ગતાંકથી આગળ…

૧૯૮૬માં હું ટોકિયોમાં હતો, ત્યારે મારે માટે Luncheon (બપોરના ભોજન) સાથે પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિષય હતો : Children, Humanity`s Greatest Asset. એ પ્રવચન મુંબઈના ભારતીય વિદ્યાભવને પ્રકાશિત કર્યું હતું. આપણી મોટામાં મોટી અને મુખ્ય મૂડી આપણાં બાળકો છે, ઘર કે બેંકનું ખાતું નથી; એ સર્વ ગૌણ છે. બાળકો તંદુરસ્ત હોય, એમનો સ્વભાવ સમતોલ હોય તો આપણે સુખી. એ બાળકો સુખી અને જગત સુખી. બાળકો અવળેમાર્ગે વળે તો કોઈ સુખી ન રહે. એટલે આપણાં બાળકોના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની આપણે જાળવણી કરવી જોઈએ. આજે બાળકોના માનસિક સ્વાસ્થ્યની ઘણી જરૂર છે અને એના રક્ષણ માટે આગળ વધેલા દેશોમાં શારીરિક દૃષ્ટિએ બાળકોને ખૂબ ખવરાવવામાં આવે છે, ખૂબ સંભાળ લેવામાં આવે છે, આવશ્યક બધી કેલરી એમના ખોરાકમાંથી એમને મળી રહે છે; પણ એમનો સૌથી મોટો પ્રશ્ન છે, બાળકોની ઇન્દ્રિયો અને તેમના મનમાં લાગતો ચેપ; મનની વિકૃતિ જીવનમાં ઘણી વહેલી શરૂ થઈ જાય છે. અગાઉ મેં મારા પોર્ટલેંડના રેડિયો પ્રવચનની વાત કરી હતી. ત્યાં ત્યારે જે વિષય ચર્ચ્યાે, હતો તેની થોડી પૂર્વભૂમિકા અહીં આપું છું. અમેરિકામાં જુવાનોને મેં એક વિશિષ્ટ ફિલસૂફીને અનુસરતા જોયા. એને આવેગમુક્તિની ફિલસૂફી એવું નામ અપાતું. કોઈપણ આવેગ મનમાં ઊઠે એને તરત છુટ્ટો વહેવા દો. એની પર અંકુશ નહીં રાખો, એને વશમાં નહીં રાખો. એ આવેગમુક્તિ ફિલસૂફી છે; હું એ રેડિયો વાર્તાલાપમાં આ ફિલસૂફી વિરુદ્ધ દલીલ કરતો હતો. યુ.એસ.એ.માં અનેક યુવાનોએ આ ફિલસૂફી અપનાવી છે. માતાપિતાઓ પણ એનો સ્વીકાર કરે છે. શિક્ષકો, અધ્યાપકો એને સ્વીકારે છે. માનસશાસ્ત્રીઓ એને સ્વીકારે છે. અને એ સૌ પોતાનાં બાળકોને કહે છે કે ‘તમારા આવેગોની મુક્ત અભિવ્યક્તિમાંથી તમને રોકવામાં આવશે, તો તમારા વ્યક્તિત્વ પર જોખમ આવી પડશે. તમને ચૈતસિક આઘાત (trauma) લાગશે. આ ટ્રોમા શબ્દ વપરાય છે. તમારા આવેગોને રોકો, તો તમને આઘાત લાગશે. એવા આઘાતોની હારમાળા બાળક માટે અનિષ્ટકારક છે. અર્વાચીન સભ્યતામાં આ વિચિત્ર નવો સિદ્ધાંત પ્રવેશી ગયો છે; એની સામે હું દલીલ કરવા કોશિશ કરતો હતો : કે કેટલાક આવેગો મુક્ત થવા દેવા જેવા હોય છે, બધા નહીં. કેટલાક ઉપર અંકુશ મૂકવો જ જોઈએ. આ ચૈતસિક આઘાત શા માટે લાગે છે? ભીતરની કોઈ આધ્યાત્મિક નિર્બળતાને કારણે. આજે માનસિક રીતે આપણે ખૂબ નાજુક બની ગયા છીએ. આપણું આધ્યાત્મિક બળ શૂન્ય છે. ઠપકાના બે શબ્દો સાંભળી માણસ આપઘાત કરવા જાય છે. આ પ્રકારની નિર્બળતા લોકોમાં-ભારતમાં પણ- જોવા મળે છે. ખૂબ જ લાગણીપ્રધાન હોવું, એ આંતરિક આધ્યાત્મિક નિર્બળતા છે. એટલે કેટલાક આવેગો પર અંકુશ જરૂરનો છે, નહીં તો તમે મનુષ્ય નહીં રહો; પશુ બની જશો. એ ચર્ચામાં મેં આ વિચાર મૂકયો. અને મારી મુલાકાત લેનાર રાજી થયો. આવી વાત એણે કદી સાંભળી ન હતી. એટલે મેં એને કહ્યું : ‘એક આવેગ લઈએ. હું એને અંકુશમાં રાખું છું. એની તપાસ કરું છું. ઇન્દ્રિયવિષયના સંપર્કમાં ઇન્દ્રિયના આવવાથી એ જન્મ્યો છે. આવેગો ઊભા થાય, પણ વિવેક વાપરી એમને ઓળખવા જોઈએ; એ એકદમ આવશ્યક છે. નહીં તો માનવચિત્તમાં વધારે ખરાબ વિકૃતિ સર્જાશે ને પછીથી તમે એને વશમાં નહીં રાખી શકો. થોડા ચૈતસિક આઘાતને સહન કરવાની શક્તિ તમારામાં હોવી જોઈએ. માનવકક્ષાએ આંતરિક શક્તિ આવશ્યક છે, એમ સમજીને તમારી પાસે એ હોવી જોઈએ. માનવજીવન સંઘર્ષમય છે. પ્રાણીઓને સંઘર્ષો હોતા નથી.’

આવશ્યકતા અને મુક્તિ એ બેનું મિશ્રણ માનવી છે. આપણે અંશત : પ્રકૃતિથી બદ્ધ છીએ, અંશત : મુક્ત છીએ. થોડુંક પણ એ સ્વાતંત્ર્ય આપણને ચંચળ બનાવે છે. ઈશ્વરની સૃષ્ટિમાં મનુષ્ય એક જ ચંચળ પ્રાણી છે : મારામાંની એ મુક્તિ અભિવ્યક્તિ ચાહે છે. રોકનારી વસ્તુઓ અનેક છે. એટલે મુક્તિ અને આવશ્યકતાનું મિશ્રણ સમસ્ત પ્રકૃતિમાં માનવીને વિશિષ્ટતા બક્ષે છે. આ થોડી મુક્તિની સંભાળ લઈ એને ઇન્દ્રિયોની ગુલામ બનતી અટકાવવાનું આપણને કહેવામાં આવે છે, કારણ કે નહીં તો એ મુક્તિ નથી. આપણે પ્રાણી-અવસ્થામાં એ દશામાં જ હતા. આપણે માનવસોપાને ચડ્યા હોઈને આપણે મુક્ત થવાનું છે અને પ્રાણીઓની માફક રહેવાનું નથી; ઇન્દ્રિયતંત્ર તેમને જે કંઈ કહે તેની તેઓ ‘હા’ જ કહે છે. આપણી ઇન્દ્રિયશક્તિઓને વશમાં રાખવાનું આપણને કહેવાય છે, કારણ કે તેના વિના ઉચ્ચતર વિકાસ શકય નથી. માત્ર માનવી જ એ ઉચ્ચતર વિકાસ સાધી શકે. એટલે આ ૪૧મો શ્લોક કહે છે : तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ, ‘માટે, હે અર્જુન, તું પ્રથમ ઇન્દ્રિયતંત્રને વશમાં રાખ’, એટલે તારા બધા અનારોગ્યપ્રદ થતા વિકાસને તું રોકી શકીશ. તો જ તું આ ચેપથી મુક્ત થઈશ નહીં તો, ‘તારા જ્ઞાનવિજ્ઞાનનો નાશ કરશે.’ ज्ञानविज्ञाननाशनम्.

ગુનાના અને ગુનેગારવૃત્તિના કોઈપણ અભ્યાસમાં અહીં દર્શાવાયેલાં સત્યોની પ્રવૃત્તિ આપણને જોવા મળશે. હું કશું ખોટું કામ કરું છું એ ખોટા કામની પાછળ મારા તંત્રમાં થતા ફેરફારની શૃંખલા છે. આ અધ્યાયમાં એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ને શ્રીકૃષ્ણે આપેલી શીખ અહીં છે. પહેલાં ઇન્દ્રિયતંત્રને સંભાળો. તમારે ચારિત્ર્ય- વિકાસ સાધવો હોય, તમારી ઉચ્ચતર શક્તિઓનો સાક્ષાત્કાર કરવો હોય, તો આ ઇન્દ્રિયો તરીકે ઓળખાતા તંત્રને તમારે નિયંત્રિત કરવું જ રહ્યું. સલામત પ્રવાસ માટે ઘોડાને નિયંત્રણમાં રાખવા જેવું એ છે. પછી શું થાય છે ? ઇન્દ્રિયતંત્ર રોગગ્રસ્ત નથી હોતું, તો મન સ્વસ્થ રહે છે અને બુદ્ધિ પણ સ્વસ્થ રહે છે. ઉત્કૃષ્ટતાની તમારી ખોજ સફળ બને છે. ધ્યેય માનવઉત્કૃષ્ટતાનું છે. આપણામાં ગહન શકયતાઓ છુપાયેલી પડી છે. એમની ઉપરનો પડદો આપણે દૂર કરવાનો છે. જરૂરનું છે આ ઇન્દ્રિયતંત્રનું આરંભથી નિયંત્રણ. (ક્રમશ 🙂

 

Total Views: 387

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.