ઉપરના વિવરણથી ફણીશ્વરનાથ રેણુના સાહિત્યમાં તેમના જીવનદર્શનની જાણ થાય છે. ફણીશ્વરના “શ્રુત-અશ્રુતપૂર્વ” નામક ગ્રંથમાંથી “રસકે બસમેં ચાર રાતે” નામક તેમની રચનાના કેટલાક અંશો હવે હું ઉદ્ધૃત કરીશ. એ રચનામાં તેમણે શ્રીરામકૃષ્ણનાં દિવ્ય દર્શનનું વર્ણન કરેલ છે. આ અંશો જાણે એક પ્રતિભાસંપન્ન લેખકના આંતરિક જીવનમાં થયેલ ક્રાંતિકારી પરિવર્તનની કથા છે.

હૉસ્પિટલના તે મહત્ત્વપૂર્ણ દિવસોની વાતો વારંવાર યાદ આવે છે. એ ક્ષણ કે જ્યારે મેં ભાવવિહ્‌વળ થઈને શ્રીરામકૃષ્ણના જેવી જ એક મૂર્તિને મારી સાથે વાતો કરતાં જોઈ હતી. ત્યાર પહેલાં શ્રીરામકૃષ્ણની છબી જોઈને મારા મનમાં કદી ભક્તિભાવ પેદા થયો નહોતો. પરંતુ અશ્રદ્ધાના ભાવો જ આવતા હતા. હું તેમના વિશે કંઈ જાણતો પણ નહોતો. કંઈ જાણવાની કદી ઇચ્છા પણ નહોતી થઈ. વિવેકાનંદ તેમના શિષ્ય હતા, પરંતુ તેમણે શું કહ્યું અને કર્યું, એ બધું ન જાણવા છતાંય તેમના તરફ મારા મનમાં એક વેરની ભાવના હતી. કારણ કે માર્કસવાદીઓ હંમેશાં ધાર્મિક લોકોને અફીણ ખાનારા જ સમજે છે.

બાલદીઓ ભરીને લોહીની ઊલટીઓ કરતો હું એ સમયે નિસ્તેજ જેવો થઈ ગયો હતો. એ દિવસે અમારા વૉર્ડમાં અડધો ડઝન કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં. પંખો બંધ હતા અને નળમાં પાણી પણ નહોતું. મારી જીભ ઉપર થૂંક લોટની જેમ ચીટકી ગયું હતું. જાણે કે શ્વાસ થંભી જતો હતો. હું ફેફસાંનો દરદી રહ્યો એટલે અંત સમય સુધી હોશમાં હતો. વૉર્ડમાં પાણી ન હોવાથી હાહાકાર થઈ ગયો હતો. મને રહી-રહીને ઊંઘ આવતી હતી. દુર્ગંધને કારણે એ સ્થાન જાણે કે નરકાગાર બની ગયું હતું. અચાનક આંખો ખોલીને જોયું તો મારી ઉપર એક છાયા ઝૂકેલી હતી, જે એ સમયે જ પાછળ હટી ગઈ. કદાચ મને ‘અસહાય મૃત્યુપથગામી રોગી’ સમજીને કોઈક ચંડાળ ચકરાવા લઈ રહ્યો છે! મૃત્યુ થતાં જ લાશ પર એ કબજો જમાવી લેશે. તે જોઈ રહ્યો હતો કે મારા શ્વાસોચ્છવાસ ચાલે છે કે નહીં. મને જિવિત જોઈને તે દૂર જઈને ઊભો રહ્યો. તકિયાની નીચે રાખેલ ઘડિયાળ અને કલમને મેં ફંફોસી જોયાં. કદાચ હાથ તકિયાની નીચે જ રહી ગયો. મને ઊંઘ આવવા લાગી. પરંતુ જાગતા રહેવાની કોશિશ કરવા લાગ્યો.

એટલામાં જ એક દાઢીવાળો પાગલ કે નશાખોર ધુમાડા ઉડાડતો મારી પાસે આવ્યો. ત્યાર બાદ તેણે હું શા માટે રડી રહ્યો છું, તેમ પૂછ્યું. ફરીથી હસતાં-હસતાં તેણે બંગાળીમાં કહ્યું – ‘અરે સાલા, શું રડે છે?’ મેં કહ્યું કે, ‘મારે કામ કરવું હતું પરંતુ કરી શક્યો નહીં. હું પડી રહેવા નથી માગતો.’ દાઢીવાળાએ મારી ઠેકડી ઉડાડતાં ગંભીર સ્વરમાં કહ્યું – ‘દેશનો ઉદ્ધાર તો કરી જ દીધો. હવે તારે શું જોઈએ છે? સાલા, દેશસેવકોને કારણે…. તારી પાસે તો સોનાની કલમ છે!’ ‘હા છે, પાર્કર ફીફ્ટી વન’ મેં શરમાઈને જવાબ આપ્યો. આ સાંભળીને દાઢીવાળાએ કહ્યું – ‘આ સોનાની કલમથી તું શું લખ્યા કરે છે? કોઈ દિવસ તેં મારું નામ પણ લખ્યું છે? જા સાલા, તને કંઈ નથી ખબર પડતી. હા – હા – હા – જા સાલા, તને કોઈ માંદગી નથી. હવે તને ઠીક છે. તું રોગી નથી. હવે તું સ્વસ્થ છો. ઊઠ, ઊભો થઈ જા.’

આંખો ખોલીને જોયું તો વૉર્ડ અને પરસાળમાં સૂર્યનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. મનમાં એમ થયું કે મને ઠીક થતું જાય છે, દોઢ વર્ષથી જે તાવ આવતો હતો તે આજે પહેલી વાર દોઢ ડિગ્રી ઓછો થઈ ગયો હતો. ડોક્ટર હર્ડ સાહેબ આવ્યા – સંકટની રાત ટળી ગઈ.

‘હોસ્પિટલમાંથી રજા મળતાં જ બીજે દિવસે હું પુસ્તકોની એક દુકાનમાં ગયો. બંગાળી પુસ્તકોમાંથી એક પુસ્તકે મને આકર્ષી લીધો. ‘પરમ પુરુષ શ્રીરામકૃષ્ણ’ -જેના લેખક હતા અચિન્ત્યકુમાર સેનગુપ્ત. મુખપૃષ્ઠની રચના સત્યજિત રાયની કરેલી હતી. પુસ્તક માંહેનાં ચિત્રો જોઈને હું ઉત્તેજિત થઈ ગયો. આ તો-તો-તો-તો- છ – સાત માસ પૂર્વે પેલા મહત્ત્વપૂર્ણ દિવસની પેલી સામે જોયેલી તે જ મૂર્તિ.’

‘બસ, મેં શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદનું સાહિત્ય વાંચવાનું શરૂ કરી દીધું. એમ જાણે કે ઘણા સમયથી ભૂખી વ્યક્તિને ભોજન મળી ગયું. વારંવાર વાંચવા છતાં પણ તરસ છીપતી નહોતી.’

‘શ્રીરામકૃષ્ણની છબી સામે બેસીને મેં મારી પ્રથમ નવલકથા લખવાની શરૂઆત કરી. પાંડુલિપિ પર સૌ પ્રથમ ‘ૐ નમો ભગવતે શ્રીરામકૃષ્ણાય નમ:’ લખવા ધાર્યું. હજુ જ્યાં લખવા જતો હતો કે તરત જ ઠાકુર બોલી ઊઠ્યા : ‘અરે, આ શું? સોનાની કલમથી તું પુસ્તક લખીશ! અને મારું નામ લખીશ? અરે ઓ બેવકૂફ! પ્રારંભમાં ગણેશનું નામ લખવું જોઈએ. મને શું સૂંઢ છે કે હું ગણેશ થઈ શકું? જા, સાલા, તને જે ગમે તે લખ.’ ત્યારે મેં શ્રીગણેશ ન લખતાં ફક્ત ગણેશ લખ્યું અને પછી તરત જ નવલકથા લખવાનું શરૂ કર્યું.’

શ્રીરામકૃષ્ણે કહયું હતું – ‘મા, મને નીરસ સંન્યાસી ન બનાવજે. મને ભાવપૂર્ણ રાખજે.’ જો શ્રીરામકૃષ્ણ મનોહર ભાવમાં ન રહેત અને તેઓ નીરસ સંન્યાસી બની જાત તો મને લાગે છે કે આજે કેટલીયે વ્યક્તિઓ ગીત ન ગાઈ શકત, નાટક ન કરી શકત, ચિત્ર ન બનાવી શકત અને ન તો તેમના જીવનમાં આનંદ હોત.

ફણીશ્વરનાથ રેણુના આ અલૌકિક રામકૃષ્ણદર્શનનો એક આધ્યાત્મિક પક્ષ છે. આ ઘટના ઈતિહાસના દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે. આ દર્શનને કારણે એક પ્રભાવશાળી લેખકના અંત:કરણમાં એક ઊંડો પ્રભાવ પડ્યો, જેની સ્પષ્ટ ઝલક તેમના સાહિત્યમાં દેખાઈ છે.

ફણીશ્વરજીનાં સંસ્મરણોથી જાણવા મળે છે કે પટણા રામકૃષ્ણ મિશનના વિદ્યાર્થીનિવાસના કાર્યક્રમોથી તેઓ ઘણા પ્રભાવિત થતા. “કિતને ચૌરાહે” નામની નવલકથામાં તેમણે વિદ્યાર્થીનિવાસ સંબંધી પ્રસંગોનો વિશેષ રૂપે ઉલ્લેખ કર્યો છે કે જે એ સમયે દેશવાસીઓમાં પ્રાણતરંગ પ્રવાહિત કરતો હતો. આ તરંગની અંતર્ધારાના રૂપમાં તેમણે વિવેકાનંદની સેવા અને સર્વસ્વના ત્યાગના આદર્શોને દેખાડ્યા. આ નવલકથામાં દરેક જગ્યાએ સ્વામીજીનો ભાવ અને ચિંતન વેરાયેલાં દેખાય છે. વિવેકાનંદનાં જીવન અને સાહિત્યનો અનુરાગી પાઠક તેમના આ ચારિત્ર્યબળ અને સેવાનાં દર્શન દ્વારા જરૂર પ્રભાવિત થશે.

ફણીશ્વરજીએ પોતાની કેટલીયે નવલકથાઓમાં શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદની ચર્ચા કરી છે. જેમ કે “પલ્ટૂ બાબૂ રોડ” તથા “ૠણ જલ ધન જલ” જેમાંની “ઋણ જલ ધન જલ” તો શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના પ્રસંગોથી ઓતપ્રોત છે. બિહારના ૧૯૬૬ના દુષ્કાળ અને ૧૯૭૫ના પૂરની પૃષ્ઠભૂમિ પર આ નવલકથા લખાયેલી છે. દુષ્કાળના સૂત્રરૂપે સ્મરણ કરવામાં આવ્યું – તીર્થયાત્રાને રસ્તે પીડિત લોકોમાં પેલું શ્રીરામકૃષ્ણનું અવસ્થાન તેમના સત્યાગ્રહની કથા – “પહેલાં આ લોકોને ભરપેટ જમાડો – પોતાની કાશી અને ગંગાને રહેવા દો – હું તીર્થ કરવા નહીં જાઉં. આ લોકોને ભરપેટ જમાડો. એ જ શિવ છે, એ જ નારાયણ છે.”

આતંક સમયે પણ નિર્ભય થઈને અડીખમ ઊભા રહેવાનું સાહસ રેણુજીમાં હતું. એ જ કારણે જનવિપ્લવના આહ્‌વાનનો તેમણે નીડર થઈને સ્વીકાર કર્યો. જયપ્રકાશ નારાયણના આંદોલનમાં યોગદાન કર્યા બાદ “જનજાગરણમાં સાહિત્યકારની ભૂમિકા” નામક નિબંધમાં તેમણે લખ્યું, “જે લોકો એમ કહે છે કે આ આંદોલનની પાછળ જનરોધ અથવા રાષ્ટ્રીય સ્વયમ્ સેવક સંઘના લોકો છે તેઓ સાંભળી લે કે આ લોકો સિવાય ફણીશ્વરનાથ રેણુ નામક શ્રીરામકૃષ્ણના ભક્ત પણ આ આંદોલનમાં છે. તે દૃઢતાપૂર્વક એમ માને છે કે આ દેશમાં ગાંધી પહેલાં પણ શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદ થઈ ગયા. તેમના જેવા ક્રાંતિકારી બીજા કોઈ હજુ સુધી થયા નથી. જે દરિદ્રનારાયણની સેવાને જ સત્યની પૂજા માને છે તેમને કોણ પ્રતિક્રિયાવાદી કહેશે? હું જાણું છું કે શ્રીરામકૃષ્ણ પરમહંસે માર્ક્સથી જુદું જ કંઈ કહ્યું નથી પરંતુ તેનાથી પણ વધારે કંઈક કહ્યું છે, જે આજે સમયના ગર્ભમાં સત્ય પ્રમાણિત થઈ રહ્યું છે.”

પરમ સત્ય પર અણનમ રહેવાની શક્તિ રેણુજીએ શ્રીરામકૃષ્ણ પાસેથી પ્રાપ્ત કરી હતી. “ૠણ જલ ધન જલ” નવલકથા દ્વારા તેની પ્રતીતિ થાય છે. જીવનમાં ફક્ત મૃત્યુ અને સંઘર્ષ નથી-સર્જન પણ છે. સમાજને માટે સૂકી ધરતીને પલ્લવિત કરવા માટે તે રચના પણ કરે છે. સમાજને માનવોચિત બનાવવો અને માનવને સામાજિક બનાવવો એ મુક્તિ માટેનો એકમાત્ર રસ્તો છે. આજે મનુષ્ય ફક્ત યંત્રો જ ચલાવે છે. આ ટેકનોલોજીના જમાનામાં આપણે જીવનને માણવાની ટેકનોલોજી જ ખોઈ બેઠા છીએ.

વિશ્વાસ-અવિશ્વાસ, આશા-નિરાશા, સફલતા વિફલતા અગણિત તરંગોમાં પડતાં – આખડતાં ફણીશ્વરજીના અંત:કરણનો ચિત્કાર જ્યારે લોહીની ઊલટીઓ કરતાં કરતાં સ્થગિત થવા જતો હતો એ જ ક્ષણે તેમને પ્રાપ્ત થયા હતા શ્રીરામકૃષ્ણ, જેમણે તેમને જીવનરૂપી આડી અવળી નદીનો સંપૂર્ણ નકશો બતાવી દીધો હતો. એ શાશ્વત નાવિક તરફ ધ્યાન રાખીને જ ફણીશ્વરજી છેલ્લી ઘડી સુધી પોતાનાં હલેસાં મારતા રહ્યા. શ્રીમતી લતિકા રેણુની સંસ્મૃતિને આધારે તેમના જીવનની અંતિમ ક્ષણોનું જે વિવરણ પ્રાપ્ત થયું છે તે આ પ્રમાણે છે :

‘શરીર પ્રત્યે તેઓ ઘણા જ બેદરકાર હતા. “પીવાની” ટેવ તો હતી જ. સતત સિગારેટ પીતા હતા. પરંતુ છેલ્લા દિવસોમાં સિગારેટ છોડી દીધી હતી. પેટમાં ઘણો દુખાવો રહેતો હતો. ૧૯૭૬ના ઑક્ટોબર મહિનામાં તેઓએ કહ્યું હતું – ‘કદાચ મને કેન્સર થઈ ગયું છે.’ મેં કહ્યું – ‘અરે, તમે મોટા માણસ છો. મોટા મોટા રોગ સિવાય બીજું કંઈ વિચારી શકતા નથી; એટલે જ કેન્સરની વાત કરો છો.’ તેમણે કહ્યું, ‘ના, એમ વાત નથી. ઠાકુરને કેન્સર થયું હતું – મને પણ થશે.’

‘સારવાર કરનાર લોકો સમજી ન શક્યા કે તેમને કેન્સર થયું છે. તેઓએ તો પેપ્ટિક અલ્સર છે એમ કહ્યું અને ઑપરેશન કરાવવા માટે કહેતા હતા. મેં પણ કહ્યું, ‘આટલી યાતના સહન કરો છો તો ઑપરેશન કરાવી લો. તકલીફ દૂર થઈ જશે.’ તેઓ ઑપરેશન માટે તૈયાર નહોતા. કહેતા હતા કે ઑપરેશન પછી તેઓ વિદાય થઈ જશે. સમાધિ થઈ જશે.’

‘ચિકિત્સકોએ પેટ પર કાપો મૂકતાં જ જોયું કે – કેન્સર! તરત જ પેટ સીવી લીધું. કેન્સર ફેલાઈ ગયું હતું. કોણ જાણે તેમણે કેવી રીતે ત્રણ વરસ સુધી આ પીડાને સહન કરી હશે! તેમનામાં આત્મસંયમ ઘણો હતો. ઑપરેશન પછી ભાનમાં ન આવ્યા. ઓગણીસ દિવસ પછી દેહ છોડી દીધો.’

રવીન્દ્ર ભારતીનો પરિચય રેણુજીને અંતિમ દિવસોમાં થયો હતો. ઈ. સ. ૧૯૭૮ની ‘કૃતિવાસ’ પત્રિકાના પ્રસ્થાન પ્રસંગમાં રેણુજીના ઑપરેશન વિશે તેમણે લખ્યું છે :

‘તા. ૨૪મીની સવારે આઠ વાગ્યે જઈને જોયું તો ઑપરેશનની તૈયારી થતી હતી. પોતાના તકિયા પાસેથી શ્રીરામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદની છબીઓને લઈને રેણુજીએ તેમના માથા પર સ્પર્શ કર્યો અને પછી છાતી પર લગાડી. સ્ટ્રેચર આવ્યું એટલે પછી તેના પર સૂઈ ગયા. હાથ જોડીને કહ્યું – ‘હવે હું જઈ રહ્યો છું.’

ઑપરેશન બાદ ઓગણીસ દિવસ બેભાન રહ્યા પછી રેણુજીનું મૃત્યુ થયું.

આંતરિક ચેતના સમયે શ્રીરામકૃષ્ણ સાથે તેમને કોઈ વાર્તાલાપ થયો હતો? જાગૃત – ચેતના વખતે શ્રીરામકૃષ્ણ સાથેના વાર્તાલાપના અનેક સંવાદો રેણુજી લખી ગયા છે, પરંતુ આ અર્ધચેતનાવસ્થાના વાર્તાલાપોની બાબતમાં કોઈ સંદેશો તેમણે આપ્યો નથી. કોઈ મળવાનો સંભવ પણ નથી. એ સમયે તો વાણીથી પર એવો સેતુ બંધાઈ ગયો હશે.

ભાષાંતર : શ્રીમતી પુષ્પા પંડ્યા

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.