યુનાઇટેડ નૅશન દ્વારા ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ ઊભું થયું, પણ વિડંબણા એ છે કે જે યોગનો પ્રચાર-પ્રસાર બધા દેશોમાં થઈ રહ્યો છે, એ ‘યોગા’ના નામે યોગાસનોના રૂપે થઈ રહ્યો છેે અને આપણો દેશ પણ એમાંથી બાકાત નથી. યોગાસનો હઠયોગનો ભાગમાત્ર છે અને હઠયોગ તો રાજયોગનો એક ભાગ છે. રાજયોગ ચાર યોગોમાંનો એક છે. આ ‘યોગ’ શબ્દની ઉત્પત્તિ ‘યુજ્’ ધાતુ પરથી થઈ છે. એનો અર્થ છે ‘જોડાવું’. યોગ એટલે જીવાત્મા અને પરમાત્માનું મિલન, વ્યક્તિગત ચેતના સાથે વૈશ્વિક ચેતનાનું મિલન. યોગનો ઉદ્દેશ છે દિવ્યતાનું પ્રગટીકરણ; અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત જીવનની પ્રાપ્તિ. યોગાસનો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય મેળવવું હિતાવહ છે, ધ્યાન દ્વારા ‘સ્ટ્રેસ મૅનેજમેન્ટ’ પણ હિતાવહ છે. યોગનો અર્થ માત્ર શારીરિક સ્વાસ્થ્ય અથવા માનસિક શાંતિ નથી. યોગ શબ્દ વ્યાપક અર્થ ધરાવે છે. એ એક જીવનપદ્ધતિ છે.

આપણા યુગમાં સ્વામી વિવેકાનંદજીએ આધુનિક માનવને સ્પર્શે તેવી રીતે અમેરિકામાં આજથી ૧૨૫ વર્ષ પહેલાં ચાર યોગ પર પ્રવચનો આપ્યાં. આ પ્રવચનો પુસ્તક રૂપે કર્મયોગ, રાજયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગના નામે ઉપલબ્ધ છે. યોગનું રહસ્ય સમજાવતાં તેઓ કહે છે, ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુષુપ્તપણે રહેલ છે. ભીતરની આ દિવ્યતાને બાહ્ય તેમજ આંતરપ્રકૃતિના નિયમન દ્વારા અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ કે તત્ત્વજ્ઞાન એવા એક અથવા અનેક પથ દ્વારા આ જીવનધ્યેયને સિદ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ સમગ્ર તત્ત્વ છે. સિદ્ધાંતો, મતવાદો, અનુષ્ઠાનો, શાસ્ત્રો, મંદિરો કે મૂર્તિઓ આ બધું ગૌણ છે.’ કર્મયોગી આ યોગને મનુષ્યો અને સમગ્ર મનુષ્યજાતિ વચ્ચે એકતારૂપે, ભક્ત એને પ્રેમસ્વરૂપ ઈશ્વર અને પોતાની વચ્ચે એકતારૂપે અને જ્ઞાની બહુધા વિલસતા ‘સત્’ની એકતારૂપે નિહાળે છે. ‘યોગ’નો અર્થ આ છે.

રાજયોગ

મહર્ષિ પતંજલિએ પોતાનાં યોગસૂત્રોમાં રાજયોગની સાધના દ્વારા પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. આ યોગનાં આઠ સોપાનો છે : યમ (સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અહિંસા), નિયમ (શુચિ, સત્ય, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન), આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આ સોપાનોએ ચઢતાં ચઢતાં ધ્યાન સિદ્ધ થાય છે. ચિત્તરૂપી સરોવરમાં સઘળા તરંગો શમી જાય છે. પછી આઠમું સોપાન એટલે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે, ત્યારે બધું જ બ્રહ્મમય બની જાય છે; અનંત સુખ, અનંત શાંતિ અને અનંત આનંદની પ્રાપ્તિ થાય છે. આ યોગમાં ધ્યાનનો અભ્યાસ મુખ્ય છે, એટલે એને ‘ધ્યાનયોગ’ પણ કહેવામાં આવે છે.

જ્ઞાનયોગ

જ્ઞાનયોગનાં ત્રણ સોપાનો છે : શ્રવણ, મનન અને નિદિધ્યાસન. હંમેશાં સત્-અસત્નો વિચાર કરવો; ઈશ્વર જ સત્ એટલે કે નિત્ય વસ્તુ; બીજું બધું અસત્ એટલે કે અનિત્ય. એવી રીતે વિચાર કરતાં કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો; આ છે જ્ઞાનયોગ. પોતાના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં સાધક આવું અનુભવે છે, ‘તે દેહ નથી, મન નથી, ચિત્ત નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી; તે સત્-ચિત્-આનંદ – સચ્ચિદાનંદ સ્વરૂપ છે.’ આદિ શંકરાચાર્યે ‘નિર્વાણષટ્કમ્’માં આ વાત વિસ્તારપૂર્વક રજૂ કરી છે.

ભક્તિયોગ

ભક્તિ દ્વારા પરમાત્માને મળવું આ છે ભક્તિયોગ. આ માર્ગ પ્રેમનો માર્ગ છે, શરણાગતિનો માર્ગ છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘ભક્તિયોગ સ્વાભાવિક રીતે મધુર અને નમ્ર છે. જ્ઞાનયોગીની જેમ તે ઊંચે ચડતો નથી એટલે તેમાં કોઈ મોટા પતનનો ભય પણ નથી.’ શ્રીરામકૃષ્ણદેવ આ માર્ગને બિલાડીનાં બચ્ચાંનો માર્ગ કહે છે. બિલાડીનું બચ્ચું સંપૂર્ણપણે તેની મા પર જ આધારિત હોય છે. તેને તેની મા પોતાના મોઢામાં પકડીને હેરવે-ફેરવે છે. માની પકડ મજબૂત હોય છે એટલે તેને પડી જવાનો બિલકુલ ભય રહેતો નથી. આ માર્ગ સૌથી સલામત છે. વળી ભગવાનને પ્રેમ કર્યા પછી નીચે પડવાની કોઈ શક્યતા રહેતી જ નથી.

આ યોગમાં પૂજાપાઠ, મંત્રજાપ, પ્રાર્થનાની સાધના દ્વારા ભક્તની ભક્તિ અપરાભક્તિમાંથી પરાભક્તિમાં પરિણમે છે, ત્યાર બાદ મીરાંબાઈ કે નરસિંહ મહેતા જેવી સ્થિતિને તે પ્રાપ્ત કરે છે.

કર્મયોગ

કોઈ પણ જાતની આશા વગર નિષ્કામભાવે કર્મ કરવાં, પરમાત્માને અર્પણરૂપે કર્મો કરવાં, એ છે કર્મયોગ. નિષ્કામભાવે કર્મો કરતાં કરતાં મનુષ્યનો અહંકાર ખૂબ ઝડપથી ઓગળે છે. અન્યની સેવા કરતાં કરતાં ચિત્તની શુદ્ધિ થાય છે, મન શાંત બને છે. તેથી કર્મયોગ દ્વારા મનુષ્ય ઈશ્વરની નજીક પહોંચી શકે છે.

ગીતામાં કર્મયોગનું રહસ્ય સમજાવતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘યોગ: કર્મસુ કૌશલમ્ – કર્મની કુશળતા જ યોગ છે.’ આ યોગ આધુનિક માનવ માટે મહત્ત્વનો છે, કારણ કે આમાં કર્મનો ત્યાગ કરવાનો નથી, પણ કર્મને પૂજામાં પરિણત કરવાનું છે.

આધુનિક માનવ પાસે સમયનો અભાવ છે, કર્તવ્ય-કર્મોને ત્યાગવાનો તેની પાસે ઉપાય નથી ત્યારે આ સમન્વયાત્મક યોગ તેના માટે આશીર્વાદ સ્વરૂપ બની જાય છે. સવાર-સાંજ થોડો સમય ધ્યાન, પ્રાર્થના અને સ્વાધ્યાય (રાજયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ) માટે ફાળવી સમસ્ત દિવસ ઈશ્વર સમર્પિત બુદ્ધિથી કર્તવ્ય-કર્મોનું નિષ્ઠાપૂર્વક પાલન કરી આ સમન્વયાત્મક યોગનું આચરણ જો આધુનિક માનવ કરે તો તેને અનંત આનંદ અને અનંત જીવન પ્રાપ્ત થશે અને દૈનિક જીવનમાં પણ સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકશે.

યુગાચાર્ય સ્વામી વિવેકાનંદ યોગાચાર્ય પણ હતા. એમના જીવનમાં ચારેય યોગોનો સુંદર સમન્વય જોવા મળે છે. ફ્રેન્ચ મનીષી રોમાં રોલાં કહે છે કે સ્વામી વિવેકાનંદજીએ ચાર યોગો રૂપી ચાર ઘોડાઓ ઉપર એક સાથે સવારી કરી હતી. તેઓ નાનપણથી જ ધ્યાનસિદ્ધ હતા. નાનપણમાં મિત્રો સાથે ધ્યાનની રમત રમતી વખતે તેઓ એટલા ધ્યાનમગ્ન થઈ ગયા હતા કે ભયંકર નાગના આગમનની પણ એમને ખબર ન પડી, જ્યારે અન્ય મિત્રો તો ભયભીત થઈ ભાગી ગયા. ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ માત્ર ૩૯ વર્ષની વયે તેઓ ધ્યાનની પાંખો પર સવાર થઈ અનંતની યાત્રાએ ઊપડી ગયા. મૃત્યુ પહેલાંના તેમના છેલ્લા શબ્દો સેવકને ઉદ્દેશીને કહેલા તે હતા, ‘જાઓ, હું બોલાવું નહીં ત્યાં સુધી ધ્યાન કરો.’ તેમને અનેક વાર નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ થઈ હતી, માટે જ તેઓ ‘રાજયોગ’ નામના ગ્રંથમાં આ ઉચ્ચ અવસ્થાઓનું વર્ણન કરી શક્યા હતા. અમેરિકા જેવા ભોગપ્રધાન દેશમાં પણ જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા, ત્યારે ઘણી વાર ધ્યાનમાં નિમગ્ન હોવાને કારણે છેક છેલ્લા સ્ટેશન સુધી પહોંચી જતા, પછી પાછું આવવું પડતું.

‘જ્ઞાનયોગ’ના ગ્રંથમાં તેમણે માયા વિશે જે અદ્‌ભુત પ્રવચનો આપ્યાં છે, તે તેમની જ્ઞાનની ઉચ્ચ અવસ્થાનો પુરાવો છે. એક વાર અમેરિકામાં એક સ્થળે પ્રવચન આપવાનું હતું ત્યારે તેઓ વ્યાખ્યાનખંડ તરફ રવાના થયા, પણ પાછા વળ્યા અને દીવાનખાનામાં આવીને અરીસામાં પોતાનો ચહેરો જોયો, ફરી વ્યાખ્યાનખંડ તરફ ગયા, ફરી પાછા વળ્યા, આવું કેટલીક વાર થયું. યજમાન મહિલા ભક્તને સમજાયું નહીં કે સ્વામીજી કેમ આવું કરી રહ્યા હતા. તેઓ અચરજ પામ્યાં. જ્યારે સ્વામીજીએ તેમને કહ્યું કે તેમનું મન દેહાતીત અવસ્થામાં હતું, વ્યાખ્યાન આપવા માટે મનને નીચે લાવવું આવશ્યક હતું માટે તેઓ વારંવાર અરીસા સામે જઈ પોતાના મનને દેહ તરફ વાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કેવી અદ્‌ભુત દેહાતીત અવસ્થા!

સ્વામીજીએ રચેલાં વિવિધ સ્તોત્રો અને ગીતો તેમની ભક્તિની ઉત્કટતાનું પ્રમાણ છે. તેમણે એક વાર કહ્યું હતું કે તેમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવની ચરણરજથી લાખો વિવેકાનંદનું સર્જન થઈ શકે. કેવી અદ્‌ભુત ગુરુભક્તિ!

આધુનિક માનવ માટે કર્મયોગ અનિવાર્ય છે, કારણ કે અન્નગત પ્રાણ છે, આજીવિકા માટે દરેકને સંઘર્ષ કરવો પડે છે એટલે જ સ્વામી વિવેકાનંદજીએ ચારેય યોગના સમન્વયની વાત કરી, પણ સૌથી વધુ ભાર ‘કર્મયોગ’ પર મૂક્યો છે. તેમણે પોતે પણ પોતાનું સમસ્ત જીવન માનવજાતના કલ્યાણાર્થે સમર્પિત કરી દીધું. માત્ર ૩૯ વર્ષની ઉંમરમાં એટલું બધું કાર્ય કર્યું કે તેઓ પોતે કહેતા, ‘મેં આગામી ૧૫૦૦ વર્ષોનું ભાથું આપી દીધું છે.’ તેમણે આપેલાં પ્રવચનો, વાર્તાલાપો વગેરેનું સંકલન ‘The Complete Works of Swami Vivekananda’ નામથી નવ ગ્રંથોમાં થયું છે. તેનો ગુજરાતી અનુવાદ ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ રૂપે નવ ભાગોમાં ઉપલબ્ધ છે. એમણે શિવજ્ઞાનથી જીવસેવાનો ઉપદેશ આપ્યો, એટલું જ નહીં, તેને મૂર્ત સ્વરૂપ આપવા માટે ઈ.સ.૧૮૯૭માં રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના કરી, જેનાં આજે ૨૦૦થી વધુ શાખા કેન્દ્રો દેશ-વિદેશમાં કાર્યરત છે.

આમ ચારેય યોગો પર સ્વામી વિવેકાનંદજીએ અદ્‌ભુત ગ્રંથો લખ્યા છે, એટલું જ નહીં, તેનું આચરણ પણ કરી બતાવ્યું છે.

પાશ્ચાત્ય દેશો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

મેરી લૂઈ બર્ક એક વિદ્વાન અમેરિકન મહિલા હતાં. તેઓ સ્વામી વિવેકાનંદના દેહત્યાગના કેટલાક દશકાઓ પછી એમનાં લખાણોથી પ્રભાવિત થયાં હતાં. તેઓએ સ્વામી વિવેકાનંદના અમેરિકાના કાર્યકાળ વિશે છ ખંડમાં સંશોધનાત્મક પુસ્તક ‘Swami Vivekananda in the West – New Discoveries’ લખ્યું છે. તેમાં તેઓએ સ્વામી વિવેકાનંદની યોગ-વિચારધારાના અમેરિકા પર પડેલા પ્રભાવની ખૂબ ગહનતાથી છણાવટ કરી છે. તેઓ લખે છે :

‘જેમ જેમ સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ભ્રમણ કરતા ગયા, હજારો જિજ્ઞાસુઓને મળતા ગયા, અગણિત શહેરો અને નગરોની મુલાકાત લેતા ગયા તેમ તેમ તેઓ ગહન અર્થમાં આધ્યાત્મિકતાનાં બીજ વાવતા ગયા.

સ્વામીજીનું વિશ્વગુરુત્વ અને પયગંબરત્વ સંશોધનાત્મક પદ્ધતિઓની પારે હોવા છતાં પણ અનુભવગમ્ય છે. તેઓએ નીરવપણે રાષ્ટ્રના (અમેરિકાના) સમષ્ટિ-માનસમાં એક નવા આધ્યાત્મિક વિચારનો પ્રવાહ વહાવ્યો હતો, જેની મંગલકારી અસરો માનવસમાજના ઉપરી સ્તરે ભલે ધીરે ધીરે દૃષ્ટિગોચર થાય, પરંતુ તેની સચ્ચાઈ પર આપણે ક્યારેય અવિશ્વાસ ન કરી શકીએ, કારણ કે સ્વામી વિવેકાનંદ એ આધ્યાત્મિક ઊંચાઈ પર વિરાજ કરતા હતા કે તેઓ વૈશ્વિક વિચારોને બદલાવ્યા વગર, સમૃદ્ધ કર્યા વગર અને પ્રકાશિત કર્યા વગર વિશ્વમાં ન રહી શકે.

સાચે જ, એક ટૂંકા અને ક્ષણિક કાળ માટે નહીં; પરંતુ ગહન, સૂક્ષ્મ સ્તરે અને લાંબા ગાળા માટે મનુષ્યના મનને પ્રજ્વલિત કરવું એ સ્વામીજીના ધર્મચક્રપરિવર્તન અને દિવ્ય પયગંબરત્વના ચમત્કારનું મુખ્ય કાર્ય અને અર્થ છે. આ ચમત્કાર માનવજાતને તેના લાંબા જીવનકાળ દરમિયાન ઘણી વાર પ્રકાશિત કરી ચૂક્યો છે તેમજ ઘણી વાર એના ઇતિહાસને હિંસક, ચીલાચાલુ તેમજ ઘણા ખરા વૈવિધ્યહીન રસ્તા પરથી ઊર્ધ્વસ્તરે લઈ આવ્યો છે.’

એ વાતના ઘણા પુરાવા છે કે ૧૮૯૪ના આખરી ભાગમાં સ્વામીજીના વિચારો વર્તમાન યુગની જટિલ તેમજ વૈવિધ્યપૂર્ણ સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા તેમજ પશ્ચિમી સભ્યતા માટે તેના મૂલોચ્છેદનકારી સમાધાનનું ગઠન કરી રહ્યા હતા. ૧૮૯૪ના છેલ્લા દિવસો દરમિયાન તેઓએ એક મહત્ત્વપૂર્ણ તેમજ આશ્ચર્યજનક ઉચ્ચારણ કર્યું હતું, ‘જેમ બુદ્ધ પાસે પૂર્વ માટે સંદેશ હતો, તેમ મારી પાસે પશ્ચિમ માટે સંદેશ છે.’ ૧૮૯૫ની શરૂઆતમાં તેઓ પોતાનો અસામાન્યપણે સર્વસમાવેશક તેમજ વૈવિધ્યપૂર્ણ જીવનસંદેશ આપવા માટે એક જગ્યા પર સ્થાયી થયા. અગાઉ તેઓએ વેદાંતનાં બીજ ચારે બાજુ વેર્યાં હતાં. હવે તેઓએ પોતાનો જીવનસંદેશ સઘનપણે આપવા માટે એક સ્થાયી કેન્દ્રનું સ્થાપન કર્યું હતું, જ્યાંથી શક્તિશાળી મોજાંની જેમ આ સંદેશ ચારે બાજુ ફેલાવાનો હતો.

૩૦ આૅગસ્ટ, ૨૦૧૪ના રોજ સ્વામીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષમાં અમેરિકાના પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર ‘ન્યૂયાૅર્ક ટાઇમ્સ’માં તેમના યોગસંદેશના અમેરિકા પરના પ્રભાવ વિશે એક લેખ ‘How Yoga Won the West’ પ્રકાશિત થયો હતો.

એમાં લખ્યું છે : ‘જો તમને એ વાતની નારાજગી હોય કે તમારી નજીકનું ગૅસ સ્ટેશન આજે યોગ સ્ટુડિયો બની ગયું છે, તો તમે સ્વામી વિવેકાનંદને રાષ્ટ્રીય ગોષ્ઠિમાં ‘યોગ’ શબ્દ પ્રવેશ કરવાનું શ્રેય આપી શકો. આજે જે કરોડો લોકો અમેરિકામાં યોગાસન કરે છે એમાંથી ઓછાને ખબર છે કે એમનો અભ્યાસ વિવેકાનંદને આભારી છે.’

સ્વામીજીના જીવનકાળ દરમિયાન તેમની પર પૂર્ણ વિશ્વાસ કરવાવાળા હતા લિયો ટાૅલ્સટાૅય. તેઓ સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણ પરનાં લખાણોના મોટા ચાહક હતા. ટાૅલ્સટાૅયે પોતાના મૃત્યનાં બે વર્ષ પહેલાં ડાયરીમાં લખ્યું હતું,

‘હું આજે સવારે છ વાગ્યાથી સ્વામી વિવેકાનંદ વિશે વિચારી રહ્યો છું’ અને ‘એ સંદેહજનક છે કે આ યુગમાં બીજો કોઈ મનુષ્ય સ્વામીજીની નિસ્વાર્થતા તેમજ આધ્યાત્મિકતાથી ઉપર ઊઠી શક્યો હોય.’

હાર્વર્ડ યુનિવર્સિટીના ફિલસૂફ અને મનોવૈજ્ઞાનિક વિલિયમ જૅમ્સ સ્વામીજીથી પ્રભાવિત થયા હતા તેમજ તેમણે પોતાના અત્યંત મહત્ત્વપૂર્ણ પુસ્તક ‘ધાર્મિક અનુભવોનું વૈવિધ્ય’ (The Varieties of Religious Experience)માં સ્વામીજીનાં લખાણો લંબાણપૂર્વક ઉદ્ધૃત કર્યાં છે.

તેઓએ સ્વામીજીને ‘માનવજાત માટે ગૌરવ’ રૂપે નવાજ્યા હતા.

અમેરિકન નવલિકાકાર ગર્ટૃડ સ્ટેન જ્યારે રેડક્લિફ કાૅલેજમાં વિદ્યાર્થિની હતાં ત્યારે તેઓએ ૧૮૯૬માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્વામીજીનું ભાષણ સાંભળ્યું હતું. એ ભાષણે યુનિવર્સિટીના અધ્યાપકોને એટલા પ્રભાવિત કરી દીધા કે તેઓ સ્વામીજીને પૌર્વીય ફિલસૂફીના અધ્યાપકનો હોદ્દો આપવા માટે તૈયાર હતા. સાધુ કોઈ હોદ્દો ગ્રહણ ન કરી શકે એ કારણે સ્વામીજીએ તેનો અસ્વીકાર કર્યો હતો.

એલ્ડસ હક્સલે સ્વામીજીનાં લખાણોથી પ્રભાવિત થયા હતા. ૧૯૪૨માં છપાયેલ ‘The Gospel of Sri Ramakrishna’નું પ્રાક્કથન તેઓએ લખ્યું હતું. આ પુસ્તક વિશે તેઓએ કહ્યું હતું, ‘સાર્વભૌમ સત્તા વિશે સૌથી ગહન અને સૂક્ષ્મ કથન.’ તેમના મિત્ર ક્રિસ્ટોફર ઈશરવુડ સાથે તેઓ હાૅલીવુડ હિલમાં આવેલ વેદાંત કેન્દ્રમાં ઔપચારિકરૂપે દીક્ષિત થયા હતા. અહીં તેઓ ક્યારેક રવિવારના દિવસે પ્રવચન આપતા. હક્સલેનાં મિત્ર આઈગોર સ્ટ્રેવિન્સ્કી, લોરેન્સ ઓલિવીય, વિવિયન લેઈ, સોમરસેટ મોમ, ગ્રેટાગાર્બાે આ પ્રવચનો સાંભળવા આવતાં.

૧૯૪૫માં વિખ્યાત નવલિકાકાર હેનરી મિલરે કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં તેમની સૌથી મોટી શોધ હતી, ‘રામકૃષ્ણ અને વિવેકાનંદ વિશેનાં બે પુસ્તકો.’ ૧૯૬૨માં મિલરે તારણ કાઢ્યું કે, ‘સ્વામી વિવેકાનંદ મારા જીવનની સૌથી પ્રભાવક વ્યક્તિ છે.’

વિખ્યાત નવલકથા ‘The Catcher in the Rye’ના લેખક જે.ડી. સેલન્જરની સ્વામીજી પ્રત્યે નિષ્ઠા એટલી ગહન હતી કે તેઓએ પોતાનાં લખાણમાં વેદાંતનાં પદચિહ્નો છોડી મૂક્યાં હતાં. સેલન્જરના અંતિમ પુસ્તક ‘Hapworth 16, 1924’માં તેઓએ પુસ્તકના નાયક સેમોરના શબ્દો દ્વારા સ્વામી વિવેકાનંદની વિદ્વત્તાનો ખૂબ જોરશોરથી પ્રચાર કર્યો હતો, જેમ કે એક જગ્યાએ સેમોર સ્વામીજી વિશે કહે છે, ‘તેઓ આ સદીના સહુથી આશ્ચર્યમુગ્ધ કરનાર, મૌલિક તેમજ વિદ્વત્તાપૂર્ણ મહાપુરુષોમાંના એક હતા કે જેમને હું મળ્યો હતો. જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તેમના પ્રત્યે મારી વ્યક્તિગત સહાનુભૂતિ ક્યારેય ઓછી નહીં થાય. એમની સાથે હાથ મિલાવવા માટે હું મારા જીવનનાં દશ વર્ષ આપી દેવા તૈયાર છું.’

ઉપસંહાર

૨૦૧૬માં એક પ્રતિષ્ઠિત અમેરિકન સામયિક દ્વારા કરવામાં આવેલ સર્વે દ્વારા જાણવા મળ્યું કે ૨૦૧૬માં ૩.૬૭ કરોડ અમેરિકનોએ યોગાસનનો અભ્યાસ કર્યો હતો, જે અમેરિકાની વસતીનો ૧૧% હિસ્સો હતો. બીજા ૮ કરોડ અમેરિકનોએ યોગાસન કરવાની તૈયારી બતાવી હતી. એ વર્ષમાં જ યોગાસનનો વ્યવસાય ૧લાખ ૧૫ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હતો.

આજે યોગાભ્યાસના નામે ‘હઠયોગ’ એટલે કે યોગાસનનું બહુલ પ્રચલન છે, પરંતુ સ્વામીજીના અનુસાર શારીરિક સ્વાસ્થ્ય જ જીવનનો અંતિમ ઉદ્દેશ ન હોઈ શકે. આશા કરીએ કે સમસ્ત જગતના લોકો ધીરે ધીરે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ અને આચરેલ ચાર યોગોના મહત્ત્વને સમજશે અને તેનું આચરણ કરી દૈનિક જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મેળવશે તેમજ શાશ્વત આનંદ-શાંતિ અને શાશ્વત જીવન પ્રાપ્ત કરશે.

Total Views: 585

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.