ગતાંકથી આગળ…

સમગ્ર માનવજાત માટે વેદાંત એક મહાન સત્યની ઘોષણા કરે છે, એટલે તો, એ જાણવાને અને એ અનુસાર જીવવાને જગત આજે આતુર છે. ભૌતિકવિજ્ઞાનોનાં સત્યોના જેવું આ છે; એ વિજ્ઞાનો એક વૈશ્વિક સંદેશ ઉચ્ચારે છે અને આખું જગત ભૌતિક વિજ્ઞાન પાછળ પડે છે; લોકો ઉપર તે લાદવું નથી પડતું. સત્યો હંમેશાં વૈશ્વિક હોય છે. મતો અને વાદોનું ક્ષેત્ર મર્યાદિત હોય છે. અહીં એક ગહન સત્ય ઉચ્ચારાયું છે : श्रृण्वन्तु विश्वे अमृतस्य पुत्राः, ‘મને સાંભળો, ઓ અમૃતનાં સંતાનો !’ દરેક બાળક અમૃતનું સંતાન છે. આ પાવક વિચારો તમારાં બાળકો નાનાં હોય ત્યારે જ એમને આપો એમ સ્વામી વિવેકાનંદ કહે છે. આપણા આધ્યાત્મિક સાહિત્યમાં આવતી કથામાંની રાણી મદાલસા જેવું એ છે. એને બાળક અવતરે પછી એને ઘોડિયામાં પોઢાડીને એ ગાતી, नित्योऽसि, शुद्धोऽसि, निरंजनोऽसि, संसार मायामल वजिर्तोऽसि, ‘તું શા માટે રડે છે, બાળ ? તું શુદ્ધ છો, તું નિત્યમુક્ત છો, તને સંસારનો પાશ લાગ્યો નથી તેથી તેનાથી મુક્ત છો.’ મદાલસાએ પોતાનાં બાળકોને આમ કેળવણી આપી અને સ્વામીજીએ (સ્વા.વિ. ગ્રંથમાળા ભાગ-૪.૧૭૦) તેની ખૂબ પ્રશંસા કરી છે. બાળકને તમે વ્યક્તિ તરીકે આદર આપો; એમાં ગહન પરિમાણ છે. અને સૌથી ગહન પરિમાણ છે આ સત્ય- अमृतस्य पुत्राः એ કેળવણી અને ધર્મ છે કારણ, આવી સમજવાળો ધર્મ સતત શિક્ષણ છે; ઇન્દ્રિયકક્ષાએથી અનુભવ ઇન્દ્રિયેતર કક્ષાએ ચડે છે. ગીતાનો આ ૪૨મો શ્લોક જે તમે સાંભળ્યો તેનો આ આધાર છે :

इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परं मनः।
मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः।।

બુદ્ધિથી ઉપર અને એની પાછળ, તમારો અનંત આત્મા છે. એટલે શંકરાચાર્ય બુદ્ધિને नेदिष्ठं ब्रह्म, ‘બ્રહ્મ (આત્મા)ની સૌથી નિકટ’ કહે છે. માત્ર પાછળ નજર કરો, એ છે ત્યાં. પણ એ પાછળ જોવા માટે યુગોનો સંઘર્ષ કરવો પડે છે; એ સરળ નથી; માટે તો આ બધી શીખ અપાઈ છે. પણ આ બધા બોધમાંથી તરી આવતું સત્ય એ છે કે : તમારા દેહતંત્રનો કોઈ ભાગ ભલે બગડી ગયો હોય, બધી દૂષિતતાથી સદા મુક્ત એવું એક પરિમાણ છે જ. એ છે તમારું સાચું સ્વરૂપ, તમારો આત્મા. નહીં તો પાપી લોકો માટે કશી આશા ન હોત. ડૉ. રાધાકૃષ્ણને એક પ્રવચનમાં કહ્યું છે : ‘દરેક સંતને પોતાનો ભૂતકાળ હોય છે તેમ દરેક પાપીને ભવિષ્ય હોય છે.’ એકદમ સ્પષ્ટ અને એકદમ તર્કપૂત ભાષામાં એ સત્ય એક જ સાહિત્યમાં, માત્ર ઉપનિષદોમાં નિદર્શવામાં આવ્યું છે. જગતમાં બીજે કયાંય એ જોવા મળતું નથી. એથી, ઉપનિષદોમાં એને औपनिषदं पुरूषम् કહેવામાં આવ્યું છે. ઉપનિષદોમાં, ગુરુ પાસે જઈ શિષ્ય કહે છે : औपनिषदं पुरूषम् पृच्छामि, ‘માત્ર ઉપનિષદોમાં શિખવાડાતા ‘પુરુષ’ વિશે મને કહો! उपनिषत्सु एव विज्ञायते न अन्यत्र, આના પર ટીકા કરતાં શંકર કહે છે : ‘ઉપનિષદોમાં જ શીખવાયેલું, બીજે કયાંય નહીં !’

અગાઉના કાળમાં આપણા લોકો વારાણસીની યાત્રાએ જતા ત્યારે જતા પહેલાં, પોતાના મિત્રસંબંધીના હાથમાં રૂપિયા મૂકી જતા. એની પાછા આવવાની શકયતા વરસ દોઢ વરસ પછી હોતી. ‘યાત્રાએ જતાં આવતાં હું મરી જઉં તો તમે આ રકમ ફલાણા ફલાણાને આપજો’, એમ જતાં પહેલાં એ કહેતા. લાંબા સમય પછી એ યાત્રાળુ પાછો આવે અને એનો મિત્ર એના હાથમાં પેલી રકમ સુપ્રત કરે; ત્યાં દગો ન હતો. એ મિત્ર જાણતો હતો કે પૈસો એક પદાર્થ છે અને પોતે પૈસાનો દાસ નથી.
આ મોટો પાઠ આજે આપણે લગભગ સાવ ભૂલી ગયા છીએ. આપણે થોડા રૂપિયાના દાસ બની જઈએ છીએ. થોડો પૈસો મેળવવા માટે, માણસ ગમે તે ખોટું કામ કરી શકે છે – માત્ર ગરીબ નહીં, સ્થિતિસંપન્ન માણસો પણ. એટલે ગરીબીના અને ભીખના પ્રશ્નોની વાત કરતી વખતે હું હંમેશાં કહું છું કે ભારતમાં બે પ્રકારના ભિખારીઓ છે. એક રસ્તે ભીખ માગતા અને બીજા મોટાં મહાલયોમાં રહેતા. આ સત્યના પૂર્ણ વિસ્મરણથી આ પરિસ્થિતિ આવી છે. માનવીઓને વેદાંત આ સત્ય શીખવશે જે શીખવવા માટે, ભારતે આ મહાન વેદાંત કેસરી સ્વામી વિવેકાનંદને જન્મ આપ્યો. એમની પૂર્વે શંકરાચાર્ય આવ્યા હતા, એનીયે પૂર્વે બુદ્ધ અને એની કયાંય પૂર્વે વેદાંત-કેસરી શ્રીકૃષ્ણ આવ્યા હતા. આજે એ વેદાંત-કેસરીની સિંહગર્જનાની આપણને જરૂર છે. (સ્વા. વિ. ગ્રંથમાળા ભાગ-૬.૨૬૨) સ્વામીજીએ પણ એ જ કહ્યું છે : ‘વેદાંત-કેસરીને ગર્જના કરવા દો, એટલે શિયાળવાં પોતાની બખોલમાં ભરાઈ જશે.’ એટલે આ ગુનાખોરી, અપરાધવૃત્તિ અને સમાજને પીડતાં બીજાં અનિષ્ટોમાંથી આપણને બહાર કાઢવા માટે અને મનુષ્યને પોતાનું ગૌરવ અને મૂલ્ય પુન : આપવા માટે આ વેદાંત કેસરી અદ્‌ભુત સાધન છે.
મેં અગાઉ કહ્યા પ્રમાણે આ શ્લોકમાંના परा શબ્દનો અર્થ ઊંડો છે. इन्द्रियाणि, मनस् અને बुद्धि- માનવવ્યક્તિત્વનાં આ ત્રણ પરિમાણોની વાત કરતાં, इन्द्रियाणि पराण्याहुः શ્લોકમાં મેં આ परा શબ્દનો ઉલ્લેખ કર્યો હતો : ઇન્દ્રિયવિષયો કરતાં ઇન્દ્રિયો ચડિયાતી છે વગેરે. કઠ ઉપનિષદમાંના (૧.૩.૧૦) એવા જ અર્થના શ્લોક પરની પોતાની ટીકામાં શંકરાચાર્યે જે કહ્યું છે તેની ચર્ચા હું હવે કરું છું.
શંકરાચાર્ય કહે છે કે સ્થૂળની તુલનાએ જે સૂક્ષ્મ છે તે परा છે. સ્થૂળ સામાન્ય છે; સ્થૂળના કરતાં સૂક્ષ્મ ઉચ્ચતર, ચડિયાતું છે, ઇન્દ્રિયવિષયો સ્થૂળ છે, તમે એમને સ્પર્શી શકો છો, હાથમાં રમાડી શકો છો પણ ઇન્દ્રિયો પોતે એવી સ્થૂળ નથી; તુલનાત્મક દૃષ્ટિએ તે વધારે સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ રૂપની શક્તિ કરતાં સ્થૂળ રૂપની શક્તિ હંમેશાં નિમ્નતર હોય છે. આમ पराનો અર્થ सूक्ष्मा હોવાનો છે. (ક્રમશ 🙂

Total Views: 393

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.