરાળું તત્ત્વ છે. વિશિષ્ટાદ્વૈતવાદીઓ એમ માને છે કે બ્રહ્મ પોતે જ જીવ અને ઈશ્વરરૂપે પરિણમે છે, જ્યારે અદ્વૈતવાદીઓ તેનાથી વિરુદ્ધ એમ માને છે કે જીવ અને જગત બ્રહ્મમાં માત્ર અધ્યારોપિત છે, પણ ખરી રીતે તો બ્રહ્મમાં કંઈ પણ પરિણામ થતું નથી. અદ્વૈતવાદીઓ કહે છે કે વિશ્વ માત્ર નામ – રૂપ છે; જ્યાં સુધી નામ અને રૂપ હોય ત્યાં સુધી તે ટકે છે. જ્યારે ધ્યાન અને બીજી સાધના દ્વારા નામ અને રૂપનો લય થાય છે ત્યારે માત્ર નિર્વિશેષ બ્રહ્મ જ રહે છે, ત્યારે જીવ અને જગતની સ્વતંત્ર સત્તા (અસ્તિત્વ)નો અનુભવ થતો નથી. ત્યારે જ એવું ભાન થાય છે કે માનવ સદા પવિત્ર જ્ઞાનસ્વરૂપ બ્રહ્મ છે. જીવનું સાચું સ્વરૂપ બ્રહ્મ છે. જ્યારે ધ્યાન વગરે દ્વારા નામરૂપનાં આવરણ દૂર થાય છે, ત્યારે જ તે જ્ઞાન પ્રાપ્ત થાય છે. શુદ્ધ અદ્વૈતનો મર્મ આ છે. વેદ – વેદાંત અને બીજાં બધાં શાસ્ત્રો માત્ર આ વિચારને જ જુદી જુદી રીતે સમજાવે છે.

શિષ્ય : તો પછી ઈશ્વર સર્વશક્તિમાન વ્યક્તિ છે એ કેમ સાચું હોઈ શકે ?

સ્વામીજી : માણસ જ્યાં સુધી મનની ઉપાધિઓ દ્વારા મર્યાદિત છે ત્યાં સુધી જ તે માણસ છે. મન દ્વારા જ તેણે બધું સમજવાનું અને ગ્રહણ કરવાનું હોય છે, તેથી જે કાંઈ તે વિચારે છે તે પણ મન દ્વારા મર્યાદિત હોય છે. માટે તો પોતાના વ્યક્તિત્વના દાખલા ઉપરથી ઈશ્વરના વ્યક્તિત્વ વિશે દલીલ કરવાનું માણસનું સ્વાભાવિક વલણ હોય છે. માનવી પોતાનો આદર્શ માનવીરૂપે જ ઘડી શકે. જ્યારે રોગ અને મૃત્યુના દુ:ખથી પીડાઈને માનવી દુનિયામાં અસહાય અને નિરાશ બને છે ત્યારે તે કોઈ એવાને શરણે આવી જાય છે જેને આધારે તે પોતાને સહી-સલામત માની શકે. પણ તેવો આશરો ક્યાં મળે? જે સર્વવ્યાપક આત્મા કોઈ અવલંબન ઉપર આધાર રાખતો નથી તે જ એકમાત્ર શરણ છે. શરૂઆતમાં માનવીને તેનું ભાન થતું નથી પણ જ્યારે ધ્યાન અને આધ્યાત્મિક સાધના દ્વારા વિવેક અને વૈરાગ્ય આવે છે ત્યારે જ તેને તેનું ભાન થાય છે. પણ ગમે તે માર્ગે તે અધ્યાત્મના માર્ગે આગળ વધે તો પણ દરેક માનવી જાણે-અજાણે પોતાનામાં બ્રહ્મને જાગ્રત કરે છે. માત્ર જુદા જુદા સાધકો માટે ભિન્ન ભિન્ન સાધનો હોઈ શકે. જેમને વ્યક્તિરૂપ ઈશ્વરમાં શ્રદ્ધા છે તેમણે તે ભાવને વળગી રહીને આધ્યાત્મિક સાધનાઓ કરવી જોઈએ. જો હૃદયનો ભાવ સાચો હશે તો તેથી અંતરનો બ્રહ્મકેસરી જાગી ઊઠશે. જીવમાત્રનું એક જ લક્ષ્ય છે બ્રહ્મજ્ઞાન; પણ જુદા જુદા વિચારો તેના માત્ર જુદા જુદા માર્ગાે છે.

જીવનો સાચો સ્વભાવ બ્રહ્મ હોવા છતાં પણ મનની ઉપાધિઓ સાથે તેને તાદાત્મ્ય હોવાથી તેને અનેક જાતનાં સંશયો અને મુશ્કેલીઓ, સુખ અને દુ:ખ સહન કરવાં પડે છે. પણ બ્રહ્માથી માંડી ઘાસના તણખલા સુધી દરેક પોતાના સાચા સ્વરૂપની અનુભૂતિ તરફ જ આગળ વધી રહેલ છે. જ્યાં સુધી તે બ્રહ્મ સાથે ઐક્ય ન અનુભવે ત્યાં સુધી કોઈ પણ જન્મ-મરણનો ફેરો ટાળી શકે નહિ. માનવજન્મ મેળવ્યા પછી, જ્યારે મુક્તિની ઇચ્છા અતિ પ્રબળ બને અને સાથે સાથે બ્રહ્મજ્ઞની (સાક્ષાત્કાર પામેલી વ્યક્તિની) કૃપા ઊતરે ત્યારે માણસની આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા વધુ પ્રબળ બને છે. એ સિવાય કામ અને કાંચનમાં આસક્ત બનેલું માનવમન કદીય તે માર્ગે જતું નથી. જેના મનમાં ગૃહસ્થી જીવનનો આનંદ કે ધન અને કીર્તિનો મોહ હોય છે તેને બ્રહ્મજ્ઞાન માટે જિજ્ઞાસા થાય શી રીતે ? જે સઘળાનો ત્યાગ કરવા તત્પર છે, જે શુભ અને અશુભ તેમ જ સુખ અને દુ:ખના દ્વૈતના પ્રબળ પ્રવાહ વચ્ચે શાંત, સ્થિર, સમતુલિત અને આદર્શ પ્રત્યે જાગ્રત છે, તે જ આત્મજ્ઞાન મેળવવા પ્રયાસ કરે છે. તે જ પોતાની શક્તિ વડે સંસારની જાળ તોડી પાડે છે અને માયાના અંતરાયો ભેદીને મહાન કેસરીની માફક બહાર નીકળે છે. …

શિષ્ય બહુ નિરાશ થયો અને ફરી સ્વામીજીને

કહ્યું : ‘સ્વામીજી ! હું આપને શરણે આવ્યો છું. મારે માટે મુક્તિનો માર્ગ ખુલ્લો કરો, જેથી આ જ શરીર દ્વારા હું સત્યનો સાક્ષાત્કાર કરી શકું.’

સ્વામીજી : શો ભય છે ? સર્વદા વિચાર કર્યા કરો : તમારો દેહ, તમારું ઘર, આ જીવો અને જગત બધાંય સ્વપ્ન જેવાં તદ્દન મિથ્યા છે. હંમેશાં એવો વિચાર રાખો કે આ શરીર એક જડ સાધન માત્ર છે અને તમારા અંતરમાં રહેલો પુરુષ એ તમારો સાચો સ્વભાવ છે. મન રૂપ ઉપાધિ તે એનું પ્રથમ અને સૂક્ષ્મ આવરણ છે; અને પછી આ દેહ, જે તેનું સ્થૂળ – બહારનું આવરણ છે. અખંડ, અપરિણામી સ્વયંપ્રકાશી પુરુષ આ મિથ્યા આવરણોથી ઢંકાયેલો છે, તેથી તમારો ખરો સ્વભાવ તમે જાણતા નથી. હંમેશાં ઇંદ્રિયોની પાછળ દોડતા મનની ગતિ અંતર્મુખ બનાવવી જોઈએ. મનનો નાશ કરવો જોઈએ. શરીર તો સ્થૂળ છે; તે મૃત્યુ પામે છે અને પંચભૂતમાં લય પામે છે. પણ સંસ્કારોનો પૂંજ જે મન તે પાછળ રહે છે, તેનો નાશ જલદી થતો નથી. થોડો સમય તે બીજ રૂપે રહે છે અને પછી અંકુરિત થઈને વૃક્ષનો આકાર લે છે – નવું સ્થૂળ શરીર ધારણ કરે છે. જ્યાં સુધી આત્મજ્ઞાનનો ઉદય થતો નથી, ત્યાં સુધી જન્મ-મરણના ફેરામાં તે ફર્યા કરે છે. માટે જ હું કહું છું કે ધ્યાન, એકાગ્રતા અને તત્ત્વચિંતન દ્વારા મનને નિર્વિશેષ સચ્ચિદાનંદના સાગરમાં ડુબાડી દો. મન જ્યારે નાશ પામે છે ત્યારે સર્વ ઉપાધિઓનો લય થાય છે અને જીવ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે.

શિષ્ય : સ્વામીજી ! આ સંયમ વિનાના મનને બ્રહ્મ તરફ વાળવું બહુ મુશ્કેલ છે.

સ્વામીજી : બહાદુરો માટે વળી મુશ્કેલ શું હોય? માત્ર કાયરો જ એવી વાત કરે છે. वीराणामेव करतलगता मुक्तिः; न पुनः कापुरुषाणाम् ।

‘માત્ર વીરોને જ મુક્તિ હસ્તામલકવત્ છે, કાયરોને નહિ.’ ગીતામાં કહ્યું છે : अभ्यासेन तु कौंतेय वैराग्येण च गृह्यते । ‘હે અર્જુન! અભ્યાસ અને

વૈરાગ્ય દ્વારા મનને કાબૂમાં લાવી શકાય છે.’ ચિત્ત નિર્મળ સરોવર જેવું છે અને ઇંદ્રિયોના સંઘાતથી જે તરંગો તેમાં ઉત્પન્ન થાય છે, તે મન છે.

એટલે મન વિચાર – તરંગોની પરંપરાનું બનેલું છે. આ મનના તરંગોમાંથી ઇચ્છા ઉદ્ભવે છે; પછી તે ઇચ્છા સંકલ્પના રૂપમાં પરિણમે છે અને સ્થૂળ સાધનરૂપી શરીર દ્વારા કાર્ય કરે છે. વળી જેમ કર્મ અનંત છે તેમ તેનાં ફળ પણ અનંત છે. તેથી કર્મફળરૂપ અસંખ્ય તરંગો દ્વારા મન સતત આમતેમ ફેંકાયા કરે છે. મનને સર્વ વૃત્તિઓથી મુક્ત કરીને નિર્મળ સરોવરના સ્વરૂપમાં ફરીથી લાવવું જોઈએ, જેથી કરીને તેમાં વૃત્તિનો એક પણ તરંગ રહે નહિ. ત્યારે જ બ્રહ્મ પ્રકટ થશે. શાસ્ત્રો આ સ્થિતિની ઝાંખી આવી કંડિકાઓમાં આપે છે. भिद्यते हृदयग्रंथिः । ‘પછી હૃદયની બધી ગ્રંથિઓ છેદાઈ જાય છે’, વગેરે. સમજાય છે ?

શિષ્ય : હા જી; પણ ધ્યાન કોઈ વિષય ઉપર આધારિત થવું જોઈએ ને ?

સ્વામીજી : તમે પોતે જ તમારા ધ્યાનનો વિષય બનો. તમે પોતે જ સર્વશક્તિ-માન આત્મા છો તેમ વિચારો અને તેનું ધ્યાન કરો. ‘હું નથી શરીર કે નથી મન, નથી બુદ્ધિ કે નથી સ્થૂળ કે સૂક્ષ્મ શરીર.’ આવી રીતે ‘નેતિ નેતિ’ કરતાં તમારા મનને સાચા સ્વરૂપ અતીન્દ્રિય જ્ઞાનમાં ડુબાડી દો. વારંવાર આ તત્ત્વમાં મનને મગ્ન કરીને તેનો નાશ કરો. ત્યાર પછી જ તમને ચૈતન્ય સ્વરૂપ સમજાશે અથવા તો તમે તમારા સાચા સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થશો. ત્યારે જ્ઞાતા અને જ્ઞેય, ધ્યાતા અને ધ્યેય, એક બની જશે અને સર્વ દૃશ્યાત્મક અધ્યારોપો નિવૃત્ત થશે. આને જ શાસ્ત્રમાં ત્રિપુટિભેદ એટલે સાપેક્ષ જ્ઞાનની અતીતાવસ્થા કહેવાય છે. આ સ્થિતિમાં સાપેક્ષ કે વિશિષ્ટ જ્ઞાન રહેતું નથી. જ્યારે આત્મા એકમાત્ર જ્ઞાતા હોય ત્યારે કયા સાધન વડે તમે તેને જાણી શકો? આત્મા જ જ્ઞાન છે, આત્મા જ બુદ્ધિ છે, આત્મા જ સચ્ચિદાનંદ છે. જેને સત્ કે અસત્ કહી શકાય નહિ તેવી માયાની અગમ્ય શક્તિથી, બ્રહ્મથી જે જુદો નથી તેવા જીવમાં સાપેક્ષ જ્ઞાન આવે છે. આને સામાન્યત: સભાન અવસ્થા કહેવાય છે અને જે સ્થિતિમાં સાપેક્ષ અસ્તિત્વનો આ દ્વૈતભાવ શુદ્ધ બ્રહ્મમાં એક થાય છે, તેને શાસ્ત્રમાં અતીન્દ્રિય સ્થિતિ કહેવાય છે અને તેનું વર્ણન આવા શબ્દો દ્વારા કરાયું છે, स्तिमितसलिलराशि-प्रख्यमाद्याविहीनम् । ‘નામવિહોણો જાણે શાન્ત સમુદ્ર!’

… સ્વામીજી : વિષય અને વિષયીના સાપેક્ષ જ્ઞાનની ભૂમિકામાંથી સઘળાં શાસ્ત્રો અને દર્શન આવેલાં છે. પણ જે તત્ત્વ સાપેક્ષ જ્ઞાનની ભૂમિકાથી પર છે તેને માનવીના કોઈ વિચાર કે તેની વાણી સંપૂર્ણપણે વ્યક્ત કરી શકે નહિ. વિજ્ઞાન, દર્શન વગેરે માત્ર આંશિક સત્યો છે. તેથી અતીન્દ્રિય તત્ત્વને વ્યક્ત કરવા માટે તેઓ કદી યોગ્ય સાધનો બની શકે નહિ. તેથી અતીન્દ્રિય સત્યની દૃષ્ટિથી જોતાં બધી વસ્તુઓ મિથ્યા ભાસે છે – ધાર્મિક મતવાદો અને અનુષ્ઠાનો, હું અને તું તથા જગત, બધું મિથ્યા છે. ત્યારે હું જ એકમાત્ર સત્ છું. હું જ સર્વવ્યાપક આત્મા છું અને મારા અસ્તિત્વનું પ્રમાણ હું જ છું એવી અનુભૂતિ થાય છે. મારા અસ્તિત્વને સિદ્ધ કરવા બીજા પુરાવાને અવકાશ જ ક્યાં છે ? શાસ્ત્રો કહે છે તેમ હું મને नित्यमस्तमत् प्रसिद्धम् । ‘હંમેશાં નિત્યદ્રષ્ટા તરીકે’ જાણું છું. મેં ખરેખર આ સ્થિતિ જોઈ છે, તેનો અનુભવ કર્યો છે. તમે પણ તે જુઓ અને અનુભવ કરો, તથા આ બ્રહ્મનાં સત્યનો પ્રચાર સૌ પાસે કરો, ત્યારે જ તમને શાંતિ મળશે.

 

Total Views: 346

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.