ગતાંકથી આગળ

બહુ સદ્ગુણો લઈને શ્રી‘મ.’એ જન્મ ધારણ કર્યો. ઈશ્વરમાં વિશ્વાસ, દેવદ્વિજોમાં ભક્તિ, ગુરુજનોમાં શ્રદ્ધા, મધુર ભાષણ, મધુર સ્વભાવ, અદ્ભૂત મેધા, અલૌકિક સ્મૃતિશક્તિ, સુગંભીર અંતર્દૃષ્ટિ, પ્રશાંત ગંભીર ભાવ વગેરે દૈવીસંપદાઓ શ્રી‘મ.’ના જીવનમાં વિકસિત થઈ. આજીવન વિદ્યાનુરાગ અને વિદ્યાનુશીલન રહ્યું. સત્સાહસ, પરદુ :ખે કાતરતા, સહાનુભૂતિ, દયા, દાન, સેવા, સંયમ વગેરે એમની અસંખ્ય ગુણાવલી. આટલી મોટી ‘ઇન્સાયક્લોપીડિયા-બ્રિટાનિકા’ એમણે એક વિદ્યાર્થીની માફક પેન્સિલની લીટીઓ કરી કરીને વાંચી હતી. ભક્તોને તેઓ ભણવા માટે ખૂબ જ ઉત્સાહિત કર્યા કરતા. શ્રી‘મ.’એ બ્રહ્મવિદ્યાની નીચે જ સ્થાન આપ્યું લૌકિક વિદ્યાને. જ્યારે મઠ અને મિશન સુપરિચિત નહોતાં, એ સમયે નિર્ભય થઈને ‘કથામૃત‘નું પ્રકાશન અને પ્રચાર કાંઈ ઓછા સાહસનું કામ નહોતું.

શ્રી‘મ.’ની અલૌકિક સ્મૃતિશક્તિની સાથે અપૂર્વ કલ્પનાશક્તિનો સંયોગ હોવાથી કાળ અને સ્થાનનો પડદો એમની પાસેથી હટી જતો. લગભગ અડધી શતાબ્દી વીતી ગયા પછી પણ તેઓ શ્રીરામકૃષ્ણની દૃશ્યાવલીને સદા પ્રત્યક્ષ કરી શકતા હતા. તેમની સાહિત્યિક આલેખ્ય પ્રસ્તુત કરવાની શક્તિ પણ અસાધારણ હતી. એવું કરીને તેઓ કોઈ પણ વ્યક્તિ, તીર્થ કે ઘટનાનું વિવરણ પ્રસ્તુત કરતા હતા. શ્રોતાઓના મનમાં થતું કે જાણે તેઓ એ આંખની સામે જ જોઈ રહ્યા છે. શ્રી‘મ.’ની અંતર્દૃષ્ટિ પણ હતી અદ્‌ભુત. ચહેરો જોઈને કે એક-બે વાતો સાંભળીને અથવા કોઈ કામ જોઈને કે ગીતનાં બે ચરણ સાંભળીને તેઓ શ્રોતાની ભીતર જોઈ શકતા હતા. પછી ઉપયુક્ત શ્રોતાના માનસિક સ્તર પર ઊતરીને, મનને પકડીને સર્વોચ્ચ આદર્શ પર પહોંચાડી દેતા. આ બાજુ તો શ્રોતાના કાનમાં પ્રવેશ કરાવી દેતા : ભગવાનનાં દર્શન જ મનુષ્ય-જીવનનો સર્વશ્રેષ્ઠ આદર્શ. બીજી બાજુથી ક્યારેક-ક્યારેક શ્રોતાના મનમાં પ્રવેશ કરીને એના ઈશ્વરીય સદ્ગુણોમાંથી કોઈ એકને સબળ રીતે ખેંચીને ઉપર ઉઠાવી દેતા. એના દબાણથી અસદ્ગુણ આપોઆપ ખરી પડતા. એ બંને બાજુથી આક્રમણ ચાલતું.

શ્રી‘મ.’ની ભીતર છે બ્રહ્મશક્તિ – શ્રીરામકૃષ્ણનું જીવંત અધિષ્ઠાન. શ્રીરામકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં જ શ્રી‘મ.’એ નરક્લેવરમાં જ જાણે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાષ્ઠી મુક્તિનો અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. એમના સાન્નિધ્યમાં ભક્તોના મનમાંથી કામાદિ શત્રુઓ અને અશાંતિ આપોઆપ ખરી પડતાં. પાંચ મિનિટમાં જ જગત વિસરાઈ જતંુ અને મન એક પ્રશાંત આનંદમય ધામમાં વિરાજવા લાગતું. શ્રી‘મ.’કહેતા રહેતા, ‘ઠાકુર એમના કંઠમાં બેસીને વાતો કરે છે, તેઓ તો છે કેવળ યંત્રમાત્ર.’

દેવતા, મહાપુરુષ, મહાપ્રસાદ, તીર્થ અને સાધુ જાણે કે છે સાક્ષાત્ ઈશ્વરની જીવંત વિભૂતિઓ- ભક્તગણ શ્રી‘મ.’ના વ્યવહારથી જાણી ગયા.

શ્રી‘મ.’એ કથામૃતના પરિવેશનનો પ્રારંભ ઠાકુરની જીવિતાવસ્થામાં જ કરી દીધો હતો. એની પરિસમાપ્તિ થશે અનંતમાં. આજે સમગ્ર જગત કથામૃતની વર્ષાથી સિંચિત છે. અશરીરી શ્રી‘મ.’ હજુ પણ અશરીરી શ્રી શ્રી રામકૃષ્ણના કથામૃતની સર્વત્ર વર્ષા કરી રહ્યા છે.

અન્ન, જીવન, વિદ્યા અને બ્રહ્મવિદ્યા આ ચાર પ્રકારનાં દાનોમાંથી શ્રી‘મ.’આજીવન વિદ્યા અને બ્રહ્મવિદ્યાનું દાન કરતા રહ્યા. એટલે તેઓ જગતમાં ‘भुरिदा जनाः’ માં અન્યતમ. અવિરામ, બ્રહ્મવિદ્યા દાન કર્યું પરંતુ આચાર્ય હોવા છતાં સેવક ભાવમાં. શ્રી‘મ.’ની પાસે ગુરુભાવના નામે છે એક માત્ર શ્રીરામક્ૃષ્ણ.

શ્રી‘મ.’છે નિરહંકારની પ્રતિમૂર્તિ. શ્રીરામકૃષ્ણે કહેલાં ગૃહાશ્રમી જ્ઞાનીનાં જે પાંચ લક્ષણ છે તે બધાં જ પૂર્ણરૂપે શ્રી‘મ.’માં પ્રતિબિંબિત થયાં છે. તે છે નિરાભિમાન, પ્રશાંત, કર્મક્ષેત્રે સિંહતુલ્ય, રસરાજ રસિક અને સાધુ ભક્તો પાસે દાસાનુદાસ. એમની ચરણરજની કૃપાથી જે સાધુ બન્યા તેમને પણ તેઓ ગુરુતુલ્ય શ્રદ્ધા પ્રદાન કરતા. આવી જીવન્ત મૂર્તિમતી હતી તેમની સાધુ-ભક્તિ. અને વળી સર્વભૂતોમાં શ્રીરામકૃષ્ણનું અધિષ્ઠાન માની નમસ્કારની મુદ્રામાં સર્વની પૂજા કરતા.

શ્રી ગુરુની અનુરૂપ જ તેમની સર્વધર્મોમાં શ્રદ્ધા હતી. તેઓ જે પ્રકારે હિંદુઓનાં બધાં મંદિરોમાં જતા એ જ પ્રકારે ક્રિશ્ચિયન ચર્ચ અને મુસ્લિમ મસ્જિદમાં પણ જતા. બૌદ્ધ મંદિર, જૈન મંદિર, શીખ ગુરુદ્વારા, આર્યસમાજ, આદિ બ્રહ્મસમાજ અને સાધારણ બ્રહ્મસમાજમાં પણ સદા આવતા-જતા. શ્રી‘મ.’ની ઇચ્છા હતી, એક જ સમયે કલકત્તાના સર્વ ધર્મસંપ્રદાયોની ઉપાસના જોવાની.

ઠાકુરે શ્રી‘મ.’નાં ચૈતન્યદેવના પાર્ષદના રૂપમાં દર્શન કર્યાં હતાં, ચૈતન્ય સંકીર્તનમાં ‘સાધારણ નેત્રો’ વડે. એમનો ચૈતન્ય ભાગવતનો પાઠ સાંભળીને ઓળખી લીધા શ્રી‘મ.’કોણ. શ્રીરામકૃષ્ણે એટલે તો કહ્યું, ‘તમે પોતાનું માણસ છો, જાણે પિતા અને પુત્ર.’ એટલે પિતા સ્નેહ અને શાસન બંને કરતા. શ્રી ગુરુકૃપાથી શ્રી‘મ.’ની ભીતરમાં રહ્યું તીવ્ર જ્ઞાન અને બહાર ભક્તનું ઐશ્વર્ય-પ્રહ્‌લાદવત્…એક જ આકાશમાં યુગપત્ ચન્દ્ર-સૂર્ય ઉદયવત્.

શ્રીરામકૃષ્ણની જીવિતાવસ્થામાં જ ભક્તોમાંથી શ્રી‘મ.’એ જ સર્વપ્રથમ ઠાકુરના જન્મસ્થાન ‘કામારપુકુર’નાં દર્શન કર્યાં. ઠાકુરની કૃપાથી સમગ્ર કામારપુકુરનાં એક જ્યોતિર્મય ધામના રૂપમાં દર્શન કર્યાં. વૃક્ષ-લતા, પશુ-પક્ષી, મનુષ્ય સર્વ જ્યોતિની મૂર્તિ. એટલે માર્ગમાં બધાંને ઝૂકી ઝૂકીને પ્રણામ કર્યા. જ્યોતિર્મય બિલાડી સામે આવતાં ઝટ સાક્ષાત્ પ્રણામ. એક દિવસ દક્ષિણેશ્વર ધામનું જ્યોતિર્મય દર્શન કર્યું. પુરીમાં ઠાકુરે સ્વયં ન જતાં શ્રી‘મ.’ ને મોકલ્યા. કહેવા લાગ્યા, ‘ત્યાં સ્વયં જવાથી શરીર રહેશે નહીં. પોતાની ચૈતન્યલીલાની સ્મૃતિના મહાભાવથી દેહ છૂટી શકે છે.’ શ્રી‘મ.’ એ ઠાકુરના નિર્દેશાનુસાર અસીમ સાહસ વડે અસમયે શ્રીજગનાથને આલિંગન કર્યું. પછીથી પણ શ્રી‘મ.’ એ અનેકવાર પુરીનાં દર્શન કર્યા. (ક્રમશ 🙂

Total Views: 248

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.