ગતાંકથી આગળ

પ્રથમ અધ્યાય – મિહિજામમાં શ્રી ‘મ’

ઋતુરાજ વસંતે પૃથ્વી પર આગમન કર્યું છે. ભ્રમરવૃન્દ પુષ્પમધુના આહરણમાં મગ્ન છે. આ જ શુભ-ક્ષણમાં શ્રી શ્રી રામકૃષ્ણ કથામૃતના ભંડારી શ્રી ‘મ’ મિહિજામમાં નિવાસ કરી રહ્યા છે. સાથે જગબંધુ અને વિનય વગેરે ઘણા બ્રહ્મચારીઓ છે. ભક્ત-ભ્રમરવૃન્દને અમૃતનું સંધાન પ્રાપ્ત થયું છે, માટે તેઓ અહીં આવતા જતા રહે છે.

શ્રી ‘મ’ ની પર્ણકુટીર નિર્જનમાં આવેલી છે. થોડે જ દૂર ઈંટોના પાકા ઘરમાં બ્રહ્મચારીઓ રહે છે. કુટીરના બે ઓરડા છે. એકમાં શ્રી ‘મ’ રહે છે અને બીજો છે ભંડાર-ઘર, જેમાં ક્યારેક કોઈ રહે છે પણ ખરું. પૂર્વ બાજુના વરંડામાં બંને તરફ બે નાના નાના ઓરડાઓ છે. એક રસોડું અને બીજું સ્નાનઘર. ભક્તો જ્યારે આવે છે ત્યારે તેઓ પાકા ઘરમાં રહે છે. કુટીર પૂર્વમુખી, દક્ષિણમાં છે ગુલાબ વગેરે ફૂલના છોડ અને કેરી વગેરે ફળોનો બગીચો. કુટીરની સામે છે એક જાંબુનું વૃક્ષ જેની ચારેય બાજુ ઈંટોની એક ગોળ વેદિકા બનેલી છે. એના પર બેસીને શ્રી ‘મ’ ભક્તો સાથે ભાગવત પઠન, શ્રવણ અને કીર્તન કરે છે. થોડે દૂર મેદાનમાં ઉત્તર દિશા તરફ એક પીપળાનું વૃક્ષ છે, એની નીચે બેસીને શ્રી ‘મ’ ધ્યાન કરે છે અને ભક્તો સાથે ક્યારેક પવિત્ર ધૂણી રચીને ઈશ્વરના ધ્યાનમાં મગ્ન થઈ જાય છે.

વિશ્રામ-લાભ અને નિર્જનમાં ઈશ્વર-ચિંતન, આ બંને કારણોથી શ્રી ‘મ’ નું મિહિજામમાં આગમન થયું છે. આ જ ઉપલક્ષ્યથી થોડાક ભક્તોના ધર્મજીવનનો પાયો સુપ્રતિષ્ઠિત થયો છે. ભક્તગણ, ડાૅકટર કાર્તિક, ચંદ્ર બક્ષી વગેરે વચ્ચે વચ્ચે કલકત્તાથી આવીને એક-બે દિવસ ઈશ્વરચિંતન કરીને પાછા ચાલ્યા જાય છે. બેલુર મઠના સ્વામી વિશ્વાનંદ, રાઘવાનંદ વગેરે સંન્યાસી પણ ક્યારેક ક્યારેક આવે છે.

શ્રી રામકૃષ્ણજીનો ઉપદેશ છે કે ‘ભક્તોએ ક્યારેક ક્યારેક નિર્જનવાસ કરવો ઉચિત છે.’ ગુરુદેવના આ ઉપદેશનું શ્રી ‘મ’ એ આજીવન પાલન કર્યું. આ સમયે મિહિજામ-આગમનનું અન્યતમ કારણ આ પણ છે. બીજાં પણ અનેક કારણો છે. થોડા દિવસોમાં જ શ્રી રામકૃષ્ણ પરિવારના કેટલાયે મણિઓ એક પછી એક લુપ્ત થઈ ગયા. પહેલાં ગયા શ્રી રામકૃષ્ણનું અદ્‌ભુત-સંતાન મહાયોગી સ્વામી અદ્‌ભુતાનંદ (લાટુ), પછી અંતર્ધ્યાન થઈ ગયાં શ્રી શ્રી મા, સંઘનાં પ્રાણ-સ્વરૂપિણી જગજ્જનની. પછી થોડા કાળના અંતરે શ્રી રામકૃષ્ણ ગગનનાં બીજા બે નક્ષત્ર કક્ષચ્યુત થયાં. એક, ઠાકુરના માનસપુત્ર અધ્યાત્મ-સ્તંભ સ્વામી બ્રહ્માનંદજી (રાખાલ); બીજા, તપોમૂર્તિ શુકદેવ તુલ્ય સ્વામી તુરીયાનંદજી (હરિ).

શ્રી શ્રી શારદા માના દેહત્યાગ પછી તો સિત્તેર

વર્ષીય શ્રી ‘મ’ એ માતૃહીન બાળકની માફક જ શરીર ધારણ કરેલું છે. ક્યારેક ક્યારેક આક્ષેપભર્યા પોતાના મનમાં કહે છે- ‘દીર્ઘકાળ સુધી અમારી રક્ષા કરી એ મા જ ચાલ્યાં ગયાં. ઠાકુર આપણને મળ્યા માત્ર પાંચ વર્ષ, પરંતુ માએ પાંત્રીસ વર્ષો સુધી અમારું લાલન-પાલન કર્યું, તે જ ચાલ્યાં ગયાં.’ આ ઘટનાઓની પરંપરાથી શ્રી ‘મ’ નું શરીર, મન જાણે તૂટી ગયું છે. આરામની જરૂર હતી, એટલે મિહિજામમાં આગમન થયું.

મિહિજામમાં હજી હમણાં જ વિદ્યાપીઠની સ્થાપના થઈ છે, કેટલાય નિ :સંબલ સાધુ બ્રહ્મચારીઓ દ્વારા. એમના જ અધ્યક્ષ સાધુ બ્રહ્મચારીઓ દ્વારા. એમના જ અધ્યક્ષ બ્રહ્મચારી વિદ્યા-ચૈતન્ય (પછીથી સ્વામી સદ્ભાવાનંદ)ના સાદર અને સશ્રદ્ધ નિમંત્રણ પર શ્રી ‘મ’ અહીંયાં આવ્યા છે. અહીં જ શિશુ-શિક્ષાસંસ્થા પ્રવીણ શિક્ષાવ્રતી શ્રી ‘મ’ ના સ્નેહોપદેશ દ્વારા વિકસિત થઈ. બે-ત્રણ બાળકોને લઈને આ વિદ્યાપીઠના કાર્યનો આરંભ થયો. આ બ્રહ્મચારીગણ જ એક આધારમાં એમના શિક્ષક, બંધુ તથા માતા હતા. વૃક્ષ નીચે ભૂમિ પર બેસીને બાળકો ભણતા અને એક અવાવરુ ભાંગ્યા-તૂટ્યા ઘરમાં સાધુઓ સાથે રહેતા. શ્રીરામકૃષ્ણના અન્યતમ અંતરંગ પાર્ષદ શ્રી ‘મ’ એ પહેલાં આ આશ્રમમાં જ થોડા દિવસ નિવાસ કર્યો હતો. આ જ વર્તમાન દેવઘર શ્રી રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠનો પાયો છે.

શ્રી ‘મ’ ને આ સમયે બ્રહ્મચારી અને ભક્તો સાથે નિવાસ કરતા જોઈને સતત પ્રાચીન વૈદિક યુગના શિષ્યો સહિત ઋષિગણ-સેવિત તપોવનની વાત મનમાં આવે છે. ભૃગુ, પિપ્લાદ અથવા આરુણિ ઋષિ જાણે શરીર ધારણ કરીને ફરી અહીંયાં આવ્યા છે. ભક્તોમાંથી કોઈ કોઈ આ રીતે તપોવનમાં ઋષિ-સંગવાસ કરવાની ઇચ્છા બાળપણથી પોષતા આવી રહ્યા છે.

આ આશ્રમમાં કોઈ નોકર નથી. બ્રહ્મચારીગણ પ્રાચીન તપોવનના આદર્શની જેમ બધાં કાર્યો પોતાના હાથે જ પૂરાં કરે છે. વર્તમાન સભ્ય-જગતનાં કોઈ પણ સાધનો લગભગ અહીંયાં દેખાતાં નથી. રાંધવા માટે માટીનાં વાસણ તથા ભોજન માટે પત્રાવળાં, પથારી પણ જમીન પર સાધારણ ધાબળાની. ઉંમરના કારણે માત્ર શ્રી ‘મ’ માટે એક પલંગ તથા એક-બે થાળી- વાટકા છે. આહારમાં દાળ-ભાત. શ્રી ‘મ’ સ્વયં દિવસે દૂધ-ભાત, રાત્રે દૂધ-રોટલી ખાય છે. બ્રહ્મચારીગણ ભાત અને બાફેલી મગની દાળમાં જરાક હળદર, ચપટી મીઠું નાખીને ખાય છે. ગાયનું ઘી ચમચો ચમચો બધાય લે છે. કલકત્તાથી ભક્તગણ વિવિધ ભોજનદ્રવ્યોનું પાર્સલ સેવામાં મોકલે છે. પરંતુ શ્રી ‘મ’ આ બધું બ્રહ્મચારીઓ દ્વારા આજુબાજુનાં ઘરોમાં વહેંચાવી દે છે. ગરીબ સંંથાલ બાળક્-બાલિકાઓ પણ આમાંથી થોડુંક મેળવે છે. શ્રી ‘મ’ કહે છે, ‘અહીંયાં તપસ્યા માટે આગમન છે. Life simplify – જીવનયાત્રા સહજ કર્યા વિના તપસ્યા થાય નહીં. અભાવબોધ જેટલો ઓછો હોય એટલો જ ઈશ્વરીય આનંદ વધારે હોય. Plain living and high thinking ભારતના ઋષિઓના આ આદર્શના કારણે જ ભારતની સનાતન સભ્યતા આજે પણ કેટલીય વિઘ્ન-બાધાઓ છતાં પોતાનું મસ્તક ઉન્નત રાખી ઊભેલી છે.

આ આશ્રમમાં સમય નિર્ણાયક-ઘડિયાળ પણ રાખવા નથી દેતા. શ્રી ‘મ’ કહે છે પ્રાચીનકાળમાં ઋષિ સૂર્યના અવલંબનથી દિવસનો આખો કાર્યક્રમ બનાવી લેતા હતા. રાત્રે ધ્રુવતારો ઘડિયાળનું કામ કરતો હતો. અહીંયાં રેલગાડીની આવનજાવન ઘડિયાળનું કામ કરે છે. આશ્રમનાં બધાં કાર્યોના શ્રી ‘મ’ એ વિભાગ પાડી આપ્યા છે. તેઓ કહે છે સ્નાન-આહાર વગેરે કાર્ય અતિ ઝડપથી પૂરાં કરીને ઈશ્વરચિંતન કરો. દિવસે અગિયાર વાગ્યા સુધીમાં અને રાત્રે નવ વાગ્યા સુધીમાં ભોજન પૂરું કરી લેવામાં આવે છે. શ્રી ‘મ’ સ્વયં બ્રહ્મચારીઓને ઉપનિષદ, ગીતા, ચંડી, ભાગવત તથા શ્રીરામકૃષ્ણ કથામૃત રોજ નિર્દિષ્ટ સમયે સંભળાવે છે અને તેમને સવારે તથા સાંજે દૂર દૂર એકાંતસ્થાનમાં એકલા ધ્યાન માટે મોકલે છે. ભક્તોમાં કોઈ કોઈ જાણે બાહ્ય જગતને ભૂલીને, સદાય એક આનંદમય ધામમાં નિવાસ કરે છે. મન સદાય ઉચ્ચ ભૂમિ પર સ્વચ્છંદ વિચરણ કરે છે. પવિત્ર ઋષિસંગનું આ જ ફળ છે ! (ક્રમશ 🙂

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.