ગતાંકથી આગળ…

હવે આપણે ૪૨મો શ્લોક લઈએ છીએ. એ અદ્‌ભુત શ્લોક છે. માનવવ્યક્તિત્વનાં વિવિધ સ્તરોનો ખ્યાલ એ આપે છે. આપણે દેખાઈએ છીએ સાદાસીધા; પણ આપણે તેવા નથી ! ચામડીનાં અનેક પડની મેં વાત કરી હતી તેના જેવું એ છે. આપણને ચામડી એક જ દેખાય છે પણ શરીરરચનાશાસ્ત્રીને અનેક પડ દેખાય છે.

इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ।।42।।

‘(શરીર કરતાં) ઇન્દ્રિયો ચડિયાતી કહેવાય છે; ઇન્દ્રિયો કરતાં મન ચડિયાતું છે; બુદ્ધિ મન કરતાં ચડિયાતી છે અને બુદ્ધિ કરતાં ચડિયાતો છે તે તે (નિત્ય મુક્ત આત્મા) છે !’

અગાઉ જણાવેલું તૈત્તિરીય ઉપનિષદનું સમગ્ર જ્ઞાન ગીતા એક સરળ શ્લોકમાં આપે છે; માનવવ્યક્તિત્વનાં જુદાં જુદાં સ્તરનો આ વિશિષ્ટ અભ્યાસ છે.

આ ગણતરીમાં ચાવીરૂપ શબ્દ परा છે; परा એટલે ચડિયાતું, વધારે સારું, ઉચ્ચતર. એટલે इन्द्रियाणि पराण्याहुः, ‘એમ કહેવાય છે કે ઇન્દ્રિયો ચડિયાતી છે’, इन्द्रियेभ्यः परं मनः, ‘ઇન્દ્રિયતંત્ર કરતાં મન ચડિયાતું છે.’ ઇન્દ્રિયતંત્રને નિયંત્રણમાં રાખવાનું કાર્ય મન કરવાનું છે. એ જ વધારે ચડિયાતું અને વધારે મૂલ્યવાન છે. मनसस्तु परा बुद्धिः, ‘બુદ્ધિ મન કરતાં ચડિયાતી છે’, કારણ કે મનને તેમજ ઇન્દ્રિયોને, બેઉને એણે અંકુશમાં રાખવાનાં છે. બુદ્ધિથી જે પર છે, यो बुद्धेः परतः तु सः, ‘બુદ્ધિથી જે ચડિયાતું છે તે તે (આત્મા) છે : सः, નો અર્થ અક્ષરશ : ‘તે’ (લિંગદૃષ્ટિએ નહીં) થાય છે.

બૃહદારણ્યક ઉપનિષદ (૧.૪.૭) પરની પોતાની ટીકામાં શંકરાચાર્ય કહે છે કે ‘અનંત અને અદ્વિતીય વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું અંતિમ સત્ય કોઈ નામની મર્યાદાથી બાંધી શકાય નહીં, આત્મા અને બ્રહ્મથી પણ નહીં.’ બુદ્ધિની તરત જ પાછળ આત્મા છે. આત્મા કે બ્રહ્મના આ સત્યનો ઉલ્લેખ વેદાંતમાં વિવિધ રૂપે કરવામાં આવ્યો છે. ॐ तत्सत्, ‘ૐ તે સત્ય’; એ જ રીતે तत् त्वम् असि, ‘તું તે છો’.

એ સત્યનું વિશેષ લક્ષણ એ છે કે એ નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત, નિત્ય પ્રકાશવાન છે. વેદાંતનો એ શ્રેષ્ઠતમ બોધ છે. આત્માને કોઈ પાપ અસર કરી શકે નહીં. આત્માને કશાનો ચેપ લાગી શકે નહીં. માટે એ નિત્ય મુક્ત કહેવાય છે. માત્ર વેદાંતમાં અને જગતના ધર્મોના બધા રહસ્યવાદીઓના બોધમાં તમને આ શીખ સાંપડશે. સૂફી, ખ્ર્રિસ્તી, બૌદ્ધ, હિન્દુ રહસ્યવાદી ભક્તોએ સત્યની અનુભૂતિ કરી છે અને એ લોકો હંમેશ કહે છે કે મનુષ્યમાં રહેલો આત્મા નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત અને નિત્ય પ્રકાશવાન છે. બધો ચેપ નિમ્ન કક્ષાઓએ લાગે છે. આત્મા સુધી એ પહોંચતો નથી. આ સત્ય ગહન છે અને મનુષ્યજાતિને ખૂબ પ્રેરક છે. બધું જ મલિન હોય તો તમે મળને દૂર કેવી રીતે કરો ? ધારો કે તમારી આસપાસ ખૂબ ગંદકી છે અને એ દૂર કરવા માટે તમે પાણી લેવા જાઓ છો; એ પાણી પણ ગંદું છે. તો તમે ગંદકી કેવી રીતે દૂર કરવાના ? ગંદકી દૂર કરવા માટે થોડું ચોક્ખું પાણી જોઈએ. એટલે વેદાંત વિચારણામાં, બધાના અન્તર્યામી આત્માના જ્ઞાનના પરિણામ સ્વરૂપે ઋષિઓએ દેહ-મન-બુદ્ધિ સંકુલ પાછળ રહેલા વિશુદ્ધ, અનંત આત્માની ખોજ કરી.

બ્રહ્મસૂત્રો પરની ટીકામાં શંકરાચાર્ય नित्यशुद्ध, नित्यमुक्त, नित्यबुद्ध स्वभाव परमात्मन्, ‘નિત્યશુદ્ધ, નિત્યમુક્ત અને નિત્યબુદ્ધ (નિત્ય પ્રકાશવાન) પરમાત્મા છે,’ એવો ઉલ્લેખ કરે છે. દેહમન સંકુલ સાથે યુક્ત આત્મારૂપી અહંકાર દુષ્કૃત્ય, પાપ આદિ અનિષ્ટોનો ભોગ બને છે. આપણી અંદર આ બેઉ પરિમાણો છે. હર્ષ, શોક, ગુનો વગેરેને અધીન છે તે જનીનતંત્રને વશ અહંકાર છે. બીજો તે નિત્ય મુક્ત, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ આત્મા છે. વૃક્ષ પર બેઠેલાં બે પક્ષીઓના દૃષ્ટાંત વડે આ અદ્‌ભુત ઘટનાને ઉપનિષદો (મુણ્ડક ઉપનિષદ, ૩.૧.૧માં) કેટલી સુંદર રીતે વર્ણવે છે !

द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन् अन्यो अभिचाकशीति ।।

‘એક જ વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠાં છે, ગાઢ મિત્રો છે એ, સુંદર પીંછાંવાળાં એ છે. એ બેમાંથી એક એ વૃક્ષનાં ફળ ખાય છે ત્યારે બીજું, પોતાના ગૌરવમાં, ફળ ખાધા વગર બેઠું છે.’

શરીરરૂપી વૃક્ષમાં રહેલા એ જીવ કે વ્યક્તિગત આત્મા અને પરમાત્મા છે. પહેલું પંખી જીવ છે, એ મજા માણે છે, પીડા ભોગવે છે, ખોટું કરે છે વગેરે; આપણે એ પંખી છીએ એમ આપણને લાગે પણ આપણું સાચું સ્વરૂપ તે બીજા પંખીનું છે. એટલે આ નિમ્નતર આત્મા (જીવ)ને બોધ અપાય છે કે ‘તું ખરેખર પેલું સ્વરૂપ છો.’ દેહમન સંકુલ સાથે બદ્ધ થવાથી તું આ નિમ્ન સ્વરૂપ પામેલ છો. માટે આ વેદાંતમાં આ માનવશકયતાઓનું વિજ્ઞાન કહી શકાય તેના વેધક અભ્યાસથી આ બોધ પ્રગટ થાય છે કે આપણી મુક્તિની શકયતા આપણી સૌની અંદર જ જડાયેલી છે : આ વેદાંતબોધ છે. તેથી માણસ પાપી છે એમ, આપણે કદી કહેતા નથી. અવશ્ય, એ પાપ કરે જ છે. પણ એ પાપી નથી. પોતાનું સાચું સ્વરૂપ નહીં જાણવાથી મનુષ્ય પાપ આચરે છે; પરંતુ આપણી મુક્તિ પણ આપણી અંદર જડાયેલી છે. આ અધ્યાયના અંતિમ શ્લોકમાં શ્રીકૃષ્ણ એ કહેવાના છે.

૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદને સંબોધતાં સ્વામી વિવેકાનંદે આનો ઉલ્લેખ (સ્વા. વિ. ગ્રંથમાળા ભાગ-૧.૧૧-૧૨) કર્યો હતો :

શું માનવ કોઈ પ્રચંડ તોફાનમાં સપડાયેલા નાના મછવા જેવો છે ? ઘડીમાં સાગરનાં પ્રચંડ મોજાંની ફીણભરી સપાટી પર ઉંચકાઈ આવતો અને ઘડીમાં મોં વકાસતા ઊંડાણમાં પછડાતો : સારાં અને ખરાબ કર્મોની દયા પર આમતેમ અથડાતો : સદાસર્વદા કાર્ય અને કારણના નિરંતર ઘૂઘવતા, ધસતા, નિષ્ઠુર પ્રવાહમાં શક્તિહીન – સહાયહીન ભટકાતો રહેવાનો છે ? ….

આ વિચારથી આપણું હૃદય બેસી જાય છે; પણ એ કુદરતનો કાનૂન છે. તો શું આપણે માટે કોઈ આશા જ નથી ? કોઈ છટકબારી જ નથી? – નિરાશ થયેલા હૃદયના ઊંડાણમાંથી આવો એક આર્તનાદ ઊઠ્યો : એ આર્તનાદ કરુણાળુ પરમાત્માના સિંહાસન સુધી પહોંચ્યો, ત્યાંથી આશા અને આશ્વાસનના શબ્દો અવતર્યા અને વૈદિક ઋષિને એમણે પ્રેરણા આપી. આ વૈદિક ઋષિએ જગત સમક્ષ ઊભા રહી રણભેરીશા અવાજથી સર્વને શુભ સમાચાર સંભળાવ્યા :

‘ઓ શાશ્વત સુખના વારસદારો, ઓ દિવ્ય ધામના નિવાસીઓ ! સાંભળો ! મેં પુરાતન પુરુષને પ્રાપ્ત કર્યા છે-જે સર્વ તમસથી પર છે, જે સર્વ ભ્રમથી પર છે અને જેને જાણવા માત્રથી મૃત્યુને પાર જઈ શકાય છે.’(ક્રમશ 🙂

Total Views: 420

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.