ગતાંકથી આગળ…

‘અમૃતનાં સંતાનો’ – કેવું તો મધુર, કેવું આશાસ્પદ નામ ! બંધુઓ, તમને સૌને એ જ મધુર નામે પોકારવાની આજ્ઞા મને આપો – અમૃતનાં વારસદારો – હા, હિન્દુ તમને પાપિયા કહેવાની ના પાડે છે. તમે ઈશ્વરનાં સંતાનો છો, અમર સુખનાં ભાગીદારો છો, પવિત્ર અને પૂર્ણ છો. પૃથ્વી પરનાં દિવ્ય સ્વરૂપો, તમે – પાપી ! માનવીને એમ ઓળખવો તે પાપ છે; માનવસ્વભાવની એ કાયમી બદનક્ષી છે. આવી જાઓ, ઓ કેસરીઓ અને તમે ઘેટાં છો તે ભ્રમ ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્તાત્માઓ છો, સુખી છો, શાશ્વત છો; તમે ભૌતિક પદાર્થ નથી, તમે માત્ર દેહ નથી; ભૌતિક પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.

શ્વેતાશ્વતર ઉપનિષદના આ વેદકાલીન ઋષિ ગ્રીક આર્કિમિડીઝની માફક ‘યુરેકા ! યુરેકા !’ ‘મને અદ્‌ભુત સત્ય લાધ્યું છે’, એમ પોકારી શક્યા હોત. ને એ શ્લોકનો અર્થ અમેરિકન શ્રોતાઓને સ્વામી વિવેકાનંદે કહ્યો ત્યારે એ મહાન શોધની ઊર્જા એ લોકોને તેમણે આપી. ‘કૃપા કરી સાંભળો.’  श्रृण्वन्तु विश्वे એટલે ‘વિશ્વના’, સર્વત્ર. અને એ ઋષિએ માનવજાતને પોતાના દૃષ્ટિબિંદુએથી સંબોધી : अमृतस्य पुत्राः, ‘અમૃતનાં સંતાનો’, ‘હે અમૃતનાં સંતાનો! મને સાંભળો. મારે તમને શુભ સમાચાર આપવાના છે.’ એટલું જ નહીં, એ ઋષિના સર્વવ્યાપક દર્શનમાંથી ઊઠતી ધીરતા જુઓ; ‘સ્વર્ગમાં કોઈ દેવો ને દેવદૂતો વસતા હોય તો તેમને’ એ પોતાનો સંદેશો મોકલાવે છે. आये धामानि दिव्यानि तस्थुः. એ સંદેશ શો છે ? તમને એ કોઈ પુસ્તકમાંથી પ્રાપ્ત થયો છે કે એ તમારી ફળદ્રુપ કલ્પનાશક્તિની નીપજ છે ? નહીં ! वेद अहं एतम्, ‘હું આ સત્યને જાણું છું.’ મેં આ સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, અનુભવ્યું છે. આ वेदाहमेतम् વિચાર અદ્‌ભુત સત્ય છે; એની પછીથી આવેલી બધી ધાર્મિક પ્રગતિને એણે પ્રેરણા આપી છે. પણ આજે આપણે એ સમજતા નથી, આપણે ધર્મને મૃત શબ્દ બનાવી દીધો છે. એ ‘હું માનું છું’ નથી પણ ‘મેં સાક્ષાત્કાર કર્યો છે’ તેમ છે. પછીથી એ કહેવાના છે, ‘તમે પણ સાક્ષાત્કાર કરી શકો છો.’ શું છે એ ? पुरूषं महान्तम्, ‘સાન્ત માનવીની પાછળ અનંત માનવી’. अल्प અને महा બે સંસ્કૃત શબ્દોનો અર્થ ‘નાનું’ અને ‘મોટું’ થાય છે. અહંકાર અલ્પ છે, આત્મા મહાન છે.

આપણે अल्प હોઈએ ત્યારે આપણે ગુના તરફ ઢળીએ છીએ; આપણે महा હોઈએ છીએ ત્યારે એમ બની શકે નહીં. ને બધી ગુનાખોરી, બધી દોષવૃત્તિ આ અલ્પ અહંકારમાંથી ઉદ્ભવે છે, પોતાના મહાન સ્વરૂપને નહીં ઓળખવાથી જન્મે છે. ગાંધીજી મહાત્મા કહેવાતા. દરેક વ્યક્તિ મહાત્મા બની શકે. એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. એટલે એ ઋષિ કહે છે કે મર્યાદિત, સાન્ત આત્મા પાછળ રહેલા અનંત આત્માનો મેં સાક્ષાત્કાર કર્યો છે. वेदाहमेतं पुरूषं महान्तम् आदित्यवर्णं, ‘સૂર્યના જેવું ભાસ્વાન’, तमसः परस्तात्, ‘બધા અંધકાર અને મોહની પાર’, એ સત્યનો સાક્ષાત્કાર મેં કર્યો છે. પરંતુ એ એમ નથી કહેતા કે ‘હું તરી ગયો છું એમ તમે માની લો !’ ઋષિએ કહ્યું છે : तं एव विदित्वा अति मृत्युमेति, ‘અમર થવા માટે તમે પણ આ સત્યનો સાક્ષાત્કાર કરો’; કારણ, એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. બીજા કોઈની પાસેથી તમારે આ સત્ય ભીખવાનું કે ઉછીનું માગવાનું નથી.

ઉપનિષદોમાં છે તેવાં માનવ-મહત્તા અને ગૌરવનાં વચનો તમને જગતના સાહિત્યમાં કયાંય નહીં સાંપડે. એવી શ્રદ્ધાથી એ ઉચ્ચારાયાં છે કે શ્રોતાને પણ એમનામાં શ્રદ્ધા જાગે. આટલું કહ્યા પછી ઋષિ કહે છે : नान्यः पन्था विद्यते अयनाय, ‘આના સિવાય બીજો માર્ગ નથી, મુક્તિ માટે અન્ય માર્ગ નથી.’ ભાષા જુઓ : नान्यः पन्था विद्यते, ‘બીજો માર્ગ નથી.’ આ સત્યનો, એના થોડા અંશનો, સાક્ષાત્કાર તમારું જીવન બદલાવી શકે. આજે હું ભ્રષ્ટાચારી વ્યક્તિ છું. આ સત્યની ઝાંખી મને કોઈ મારફત થઈ; માનવજાતની સેવા કરવાના વલણવાળા પ્રામાણિક મનુષ્યમાં મારું જીવન પલટાઈ જાય.

આશરે પાંચસો વર્ષ પહેલાં કર્ણાટકમાં એક ઝવેરાતનો વેપારી રહેતો હતો; પછીથી એનું નામ પુરંદરદાસ, ‘પંઢરપુરના વિષ્ણુનો દાસ’ પડ્યું હતું. કોઈને મદદ કરવાને એ દમડી ન આપે. દૈવી સ્પર્શથી એ પૂરો બદલાઈ ગયો. એણે આસપાસના લોકોને એકઠા કર્યા, પોતાની બધી મૂડી અને બધાં ઘરેણાં તેઓમાં વહેંચી દીધાં અને નાની બચકી લઈને, માનવજાતને જાગ્રત કરવા જ્ઞાનભક્તિનાં ગીતો ગાતો, દાસ બનીને એ ચાલી નીકળ્યો; એ પુરંદરદાસ આજે પણ લોકોને પ્રેરણા આપે છે, એને શું થયું હતું? એ ઝવેરીને પોતાની અંદર જ રહેલું અણમોલ મોતી જડ્યું હતું; બધા દુન્યવી પદાર્થાે એને માટે નિરર્થક બની ગયા. એ સુંદર સંદેશ એણે પ્રજાને સુંદર કન્નડ ભાષામાં અને ઉચ્ચ સંગીતમાં સંભળાવ્યો. પુરંદરદાસ દાસ સેંકડો લોકોમાંના એવા એક છે. અર્વાચીન સભ્યતાને એ સ્વસ્થ અને સ્થિર બનાવશે.

કોઈ મહાત્માના એક સ્પર્શથી, એક શબ્દથી, એક દૃષ્ટિપાતથી પાપીઓ કેવી રીતે પુણ્યત્મા બને છે તે, કોઈ બુદ્ધ, કોઈ શ્રીકૃષ્ણ કે કોઈ ઈસુમાં આપણને જોવા મળે છે; આવા લોકોમાંનું દિવ્ય પરિમાણ એથી જાગી ઊઠે છે. ‘જા અને હવે જરાય પાપ કરીશ નહીં’, એમ ઈસુ બોલ્યા અને પાપી સંત બની ગયો. આપણે તત્ત્વત : નિષ્પાપ છીએ તે આનું કારણ છે. આપણે ખરા પાપિયા હોઈએ તો, કોઈ આપણામાં પરિવર્તન આણી શકે નહીં ! પોતાનો સ્વભાવ કોઈ બદલી શકે નહીં, स्वभावं न जहाति सा, ‘પોતાના મૂળ સ્વભાવને વસ્તુ તજી શકતી નથી’. પણ એ માત્ર બાહ્ય દેખાવ હોય ને એની પાછળ સાચું ચારિત્ર્ય રહેલું હોય તો, એ બદલી શકે. પોતાના સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર એ કરે. અગ્નિ પોતાની ઉષ્ણતા તજી શકે નહીં. પાણી પોતાનો ભેજ તજી શકે નહીં. એ એમની પ્રકૃતિ છે. એટલે શંકરાચાર્ય આ ટાંકે છે : स्वभावं न जहाति सा, કોઈ પદાર્થ પોતાની પ્રકૃતિ તજી શકે નહીં. એને એ કામચલાઉ છોડી દે એવું લાગે. અડો તો લોખંડનો ટુકડો ઠંડો લાગે છે. એને અગ્નિમાં નાખો, એ લાલચોળ થઈ જાય છે; એને બહાર કાઢી લેતાં એ ફરીથી ટાઢોબોળ થઈ જાય છે. (ક્રમશ 🙂

Total Views: 368

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.