ઉદ્ધવજીની વ્રજયાત્રા

ઉદ્ધવજી વૃષ્ણિવંશિયોમાં એક મુખ્ય વ્યક્તિ હતા. તેઓ પરમ બુદ્ધિમાન હતા. તેઓ શ્રીકૃષ્ણના પ્રિય સખા અને મંત્રી પણ હતા. એક દિવસ શ્રીકૃષ્ણે ઉદ્ધવજીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ‘ઉદ્ધવજી, તમે વ્રજમાં જાઓ. ત્યાં મારાં માતપિતા નંદબાબા અને યશોદામૈયા છે, એમને રાજી કરો. ગોપીઓ મારા વિરહને કારણે ખૂબ દુ :ખી થઈ ગઈ છે. એમને મારો સંદેશો સંભળાવીને એમની વેદના દૂર કરો.’

ઉદ્ધવજીએ ત્યારે વૃંદાવનમાં જઈને નંદબાબા સાથે મુલાકાત કરી અને એમને સાંત્વના આપતાં કહ્યું, ‘હે માન્યવર! આપ બન્ને અત્યંત ભાગ્યવાન છો, એમાં કોઈ સંદેહ નથી. એનું કારણ એ છે કે સમગ્ર ચરાચર જગના સ્રષ્ટા નારાયણ છે. એમના પ્રત્યે આપના હૃદયમાં વાત્સલ્ય ભાવ છે. ખેદ ન કરો. આપ શ્રીકૃષ્ણને તમારી સમીપ જ જોશો, કારણ કે જેવી રીતે કાષ્ઠમાં અગ્નિ સદૈવ વ્યાપ્ત રહે છે, એવી જ રીતે તેઓ બધાં પ્રાણીઓનાં હૃદયમાં સર્વદા વિરાજમાન રહે છે.’

પછી ઉદ્ધવજીએ ગોપીઓ પાસે જઈને એમને સાંત્વના આપતાં કહ્યું, ‘હે ગોપીવૃંદ ! તમે ધન્ય છો. તમારું જીવન સાર્થક નિવડ્યું છે. તમે સમગ્ર સંસાર માટે પૂજનીય છો, કારણ કે તમે ભગવાન શ્રીકૃષ્ણને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે. હું તમારી પાસે શ્રીકૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું, તે જરા સાંભળો. એમણે કહ્યું છે કે હું જ બધાનો આત્મા છું, એટલે મારી સાથે તમારો વિયોગ થઈ જ ન શકે. તમારાથી દૂર રહેવાનું એક કારણ એ છે કે આવી રીતે તમે નિરંતર મારું ધ્યાન કરી શકશો. તમારું મન મારામાં પરોવી દો. જ્યારે તમે તમારું સંપૂર્ણ મન મારામાં લગાડીને મારું સ્મરણ કરશો, ત્યારે તરત જ સદાને માટે મને પ્રાપ્ત કરી લેશો.’

ઉદ્ધવજીએ કેટલાય મહિના સુધી વૃંદાવનમાં રહીને બધાંને સાંત્વના આપી અને નંદબાબાની આજ્ઞા લઈને મથુરા જવા ઊપડ્યા.

અક્રૂરની હસ્તિનાપુર યાત્રા

મથુરામાં એક દિવસ બલરામજી સાથે શ્રીકૃષ્ણ અક્રૂરજીના ઘેર પધાર્યા. અક્રૂરજીએ એમને ઉત્તમ આસન પર બેસાડીને એમની પૂજા અને સ્તુતિ કરી. પછી શ્રીકૃષ્ણે હસીને કહ્યું, ‘કાકાશ્રી ! આપ તો અમારા સાચા હિતેચ્છુ છો. આપ પાંડવોના ભલા માટે હસ્તિનાપુર જાઓ. મેં સાંભળ્યું છે કે પાંડવો પોતાનાં વિધવા માતા કુંતા સાથે પોતાના જેઠ ધૃતરાષ્ટ્રના સંરક્ષણ હેઠળ રહે છે. એમનો પુત્ર દુર્યોધન ઘણો દુષ્ટ છે અને એને અધીન હોવાને કારણે તેઓ પાંડવો સાથે યોગ્ય વ્યવહાર કરતા નથી. આપના દ્વારા એ પાંડવોના સમાચાર જાણીને હું કંઈક ઉપાય યોજીશ કે જેથી એ સ્વજનોને સુખ મળે.’

શ્રીકૃષ્ણના આદેશ પ્રમાણે બીજે જ દિવસે અક્રૂર હસ્તિનાપુર જવા રવાના થયા. હસ્તિનાપુર પહોંચ્યા પછી તેઓ ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, વિદુર, દ્રોણાચાર્ય અને કુંતી વગેરેને મળ્યા. એ બધાં સાથે એમણે અલગ અલગ વાતચીત કરી અને હસ્તિનાપુરની પરિસ્થિતિ વિશે પૂરેપૂરી જાણકારી મેળવી લીધી. વિદુરજી પાસેથી એમને જાણવા મળ્યું કે કેવી રીતે દુર્યોધન અને બીજા કૌરવો પાંડવોનાં લોકપ્રિયતા, બળ, વીરતા, શસ્ત્રકૌશલ્ય તથા વિનય વગેરે સદ્ગુણોને જોઈને પાંડવોથી જલતા રહે છે. ધૃતરાષ્ટ્રમાં પોતાના દુષ્ટ પુત્રોની ઇચ્છા વિરુદ્ધ કંઈ પણ કરવાની હિંમત નથી. તેઓ શકુનિ જેવા દુષ્ટોની સલાહ પ્રમાણે જ કામ કરે છે. કુંતીએ અક્રૂરજી દ્વારા મથુરાનાં પોતાનાં પરિજનોના કુશળમંગળની જાણકારી મેળવી. વિશેષ કરીને તેમણે પોતાના ભત્રીજા કૃષ્ણ અને બલરામ વિશે જાણવાની ઇચ્છા પ્રગટ કરી. એમની કીર્તિગાથા તેમણે સાંભળી હતી. એમણે અક્રૂરને કહ્યું, ‘હું શત્રુઓથી ઘેરાઈને શોકાકુલ થઈ ગઈ છું. જેમ કોઈ હરણી વરુઓની વચ્ચે ફસાઈ ગઈ હોય, એવી મારી દશા છે. મારાં સંતાનો પિતાવિહોણાં થઈ ગયાં છે. શું કૃષ્ણ અહીં આવીને મને અને આ અનાથ બાળકોને સહારો આપી શકશે ? ’

મથુરા પાછા ફર્યા તે પહેલાં અક્રૂરજીએ ધૃતરાષ્ટ્ર પાસે જઈને એમને ધર્મ સહારો લઈને રાજ્યકારભાર ચલાવવાની સલાહ આપી. પરંતુ ધૃતરાષ્ટ્ર પર અક્રૂરના ઉપદેશની કોઈ અસર ન થઈ. મથુરા પાછા ફરીને અક્રૂરજીએ શ્રીકૃષ્ણને બતાવ્યું કે ધૃતરાષ્ટ્ર પાંડવોની સાથે કેવો વર્તાવ કરે છે.

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.