ગતાંકથી આગળ….

રાજઘાટથી ગોરા કાૅલોની જવાના મુખ્ય ત્રણ માર્ગ છે. બડવાણી, બાવનગજા, બાંકેરાટા, ધડગાવ, ડુમખલ, માથાસર વગેરે થઈને ગોરા કાૅલોની પહોંચાય. આશરે ૨૫૦ કિ.મી.નો માર્ગ થોડી પહાડીઓ, ગામડાંના કાચા રસ્તા અને થોડો જંગલનો માર્ગ મળી મધ્યમ પ્રકારનો છે. બીજો માર્ગ રાજઘાટથી બડવાણી, પલસુદ, પાનસેમલ, શહાદા, પ્રકાશા, ડેડિયાપાડા, રાજપીપળા થઈને ગોરા કાૅલોની પહોંચી શકાય. ૩૦૦ કિ.મી.નો મોટા ભાગનો રાજ્ય ધોરીમાર્ગ અને થોડો ગામડાંનો સહજ-સરળ છે. ઘણા યાત્રાળુઓ શહાદાથી ગોરખનાથની તપોભૂમિ તોરણમાલ પહાડીના અંદરના ભાગમાં ૪૭ કિ.મી. દૂર દર્શન કરવા માટે જાય છે. આ બન્ને માર્ગની વિસ્તૃત માહિતી પૂજ્ય આત્મકૃષ્ણ મહારાજ દ્વારા રચિત ‘નર્મદા પરિક્રમા’ (માર્ગદર્શિકા) પુસ્તક (પ્રકાશક – શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, નારેશ્વર પો. સાયર, વાયા અંકલેશ્વર, ફોન – ૦૨૬૬૬ ૨૫૩૨૯૩) દ્વારા મળે છે.

રાજઘાટથી ગોરા કાૅલોનો ત્રીજો માર્ગ આશરે ૧૭૫ કિ.મી.નો છે, જેમાં ૪૦ કિ.મી. જેટલો દુર્ગમ પહાડીમાર્ગ, ૧૦ કિ.મી. જંગલ માર્ગ, બેત્રણ વાર નર્મદાનાં દર્શન-સ્પર્શન તથા લૂંટાવાનો નહિવત્ ભય આ બધું પાર કરવું પડે છે. આ ત્રીજો માર્ગ થોડો કઠિન અને યાત્રાળુઓની ભારે પરીક્ષા લે તેવો છે. આ માર્ગની માહિતી નીચે પ્રમાણે છે. આ માર્ગ રાજઘાટથી કલ્યાણપુર-૪, નંદગાવ-૨, ભવતી-૪, બીજાસન-૪, મોરકટા-૩, બોરખેડી-૩, કુલી-(અહીંથી પહાડી રસ્તો શરૂ) ૬, ધોંધશા-૬, સેમલેટ-૬, ભાદલ-૬, ભૌમાનાગાઁવ-૧૫, (પહાડી માર્ગ પૂરો.) ભૌમાનાગાઁવથી રાજપારડી-૧૦ કિ.મી. જંગલમાર્ગ, ધડગાઁવ-૮ કિ.મી. થઈને ગોરા કાૅલોની પહોંચાય છે. શૂલપાણેશ્વરની ઝાડી પાર કરવાના આ સિવાય બીજા પણ માર્ગ હોઈ શકે. પરંતુ સંન્યાસી જે માર્ગે ગયા હતા તેનું અહીં વર્ણન છે.રાજઘાટથી બાવનગજ-જૈનમંદિર આશરે ૨૦ કિ.મી. છે. યાત્રાળુઓ ત્યાં પણ ઋષભદેવની ભવ્ય પાષાણ મૂર્તિનાં દર્શન કરવા જાય છે. નર્મદાના ઉત્તરતટે ઊભેલી વિંધ્ય પહાડીની હારમાળા અને દક્ષિણે રહેલી સાતપુડાની પર્વતમાળા હવે જાણે એકબીજાને ભેટવા નજીક આવતી જણાય છે. વચ્ચે શ્રી શ્રીમા નર્મદાનો પ્રવાહ વહેતો હતો; બન્ને પહાડોની હારમાળા જાણે નર્મદાજીને વંદન તથા ચરણસ્પર્શ કરવા પાસે આવી ભક્તિભાવથી ઝૂકીને ઊભી હતી !

ઉત્તરતટ પર ગરુડેશ્વરથી શૂલપાણેશ્વરની ઝાડીની યાત્રા શરૂ થાય છે. એટલે ગરુડેશ્વર પ્રવેશદ્વારા ગણાય. અને આ દક્ષિણતટની શૂલપાણેશ્વરની ઝાડીનું રાજઘાટ પ્રવેશદ્વાર ગણાય. અને આ બન્ને જગ્યાએ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે. જાણે ભગવાન દત્તાત્રેય શૂલપાણેશ્વરની ઝાડીના અધિષ્ઠાતા દેવ હોય ! આપણે રાજઘાટથી આશરે ૬ કિ.મી. દૂર નંદગાઁવ આવી પહોંચ્યા હતા. બીજે દિવસે ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૫ને સોમવારે નર્મદે હરના સાદ સાથે બીજાસન તરફ જવા રવાના થયા. મંડળીમાં વયોવૃદ્ધ ત્યાગીજી, પી. સ્વામી, પંડિત અમિત શર્મા અને એક સંન્યાસી એમ ચાર જણ હતા.

નર્મદા ડેમને કારણે ઘણાં તીર્થાે જળમાં વિલીન થયાં છે. આપણે ઘણી યાત્રાઓએ તીર્થદર્શન કરવા જઈએ ત્યારે લગભગ આપણો બધો સમય રહેવા- ખાવાની સુવિધા, પૂજા-દાનવિધિમાં, મોટાઈ દેખાડવામાં જતો હોય છે. બહુ જૂજ સમય દર્શન માટે હોય છે ! વાસ્તવમાં આપણે તીર્થાેમાં જતાં પહેલાં તેમનું માહાત્મ્ય, કયાં દેવી-દેવતાનો વાસ, પૂજાનો વિધિ વગેરે જાણી લેવાં જોઈએ અને વધુમાં વધુ સમય જપ, ધ્યાન, ભજન કે ઉપાસનમાં વિતાવવો જોઈએ. અમે પણ આ ઝાડીના માહાત્મ્યથી અનભિજ્ઞ હતા.

નંદગાઁવથી ૨-૩ કિ.મી. દૂર જતાં નર્મદાતટે મેઘનાદ તીર્થ આવેલ છે. રાવણપુત્ર મેઘનાદે તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા. શિવજીએ એને બે આત્મલિંગ આપ્યાં હતાં. તે બન્ને લેવા જતાં એક લિંગ નર્મદામાં પડી ગયું. મેઘનાદે એ લિંગની ત્યાં જ પ્રતિષ્ઠા કરી હતી. પિતૃતર્પણ, બ્રહ્મભોજન વગેરેનું અહીં સો ગણું ફળ મળે. (વાયુપુરાણ, રેવાખંડ, ૪૦.૫૬) વળી ફરી ૨ કિ.મી. જતાં ગોપદનર્મદા સંગમ આવે છે. અહીં સ્નાન-દાન કરવાથી ૧૦૦૦ ગોદાનનું પુણ્ય મળે છે. અહીં અનંગેશ્વર શિવજીનો વાસ છે. પાસે ભવતી ગામ છે. બપોરનો સમય થયો હતો. નાની બજાર જેવું હતું. એક સજ્જને પોતાને ત્યાં બોલાવી જળ-પાન કરાવ્યું. અમે ભિક્ષાનું પૂછતાં તેમની પાસેથી કાચી ભોજન સામગ્રી-સદાવ્રત પ્રાપ્ત કર્યું અને થોડે દૂર આવેલ મંદિરના પ્રાંગણમાં રસોઈ બનાવવાનું શરૂ કર્યું. પ્રથમ તો ઈંટો ભેગી કરી ચૂલા જેવું બનાવી લાકડાં શોધવાનું શરૂ કર્યું. હવે રસોઈ શેમાં બનાવવી ? સંન્યાસીનું કમંડળ ૨.૫ લીટરનું હતું. એટલે તેમાં જ રસોઈ બનાવવાનો નિર્ણય. આ બધું કરવા દરમિયાન મંડળીમાંથી કોઈએ સહાયનો હાથ લાંબો ન કર્યો એટલે સંન્યાસી નારાજ થયા અને જાહેર કર્યું કે તેઓ પોતે પ્રસાદ લેવાના નથી. એક બાજુ જઈને સૂઈ ગયા. બીજા બધા ડઘાઈ ગયા અને દોડીને ખીચડી બનાવી અને સંન્યાસીને ખીચડીપ્રસાદ લેવાનો આગ્રહ કરવા લાગ્યા પણ સંન્યાસીએ તો બપોરે ભોજન લીધું નહીં અને થોડા વિશ્રામ પછી મંડળી બીજાસન તરફ રવાના થઈ. આ સ્થળે રાવણપુત્રી બીજાસેનીએ તપ કર્યું હતું. ૧૧ રુદ્રો-રુદ્રાણીની પૂજા કરીને રાવણે એ સૌને પ્રસન્ન કર્યાં હતાં. સ્ત્રીઓના ગર્ભને ખાઈ જનારી બીજાસેની નામે દીકરીને એણે વરદાનથી મેળવી હતી. રાવણવધ પછી, શિવજીની આજ્ઞાથી રાવણપુત્રી બીજાસેનીએ અહીં તપ કર્યું હતું. અહીં સ્નાન તથા દાન કરનાર અને બ્રાહ્મણભોજન કરાવનાર સ્ત્રીનો ગર્ભ નષ્ટ ન થાય તેવું માહાત્મ્ય છે.

બીજાસન પહોંચતાં સંધ્યા થઈ ગઈ. આજે સરપંચની ચૂંટણીની જાહેરાત થઈ એટલે ગામમાં અલગ પ્રકારનો માહોલ લાગ્યો. અહીં તપાસ કરતાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે ઉતારાની વ્યવસ્થા રાધાકૃષ્ણ મંદિરમાં છે તેમ જાણવા મળ્યું. રમણીય દર્શન કરીને મંદિરમાં આસન લગાવ્યું. મંડળીના બીજા લોકો ભોજનની વ્યવસ્થા વિશે વિચારવા લાગ્યા. સંન્યાસીએ કહ્યું કે પોતે કાચું સીધું બનાવશે નહીં, ભિક્ષા માગીને પોતાના ભોજનની વ્યવસ્થા પોતે કરી લેશે. પી. સ્વામીએ કહ્યું કે રાત્રે ભિક્ષા માગવા જવાય નહીં, અમે વ્યવસ્થા કરીએ છીએ. પ્રભુકૃપાથી ગામમાંથી ભોજનપ્રસાદ મળી જશે તે સમાચાર લઈને પી. સ્વામી આવી ગયા. સંધ્યા આરતી પૂર્ણ કરી મંડળી ઉપાસનામાં બેઠી હતી. ગામના પાંચેક લોકો અમારી આસપાસ બેસી ગયા. સરપંચની ચૂંટણી જાહેર થઈ હોવાથી બધા દારૂના નશામાં હતા. કોઈએ તેમની સાથે વાત કરી નહીં. પાંચ મિનિટ સુધી એકબીજાની સામે જોતા રહ્યા. ઉપેક્ષાને કારણે તેઓ થોડી વારમાં ચાલ્યા ગયા. પછી ખબર પડી કે આ લોકો શા માટે બેઠા હતા. તેઓને એમ કે ચલમધારી સાધુઓ હશે એટલે બે-ચાર ફૂંક મળશે. પી. સ્વામીએ કહ્યું કે આમાંથી જ એકના ઘરેથી ભોજનપ્રસાદ આવવાનો છે. અમને એમ કે ઉપેક્ષાના કારણે હવે નહીં આવે. પરંતુ ભોજનપ્રસાદ સમયસર આવ્યો. થાકેલા હોવાથી શ્રીરાધાકૃષ્ણનાં શ્રીચરણમાં નિદ્રાદેવીને વશ થયા.

૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૫, મંગળવારે નર્મદે હરના સાદ સાથે પરિક્રમાના માર્ગે નીકળી પડ્યા. બીજાસન ગામની બહાર રસ્તાના એક ઘરમાંથી સદ્ગૃહસ્થ બહાર આવ્યા અને અમારી સાધુસંતોની ટોળીને ચા પીવાનું નિમંત્રણ આપ્યું. અમે સહર્ષ એમના ઘરે ચા-પાણી કર્યાં. તે દરમિયાન તે સદ્ગૃહસ્થે પોતાની નવમા ધોરણમાં ભણતી દીકરીને કંઈક વળગાડ હોય તેવું જણાવ્યું અને તેના માટે કોઈ દોરા-ધાગા હોય તો આપવા વિનંતી કરી. અમે તેમને ભગવાનનાં નામ-જપ કરવાની સલાહ આપી. અમારી મંડળીમાં ઇન્દોરના પંડિત અમિત શર્મા કર્મકાંડી હતા. સજ્જનના ખૂબ આગ્રહને વશ થઈ તેમણે અમાવસ્યાની તિથિના દિવસે રાત્રે ઘઉંમાં સાથિયો કરી, દીવો કરી, બીજી એક માટલાની હાંડીમાં જવ-તલ રાખી ભગવાનનું નામ લેતાં લેતાં ગામના ચોકમાં રાખવાં, એવા બીજા વિધિઓ જણાવ્યા. ડૂબતો માણસ તરણું ઝાલે એવો તેમને આનંદ થયો. બીજાસનથી ૩ કિ.મી. દૂર હરણફાળ સ્થળ. ઊંચી ઊંચી પહાડીઓમાંથી જળધારા વહેતી. કહેવાય છે કે હરણફાળના સ્થળે જળધારા એટલી સાંકડી કે હરણ છલાંગ મારીને કૂદી જાય એટલે આ સ્થળ હરણફાળ કહેવાય. ખડક પાસે ગૌરીમાતાની જૂની દેરી વગેરે હતાં. તેમાં દેવીનાં ચરણચિહ્નો પ્રતિષ્ઠિત હતાં. આ સ્થળે હિરણ્યાક્ષ દાનવે તપસ્યા કરી હતી. હવે તો નર્મદા ડેમને કારણે તો આ બધાં સ્થળ જળમગ્ન. એટલે અમારી મંડળી ગામડાના કાચા રસ્તેથી આગળ વધી.

આગળ મોરક્ટા ગામ. નાની પહાડી પર એક નાનો એવો આશ્રમ હતો. તેમાં બેત્રણ સાધુઓ રહેતા હતા. તેમાં એક બંગાળી બાબા પણ હતા. અમને આગ્રહપૂર્વક કાળી ચા પિવડાવી અને વિદાય થયા. ગામમાં નાની એવી કિરાણાની દુકાન હતી ત્યાંથી નાના બાળગોપાળોને આપવા માટે ચોકલેટ સંન્યાસીએ ખરીદી. ૧૦૦-૧૫૦ મીટર આગળ ગયા હોઈશું ત્યાં એક બાળા દોડીને આવી, કિરાણાની દુકાને સંન્યાસી કમંડળ ભૂલી ગયા હતા તે સંન્યાસીને પાછું આપ્યું. બહુહેતુક આ કમંડળ વિના તો આ યાત્રા ચાલે જ નહીં. તે પરત મળતાં સંન્યાસી ભાવવિભોર બની ગયા અને મા નર્મદાનો કૃપાપ્રવાહ વહેતો હોય તેવું અનુભવ્યું. ૧૧-૧૧.૩૦ સુધીમાં સખત તાપ થઈ ગયો હતો. ગામડાના કાચા રસ્તેથી બોરખેડી પહોંચ્યા. હવે આદિવાસી વિસ્તાર શરૂ થતો હતો. દૂર દૂર છૂટીછવાઈ એક બે, એક બે એવી આદિવાસીઓને રહેવા માટેની છાપરીઓ હતી. સદાવ્રત માટે એક ઘર ચિંધવામાં આવ્યું. એ ઘર હતું પૂર્વના સમયના ભયંકર લંૂટારું હિરાલાલ રાવતનું! પૂર્વના સમયમાં તેનાથી ક્વચિત્ કોઈ પરિક્રમાવાસી લૂંટાતાં બચ્યો હશે. પરિક્રમાવાસીઓના પાવન સંગ, વિશેષ કરીને લખનગિરિ બાબાના સહવાસથી અને શ્રી શ્રીમા નર્મદાની અનંત કૃપાથી આ લૂંટારું આદિવાસીના સ્વભાવમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. હવે તો હિરાલાલ રાવતને ત્યાં કિરાણાની નાની દુકાન અને ઘરઘંટી ચાલે. અમે તેમને ત્યાંથી જ દાળ-બાટી માટેનું સદાવ્રત-કાચું સીધું મેળવ્યું. (ક્રમશ 🙂

Total Views: 473

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.