ગતાંકથી આગળ

પુલિન બાબુ છે શ્રી મહારાજના મંત્ર-શિષ્ય. હવે બીજી વાતો થવા લાગી.

રણદા – એક અંગ્રેજ ઐતિહાસિકે Six Great Men – ‘છ મહામાનવ’ નામનો એક ગ્રંથ લખ્યો છે, એમાં ઠાકુરનું નામ નથી.

શ્રી મ – ઠાકુરની ક્યાં તુલના, કે લખે ? તેઓ કેવી રીતે જાણશે ? એમનો દોષ પણ શું ? એમની તુલના તે પોતે જ છે. સ્વામીજીની તુલનામાં જ કોઈ જોડી નથી મળતી, તો પછી ઠાકુરની ?

પુલિન – સાંભળ્યું છે, રાજપૂતાનામાં સ્વામીજીએ વિભિન્ન ભાષાઓમાં અકાટ્ય યુક્તિઓ દ્વારા ધર્મની વ્યાખ્યા કરીને લોકોને મુગ્ધ કરી લીધા હતા. નિરંજન સ્વામીએ સ્વામીજીની બહુ પ્રસંશા કરી. એના પર સ્વામીજી બોલ્યા, ‘સાલા, ખાલી વિવેકાનંદ વિવેકાનંદ કરે છે. જાણતો નથી -‘गुरु प्रसादेन जिह्वा अग्रे मे सरस्वती’ અને જાણતો નથી. ut of a handful of dust lacs of Vivekananda can be made by him – this Rama Krishna – એક મુઠ્ઠી ધૂળથી લાખ-લાખ વિવેકાનંદ શ્રીરામકૃષ્ણ તૈયાર કરી શકે છે. બીજું પણ સાંભળ્યું છે. મિ. સેવિયરે કાશ્મીર જવા માટે અયાચિત ભાવે આઠસો રૂપિયા આપ્યા. સ્વામીજીએ અડધા રાખીને અડધા પાછા આપી દીધા, કેટલા નિર્લાેભી.

શ્રી મ – એવું કેમ ન હોય ? સ્વામીજી તો ઠાકુરને છોડીને બીજું કાંઈ જાણતા જ નહોતા. એક વાર એમની લખેલી આરતી અને સ્તવ વાંચીને તો જુઓ! સ્તવમાં કહે છે, ‘तस्मात् त्वमेव शरणं मम दीन-बन्धो ।’ અને વળી કહે છે, ‘मर्त्यामृतं तव पदं मरणोमिर्नाशम्’ અર્થાત્ જે એમનું ચિંતન કરે છે એમને જન્મમરણરૂપ ચક્રમાં નથી પડવું પડતું. મૃત્યુભય દૂર થઈ જાય છે. સ્વામીજીએ જે કહ્યું એમાં આશ્ચર્ય જ શું !

અગિયાર વાગવાની તૈયારી છે, જમવા માટેનું કહેણ આવી ગયું. આ બાજુ પુલિન બાબુના ભજનનું આયોજન થઈ રહ્યું છે. સાધારણ રીતે અગિયાર વાગ્યાની વચ્ચે ભોજન વગેરે બધું પૂરું થઈ જાય છે. શ્રી મ કહેવા લાગ્યા, Man shall not live by bread alone – ‘સ્થૂળ આહાર જ જીવન ધારણ કરવા માટેનું એકમાત્ર ઉપકરણ નથી.’ પુલિન બાબુ સુમિષ્ટ સ્વરે હારમોનિયમ સાથે ચંડી સ્તવ ગાઈ રહ્યા છે – (અધ્યાય-૫)

नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः।

नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मताम्।।

रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः।

ज्योत्स्नायै चेन्दुरुपिण्यै सुखायै सततं नमः।।

कल्याण्यै प्रणता वृद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नमः।

नैऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्यै ते नमो नमः।।

दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै।

ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नमः।।

अति सौम्याति रोद्रायै नतास्तस्यै नमो नमः।

नमो जगत् प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः।।

સ્તવનો ભાવાર્થ :- હે માતા, આપ જ્યોતિર્મયી, દેવગણોની જનની, સદા મંગલદાયિની છો માટે આપને પ્રણામ. આપ સંસારની સૃષ્ટિ-સ્થિતિ-વિનાશકારિણી, ત્રિગુણમયી હોવા છતાં પણ ત્રિગુણાતીત અને નિત્ય છો. આપ જગદ્ધાત્રી ગૌરી છો, આપને પ્રણામ. મા, આપ વિમલ ચન્દ્રરૂપિણી થઈને સુશીતલ કિરણોના વિસ્તારથી પાક્-સંપદ્ વધારો છો. આપ મનુષ્યો માટે સદા સુખદાયિની છો, આપને પ્રણામ.

હે દેવી, આપ મનુષ્યોને સંપત્તિ અને ઐશ્વર્ય પ્રદાન કરો છો. વળી રાજ્યોમાં કોઈ પાસે મહાલક્ષ્મીરૂપિણી અને કોઈ પાસે અલક્ષ્મીરૂપિણી રહો છો. પરંતુ આપ સ્વયં સદા કલ્યાણમયી, સર્વત્યાગિનિ શિવશક્તિ શર્વાણી છો, આપને વારંવાર પ્રણામ. દેવી, આપ સંસાર-દુ:ખહારિણી, સર્વની જનની છો, આપનાં દર્શન દુર્લભ છે. આપ પ્રયોજન અનુસાર કૃષ્ણા, ધ્રૂમા વગેરે વિવિધ રૂપ ધારણ કરો છો. આપ કોઈ વાર ભક્તો સમક્ષ સૌમ્યમૂર્તિ ધારણ કરો છો, ક્યારેક અસુર વિનાશકારી ભયંકર કાળરૂપ ધારણ કરો છો. મા, આપ શુભાશુભરૂપ દ્વન્દ્વથી અતીત છો, જગતનો આશ્રય છો, આપને શત શત પ્રણામ.

(૨)

નિર્જનમાં પીપળાના ઝાડની નીચે શ્રી મ. કમલાસન પર બેઠા છે. ભક્તે કાનૂનનો અભ્યાસ કર્યો છે. પરમાર્થ હિતૈષી કોઈ કોઈએ એમને સલાહ આપી છે કાનૂન સાથે સંબંધ ત્યાગવાની. તેઓ શ્રી મ. સાથે આ વિષય પર વાતચીત કરી રહ્યા છે. સઘળી વાતો સાંભળ્યા પછી

શ્રી મ. કહેવા લાગ્યા, ‘કાનૂનનો વ્યવસાય કરવામાં વાંધો નથી, જો તેનો ઉપયોગ વિદ્યાના સંસાર માટે હોય. જેમાં રુચિ હોય તે નિષ્કામરૂપે કરવામાં દોષ નથી. ઠાકુર આ બધું કરાવી રહ્યા છે એમનાં કામ માટે. કાનૂનમાં અનેક શિક્ષણીય વિષય છે. Hindu law, Mohammedan law, Law of Succession, Jurisprudence – હિન્દુ ધારો, મુસ્લિમ ધારો, ઉત્તરાધિકાર-વિધિ, કાનૂન-વિજ્ઞાન, આ બધી તો બહુ જરૂરી વસ્તુ છે. થોડું થોડું બધાએ જાણવું જોઈએ. લાૅ વગેરે બધાં જ કર્મ કરી શકાય છે જો સ્વયંના interest રસથી ન કરવામાં આવે. એમની લીલાના આસ્વાદન માટે જ આ બધું કરી રહ્યો છું એવી ભાવનાથી કરવું. આ જે લાૅ ભણી રહ્યો છે, બની શકે તમને તેઓ કોઈ news-papers, સમાચાર-પત્રના કામમાં રાખી દેે. જેમ કે ‘વેદાંત-કેસરી’. criticism, સમાલોચના માટે કાનૂનની જાણકારી જરૂરી છે. એમનું કામ આપણે જોઈ જ ક્યાં શકીએ છીએ? યાજ્ઞવલ્કય ત્યાગી સંન્યાસી હતા, એમણે કાનૂનનો અભ્યાસ કર્યો હતો અને વળી મનુએ પણ. આ લોકોએ કાનૂનનું અધ્યયન કર્યું હતું શ્રી ભગવાનનું કાર્ય જાણીને એમના સમાજના સંરક્ષણ માટે. લાૅ ભણવું વગેરે બધાં કાર્યોનું એક relative value, વ્યવહારિક મૂલ્ય છે; absolute value, પારમાર્થિક મૂલ્ય નહીં.

ઠાકુર લાૅ વંચાવી રહ્યા છે, lawyers, કાનૂન વિશારદોની વચ્ચે, બની શકે એ તારા દ્વારા કામ કરાવે. બધું જાણેલું હોય તો વાત કરવી સરળ બને છે. જે રીતે Law of evidence સાક્ષી કાનૂન, Criminal Procedure Code ફોજદારી કાનૂન, Civil Procedure Code દિવાની કાનૂન, આ બધા જાણવાથી વકીલોને એ સમજાવી શકાય કે આપ જે કરી રહ્યા છો એનાથી મનુષ્યત્વનો હ્રાસ થાય છે, મન સંકુચિત થઈ જાય છે. ‘બધું કરીશ પણ પોતાનો benefit નહીં લઉં.’ આ કર્મયોગનો ideal, આદર્શ છે. જુઓ, સ્વામી વિવેકાનંદજી કેટલું ભણ્યા હતા : History, Literature, Science, Astronomy, Law – ઇતિહાસ, સાહિત્ય, વિજ્ઞાન, જ્યોતિષ, કાયદો અને બીજું પણ કેટલુંય. કેટલા લોકોના contact સંપર્કમાં આવીને deal, કામ કરવું પડતું હતું. એ બધું ન જાણતા હોત તો કેવી રીતે વાત કરત ? એ Qualifications, વિવિધ વિદ્યાઓ હોવી એ સારી વાત છે, આ બધા તો equipments અલંકાર વિશેષ હોય છે. (ક્રમશ:)

Total Views: 311

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.