ભારતની સ્વતંત્રતાની ચળવળ સાથે સ્વામી વિવેકાનંદ સીધી રીતે સંકળાયેલા ન હતા એ જાણીતી વાત આપણે આરંભમાં જ યાદ કરવી જોઈએ. તેમ છતાં, એ ચળવળનાં બધાં પાસાં ઉપર એમની પ્રત્યક્ષ અને પરોક્ષ, ઘેરી અસર હતી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ ઉપરની સ્વામી વિવેકાનંદની અસર ફ્રેન્ચ રાજ્યક્રાંતિ ઉપરની રુસોની કે રશિયન અને ચીની ક્રાંતિઓ ઉપર માર્ક્સની જે અસર હતી તેથી કંઈ ઓછી ન હતી એમ કહેવાય છે. ભારતીય સ્વાતંત્ર્ય-ચળવળ અને રાજકીય સ્વાતંત્ર્યમાં એની નિષ્પત્તિ, મારે મન મહાક્રાંતિ કરતાં જરી પણ ઊણી નથી. અંકુશ અને શોષણના પોતાના યુક્તિબાજ અને વ્યાપક તંત્ર વડે એ જમાનાની સૌથી સમર્થ સામ્રાજયવાદી સત્તા બ્રિટને પૂરાં સો વરસ સુધી ભારત પર રાજકીય પરિભાષામાં આપણે જો ‘ક્રાંતિ’ શબ્દનો અર્થ ‘ખૂબ મોટું રાજકીય પરિવર્તન’ એવો કરતા હોઈએ, તો આવી જબરી સત્તા સામે જંગે ચડીને એને ભારતમાંથી હટાવી દેવી, એ ‘ક્રાંતિ’ કરતાં જરાય ઊતરતું ન હતું !

સ્વદેશપ્રીતિની વ્યાપક જાગ્રતિની પીઠિકા વિના મુક્તિનો કોઈ સંગ્રામ શક્ય નથી. બધા તત્કાલીન સંદર્ભાે પરથી સ્પષ્ટ જણાય છે કે ભારતમાં સ્વદેશીપ્રીતિની ભાવના જાગ્રત કરનાર પરિબળોમાં સૌથી વધારે જબ્બર પરિબળ સ્વામી વિવેકાનંદનું હતું. સિસ્ટર નિવેદિતાના જણાવ્યા પ્રમાણે તેઓ પાયાનું કામ કરનાર હતા. જેમ કોઈ પણ પુસ્તક વાંચ્યા વિના જ હકીકત રૂપે શ્રીરામકૃષ્ણ વેદાન્તના જીવન્ત સારરૂપ થયા હતા તે પ્રમાણે રાષ્ટ્રિય જીવનના સારસ્વરૂપ સ્વામી વિવેકાનંદ હતા.

સ્વામી વિવેકાનંદના આગમન પૂર્વે રાષ્ટ્રીય ક્ષેત્રે શું બન્યું, તેમાં આપણે નહીં પડીએ. એમના આવતા પહેલાં અંગ્રેજી શિક્ષણ, દેશી ભાષાઓનું સાહિત્ય, ભારતનાં વર્તમાનપત્રો, સુધારાની ચળવળ, કોંગ્રેસ સહિતનાં રાજકીય મંડળો આવ્યાં હતાં અને તે દરેકે પોતાની અસર ફેલાવી હતી; આ બધું આવ્યું હોવા છતાં, વ્યાપક સ્વદેશભાવનાની જાગ્રતિ થઈ ન હતી. નહીં તો, મદ્રાસના ‘હિન્દુ’ને ૧૮૯૩ના આરંભમાં દેશની બહુમતી કોમ, હિંદુઓના ધર્મ વિશે શા માટે એમ લખવું પડયું હોત કે, એ મૃત્યુ પામ્યો છે, એનો આવરદા પૂરી થઈ ગઈ છે ? પરંતુ એંગ્લોઇંડિયન અને મિશનરી વર્તમાનપત્રો સહિતનાં બીજાં વર્તમાનપત્રો સહિત ‘હિન્દુ’ એ પણ, એક વર્ષ કરતાંય ઓછા ગાળામાં (અને પછીથી પણ) લખ્યું હતું કે, હિન્દુઓના ઇતિહાસમાં સામ્પ્રત સમયને… પુનરુત્થાનનો કાળ… કહીં શકાય. (મદ્રાસ ક્રિશ્ચયન કાૅલેજ મેગેઝિન, માર્ચ ૧૮૯૭.) આ કાળને રાષ્ટ્રીય જાગ્રતિ તરીકે પણ ઓળખાવ્યો હતો. (મદ્રાસ ટાઇમ્સ, ર માર્ચ, ૧૮૯૫) આ ચમત્કાર શી રીતે થયો ? સમકાલીન હેવાલોમાંથી સાંપડતો એનો એક માત્ર ઉત્તર એ છે કે, વિશ્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પ્રગટ થયા, ત્યાં તેમણે ભારતીય ધર્મ અને સંસ્કૃતિની મહત્તા ગજવી, પોતાના દેશના પ્રાચીન વારસા માટે ગૌરવની સ્થાપના કરી અને તેમ કરીને પોતાના દેશબાંધવોએ દીર્ઘકાળથી ગુમાવેલી આત્મપ્રતિષ્ઠા અને આત્મશ્રદ્ધાનું તેમણે પુન : સ્થાપન કર્યું.

ભારત પાછા આવ્યા પછી પોતાની સુષુપ્ત શક્તિમાં શ્રદ્ધા રાખવાની ભારતની જે મહત્તા હતી તેનો આદર કરવાની અને ગોબરા વહેમો તથા સામાજિક શોષણ સામે યુદ્ધ કરવાની તેમણે લોકોને હાકલ કરી. અર્વાચીન યંત્રયુગ જે નવી વિચારણા અને વિજ્ઞાનની જાણકારી આપે છે તે સ્વીકારવાનો તેમણે પોતાના દેશવાસીઓને અનુરોધ કર્યો. સુદૃઢતાના પાયા ઉપર રાષ્ટ્રની ઇમારત ઊભી કરવાનો માર્ગ તેમણે દાખવ્યો. ભારતમાં ધાર્મિક ચળવળ હંમેશાં રાષ્ટ્રીય પુનરુત્થાનની પુરોગામી બની છે તેમ ઇતિહાસ જણાવે છે. અહીં ભારતમાં બહુમતીનો જે ધર્મ છે તે હિંદુ ધર્મમાં પ્રાણ પૂર્યા વિના રાષ્ટ્રીય જાગ્રતિ શકય ન હતી. વિવેકાનંદે તે કર્યું અને તે સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે હિદુ ધર્મ અને બીજા ધર્મો સુમેળથી સાથે રહી શકે છે તથા પોતાને એક જ રાષ્ટ્રના અંગભૂત માની શકે છે.

ભારતની રાષ્ટ્રીયતા, ખાસ કરીને પ્રતિકારાત્મક રાષ્ટ્રીયતામાં સ્વામી વિવેકાનંદનો ફાળો આ પ્રમાણે હતો :

૧. આત્મપ્રતિષ્ઠા અને આત્મશ્રદ્ધા.

ર. ગતિશીલ સત્ત્વશાલીનતા : ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થંભો નહીં.’ ‘વિકાસ જ જીવન છે, સંકુચન જ મૃત્યુ છે.’

૩ સંપૂર્ણ આત્મસમર્પણ : ‘માની વેદી પર બલિદાન થવા માટે તું જન્મ્યો છે એ ન ભૂલજે.’ ‘તું બધું જ આપી દે, કશું માગવા પાછો નહીં વળ. આ રત્નને તારા હૃદયમાં સંઘરી રાખ.’

૪. શક્તિ અને સમરનો સંદેશ : ‘જીવનસંગ્રામ છે ઝઝૂમો, મૃત્યુ સુધી ઝઝૂમો.’ ‘ઉપનિષદો એક જ સંદેશ આપે છે- અભિ :’

૫. દેશ અને દેશબાંધવો પ્રત્યે તલસાટભરી પ્રીતિ.

૬. ભારતની ચૈતનિક સંબંધિતા.

૭. બધા લોકોનાં સમાન હક્ક અને ફરજો.

૮. ધર્મોમાં અને આનુષંગિક બાબતોમાં સંવાદિતા.

૯. દેશ સામે જે પ્રશ્નોે ખડા છે તેનું ભાન.

૧૦. સામાજિક ઉત્થાન અને શિક્ષણ ઉપર ભાર.

૧૧. ચારિત્ર્યઘડતર ઉપર ભાર : ‘મારો ધર્મ માનવીનું ઘડતર છે.’

૧ર. આ બધું હાંસલ કરવા માટે યુવશકિતને સુદૃઢ કરી રાષ્ટ્રઘડતર માટે તેને કામે લગાડવી.

બે બાબતો આમાં ઉમેરવાની છે; સંકુચિત રાષ્ટ્ર-વાદનો ત્યાગ કરવાનો અને બધા પ્રશ્નોને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં મૂલવવાનો સ્વામી વિવેકાનંદે અનુરોધ કર્યો હતો. સુધારાઓ રાષ્ટ્રીય ધોરણે કરવાનો અને રાષ્ટ્રીય એકતા માટે ઝઝૂમવાનો એમણે આગ્રહ કર્યો હતો.

એમના પોતાના દ્વારા પ્રત્યક્ષ કે એમનાં પુસ્તકો દ્વારા આ બધા વિચારો આખા ભારતમાં વ્યાપકપણે પ્રસર્યા હતા. ડૉ. રાધાકૃષ્ણને જણાવ્યા અનુસાર કેટલીક વાર આ લખાણોએ ગોપિત ક્રાંતિકારી સાહિત્યનું રૂપ ધારણ કર્યું હતું અને હાથે નકલ ઉતારાઈને એ છાત્રોમાં ફેલાતું હતું. હવા અને પાણીની માફક જે સર્વત્ર પ્રસરે તેની અસરનું માપ કાઢવું મુશ્કેલ બને છે. સ્વામી વિવેકાનંદની બાબતમાં આવું બન્યું હતું. છતાં ભાવિ ઐતિહાસિક તોલન માટે કેટલીક હકીકતો કે કેટલાક પુરાવાઓ રજૂ કરવા રહ્યા.

જે કાર્ય સ્વામી વિવેકાનંદે ઉપાડયું હતું તે કરવા માટે તેઓ સર્વથા યોગ્ય હતા. તેઓ ખૂબ મેધાવી હોઈ પૂર્વ અને પશ્ચિમનાં ફિલસૂફી અને ઇતિહાસના સારા જાણકાર હતા. સાહિત્યમાં પ્રવીણ હતા. ભારતના યુગો જૂના આધ્યાત્મિક વારસાની પૂર્ણતા તરીકે માન્ય થયેલા મહાપુરુષ શ્રીરામકૃષ્ણની પાસે તેમણે પોતાની આધ્યાત્મિક તાલીમ લીધી હતી. ૬ વર્ષ સુધી ભારતને એક ખૂણેથી બીજે ખૂણે પ્રવાસ કરીને અને રાજાઓ તથા અસ્પૃશ્યો સાથે સમાનભાવે રહી તેમણે ભારતના ભાતીગળ જીવનનાં બધાં પાસાંનો ગાઢ અનુભવ પ્રાપ્ત કર્યો હતો. પાશ્ચાત્ય પદ્ધતિઓનું જ્ઞાન પણ તેમણે સીધું સંપાદન કર્યું હતું. ખચિત, આ કાર્ય માટે તેઓ જ નિર્માયા હતા. પોતાનાં કરોડો ભૂખ્યાંદુ :ખ્યાં દેશબાંધવો માટે તેમનો મહાન પ્રેમ સૌથી ઉપર તરી આવતો હતો.

વિશ્વઇતિહાસના પોતાના જ્ઞાને, ઊંડી અને વેધક બુદ્ધિએ અને પ્રત્યક્ષ અનુભવે સ્વામી વિવેકાનંદને બ્રિટિશ સામ્રાજયવાદની સાચી પ્રકૃતિની જે સમજણ આપી હતી તે કમભાગ્યે તેમના જમાનામાં ભારતના નેતાઓમાં ઊગી ન હતી.

અંગ્રેજોના અમલમાં અવારનવાર થતી ભૂલોથી વાકેફગાર હોવા છતાં એ નેતાઓ માનતા કે એ અમલથી લોકોને એકંદરે લાભ છે. એમનામાંના ઘણાને મતે એ અમલ ‘વિધિનિર્મિત’ હતો અને તેથી તેઓ આસાનીથી વફાદારીના સોગંદ લેતા પરંતુ બ્રિટિશ અમલને સ્વામી વિવેકાનંદ શેતાની જ સમજતા. એમનામાં રહેલો સમાજવૈજ્ઞાનિક એવું ઠરાવતો કે (‘રક્ષદેવ તું મહારાજા’ છતાં ) બ્રિટિશ-અમલ ‘ક્ષાત્ર’ નથી, એ અમલ સાદ્યન્ત મૂડીવાદી (વૈશ્ય) છે અને તેનો એક માત્ર આશય નિર્દય શોષણનો છે. નીચેની કાવ્યમય વાણીમાં સ્વામી વિવેકાનંદની અનન્ય સામાજિક-રાજકીય સમજણ આપણને જોવા મળે છે. આપણને ઘણી વાર જે માનવાનું કહેવામાં આવે છે તેમ ઇંગ્લેન્ડની ભારત પરની જીત તે ઈસુની કે બાઇબલની જીત નથી, કે નથી તો એ મોગલોએ કે પઠાણોએ ભારતની કરેલી જીતના જેવી.

પરંતુ ભગવાન ઇસુના બાઇબલના, ભવ્ય મહેલોના, ધરતી ધ્રુજાવતાં લશ્કરોની પડઘાતી કૂચના … રણશિંગાઓ અને નગારાંના અવાજના અને રાજયાસનના આશ્ચર્યકારક ભપકાના નામ પાછળ, આ બધાની પાછળ, ઇંગ્લેન્ડનું ખરું અસ્તિત્વ ડોકાય છે ! એ ઇંગ્લેન્ડ તો એવું છે કે જેનો યુદ્ધધ્વજ કારખાનાનું ધુમાડિયું છે, જેનું લશ્કર વેપારીઓ છે, જગતના બજાર જેનાં રણક્ષેત્રો છે અને સુવર્ણમંડિત ભાગ્યલક્ષ્મી જેની સામ્રાજ્ઞી છે.

પછીથી જે કોંગ્રેસે રાષ્ટ્રીયસંગ્રામનો મોરચો સંભાળ્યો, તે સ્વામી વિવેકાનંદના સમયની કોંગ્રેસ ન હતી. પરોક્ષપણે પરંતુ ચોક્કસપણે સ્વામી વિવેકાનંદે કોંગ્રેસનો રાહ બદલવામાં અસર કરી હતી. કોંગ્રેસની ભિખારી નીતિનો સ્વામી વિવેકાનંદે વિરોધ કર્યો હતો; પોતાના બૌદ્ધિકતાના અને દુન્યવી ચડિયાતાપણાના ઊંચા આસનેથી ધરતીની તળ સપાટીએ આવવા અને અધમમાં અધમ ગણાતા સાથે ભળવા તથા તેમનાં દુ :ખોમાં સહભાગી થવા રાષ્ટ્રવાદીઓને તેમણે ભારપૂર્વક કહ્યું હતું. માનવ-ઘડતરના શિક્ષણ દ્વારા પોતાનાં અંતરને વ્યવસ્થિત કરવા પ્રેરણા આપી હતી. પછીની કોંગ્રેસે એમના સમગ્ર કાર્યક્રમનો લગભગ સ્વીકાર કર્યો હતો.
સ્વામી વિવેકાનંદની પ્રેરણાની સીધી અસર જેને લાગી, તેવી પ્રથમ રાજકીય ચળવળ સ્વદેશીની હતી; એમના નિર્વાણ પછી માત્ર ત્રણ વર્ષમાં એ અસ્તિત્વમાં આવી હતી. બંગાળની આ સ્વદેશી ચળવળે સમગ્ર ભારતના સ્વાતંત્ર્ય-આંદોલનનું રૂપ લીધું હતું તેનો સ્વીકાર બધા સમકાલીન નેતાઓએ કર્યો હતો. સરકારનાં ખાનગી કાગળિયાં પણ એ જ વાત કહે છે. પોતાની નીતિરીતિમાં આ આંદોલન ગાંધીઆંદોલનનું પુરોગામી હતું. એ આંદોલનના ‘નિષ્ક્રિય પ્રતિકાર અને બહિષ્કારે’ ગાંધીપ્રેરિત અસહકારનો તેમજ એ ‘સ્વદેશી’ એ ચરખાની ફિલસૂફીનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. એણે કોંગ્રેસને સરકાર સાથેના સીધા સંપર્ક તરફ ધકેલી હતી. એણે કોંગ્રેસમાં ઉદ્દામવાદી તત્ત્વને જન્મ આપ્યો હતો, જેને પરિણામે મવાલો એ પક્ષ છોડી ગયા હતા. જો કે જે વહેલી શરૂ થઈ હતી તે ક્રાંતિકારક પ્રવૃત્તિને આ કાળ દરમિયાન જરા જોશ પ્રાપ્ર થયું હતું. ગાંધીજીએ કંઈ અમસ્તું જ નહીં કહેલું કે, ‘બંગાળના ભાગલા બ્રિટિશ સલ્નતને ભાંગનાર બન્યા.’

મવાલો, ઉદ્દામો, વિપ્લવવાદીઓ, ગાંધીવાદીઓ- આંદોલનના બધા પક્ષકારો- ઉપર સ્વામી વિવેકાનંદની અસર વર્તાતી હતી.

મવાલો : ઉદાહરણ તરીકે એ સમયના બે મહાન મવાલ નેતાઓ સુરેન્દ્રનાથ બેનર્જી અને ગોપાલકૃષ્ણ ગોખલેએ કરેલી સ્વામી વિવેકાનંદની સમીક્ષાઓ જોઈએ : પોતાના ‘બેંગાલી’ના ર૯ એપ્રિલ ૧૯૧૩ના તંત્રીલેખમાં સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રનું અવલોકન કરતાં સુરેન્દ્રનાથે ‘દેશના મહાપુરુષોનો ઇતિહાસ એ દેશનો ઇતિહાસ છે’ એ કાર્બાઈલના શબ્દો ટાંક્યા હતા, અને પછી તત્કાલીન ભારતના મહાપુરુષો તરીકે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કર્યો હતો. તેમને ‘શિક્ષિત ભારતના… આધ્યાત્મિક ગુરુઓ’ કહ્યા પછી સુરેન્દ્રનાથે ઉમેર્યું હતું કે ‘સ્વામી વિવેકાનંદ કંઈક… વિશેષ હતા… શબ્દના સાચા અર્થમાં તેઓ સ્વદેશભક્ત હતા.’

‘ઇંડિયન સોશ્યલ રિફોર્મર’ના ખ્યાતનામ તંત્રી કામાક્ષી નટરાજન્ પાસેથી આપણને જાણવા મળ્યું છે કે સ્વામી વિવેકાનંદની અસર હેઠળ ગોખલેના ધાર્મિક વિચારોમાં પરિવર્તન આવ્યું હતું. ગોખલેની સામાજિક વિચારણા, ખાસ કરીને આમજનતાના ઉત્કર્ષ ઉપર તેમનો ભાર સ્વામી વિવેકાનંદથી પ્રેરાયેલાં હતાં એમ માનવાને કારણ છે.

ઉદ્દામો : સ્વદેશી આંદોલનના કાળનું ઉદ્દામવાદી જૂથ (એ લોકો પોતાને રાષ્ટ્રવાદી તરીકે ઓળખાવતા)ના નેતા હતા બાળ ગંગાધર ટિળક. આપણે જાણીએ છીએ કે તેમનો સ્વામી વિવેકાનંદ સાથે સીધો પરિચય હતો. ટિળકના સામાજિક અને ધાર્મિક વિચારો સ્વામી વિવેકાનંદની અસર હેઠળ આવા હતા. અત્યંત આવશ્યક એવી રાષ્ટ્રીય ચેતનાને જગાડનાર એ યુગના મહામાનવ તરીકે ટિળક સ્વામી વિવેકાનંદને ગણતા હતા.

સ્વામી વિવેકાનંદના કાર્યને શંકરાચાર્યના કાર્ય સાથે સરખાવતાં તે સંકોચ અનુભવતા ન હતા. એ બન્ને બેલુરમાં મળ્યા હતા ત્યારે દુશ્મનો સામે આવે ત્યારે ‘વિનાશાત્મક પદ્ધતિઓ’ પણ અપનાવવાનો અનુરોધ સ્વામી વિવેકાનંદે ટિળકને કર્યો હતો એમ આપણને વિનાયક વિષ્ણુ રાનડેનાં સંસ્મરણોમાંથી જાણવા મળે છે. ટિળકનું સામયિક ‘મરાઠા’ સ્વામી વિવેકાનંદને ‘ભારતીય રાષ્ટ્રીયતાના પિતા’ ગણતું.

૧૪ જાન્યુઆરી, ૧૯૧૨ના દિને એણે લખ્યું હતું : ‘ભારતીય રાષ્ટ્રીયતાના સાચા પિતા સ્વામી વિવેકાનંદ છે… અર્વાચીન ભારતના આ પિતા માટે દરેક ભારતીયજન ગૌરવ અનુભવે છે.’

સ્વદેશી-યુગના સૌથી મહાન વક્તા બિપીનચંદ્ર પાલે-(શ્રીઅરવિંદને મતે જેમનાં વાખ્યાનો જ્વાલાઓ જેવાં હતાં તેમણે) અૅની બેસંટના પત્ર ‘કાૅમનવીલ’માં ૧૮ ઓગસ્ટ, ૧૯૧૬ના રોજ લખ્યું હતું કે ‘આપણી અર્વાચીન રાષ્ટ્રીયતાના સૌથી મહાન ઉપદેશક અને પયગમ્બરના પદના અધિકારી સ્વામી વિવેકાનંદ જ છે. આપણી માતૃભૂમિ અને સંસ્કૃતિ માટે જ્વલંત ભાવનાની જ્યોત જગાવનાર પ્રથમ પુરુષ એ હતા અને એ સ્વદેશ પ્રીતિની ઊંડી સંવેદના આગલા દાયકાના રાષ્ટ્રીય પ્રચારમાં આંવી મૂર્તરૂપે પ્રગટ થઈ હતી.’            (સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન-ભારતવર્ષ પુસ્તકમાંથી)

Total Views: 422

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.