ગતાંકથી આગળ…

તાલીમ દરમિયાન મને સામાન્ય વિદ્યાર્થિની જેવી જ ગણવામાં આવી અને હવે મારેે મદદનીશ તરીકે કોઈને સાથે રાખવાનું નહોતું. તાલીમ આપનારાઓએ અમને પાંચથી આઠની સંખ્યાનાં જૂથોમાં વહેંચ્યાં હતાં. મારા જૂથની છોકરીઓ વિવિધ રાજ્યોમાંથી આવેલી, જેમ કે દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ. ઉત્તરપ્રદેશમાંથી હું એકલી જ હતી. વિવિધ રાજ્યોનાં હોવા છતાં અમે સહુ સારાં મિત્રો બન્યાં. મારે ટેકલાથી સંસ્થા સુધી દરરોજ ૧૦ કિ.મી.નો રસ્તો ચાલીને જવાનું રહેતું. અહીં પર્વતારોહણની કલા શીખવાતી. મારે તેનાં વજનદાર સાધનો પણ ઊંચકવાનાં હોય, જેમાં ૪૦mm # ૯mm લાંબું દોરડું, જેનું વજન લગભગ ૨૦ કિલો હતું તેને પણ ઉઠાવવાનું હોય. મારા જૂથની છોકરીઓ મારું ઘણું ધ્યાન રાખતી. મને હજી યાદ છે કે અમેરિકાથી આવેલી એક દીયા સુઝાના બજાજ નામની છોકરી મારો ખૂબ ખ્યાલ રાખતી.

એક દિવસ હું ટેકલા જઈ રહી હતી ત્યાં મારા કૃત્રિમ પગનો એક સ્ક્રૂ નીકળી ગયો. એને લીધે હું નીચે પડી. મારા જૂથની છોકરીઓ દોડી આવે અને મને ઊંચકવાનો પ્રયત્ન કરવા લાગી. તેમ કરવાથી જો કે એ આખો પગ જ છૂટો પડી ગયો. આ જોઈને તેઓ ગભરાઈ ગઈ અને એ ગભરાટમાં મને છોડી દીધી. એટલે તો હું ફરી પડી ગઈ. મારો એ લાકડાનો પગ જોઈને તેઓ કેટલાં ડરી ગયેલાં તે મેં જોયું. મેં તેમને શાંત રહેવા કહ્યું અને મારા એ કૃત્રિમ પગમાં સ્ક્રૂ સખત કરવા લાગી. થોડા જ વખતમાં હું ચાલવા માટે તૈયાર થઈ. ટેકલા જતાં અમે બધાં એ વાતે ખૂબ હસ્યાં કે એ લોકો મારો કૃત્રિમ પગ જોઈને કેટલાં બધાં ગભરાઈ ગયેલાં.

દરેક નવા દિવસને હું નવા ઉત્સાહ અને ઉમંગથી જોતી હતી. દશ દિવસની એ થકવી નાખતી તાલીમ પૂરી થયા પછી એ ડાૅક્ટરે મને ‘સેફ આઈ’નું (સલામતીનું) પ્રમાણપત્ર આપવાનું કબૂલ્યું. હવે અમે ભુખ્ખીની રોડથી શરૂ કરીને પહાડોમાં ‘તેલ’નામના સ્થળે જવા રવાના થયાં. આ ચડાણ ખરેખર કસોટી કરનાર હતું. એ બાબત સારી હતી કે જૂથની પાંચેય છોકરીઓ હવે મારી સારી સખીઓ બની હતી. મને મારા જૂથનું નેતૃત્વ કરવાનું માન મળ્યું. બીજાં જૂથોની છોકરીઓ બહુ ઉત્સાહી નહોતી દેખાતી. પણ અમારું જૂથ ઊર્જાવાન અને ઉત્સાહથી ભરેલું લાગતું હતું. એ બધી પંચોતેર છોકરીઓમાં અમે પાંચ છોકરીઓ અમારી વચ્ચેના સંબંધો અને ઝડપને લીધી બધાંના આકર્ષણનું કેન્દ્ર બની.

હકીકતમાં બીજાં જૂથોને પ્રોત્સાહિત કરવાનું કામ અમને ઘણી વાર સોંપાતું. અમે તે લોકોને આગળ ધપવા લગભગ ધક્કા મારતાં અને તેઓ એટલાં અકળાતાં કે અમને વિનંતી કરતાં કે અમે તેમને સતાવવાનું બંધ કરીએ. એક મધુમતી ગોડસે નામની છોકરી હતી. તે થોડી ભરાવદાર હતી અને તેથી તે ધીમે ધીમે આગળ વધી શકતી. જ્યારે હું તેને ઝડપ વધારવા કહું ત્યારે તે એક સ્મિત સાથે કહેતી, ‘અરુણિમા, કોણ કહી શકે કે તું વિકલાંગ છે ? તું માત્ર એક પગે જે કરી લે છે તે અમે બે પગ હોવા છતાં નથી કરી શકતાં !’

હવે અમે બેઝ કૅમ્પ પર પહોંચ્યાં જ્યાં બધે જ સુંદર ફૂલો હતાં. અમારે અહીં રોકાવું હતું અને એ ફૂલોને માથામાં ખોસવાં હતાં. પરંતુ એક પર્વતારોહી તો શિસ્તબદ્ધ વ્યક્તિ ગણાય, એથી ફૂલોને ચૂંટવાને બદલે અમે તેમને જોઈને જ મળતા આનંદથી ચલાવી લીધું. અમે પાંચેયને એક જ તંબુમાં રહેવાનું હતું. અમે એકબીજાના સહવાસનો આનંદ લેતાં હતાં પણ સાથે જ પર્વતોમાં કઈ રીતે બચીને રહેવું તે પણ શીખતાં હતાં. બેઝ કૅમ્પમાં અમે બે દિવસ રહ્યાં અને પછી ૧૮ હજાર ફૂટની ઊંચાઈએ આવેલ એક મુખ્ય શિખર સુધી જવા નીકળ્યાં. એક વાદળછાયા દિવસે ત્યાં પહોંચી ગયાં. અમે બધાંએ એકબીજાને આલિંગન આપ્યું અને ઉત્તેજિત થઈને એક ‘સેલ્ફી’ છબી પણ ખેંચી. સાંજે સાત વાગ્યે અમે પાછાં બેઝ કૅમ્પ પર આવી ગયાં. શિખર ઉપર સૌથી પહેલું પહોંચનારું જૂથ અમારું હતું.

અમે જેવાં બેઝ કૅમ્પે પહોંચ્યાં કે તરત અમારા જૂથના મુખ્ય પ્રશિક્ષક દિગમ્બરે મને કહ્યું કે મારે સી.આઈ.એસ.એફ.માં એક નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા તેના મુખ્ય મથક દિલ્હી દોડવું પડશે. ‘તારે ત્યાં પરમ દિવસે પહોંચવાનું છે,’ તેમણે મને કહ્યું. આ ઇન્ટરવ્યૂ સી.આઈ.એસ.એફ.માં ‘હેડ કોન્સ્ટેબલ’ના પદ માટે હતો. આ ઇન્ટરવ્યૂ આપવાનું મુખ્ય એ કારણ હતું કે ગૃહમંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી નિર્મલજિત સિંઘ કાલ્સી મને ‘એમ્સ’માં મળવા આવેલા. મને ત્યાંથી રજા અપાઈ ત્યાર બાદ તેમની નોર્થ બ્લોકની ઓફિસમાં મેં તેમની શુભેચ્છા-મુલાકાત લીધી હતી. તેમણે મને ફરી કોઈ મદદ કરવાની તૈયારી બતાવી ત્યારે અમે તેમને કહેલું કે મેં સી.આઈ.એસ.એફ.ની નોકરીની તક આ દુર્ઘટનાને લીધે ગુમાવી હતી, જેમાં મારો કોઈ વાંક ન હતો. જો હું એ ટ્રેનમાંથી ફેંકાઈ ન હોત તો કદાચ અત્યાર સુધીમાં ‘હેડ કોન્સ્ટેબલ’ બની ગઈ હોત. એટલે જો એ નોકરીનો પ્રસ્તાવ ફરી મળી શકે તો મને એ ખૂબ ગમશે એમ મેં કહેલું. કાલ્સીએ બને તો તેમ કરવાનું વચન આપેલું. અને હવે તેમણે વચન પાળ્યું હતું.

મારી તાલીમ અહીં પૂરી થઈ હતી એ ખરું, પણ સી.આઈ.એસ.એફ. તરફથી મળેલી અવધિ બહુ નજીક હતી. ૧૬ હજાર ફૂટની ઊંચાઈએથી ઊતરવું, જે એક દિવસમાં ૨૯ કિ.મી.નું અંતર કાપવા માટે સામાન્ય રીતે પાર કરવામાં પાંચ દિવસ લાગે છે. પછી બીજે દિવસે હજી લેખિત પરીક્ષા તો બાકી હતી તે આપવાની પણ રહે. આ દરમિયાન સાહેબે ઉત્તરકાશીથી સેટેલાઈટ ફોન વડે એક ઇ-મેઈલ સી.આઈ.એસ.એફ.ને મોકલ્યો કે એ સમયાવધિ આગળ વધારે તો સારું. એનું માન રહેશે તેવી વકી હતી ખરી, પણ તેમના તરફથી કોઈ જવાબી ઇ-મેઈલ આવ્યો નહીં કે જેમાં ઇન્ટરવ્યૂને અન્ય કોઈ સમયે રાખવાનો સ્વીકાર કરાયો હોય. (ક્રમશ 🙂

Total Views: 364

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.